મંગલમ્/મારા દેશનો વેપારી
મારા દેશનો વેપારી
મારા દેશનો વેપારી વાણિયો રે,
એની હૂંડી હાલે પરદેશ રે…
ગાંધીથી ગુજરાત ગુણવંતી.
એણે સેવાનો ભેખ લઈ જાણ્યો રે,
એના જીવનથી દીધો ઉપદેશ રે…ગાંધીથી૦
એણે જીવતરની ખેતીમાં સત વાવ્યું,
એના ખેતરમાં સતના ચાસ રે…ગાંધીથી૦
મારા ગામના કારીગર જાણજો રે,
કીધી સ્વદેશી વ્રતની વાત રે…ગાંધીથી૦
ભલું ઇચ્છો પડોશી, ગામ, દેશનું રે
એથી રાજી રહે જગ તાત રે…ગાંધીથી૦
બધા ધર્મોમાં સમભાવ લાવ્યો રે,
એની સોબત માનવતાની સાથ રે…ગાંધીથી૦
એણે સ્વરાજ લીધું કાંતી રેંટિયો રે,
વણજોઈતું ન રાખ્યું સંગાથ રે…ગાંધીથી૦
— ગણેશ સિંધવ