મંગલમ્/જીવન જવ


જીવન જવ

જીવન જવ સુકાઈ જાય
કરુણા વર્ષન્તા આવો;
માધુરી માત્ર છુપાઈ જાય
ગીત-સુધા ઝરન્તા આવો.
કર્મનાં જ્યારે કાળાં વાદળ
ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ,
હૃદય-આંગણે, હે નીરવ નાથ
પ્રશાંત પ્રગલે આવો.
મોટું મન જ્યારે નાનું થઈ
ખૂણે ભરાયે તાળું દઈ,
તાળું તોડી, હે ઉદાર નાથ
વાજંતા ગાજંતા આવો.
કામ ક્રોધનાં આકરાં તૂફાન
આંધળા કરી ભુલાવે ભાન,
હે સદા જાગન્ત! પાપ ધુવન્ત!
વીજળી ચમકન્તા આવો.

— કવિવર રવીન્દ્રનાથ
(કાવ્યાનુવાદ : મહાદેવભાઈ દેસાઈ)