મણિલાલ હ. પટેલ/૧૧. મગન સોમાની આશા
‘ભર્યા ભાંણા ઉપર બેઠા છો, બાપા, પ્હેલાં ખાઈ લ્યો... એકેય શબ્દ આગળ બોલ્યા તો મને મરતી ભાળાં...’ ઘણા વખતે મળવા આવેલા બાપ મગન સોમા પટેલને સસરા સાથે થાળી પીરસી રસોડાના બારણાની આડશેથી આશા કરડાકીભર્યા અવાજે કહી રહી હતી. વહુ આશાનો સ્વભાવ જાણતાં સાસુસસરા પણ જરાક વાર તો અવાક્ જેવા થઈ રહ્યાં. મગન સોમા જીદે ચઢ્યા હતા કે આશા એનું મોઢું બતાવે ને સામે બેસે, મારી વાત કાને ધરે તો જમું. નહિ તો નહિ, સાસુમાએ આશાને ટપારતાં કહ્યું : ‘વહુબેટા, તારા બાપ છે, એમની વાત તો જરા –’ ફૂંફાડા મારતી નાગણની જેમ ફેણ માંડતી હોય એમ, આશા સાસુની વાતને અધવચ્ચેથી કાપી નાખતાં બોલવા માંડી – ‘બા, કોણ બાપ ને કોણ દીકરી! તમે કહી દો તમારા વેવાઈને કે એમની દીકરી તો પૈણાઈ તે દા’ડાની જ મરી ગઈ છે.’ ‘મરે તારા દુશ્મન’ વાતને અધવચ્ચે સમેટી લેવા ચાહતાં – સમય વરતી ગયેલાં સાસુએ ફ્રીજમાંથી ઠંડા પાણીનો બાટલો કાઢી બેઉ વેવાઈની સામે મૂકતાં ઉમેર્યું : ‘પહેલાં ખાઈ લ્યો પછી બધી વાત...’ પણ મગન સોમાય એકનસીલા તે ભોજનની થાળી જરા આઘી ખસેડતાં બોલ્યા : ‘પહેલાં તું મારી સામે તો આવ, બેટા, તારું મોઢું તો જોઉં... કેટલો –’ ‘બળી ગયું મારું મોઢું... હવે શું કરશો મોઢું જોઈને?’ ‘મારી વાત તો સાંભળ –’ ‘ઘણી વાતો સાંભળી તમારી. હવે તો તમારી આશાય પૂરી થઈ ગઈ, હવે શું બાકી –’ ‘મારી આટલી છેલ્લી વાત –’ ‘એય જાણું છું કે તમે કોના બોલાયલા આવા છો ને શું વાત કહેવા આયા છો... વાત કરીને પટાવવા સિવાય આખો જન્મારો તમને બીજું આવડ્યુંય શું? તમારી જીભ કેમની ઊપડે છે. છોરીને કહેતાં, લાજતાય નથી... જમીને ચાલ્યા જાવ, ફરીથી આ ઘરનું આંગણું ચઢ્યા તો મારા જેવી ભૂંડી –’ ઘૂંઘટામાં મોઢું સંતાડતીકને આશા રસોડામાંથી નીકળીને મેડીએ જતાં-જતાં તાડૂકતી હતી... સાસુસસરા... ‘ના બોલાય, વહુ, બાપની સામે ના, ના...’ કરતાં રહ્યાં ને એણે સીડીનો દરવાજો વાખી દીધો. એનો ધમધમાટ હવામાં પડઘાઈ રહ્યો. મગન સોમા ભર્યા ભાણા ઉપરથી ઊભા થઈને પડસાળના પલંગે મૂકેલી ટોપી તથા નેપ્કિન લઈને ભાગોળ તરફ ચાલવા લાગ્યા... વેવાઈ મોતી કાળુએ એમને ભર્યું ભાણું પાછું ના ઠેલવા ઘણા સમજાવ્યા, સ્વભાવ વિરુદ્ધ જઈ કરગર્યા.. ઘરે આવેલો પરોણો જમવા ટાણે ભૂખ્યો જાય તો પાટીદારનો જન્મારો લાજે. એમાંય આ તો મંદબુદ્ધિ જેવા ને દાધારંગા દીકરાને પોતાનો વંશવેલો રાખવા રૂપાળી વહુ આપનાર આદમી. ખેંચતાણ થતી ભાળીને ફળિયાનું લોક ખડકી વચ્ચે આવી ઊભું રહેલું... જાહ રે જાહ! મોતી કાળને થયું કે મગન સોમાને તેડવામાં ઉતાવળ થઈ ગઈ. જરા કાચું કપાઈ ગયેલું. કુળવેલો જોવાની લ્હાયમાં સ્તો. વેવાઈ ભૂખ્યો જાય એ કલંક ને ઉપરથી અપશુકન ગણાય તે નફામાં. ગમ ખાઈને મોતી કાળુ પડસાળને ખાટલે આડા પડ્યા. પંડની ઊલટતપાસ ચાલતી રહી. પોતાનું પૂર્વજોથી આબરૂદાર ઘર, સુખી સંતોષી, તમાકુ, કેળ, લીંબુની વાડીઓ. બેત્રણ લાખની આવક અમથીય થાય. બધી સોઈવાળાં બંગલા જેવાં બે ઘર. મોતી કાળુ આમ પહોંચેલી માયા, પણ દીકરો મનહર રૂપેરંગને નામે ડરામણો, બુદ્ધિનો ઓછો એટલે કન્યા કોણ આપે? મનહર સોંપો એ કામ કર્યા કરે. ઢોરમજૂરી! કોઈ ઉશ્કેરે કે ચઢાવે તો ન કરવાનુંય કરવા વળગે, વારવો પડે. ડરાવનારથી દૂર રહે એવો. માબાપને રોજનું શેર-શેર લોહી બળે. ઘણી લાલચો છતાં લાકડાની ઘડેલીય કન્યાનાં ફાંફાં થયાં... ગરીબડાને લલચાવ્યા તોય ઘણાએ ઘર-સાહ્યબી જોવા કરતાં વર-જમાઈને જોઈને માંડી વાળેલું... લૂગડાંનો ડૂચો મળવો સહેલ નહોતો. પૈસાદારોને પરદેશ વ્હાલો. ગરીબેય ઘરખેતર ગીરો મૂકીને સંતાનોને દેશાવર મોકલવા રાજી. વિઝા, પાસપોર્ટ, ગ્રીનકાર્ડ ને સિટિઝનશીપની ચર્ચા કરનારાઓનો આ મલક, તેથી મોતી કાળુને મનહર માટે વહુ મેળ કાંઈ વીત્યું છે, કાંઈ વીત્યું છે કે કહેવાની વાત નહિ... છેવટે મળી ગયો એક વચેટિયો. મગન સોમાનું ઘસાયેલું ઘ૨ ને તાતી ગરજ. સોદો સારા એવામાં થયેલો. બંનેને ધાત્યું એટલે પાર પડ્યું. વહુ રૂપાળી એવી જ ગુણિયલ... બધું ઘરકામ એકલે હાથે કરે... આશા કદી થાકી નથી, પણ કુળદીપક મેળવવાની શ્રદ્ધા હજી અધૂરી – વણપૂરી... એમને થયું : આ તો વાદળ આવ્યાં ને ટાઢા વાયરા લાવ્યાં, બફારા તપારા પણ મટ્યા... જોકે મેઘ વરસ્યા નહિ ને ખેતર ઊગ્યાં નહિ.. મોલ માટે તો ઝૂરવાનું રહ્યું. હળલાકડાં કુંવારકા ભોંયને ખેડી-ખેડીને કંસાર સરખી સુંવાળી બનાવે, પછી વવાય બીજ! એમ ઊગે ખેતર ને મોલ રમતા ભળાય, પરંતુ આ તો વણખેડી જમીન, આંગણા જેવી કઠણ ને પાદર સમાણી પડતર... આ તો ભાળવાનું ને ભૂખે મરવાનું. મનહરની બાને હતું કે કાયા જાગશે અને એનો ભોગ માગશે, આપોઆપ બધું ટાઢું પડી જશે, પણ આશા તો વડલા જેવી નીકળી, ઋતુ આવે ને નવી વડવાઈ ફૂટે, થડ મજબૂત બને... આશાનું ઘવાયેલું મન એ રીતે કઠોર થતું રહ્યું. કઠોરતાવ જાણે કાળમીંઢ. પાંચપાંચ વર્ષનાં વહાણાં વાયાં. અંધારેલા મેઘ ઊંચે ને ઊંચે રહ્યા – તરસી ધરતીએ પાણીથી મોઢું ફેરવેલું જ રાખ્યું. ન ગારો થયો, ન કાદવ. વરાપની વેળા આવી જ નહિ. ચોમાસાં જાય ને વણખેડી ભોંય કઠણ બનતી જાય. આશા પાસે સાસુએ ખોળો પાથરીને ભીખ માગેલી.. પછી દેરાણીજેઠાણીની પાસે પણ કહેવડાવી જોયું... કોઈ ઉપાય બાકી ના મેલ્યો... મનહરને ઉશ્કેરવામાં તો અવળું થાય. ઘર વગોવાય. એ ક્યારેક ફુંગરાતો તો વા૨વો પડતો. જોકે એ આશાની આંખ ભાળતો ને ચૂપ થઈ જતો. છેવટે મોતી કાળુએ કહેવું પડેલું : ‘મેં મારો વેલો રાખવા રૂપિયા ખર્ચ્યા છે ને હવે એ ખરે ટાંકણે અંચઈ કરે એ –’ આશાનો ગરમાગરમ જવાબ હતો : ‘રૂપિયા આલ્યા હોય એને જઈને કહો, મેં તો તમારા રૂપિયા લીધા નથી. ને હું તો તમારા ઘરનું બધું કામ કરું છું. મારા કામમાં ભૂલ હોય તો તમારું ખાસડું ને મારું મોઢું.’ વછેરાનું નાક વીંધવા જેવી સાદી છતાં નાજુક વાત મગન સોમાથીય ના થઈ. જેઠનો તાપ ને અંદરનો ઉત્તાપ. સાસુબા રસોડું અવેરતાં વિચારતાં હતાં – મૂઈની વાત તો હાચી. સગો બાપ રૂપિયા ગણે તે નમાઈને લાગી આવે, પણ શાણી તે બેઉ બાજુની આબરૂ સાચવે છે, બાકી એના જીવ્યામાં શો સવાદ, શો ભલી વાર?’ મેડી ચઢતાં પાછાં આશાના બધા ગુણ સંભારી રહ્યાં. ‘અમને ખૂબ સાચવે – બા, બા ને બાપા બાપા! કામગરી, ચોખ્ખાઈની ધણી. માલીપા ડુંગરા જેવડું દુઃખ તોય હસતી ને હસતી... એક મનહરનો ઓછાયો ના લેવાની જીદ! બાકી આખા મલકની વહુઓ આશાની તોલે ના આવે... ભલા ભગવાન, તુંય ખરા ખેલ કરાવે છે...’ મેડીએ ચઢેલી આશાને પોતે આજે વધારે પરવશ થઈ ગયાનું લાગતું હતું. આવી અવશતા કદી આવી નથી એમ નથી. પણ એ નિર્ણયબળથી બધું ખદેડી મૂકતી, આજે મેડીના બારકો આ જાણે કે હારીથાકીને બેસી પડી હોય એવું લાગતું હતું. આંખો ઘણે વખતે ભીની થઈ રહી હતી. પડોશગામે જ પિયર હોવા છતાં ત્રણ-ત્રણ વર્ષથી ત્યાં ગઈ નથી, બાપનું મોઢું જોયેય બે-બે વર્ષ થયાં હતાં. બાપને ધિક્કારતાં-ધિક્કારતાં એ રાતોની રાતો જાગી હતી, ત્યારે કશું નહોતું થયું. આંખો આગ-આગ હતી. ને આજે ભર્યા ભાણા ઉપરથી બાપા ઊઠીને ભૂખ્યા ચાલ્યા ગયાનો જાણે એને આઘાત લાગ્યો હતો... ‘રે રે ભૂંડી!’ આમાં એને સસરાના ઘરની આબરૂ અને એની મહેમાનગત લાજતાં ભળાયાં. જાત પર નફરત વધવા સાથે ક્રોધ ઉમેરાયો. પોતાની સગાઈ મનહર સાથે થઈ તે દિવસે આશા ભાંગી પડી હતી, ને વળતી પળે બાપ ઉપર આવો જ ક્રોધ આવ્યો હતો. મગન સોમા દેખતી આંખે દીવા જેવી છોકરીને અંધારિયા કૂવામાં ધકેલી રહ્યા હતા. આખું ગામને બધું સગુંવહાલું અચંબિત હતું. પણ મગન સોમાના પગમાં જોર આવ્યું હતું. પડું પડું થતા ઘરનો અડધો ભાગ ઊતરાવી લઈને એમણે ધાબું ભરાવી બે મોટા ઓરડા ઊતરાવ્યા હતા. ગીરો મૂકેલાં બે ખેતર છોડાવ્યાં હતાં. ને હવે કારખાનામાં કામે જતા