મંત્રકવિતા/૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪૯૭ના જુલાઈની ૮મીએ વાસ્કો દા ગામા લિમ્બનથી ત્રણ નૌકાઓમાં નીકળ્યો અને એના જ દેશવાસી બાર્થોલોમ્યુ ડાયસે. ૧૪૮૮માં જેની શોધ કરી હતી તે દક્ષિણ આફ્રિકાની ભૂશિર કેપ ઑફ ગૂડ હોપના સમુદ્રમાર્ગે દસ માસ અને બાર દિવસની યાત્રા પછી ૧૪૯૮ના મેની ૧૭મીએ કાલિકટ આવી પહોંચ્યો. તે ક્ષણથી સમુદ્રમાર્ગે ભારતવર્ષના પશ્ચિમ સાથેના સંબધને આરંભ થયો. આગળ જોયું તેમ, ૧૬મી સદીમાં – ઇંગ્લંડ અને સ્પેઈન–પોર્ટુગલ વચ્ચે ધાર્મિક, રાજકીય અને આર્થિક એમ ત્રિવિધ સંધર્ષ અને સ્પર્ધાને જન્મ થયો હતો. ૧૬મી સદીના આરંભથી જ સ્પેઈન અને પોર્ટુગલે જગતભરમાં પૂર્વ અને પશ્ચિમમાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં. ઇંગ્લંન્ડ ત્યારે નૌકાદળમાં અને નૌકાબળમાં પછાત હતું. એથી સંસ્થાને સ્થાપવામાં પણ પછાત હતું. પણ ૧૫મી, ૧૬મી, ૧૭મી સદીમાં ઇંગલંડે અનેક નૌકાધારાઓ દ્વારા વિપુલ નૌકાદળનું સર્જન કર્યું અને ૧૫૮૮માં સ્પેઈનના પ્રસિદ્ધ અજેય નૌકાસૈન્ય ‘આર્મેડા’નો પરાજ્ય કર્યો. ૧૭મી સદીમાં ઇંગ્લંડમાં રાજ્યના વર્ચસ્ અને નિયંત્રણથી જગતભરની સાથે વ્યાપાર અર્થે અનેક Regulated Companies, Chartared Companies-નિયંત્રિત કંપનીઓ અને અધિકારપત્રમાન્ય કંપનીઓ અસ્તિત્વમાં આવી. આ કંપનીઓ દ્વારા ઇંગ્લંડ હવે સંસ્થાને સ્થાપવામાં અને વ્યાપારમાં સર્વોપરી થયું અને ક્રમે ક્રમે ૧૮મી, ૧૯મી, ૨૦મી સદીમાં ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય થયું. આ કંપનીઓ દ્વારા રાજ્યને ભારે આર્થિક લાભ હતો એથી રાજ્યે એમને આશ્રય અને અધિકાર આપ્યો, પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું. ૧૬૦૦ના ડિસેમ્બરની ૩૧મીએ રાણી એલિઝાબેથે અર્લ ઑફ કમ્બરલૅન્ડ અને લંડનના બસોએક વ્યાપારીઓને પૂર્વમાં ભારત આદિ દેશો સાથે વ્યાપાર અર્થે Royal Charter – શાહી અધિકારપત્ર આપ્યું. તે ક્ષણથી ભારતવર્ષના અંગ્રેજો સાથેના સંબંધનો આરંભ થયો. આ વ્યાપારીઓની કંપની તે ઈસ્ટ ઇન્ડિયા કંપની. સર ટૉમસ સ્માઈથ કંપનીના પ્રથમ ગવર્નર હતા. કંપની પાસે પ્રથમ વર્ષમાં ત્રીસ હજાર એકસો તેત્રીસ પાઉન્ડની મૂડી હતી. ૧૬૦૮ના ઑગસ્ટની ૨૪મીએ કંપનીની પ્રથમ વ્યાપાર નૌકા Hector-હૅક્ટર સાથે એને કપ્તાન વિલિયમ હૉકિન્સ સુરત આવી પહોંચ્યો. હૉકિન્સ એની સાથે દિલ્હીના મોગલ શહેનશાહ જહાંગીર પર બે પત્રો લાવ્યો હતો. એક ઇંગ્લંડના રાજા જેઈમ્સ પહેલાનો અને બીજો કંપનીના ગવર્નરનો. આ બન્ને પત્રોમાં ભારતમાં ઇંગ્લંડની કંપનીના વ્યાપારીઓને વ્યાપાર કરવાની સંમતિ આપવા જહાંગીરને વિનંતી હતી. આ પૂર્વે જ્હૉન મિલ્ડન હૉલ નામનો એક અંગ્રેજ વ્યાપારી સ્વતંત્રપણે ૧૫૯૯માં ઇંગ્લંડથી ભૂમિમાર્ગે ૧૬૦૩માં આગ્રા આવી પહોંચ્યો હતો. એણે જહાંગીર પાસેથી ભારતમાં વ્યાપાર કરવાની સંમતિરૂપ ફરમાન મેળવ્યું હતું. એ ૧૬૦૫ લગી આગ્રામાં હતો. પછી ૧૬૧૪ના જૂનમાં અજમેરમાં એનું અવસાન થયું હતું. આ સમયે ૧૬૦૭થી ૧૬૧૫ વચ્ચે આગ્રામાં ઇંગ્લંડના રાજ્યના ચાર એલચીસમાન પ્રતિનિધિઓ હતા, એમને આ ફરમાન અંગેની જાણ ન હોય એ કારણે અથવા અન્ય કોઈ કારણે આ ફરમાનનો ઉપયોગ – અમલ થયો ન હતો. આ પૂર્વે વાસ્કો દા ગામાના પ્રવાસ પછી ૧૫૦૦માં પાર્ટુગલના રાજ્યે કાબ્રલને વ્યાપાર અર્થે કાલિકટ મોકલ્યો હતો. એ કાલિકટના રાજા ઝામોરીનને મળ્યો હતો. પણ ત્યારે વેનિસના મૂર વ્યાપારીઓનો ભારત સાથે