મંગલમ્/વર્ષાનો ઘૂંઘટડો

વર્ષાનો ઘૂંઘટડો

વર્ષાનો ઘૂંઘટડો ખોલે રે શ્રાવણિયો
વર્ષાનો ઘૂંઘટડો ખોલે રે (૨)
આજ જીવ એનો ચડ્યો ચગડોળે રે શ્રાવણિયો…વર્ષા૦

સપનામાં આજ ઘેરી આંખો ઘેરાણી એની
મોરલિયો મીઠું મીઠું બોલે (૨)
આંખોના અણસારે હૈયાનાં હેત ચઢ્યાં
વ્હાલપનો વીંઝણો ઢોળે રે શ્રાવણિયો…વર્ષા૦

કાળા કાળા કોક નયનોના કામણે
મતવાલો મનડામાં ડોલે (૨)
કીકીના કાજલને ચૂમવા અધીરો
જીવ એનો પ્રેમમાં ઝોલે રે શ્રાવણિયો…
વર્ષાનો ઘૂંઘટડો ખોલે રે.