મંગલમ્/હૈયાની હોડલી
હૈયાની હોડલી
卐
હૈયાની હોડલી
卐
મ્હારા હૈયાની હોડલી નાની,
સાગર રાજ! ધીરા વહો!
એમાં જો! જો! ભરાય ના પાણી,
સાગર રાજ! ધીરા વહો!
એને શઢને સુકાન નથી કોઈનાં રે,
મ્હેં તો શુકનની વેળા જોઈ ના રે,
મન આવ્યું ને હોડી છોડી મેલી;
સાગર રાજ! ધીરા વહો!
મ્હારે સંગી ન સાથી કોઈ બેલી,
સાગર રાજ! ધીરા વહો!
વાય વેગે સમીર બહાર ચારે દિશે,
રાત અંધારી વાટ મ્હને ના રે દીસે,
ધ્રુવ તારાને જોઈ નાવ હાંકું,
સાગર રાજ! ધીરા વહો!
મ્હારે જવાની દિશ યાદ રાખું,
સાગર રાજ! ધીરા વહો!
— સોમાભાઈ ભાવસાર