વ્યાપારનો સંબંધ હતો. એથી કાબલને એમની સાથે સંઘર્ષ થયો હતો. કાબ્રલે મૂર વ્યાપારીઓની દસ વ્યાપારનૌકા બાળી હતી અને કાલિકટ પણ બાળ્યું હતું. એણે કોચીનમાં કારખાનું સ્થાપ્યું હતું. કોચીનના રાજાની મૈત્રી અને સહાયથી કેટલેક વ્યાપાર કરીને એ પોર્ટુગલ પાછો ફર્યો હતો. પછી ૧૫૦૨માં વાસ્કો દી ગામા ફરીથી કાલિકટ આવ્યો હતો. એણે પણ કાલિકટ બાળ્યું હતું અને ચીનના રાજાની મૈત્રી અને સહાયથી કેટલોક વ્યાપાર કરીને એ પણ પોર્ટુગલ પાછો ફર્યો હતો. પછી પોર્ટુગલના રાજ્યે ૧૫૦૫માં આલમેડાને, ૧૫૦૯માં આલબુકર્કને, ૧૫૨૪માં વાસ્કો દા ગામાને, ૧૫૨૮માં કનાહને, ૧૫૪પમાં કાસ્ટ્રોને, ૧૫૫૦માં આફોન્સો, નોરોલ્લાને, ૧૫૫૪માં મસ્કરિન્હાસને, ૧૫૬૮માં આટેડને, ૧૫૭૧માં આન્સોનિયો નોરોલ્લાને, એક પછી એક ગવર્નર અથવા વાઈસરોય તરીકે ભારત મોકલ્યા હતા અને કોચીનમાં વ્યાપારમથક સ્થાપ્યું હતું, અને ૧૫૧૦માં ગોવા, ૧૫૩૪માં દીવ અને ૧૫૫૯માં દમણ પર નૌકાયુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ, ૧૬મી સદીમાં દક્ષિણ ભારતમાં સમુદ્રતટ પર પોર્ટુગલનું વ્યાપાર અથે આર્થિક અર્થે રાજકીય વર્ચસ્ હતું. ૧૭મી સદીમાં ભારતમાં મોગલ સામ્રાજ્ય નૌકાશાસ્ત્ર અને નૌકાબળમાં પછાત હતું. મોગલ શહેનશાહોને પોર્ટુગલના રાજ્યનો એના સબળ નૌકાદળને કારણે ભય હતો. એમને કેાઈ પરદેશી રાજ્યના નૌકાદળની સહાયની અપેક્ષા હતી. ૧૬૧૨ના નવેમ્બર-ડિસેમ્બરમાં અંગ્રેજ કપ્તાન બેસ્ટે તાપી નદીના મુખ પાસે પોર્ટુગલના વધુ સબળ નૌકાદળનો નાશ કર્યો. અને એની પર વિજય પ્રાપ્ત કર્યો. પછી સુરતના ગવર્નરે તરત જ કંપનીને સુરતમાં અને ખંભાતના અખાતમાં અન્ય ત્રણે સ્થળો-ખંભાત, અમદાવાદ, ઘેઘા–માં કારખાનાં સ્થાપવાની સંમતિ આપી. આ સંમતિને ગુજરાતના ગવર્નરે અને જહાંગીરે ૧૬૧૩ના જાન્યુઆરીની ૧૧મીએ માન્યતા આપી. ઉપરાંત ઇંગ્લંડના રાજાનો એલચી દિલ્હીમાં રહે એવો ઇંગ્લંડ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપ્યો. આમ, સુરતમાં પ્રથમ અંગ્રેજ કારખાનું સ્થાપવામાં આવ્યું. ૧૬૧૫માં પોર્ટુગલના નૌકાદળે ફરીથી આક્રમણ કર્યું ત્યારે નિકોલાસ ડાઉટને ફરીથી એનો નાશ કર્યો. અને એની પર ફરીથી વિજય પ્રાપ્ત કર્યો. ૧૬૧૫ના માર્ચમાં ડાઉટનની વ્યાપારનૌકા Hope હોપનું ભારતથી ઇંગ્લંડ પ્રયાણ થયું. ભારતથી ઇંગ્લંડ પ્રયાણ કરનાર આ પ્રથમ અંગ્રેજ વ્યાપારનૌકા હતી. આ જ વર્ષના સપ્ટેમ્બરમાં ઇંગ્લંડના રાજા જેઇમ્સ પહેલાના એલચી સર ટૉમસ રો અજમેરમાં જહાંગીરની રાજસભામાં આવી પહોંચ્યા. એમના પ્રભાવશાળી વ્યક્તિત્વને પ્રતાપે જહાંગીરે કંપનીને સંપૂર્ણ સહકાર આપ્યો. ૧૬૧૯માં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ અને આગ્રામાં વ્યાપારમથકો સ્થાપ્યાં. ૧૬૧૧માં બંગાળના ઉપસાગરમાં શોલકોંડામાં મસલીપત્તનમાં કંપનીએ કારખાનું સ્થાપ્યું અને ૧૬૩૨માં ગોલઠેડાના સુલતાને કંપનીને સ્વર્ણપટ્ટ-ફરમાન આપ્યું. ૧૬૩૯માં વિજયનગરના રાજાના વંશજ ચન્દ્રગિરિના રાજાએ કંપનીના ફ્રાન્સિસ ડેને હોલેંડના વ્યાપારીઓના મુખ્ય વ્યાપારીમથક પુલીકટથી ત્રીસ માઈલ દક્ષિણે કિલ્લો બાંધવાની સંમતિ સાથે જમીન આપી. ૧૬૪૦માં ડેએ ઇંગ્લંડના પ્રમુખ સંત જ્યૉર્જને નામે મદ્રાસમાં ફોર્ટ સેન્ટ જ્યૉર્જ બાંધ્યો અને કારખાનું સ્થાપ્યું. ૧૬૩૩માં એરિસાના ગવર્નરે મહાનદી દ્વારા હરિસપુરમાં કંપનીની વ્યાપારીનૌકાએ પ્રવેશ કર્યો પછી એ પ્રદેશમાં પીપલીમાં કારખાનાં સ્થાપવાની