મંગલમ્/ઝાંઝરિયાં ઝમકે
ઝાંઝરિયાં ઝમકે
卐
ઝાંઝરિયાં ઝમકે
卐
રૂમઝૂમ ઝાંઝરિયાં ઝમકે
ઉષાનાં ઝાંઝરિયાં ઝમકે રૂમઝૂમ…
નીરખું હું એ રંગ મહીં, નિત નવા નવા રંગો,
ને નીરખું હું એ રંગ મહીં, ઊડતાં અનેક વિહંગો.
ને ગાઉં હું આનંદે મીઠાં ઠમકે! રૂમઝૂમ…
હવા મીઠી લહેરાયે આજે સરસ સુગંધી,
પૂર્વ દિશે ઉષાની ફરકે સાડી સુગંધી,
જો બાલ સૂર્યનાં કિરણો કેવાં ચમકે! રૂમઝૂમ…
રાત ગઈ છુપાઈ પેલા દિગંત આરે;
ઉષાએ આવીને રંગો ફેંક્યા સાગર પારે,
મારું દિલડું આજે ગગને ઊડવા ઝંખે. રૂમઝૂમ…
— અજ્ઞાત