મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સીમમાં
Jump to navigation
Jump to search
સીમમાં
તડકો અને હું : બન્ને બેઠા છીએ ક્યારીમાં
દૂર સુધી જંપી ગઈ છે ઇચ્છાઓ
પેલું પ્હાડની કૂખમાં મારું ગામ—
પોરો ખાતા ગોધણ જેવું ધરતીજડ્યું!
અમને અડી અડીને નીરવતા લીલી
ચઢી જાય દૂર પેલી ટેકરીઓના ઢાળ
હસ્તધૂનન કરતા શેઢાઓ મસ્તીખોર
વળી વળીને મળી જાય
મળી મળીને વળી જાય પાછા...
ઘાસ જાણે મનોરથ માટીના
સાગ માથે મુગટ મ્હોર્યો
મૂછ ફૂટી મકાઈનાં મર્દ ખેતરો
ઊંચાં થઈ થઈને જુવે
ભીનેવાન ખીલતી બાજરીને બેઘડી!
નાભિ નીચે જાગે અગ્નિ
કોમળ કમર જેવો વળાંક લેતી નદી...
છાંયડા લંબાવતાં વૃક્ષો પાછળ
સંતાતો સૂરજ રતુંબડી સહી કરી
સાંજને સીમનો ચાર્જ સોંપી
ચાલ્યો જાય અસીમની ઓ પાર!
સારસ યુગલ છેલ્લો ટહુકો કરી ઊડી
જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ
પડખું ફરી જાય પૃથ્વી!!