અને નૌકાઓનું સર્જન કરવાની કંપનીને સંમતિ આપી. ૧૬૩૦માં યુરોપમાં ઇંગ્લંડ અને પોર્ટુગલ વચ્ચે સંધિને કારણે જગતભરમાં સંવાદ અને સહકારનો સંબંધ હતો. પરિણામે ૧૬૩૫માં સુરતના કારખાનાના પ્રમુખ અને ગોવાના વાઇસરોય વચ્ચે વ્યાપાર અંગે સંવાદ અને સહકારનો સંબંધ થયો. ૧૬૫૦માં બંગાળના ગવર્નરે પણ એ પ્રદેશમાં કંપનીને કારખાનાં સ્થાપવાની અને નૌકાઓનું સર્જન કરવાની સંમતિ આપી. એથી કંપનીએ ૧૬૫૧માં હુગલીમાં કારખાનું સ્થાપ્યું. ૧૬૯૦માં કંપનીના જોબ ચાર્નોક અને સર જોસીઆ ચાઈલ્ડના પુરુષાર્થથી ઔરંગઝેબ સાથેના યુદ્ધને અંતે કંપનીએ કલકત્તામાં કારખાનું સ્થાપ્યું અને ૧૬૯૯માં કલકત્તામાં ફોર્ટ વિલિયમ બાંધ્યો. ઇંગ્લંડમાં ૧૬૦૯માં જેઈમ્સ પહેલાએ કંપની વધુ સબળ, સમૃદ્ધ અને સધ્ધર થાય એમ એને નવો શાહી અધિકારપત્ર આપ્યો. હોલૅન્ડના વ્યાપારીઓ સાથે તીવ્ર સંઘર્ષ અને સ્પર્ધાનો આ સમય હતો. પણ કંપનીને સદ્ભાગ્યે ત્યારે આરંભથી ૧૬૨૧ લગી એકના એક પ્રમુખનું અને ત્યાર પછી પણ કુશળ પ્રમુખોનું સંચાલન અને માર્ગદર્શન હતું. ૧૬૩૫માં ચાર્લ્સ પહેલાએ સર, વિલિયમ કોર્ટન અને અન્ય વ્યાપારીઓની અસ્ફાડા મર્ચન્ટ્સ નામે અન્ય એક કંપનીને પણ પૂર્વમાં વ્યાપાર અર્થે પરવાનો આપ્યો. એથી હવે બે કંપનીઓ વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાનો સમય હતો. વળી આ ઇંગ્લંડમાં આંતરવિગ્રહને સમય હતો. પછી ઇંગ્લંડને હોલૅન્ડ સાથે યુદ્ધનો સંબંધ હતો એથી કંપનીને મુશ્કેલીઓ અને મુસીબતો આવી. પણ ૧૬પ૭ના ઑક્ટોબરની ૧૯મીએ ક્રૉમવેલે કંપનીને નવો અધિકારપત્ર આપ્યો. એથી બન્ને કંપનીઓનું જોડાણું થયું. ઇંગ્લંડમાં ૧૬૬૦માં રાજાશાહીની પુન:પ્રતિષ્ઠા પછી તો જાણે કે કંપનીનો પુનર્જન્મ થયો. ચાર્લ્સ બીજાએ ૧૬૬૧, ૧૬ ૬૩, ૧૬૬૯ અને ૧૬૮૩માં એમ ચાર વાર કંપનીને શાહી અધિકારપત્ર આપ્યો. એ દ્વારા કંપનીને સર્વત્ર યુદ્ધનૌકાઓ, ભૂમિસૈન્ય, શસ્ત્રો, કિલ્લાઓ, યુદ્ધ-શાંતિનો અધિકાર, સિક્કાઓ, મુંબઈ–મદ્રાસમાં ટંકશાળો, ૧૫૩૦માં મોગલ શહેનશાહે જે પોટુગલને અને ૧૬૬૧માં પોર્ટુગલે જે ચાર્લ્સ બીજાને આપ્યો હતો તે મુંબઈને ટાપુ, ન્યાયાલયે અને રાજ્યસમાન સત્તા પ્રાપ્ત થયાં. જેઈમ્સ બીજાએ ૧૬૮૬, ૧૬૮૭ અને ૧૯૬૩માં એમ ત્રણ વાર કંપનીને શાહી અધિકારપત્ર આપ્યો એ દ્વારા કંપનીને સર્વત્ર નૌકાસૈન્ય અને મદ્રાસમાં મ્યુનિસિપાલિટી તથા ભારતીય બાળકોને અંગ્રેજી ભાષા, ગણિત-નામું વગેરેનું શિક્ષણ આપવા માટેની શાળા પ્રાપ્ત થયાં. ૧૬૬૯માં જીરાલ્ડ ઑન્ગિએરે મુંબઈનો ભારે અસાધારણ વિકાસ કર્યો. ૧૬૭૭માં મુંબઈમાં જ એમનું અવસાન થયું. મુંબઈ એ સાચે જ જીરાલ્ડ ઑન્ગિએરનું સર્જન છે. એ મુંબઈના પિતા છે. સર જ્હૉન ચાઈલ્ડના પ્રમુખપદના સમયમાં અને ઔરંગઝેબ સાથેના યુદ્ધના વર્ષમાં, ૧૬૮૭માં કંપનીનું મુખ્ય વ્યાપારમથક સુરતને બદલે મુંબઈ થયું. એથી સર જ્હૉન ચાઈલ્ડ એ અર્થમાં મુંબઈના પ્રથમ ગવર્નર છે. આમ, ૧૭મી સદીમાં ઇંગ્લંડમાં કંપની જ્યારે અનેક શાહી અધિકારપત્રો દ્વારા વધુ ને વધુ સબળ, સમૃદ્ધ અને સધ્ધર થતી હતી ત્યારે જ એણે ભારતમાં સમુદ્રતટ પરનાં ત્રણ મુખ્ય બંદરો – મુંબઈ, મદ્રાસ અને કલકત્તા – માં અને અન્ય સ્થળોમાં કારખાનાં સ્થાપીને વ્યાપારનો આરંભ કર્યો. આ જ સમયમાં, ૧૭મી સદીમાં યુરોપમાં સ્પેઈન–પોર્ટુગલ અને હોલૅન્ડ વચ્ચે પરસ્પર સંઘર્ષ અને સ્પર્ધાને કારણે, યુદ્ધોને કારણે યુરોપમાં રાજ્યકારણમાં સત્તાખોરીને કારણે ભારતમાં પોર્ટુગલના વ્યાપારીઓના વ્યાપાર પર હોલૅન્ડના વ્યાપારીઓનું વર્ચસ્‌નું થયું. ૧૫૯૫માં હોલૅન્ડના સમુદ્રયાત્રી હૂટમેનની પ્રથમ પૂર્વસમુદ્રયાત્રા પછી ૧૬૦૨ના માર્ચની ૨૦મીએ. હોલૅન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવી એણે ગુજરાત, કોરોમાંડલ અને બંગાળમાં કારખાનાં સ્થાપ્યાં. અને ભારતમાં પોર્ટુગલના વ્યાપારીઓનાં પુલિકટ, નાગપત્તનમ્, કાલિકટ, કોચીન આદિનાં કારખાનાં અને વ્યાપારમથકો પર હોલૅન્ડના વ્યાપારીઓનું વર્ચસ્ થયું. ૧૬૬૦ પછી માત્ર દીવ, દમણ અને ગોવામાં જ પોર્ટુગલના રાજ્યનું અને વ્યાપારીઓનું વર્ચસ્ હતું. ૧૬૬૪ના ઑગસ્ટમાં ઝાં-બાપ્તિસ્ત કૉલબેર્તના પ્રમુખપદે ફન્સની ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપવામાં આવી. એણે ૧૬૭૫માં સુરતમાં અને ૧૬૭૯માં પાંડિચેરીમાં કારખાનું સ્થાપ્યું. ૧૬૯૦માં ઇંગ્લંડમાં પાર્લામેન્ટમાં અન્ય એક કંપની સ્થાપવાનો અને ૧૬૯૨માં કંપનીને સંકેલવાનો પ્રસ્તાવ આવ્યો, ૧૬૯૦થી ૧૬૯૮ લગી પાર્લામેન્ટ અને ઇંગ્લંડના રાજા જેઈમ્સ બીજાએ આ પ્રસ્તાવ વિષે વિવાદ કર્યો અને ૧૬૯૮માં પાર્લામેન્ટે અન્ય કંપની સ્થાપવાને નિર્ણય કર્યો. અન્ય કંપની અસ્તિત્વમાં આવી. પણ એ ભારતમાં કારખાનાં, વ્યાપારીમથકો આદિ સ્થાપી શકી નહીં એથી અંતે ૧૭૦૨ના જુલાઈની ૨૨મીએ બન્ને કંપનીઓનું United Company – સંયુક્ત કંપની રૂપે જોડાણ થયું. ૧૭૧૭માં કંપનીએ સુરતમાં કારખાનું બંધ કર્યું, અને મુંબઈમાં કારખાનું સ્થાપ્યું. ૧૭૧૭ના જુલાઈમાં ફારુકશિયારે કંપનીને ફરમાન આપ્યું. જ્યારે ફરમાનના સમાચાર મુંબઈ, મદ્રાસ અને કલકત્તા પ્રમુખોને અને કાઉન્સિલને પહેાંચ્યા ત્યારે એને એકસો એકાવન તપની સલામી આપવામાં આવી. ઓર્કોએ ફરમાનને કંપનીને મૅગ્ના કાર્ટા કહ્યો. આથી કંપનીનો મુંબઈમાં રાજકર્તા રૂપે, મદ્રાસ – કલકત્તામાં જમીનદાર રૂપે અને અન્ય સ્થળોમાં વ્યાપારી રૂપે પુનર્જન્મ થયો. આ પછી, ઔરંગઝેબના અવસાન પછી મોગલ સામ્રાજ્યનું પતન થયું. ભારતમાં અંધકાર અને અરાજકતાનો આરંભ થયો. આ જ સમયે ઇંગ્લંડ યુરોપના સૌ રાષ્ટ્રોમાં સૌથી વધુ સબળ, સમૃદ્ધ અને સધ્ધર રાજ્ય થયું હતું. નૌકાબળમાં, વ્યાપારમાં, સંસ્થાનોમાં, સત્તામાં સર્વોપરી થયું હતું. ત્યારે ઇંગ્લંડ અને ફ્રાન્સ વચ્ચે જગતભરમાં સૌથી વધુ સંઘર્ષ અને સ્પર્ધાનો આ સમય હતો. ભારતમાં પણ ૧૭૪૪ અને ૧૭૬૧ વચ્ચે ઇંગ્લંડની કંપની અને ફ્રાન્સની કંપની વચ્ચે મદ્રાસ અંગે દક્ષિણ ભારતમાં કર્ણાટકનાં ત્રણ યુદ્ધો થયાં. અને – અંતે ૧૭૬૧ને જાન્યુઆરીની ૧૪મીએ વાંદીવ સ પાસે લેલી સાથેના યુદ્ધમાં આયર ફૂટનો અંતિમ વિજય થયો. પૂર્વ ભારતમાં કલકત્તા અંગે ૧૭પ૬માં કંપનીને એક યુદ્ધ સિરાજુદ્દૌલા સાથે થયું. એમાં અંતે ૧૭૫૭ના જૂનની ૨૨મીએ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવનો વિજય થયો. પછી ૧૭૬૩માં એક યુદ્ધ મીરકાસિમ સાથે થયું. એમાં પણ કંપનીનો વિજય થયો. ૧૭૫૮માં દિલ્હીના શહેનશાહ શાહઆલમે કંપનીને દીવાની ફરમાન આપવાનું સૂચન કર્યું. દરમ્યાન ૧૭૬૩ના ફેબ્રુઆરીની ૧૦મીએ પૅરિસમાં ઇંગ્લંડ અને ફ્રાન્સ વચ્ચે સંધિ દ્વારા સંવાદ અને સહકાર થયો. ૧૭૬૫ના ઑગસ્ટની ૧૨મીએ દીવાની ફરમાનનો અમલ થયો. ક્લાઇવે બંગાળમાં દીવાની વહીવટ પોતાને હસ્તક કર્યો. આમ, ક્લાઇવ અને હૅસ્ટિન્ગ્સ દ્વારા મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને એમની આસપાસના વિશાળ પ્રદેશ પર કંપનીનું વર્ચસ થયું. ભારતમાં કંપનીનો એક મહાન વહીવટી અને લશ્કરી સત્તા રૂપે રાજકીય સત્તા રૂપે આરંભ થયો. કંપનીને દક્ષિણ ભારતમાં મૈસૂરના હૈદરઅલી સાથે યુદ્ધ થયું એમાં ૧૭૬૯માં હૈદરઅલી સાથે સંધિ કરવાનું કંપની માટે અનિવાર્ય થયું. એથી ૧૭૭૩માં ઇંગ્લંડની પાર્લામેન્ટે કંપની અંગે Regulating Act – નિયમન ધારો કર્યો. એ દ્વારા કંપનીને પાર્લામેન્ટમાં સ્થાન પ્રાપ્ત થયું. ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવ્યું. કાઉન્સિલ અસ્તિત્વમાં આવી. મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં ગવર્નરનું પદ અસ્તિત્વમાં આવ્યું. કલકત્તામાં કોર્ટ અસ્તિત્વમાં આવી. ૧૭૭૪માં વૉરન હૅસ્ટિંગ્સ કંપનીના પ્રથમ ગવર્નર જનરલ થયા. કંપનીને પશ્ચિમ ભારતમાં મરાઠાઓ સાથે યુદ્ધ થયું. એમાં ૧૭૮૨માં મરાઠાઓ સાથે સંધિ કરવાનું કંપની માટે અનિવાર્ય થયું. મૈસૂરના હૈદરઅલી સાથે બીજી વાર યુદ્ધ થયું. ૧૭૮૨માં હૈદરઅલીનું અવસાન થયું. પછી ૧૭૮૩માં એના પુત્ર ટીપુ સુલતાન સાથેની સંધિમાં એનો અંત આવ્યો. વૉરન હૅસ્ટિન્ગ્સની ઔંધ, મદ્રાસ, બંગાળ આદિ પ્રદેશોમાંની ધનપ્રાપ્તિની વિચિત્ર પ્રવૃત્તિને કારણે ૧૭૮૪ના ઑગસ્ટની ૧૩મીએ ઇંગ્લંડની પાર્લામેન્ટે Pitt's India Act – પિટનો ભારત ધારો કર્યો. અને ઇંગ્લંડના રાજ્યે કંપનીને વહીવટતાને હસ્તક કર્યો. એથી Board of Control-નિયમન મંડળ અસ્તિત્વમાં આવ્યું. વહીવટી, લશ્કરી અને મહેસુલી વ્યવસ્થા માટે છ કમિશનરોની નિયુક્તિ કરવામાં આવી. ૧૭૯૩, ૧૭૯૭, ૧૮૧૩ના અધિકારપત્ર ધારાઓ દ્વારા તથા કોર્નવોલિસ, વૅલેસ્લી અને લોર્ડ હોસ્ટિન્ગ્સ દ્વારા ભારતમાં વહીવટી અને મહેસૂલી વ્યવસ્થામાં વિકાસ થયો. જોકે ૧૭૬૦માં ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક વ્યાપારીઓને આ જગતભરમાં તેમ જ ભારતનાં બજારોમાં વ્યાપારની સુવિધા આપવાનું ઇંગ્લંડના રાજ્ય માટે અનિવાર્ય થયું. એથી ૧૮૧૩ના’ અધિકારપત્ર ધારા દ્વારા ભારતમાં કંપનીને વ્યાપારનો ઇજારો અંશતઃ લુપ્ત થયો. ૧૭૯૯માં ટીપુ સુલતાન સાથેના યુદ્ધમાં અને ૧૮૧૭માં મરાઠાઓ સાથેના અંતિમ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો. આમ, ૧૬૦૦માં વ્યાપાર અર્થે અર્થતંત્ર અને ૧૭૮૪ પછી રાજ્યતંત્ર દ્વારા યુરોપમાં સ્પેઈન, પોર્ટુગલ, હોલૅન્ડ અને ફ્રાન્સ તથા ભારતમાં મોગલ, મરાઠાઓ અને અન્ય પ્રતિસ્પર્ધીઓ સાથે અનેક સંઘર્ષો અને સ્પર્ધાઓ, યુદ્ધો અને સાહસ પછી ૧૮૧૭ની આસપાસનાં વર્ષોમાં ભારતમાં કંપનીની સર્વોપરી સત્તા હતી. હવે સર્વત્ર શાંતિ હતી. એથી જગતભરમાં ઇંગ્લંડના સામ્રાજ્યનો, ભારતમાં અંગ્રેજોના રાજ્યનો આરંભ થયો. ૧૮૩૩માં અધિકારપત્ર ધારા દ્વારા ભારતમાં કંપનીના વ્યાપારનો સંપૂર્ણ અંત આવ્યો. ગવર્નર જનરલને સ્થાને ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાનું પદ અસ્તિત્વમાં આવ્યું. એને અને કાઉન્સિલને વધુ સત્તા આપવામાં આવી. ૧૮૩૫, ૧૮૫૩, ૧૮૫૪માં અધિકારપત્ર ધારાઓ દ્વારા તથા મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન, મદ્રાસમાં મન્રો અને કલકત્તામાં બૅન્ટિક દ્વારા વહીવટી અને મહેસૂલી વ્યવસ્થામાં વધુ વિકાસ થયો. ભારતમાં કાયદો અને વ્યવસ્થા દ્વારા ન્યાય અને શાંતિનું સર્જન થયું. ૧૬૭૦માં મદ્રાસમાં અને ૧૭૯૫માં કલકત્તામાં પ્રથમ હૉસ્પિટલ સ્થાપવામાં આવી હતી. ૧૭૯૯માં સેરમપુરમાં પ્રથમ મુદ્રણાલય સ્થાપવામાં આવ્યું. ૧૮૧૭માં કલકત્તામાં પ્રથમ કૉલેજ – હિન્દુ કૉલેજ – સ્થાપવામાં આવી. પછી ૧૮૩૭માં મુંબઈમાં જે શાળા સ્થાપવામાં આવી એમાંથી જ્યારે ઍલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા ત્યારે – એમના માનમાં મુંબઈના નાગરિકોએ બે લાખ રૂપિયાનો ફાળો અર્પણ કર્યો. એથી આરંભમાં ત્રણ ઑલ્ફિન્સ્ટન અધ્યાપકપદ અને ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટનો વિકાસ થયો અને અંતે ૧૮૫૯માં એલ્ફિન્સ્ટન કૉલેજ અસ્તિત્વમાં આવી. ૧૮૩૭માં મદ્રાસમાં જે શાળા સ્થાપવામાં આવી એમાંથી મદ્રાસ ક્રિસ્ટિયન કૉલેજ અને ૧૮૪૧માં જે શાળા સ્થાપવામાં આવી એમાંથી પ્રૅસિડન્સી કૉલેજ અસ્તિત્વમાં આવી. ૧૮૨૧માં પ્રથમ વર્તમાનપત્ર ‘સમાચાર દર્પણ’ પ્રસિદ્ધ થયું. ૧૮૩૬માં વાણીસ્વાતંત્ર્ય સિદ્ધ થયું. ૧૮૩૭માં ઇંગ્લંડમાં રાણી વિક્ટોરિયાનો રાજ્યાભિષેક થયો. ૧૮૫૩માં પ્રથમ રેલવે – મુંબઈ-થાણા રેલવે – અને ૧૮૫૪માં પ્રથમ નહેર-ગંગાની નહેર – અસ્તિત્વમાં આવી. ૧૮૫૭માં અને જાન્યુઆરીની ૨૪મીએ રજા ધારા દ્વારા કલકત્તા યુનિવર્સિટી, જુલાઈની ૧૮મીએ ૧૨મા ધારા દ્વારા મુંબઈ યુનિવર્સિટી, સપ્ટેમ્બરની ૯મીએ ર૭મા ધારા દ્વારા મદ્રાસ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. ૧૮૫૭માં વિપ્લવ થયો. ૧૮૫૮ના ઑગસ્ટની રજીએ ઇંગ્લંડમાં ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ – ભારત સરકા૨ ધારો – થયો. બોર્ડ ઑફ કન્ટ્રોલ, કૉર્ટ ઑફ ડિરેક્ટર્સ અને કોર્ટ ઑફ પ્રોપ્રાયટર્સને સ્થાને સેક્રેટરી ઑફ સ્ટેઈટ ફૉર ઇન્ડિયા – ભારતના રાજમંત્રીનું પદ અસ્તિત્વમાં આવ્યું અને કાઉન્સિલ અસ્તિત્વમાં આવી. ૧૮૫૮ના નવેમ્બરની ૧લીએ રાણી વિક્ટોરિયાનો ઢંઢરો બહાર પાડવામાં આવ્યો. એથી રાણીએ ભારતનો રાજ્યકારભાર હસ્તક કર્યો, રાણી ઍલિઝાબેથથી રાણી વિટારિયા લગીનો આ છે કંપનીને, કંપનીના ભારત સાથેના વ્યાપારી અને રાજકીય સંબંધનો અને ઇંગ્લંડના રાજ્યના ભારત સાથેના સંબંધનો ઇતિહાસ. ૧૬૦૦માં અર્થતંત્ર અને ૧૭૮૪માં રાજ્યતંત્ર દ્વારા કંપની ભારતમાં સર્વોપરી સત્તા રૂપે અસ્તિત્વમાં આવી. પછી ૧૭૧૩માં કંપનીનો વ્યાપારનો ઈજારો અંશતઃ અને ૧૮૩૩માં સંપૂર્ણ લુપ્ત થયો. એથી કંપની ભારતમાં માત્ર રાજ્યસત્તા રૂપે અસ્તિત્વમાં આવી. ૧૮૫૮માં કંપનીનો અંતિમ લેપ થયો અને ભારતમાં રાણીનું રાજ થયું. યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં આજથી દસેક હજાર વર્ષ પૂર્વે પ્રથમ મહાન ક્રાંતિ – કૃષિક ક્રાંતિ – પછી ૧૭૬૦માં દ્વિતીય મહાન ક્રાંતિ – ઔદ્યોગિક ક્રાંતિ – ની પૂર્વભૂમિકા રૂપે ઇંગ્લંડમાં ૧૫મી સદીમાં ઘેટાંઉછેર, ઊનનું ઉત્પાદન અને ગરમ કાપડનો ઉદ્યોગ તથા નૌકાદળનું સર્જન વગેરેને પરિણામે જગતભરમાં સંસ્થાનો અને બજારોને કારણે વ્યાપાર અર્થે ઇંગ્લંડમાં ૧૭મી સદીમાં વ્યાપારી કંપનીઓ અસ્તિત્વમાં આવી. એથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એકમાત્ર હેતુ હતો ભારતના લઘુ-ગ્રામ-ગૃહ– હસ્ત ઉદ્યોગોના ઉત્પાદન અને અન્ય મૂલ્યવાન સુંદર ચીજવસ્તુઓની ખરીદી અને એમની ભારતમાંથી નિકાસ, એમની ઇંગ્લંડ, યુરોપ અને અન્ય દેશોમાં આયાત અને એમનું વેચાણ આ સર્વ દ્વારા નફાખોરી. ૧૭૧૬માં કંપનીને દિલ્હીના મોગલ શહેનશાહ પાસેથી સનંદ મળી હતી. એથી કંપનીને આયાત અને નિકાસ પરની જકાતમાંથી મુક્તિ મળી હતી. ૧૯૫૭માં પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવનો વિજય થયો હતો. એથી કંપનીને રાજકીય સત્તા મળી હતી. કંપનીના સર્વોચ્ચ અમલદારોએ ભારતનું ઉત્પાદન ભારતમાં જ સસ્તા ભાવે વેચ્યું અને પછીથી આ સ્પર્ધાને કારણે ભારતના વ્યાપારીઓએ પણ કંપનીના નોકરોને નામે ખરીદીને સસ્તા ભાવે વેચ્યું અને આ મુક્તિનો દુરુપયોગ કર્યો. વળી ૧૭પ૭ પછી કંપનીનો વધુ ને વધુ પ્રદેશ પર વિજય થયો હતો એથી એ દ્વારા કંપનીએ આ મુક્તિનો વધુ ને વધુ દુરુપયોગ કરી અને એનો નફાખોરીનો હેતુ સિદ્ધ કર્યો. એથી ભારતના ઉદ્યોગોનો વિકાસ ન થયો. વળી ૧૭૫૭ પછી રાજકીય સત્તા દ્વારા ભારતના ગૃહઉદ્યોગના કારીગરો પર અન્યાય અને અત્યાચાર કરી અને અપ્રમાણિક કે અનૈચ્છિક કરાર દ્વારા પંદરથી ચાલીસ ટકા ઓછા ભાવે ઉત્પાદનની ખરીદી અને એની પરદેશમાં નિકાસ દ્વારા પણ કંપનીએ એના નફાખોરીનો હેતુ સિદ્ધ કર્યો. પરિણામે કેટલાયે કારીગરોએ ઉદ્યોગનો ત્યાગ કર્યો. આમ, ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગના નાશનો આરંભ થયો. કંપની દ્વારા ભારતના ઉત્પાદનની મુખ્યત્વે રેશમી કાપડની ઇંગ્લંડમાં નિકાસને કારણે ઇંગ્લંડમાં ભારતના ઉત્પાદન અને ઇંગ્લંડના ગૃહઉદ્યોગના ઉત્પાદન વચ્ચે સ્પર્ધાનો આરંભ થયો. એથી ઇંગ્લંડના કારીગરોએ આ નિકાસનો વિરોધ કર્યો. પરિણામે ૧૭૬૯ના માર્ચની ૧૭મીએ ઇંગ્લંડના રાજ્યે કંપનીને ભારતના રેશમ ઉદ્યોગનો નાશ કરવાનો આદેશ આપ્યો. કંપનીએ સંપૂર્ણ આજ્ઞાંકિતતાથી આ આદેશનું પાલન કર્યું. એથી ભારતના ઉદ્યોગનો વધુ નાશ થયો. ૧૭૬૦માં ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો અને ઇંગ્લંડમાં સુતરાઉ કાપડનો યંત્રઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. એના રક્ષણ અર્થે ઇંગ્લંડમાં ભારતનાં ઉત્પાદનની આયાત પર ઇકોતેર ટકા જેટલી ભારે જકાત નાંખવામાં આવી. આ જ સમયે ભારતમાં ઇંગ્લંડના ઉત્પાદનની આયાત પર જકાત હતી જ નહીં. એથી ભારતમાં ઇંગ્લંડના યંત્રઉદ્યોગના ઉત્પાદન અને ભારતના ગૃહઉદ્યોગના ઉત્પાદન વચ્ચે સ્પર્ધાને આરંભ થયો. ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવનો વિજય થયો એથી કંપનીને રાજકીય સત્તા મળી હતી. એથી ભારતના ગૃહઉદ્યોગને રક્ષણ પ્રાપ્ત ન થયું. ૧૮૧૩માં અધિકારપત્ર ધારા દ્વારા કંપનીના વ્યાપારનો ઇજારો અંશતઃ લુપ્ત થયો અને સૌ અંગ્રેજ વ્યાપારીઓને ભારતનાં બજારોમાં વ્યાપાર અર્થે સુવિધા આપવામાં આવી. ઇંગ્લંડમાં મોટા યંત્રઉદ્યોગો દ્વારા અસાધારણ ઉત્પાદન થયું. ૧૮૫૦ની આસપાસ વાહનવ્યવહારનાં સાધનોની શોધને કારણે ઇંગ્લંડના આ યંત્રઉદ્યોગના ઉત્પાદનનો અને એના સ્થળાંતરનો ત્વરિત ગતિથી વિકાસ થયો. એથી ભારતના ગૃહઉદ્યોગના ઉત્પાદનના વ્યાપાર અર્થે પરદેશમાં બજારો લુપ્ત થયાં એટલું જ નહીં, પણ ભારતમાં પણ આ સ્પર્ધાની તીવ્રતાને કારણે સ્વયં ભારતમાં પણ બજારે લુપ્ત થયાં. – આમ, ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગને સંપૂર્ણ નાશ થયો. પૂર્વે ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગના ઉત્પાદનની નિકાસ દ્વારા ભારતમાં સમૃદ્ધિ હતી. હવે ભારતમાં ઇંગ્લંડના મોટા યંત્રઉદ્યોગના અસાધારણ ઉત્પાદનની, મુખ્યત્વે સુતરાઉ કાપડની, ઊંચા ભાવે ત્વરિત આયાત અને ઇંગ્લંડમાં ભારતના કાચા માલની, મુખ્યત્વે રૂની, નીચા ભાવે નિકાસને કારણે ભારતમાં દરિદ્રતા હતી. ૧૯૧૪ લગી ભારતની સમગ્ર જરૂરિયાતના ત્રેસઠ ટકાની ઇંગ્લંડમાંથી અને ત્રણ ટકાની સામ્રાજ્યના અન્ય પ્રદેશમાંથી ભારતમાં આયાત હતી. ઇંગ્લંડનાં યંત્રો અને સુતરાઉ કાપડના સમગ્ર ઉત્પાદનના પચીસ ટકાની ભારતમાં આયાત હતી. આમ ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગને સંપૂર્ણ નાશ થયો. હવે ભારતની પ્રજાના જીવનને આધાર કૃષિ પર હતો. ભારત હવે ઉદ્યોગપ્રધાન ન રહ્યું, કેવળ કૃષિપ્રધાન થયું. ૧૮૩૦માં પ્રજાના સાઠ ટકા અને ૧૯૩૦માં પ્રજાના એંસી ટકાના જીવનનો આધાર કૃષિ પર હતો. કંપની અને અંગ્રેજ સરકારની મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલ અસાધારણ અને અનિશ્ચિત હતું અને એની વસૂલાત નિર્દય હતી. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિને કારણે દુષ્કાળમાં અને અન્ય સંકટોમાં મહેસૂલમાંથી મુક્તિ અથવા અન્ય રાહતનો અભાવ હતો. એથી કૃષિકારનો વિકાસ ન થયો. ભૂમિની ઉત્પાદકતાનો પણ વિકાસ ન થયો. ઊલટાનું ભૂમિ પર બિન-કૃષિકારોનું, જમીનદારોનું વર્ચસ્ થયું. આમ, જે સમયમાં ઇંગ્લંડમાં કૃષિનો અસાધારણ વિકાસ થયો, કૃષિમાંથી કૃષિ-ઉદ્યોગ થયો તે સમયમાં ભારતમાં કૃષિનો હ્રાસ થયો. આ કારણે પણ ભારતમાં દરિદ્રતા હતી. કંપની અને અંગ્રેજ સરકારની કરવેરા વ્યવસ્થામાં અસાધારણ કરવેરો હતો. આ કરવેરાની આવક અને બચત નિકાસ રૂપે ઇંગ્લંડ મોકલવામાં આવતી હતી. એથી ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગનો સંપૂર્ણ નાશ થયો, એટલું જ નહીં, પણ નવા ગૃહઉદ્યોગો અથવા યંત્રઉદ્યોગોનું સર્જન પણ ન થયું. ૧૭૫૭ લગી વ્યાપારની આવક, ૧૭૫૭થી ૧૮૩૩ લગી વ્યાપારની આવક અને રાજ્યની બચત અને ૧૮૩૩ પછી રાજ્યની બચત ભારતના ગૃહઉદ્યોગના ઉત્પાદનની અને ભારતના કાચા માલની ખરીદી દ્વારા નિકાસ રૂપે ઇંગ્લંડ મોકલવામાં આવતી. હતી. એથી આ આવક અને બચતરૂપી મૂડીરોકાણનો લાભ ભારતની પ્રજાને અથવા ભારતના ઉદ્યોગને પ્રાપ્ત ન થયો. વળી ૧૮૩૩ પછી અંગ્રેજ અમલદારોને પગાર રૂપે ભારે મોટી રકમ આપવામાં આવતી હતી. સામ્રાજ્યની સ્થાપના માટે જે યુદ્ધો થાય એનો ખર્ચ, સામ્રાજ્યની સ્થાપનાનો ખર્ચ, જાહેર દેવાની વ્યવસ્થામાં વ્યાજને ખર્ચ ભારતની પ્રજાને શિરે હતો. આ કારણે પણ ભારતમાં દરિદ્રતા હતી. ૧૮૫૮માં ઇંગ્લંડના રાજ્યે કંપનીની ખરીદીનો ખર્ચ ભારતને ખાતે ઉધાર્યો હતો. ૧૮૫૮ પછી વર્ષોવર્ષ ભરણાની રકમ ભારતે ઇંગ્લંડના રાજ્યને ભરવાની રહેતી હતી. ઇંગ્લંડનું ભારતમાં જે કંઈ મૂડીરોકાણ હતું એનો નફો ઇંગ્લંડ મોકલવામાં આવતો હતો. લંડનની કચેરીનું ખર્ચ ભારતને ભોગવવાનું રહેતું હતું. ભારતમાં અંગ્રેજ સરકારે ઇંગ્લંડના રાજ્ય પાસેથી જે ઉછીની રકમ મેળવી હોય એનું વ્યાજ ચૂકવવાનું રહેતું. ભારતમાં રેલવેમાં મૂડીરોકાણનું ખર્ચ, ટેલિગ્રાફનું ખર્ચ, ભૂમિસૈન્ય અને નૌકાસૈન્યનું ખર્ચ, પરદેશોમાં યુદ્ધોનું ખર્ચ, પગાર-ભથ્થા-પેન્શનનું ખર્ચ આદિ અનેક પ્રકારને ધૂમ ખર્ચ ભારતની પ્રજાને શિરે હતો. આ કારણે પણ ભારતમાં દરિદ્રતા હતી. આમ, ઇંગ્લંડ, યુરોપ અને અમેરિકામાં અર્થકારણમાં નફાખોરી અને રાજકારણમાં સત્તાખોરીને પરિણામે ભારતના પ્રાચીન ગૃહઉદ્યોગને સંપૂર્ણ નાશ થયો. નવા ગૃહઉદ્યોગ અને યંત્રઉદ્યોગનું સર્જન ન થયું, કૃષિનો વિકાસ ન થયો એટલું જ નહીં, હ્રાસ થયો. ભારતમાં દારુણ દરિદ્રતાનું અને મનુષ્યજાતિના ઇતિહાસમાં એક મહાન કલંકરૂપ કરુણતાનું સર્જન થયું. આજે પણ જ્યારે ઔદ્યોગિક યુગને અંતે જગતના અનેક વિકસિત દેશો યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભા છે ત્યારે ભારત એક અર્ધવિકસિત, અલ્પવિકસિત દેશ રૂપે એના પ્રાગ્‌ઔદ્યોગિક યુગને અંતે હજુ હવે ઔદ્યોગિક યુગમાં પ્રવેશ કરે છે.