છોકરાને દહેજદાપાવાળી કન્યા મળે એવી વેતરણમાં ફરતા હતા. ભરજુવાનીમાં વરણાગી કરીને બધું વેડફી કાઢેલું, પત્ની સમેત આશા જોતી રહેલી કે બાપા દર વર્ષે પૈસા માટે ભેંસ-ગાય વેચતા... ને આ વર્ષે ઘરમાં રૂપિયાનાં બંડલો જોઈને પહેલાં તો એ અવાચક થઈ ગયેલી, પણ પછી બધું સમજી જતાં સમસમીને રહી ગયેલી. એ મજબૂરીવશ આગળ વિચારી નહોતી શકી. એના મનમાં મડાગાંઠ શી મૂઠ વળી ગઈ હતી કે ‘એ મનહરને મન વગર પરણશે, સાસરેય જશે ને ઘરકુટુંબને અજવાળશે, પણ એનાં તનમન તો આવાં જ અબોટ, કોરાંધાકોર રાખશે.’ બળવાનો અનુભવ આ પહેલવારકો થોડો હતો? નાની હતી ને ફોઈ એને ભણવા લઈ ગયેલાં. ત્યાં એ સાત ચોપડી ભણેલી. પાછી ગામમાં હાઈસ્કૂલ થતાં ફોઈ એને પાછી મૂકી ગયેલાં. ગામમાં ભણે ને બાપાને રોટલા ઘડી આપે. હા, એ રસોઈ કરે એવડી થઈ ગઈ હતી. એનો સિક્કો જોઈને જ ફોઈ પામી ગયેલાં કે ‘મૂઈ ગામેગામ ગાંડા કરે એવી રૂપાળી થવાની...’ એટલે તો ફોઈએ શિખામણ આપેલી : ‘ભૂખ પાળીનેય આબરૂ રાખવી, એ વના અસ્ત્રીની જાતનો સમાવ ના થાય. આદમીનો ઓછાયોય અભડાવે – એનાથી ચેતતાં રહેવું. મન-કાયાને વટલાવા ના દેવાં. કાયા તો જણસ છે કુંવા૨કાની. પરણ્યો જ આપણો ભગવાન.... તન ને મન બેઉનો એ જ ધણી...’ આશાએ કદી છેલછબીલો ધણી કલ્પનામાંય નહોતો આણ્યો. પરદેશનું તો શમણુંય જોવાનું મોંઘું પડે એમ એ જાણતી હતી. જોકે આફ્રિકા અને અમેરિકાથી આવેલા મુરતિયાઓએ આશાને એની ઉમેદવારી વિનાય, જોયા માત્રથી પસંદ કરેલી, બે પાર્ટી તો દરખાસ્ત લઈને આવેલી, પણ મગન સોમા પાસે દહેજદાપામાં આપવાનું કંઈ નહોતું. શિકાગોથી આવેલા શૈલેશે તો વગરદહેજે આશાને પરણવાની હઠ પકડેલી... બલકે સાદાં લગ્ન, કોઈ ખર્ચ નહિ.... પણ મગન સોમાએ મગનું નામ મરી પાડેલું નહિ. આશાને બા સાંભરી આવેલી, પણ થયું કે ‘બા, હોઈનેય શું કરી શકવાની હતી? એનું જ જીવતર જ્યાં લોહીઉકાળો હતું ત્યાં!’ દસમામાં ભણતી ત્યારે સાહેબે લોકગીત ગવરાવેલું મણિયારો તે કળાયેલ મોરલો ને કાંઈ હું તો ઢળકતી ઢેલ રે... ત્યારથી સામા ફળિયાનો શિવજી એને જતીવળતી જોતો ને ગાવા માંડતો – અણિયાળી, હે જી અણિયાળી તે ગોરી તારી આંખડી, ને કાંઈ હું રે આજેલ એમાં મેશ રે.. બાઈ હું તો પરદેશી મણિયારો... પાદરની ડેરીએ દૂધ ભરવા જતી આવતી ત્યારેય ગામના કૉલેજિયનો એને તાકી રહેતા, વળી કોઈ-કોઈ તો વ્યંગમાં એને સંભળાવતા : ‘આશા પારેખનું પિક્ચર ચઢ્યું છે ચાલ, જોવા જઈશું? શું કમાલ લાગે છે આશા પારેખ... બસ જોયા જ કરીએ, ધરવ જ ના થાય!’ એ બધું સમજતી. શરમથી એની કાનબૂટી લાલ થઈ જતી. જોકે કોઈનીય સામે એણે ઊંચી આંખ કરીને જોયું નહોતું એ ખરું, પણ એનેય રૂપાળા છોકરા ગમતા, મનમાં એવા એક-બે ચહેરા ઝળકતાય રહેતા, વાવપાળે કે પાદરતળાવે એમને જતાંવળતાં જોતી ને વાતો કરવાનું મન થઈ આવતું, પણ મનમાં સવાલ થતો – એ કંઈ થોડી કૉલેજમાં ભણે છે? ને આશા પારેખ થોડી છે? એ તો મગન સોમાની નમાઈ છોકરી આશા, બસ, બીજું કંઈ નહિ! હોળીના દિવસોમાં સિદ્ધવડની ડાળે કેરી-મહુડાં-ઘઉં-ચણાના અને શીમળાનાં ફૂલોના તથા ઓળૈયાંના હારડા ઝિલાવ્યા હતા – દર વર્ષે. પાદરની આશાપુરા માનાં વ્રત કર્યા હતાં. બેઉ ગૌરીવ્રત ઊજવ્યાં હતાં... તોય કદી પ્રગટપણે માનતા માની નહોતી. મનમાં અપાર શ્રદ્ધા હતી જરૂર, પણ સગાઈ થઈ તે દિવસે એને શીમળા નીચે દોડી જવાનું મન ના થયું – શીમળો ફૂલે લચેલો હતો, તોય! ઘઉં-ચણાનું ખેતર વાઢી લઈને ગાલ્લું ખળામાં આવી ગયું હતું. વાઢેલું ખેતર એની છાતીમાં બળતું હતું. ગામની હવડવાવને પગથિયે, પીપળના છાંયે જઈને એ બેસી પડી હતી. સૂનમૂન. ચૂપ. વાવનાં અનેક પગથિયાં ઊતર્યા પછી એને અંધારિયાં જળ દેખાયાં હતાં. છેક જળ વચાળે ઊભીને એને પૂછવાનું મન થયું હતું કે ક્યાં છે મારી બા? પણ એ પૂછી શકી નહોતી. એના ગળામાં તે દિવસે શબ્દો જ નહોતા. લોક આ વાવને ગોઝારી ગણતું. ઘણી દુખિયારીઓનો એ અંતિમ આશ્રય બનેલી કદાચ, આશાની બાનો પણ... એની બાના મૃત્યુ વિશે ફોઈએ પણ એને કદી ફોડ પાડીને કશું કહ્યું નહોતું. વાવ એને વધારે હવ અને ડરામણી લાગેલી. જોકે અહીં તો એ ઘણી વાર એકલી આવીને બેસી રહેતી. કશી ગતાગમ વિના, વાવના ગોખલામાં સ્ત્રીઓનાં શિલ્પો, તેમનાં ઊપસેલાં અંગઉપાંગો એ જોતી ને ક્વચિત જાત સાથે સરખાવતાં શરમાઈ જતી. અંધારે ઓળાઓની અવરજવર વિશેય સાંભળેલું, પણ તે દિવસે કશાનો ડર નહોતો. માથે પલપલતી પીપળનાં નવાં પાંદ ચળકતાં હતાં. હવડવાવમાંથી કશીક વાસ આવતી રહેલી. ભાઈ એને આવીને બોલાવી ગયેલો. ખરી સ્થિતિ તો ઘરે એની સામે મોં ફાડીને ઊભી હતી. લગ્નના દિવસોમાં અંધારિયા ખૂણે ડૂસકાતી આશાને ફોઈએ ટાઢવેલી : ‘શહેર જેવું મોભી પાટીદારોનું ઘર... ખાતાં ન ખૂટે એટલી મિલકત છે. અસ્ત્રીનો તો બેટા ધરમ જ ઘર માંડવાનો. ધણી એ જ ધરપત એનામાં બે દાણા ઓછા હોય તો ઘડી લેવાનો. લાકડુંય ઘડીએ તો સમું થાય, ત્યારે આ તો મનેખરૂપ છે. મોટી મિલકતની ધણિયાણી થવાનું સુખ. નસીબદાર છે, બેટા તું તો...’ આશા માની નહોતી શકી કે પ્રેમાળ ફોઈ આવું વ્યવહારુ બોલતાં કેટલી બધી કઠોર થઈ ગઈ હતી... કુળને શોભે એવું કરવાનું, ભણતર તે આનું નામ... આશા જોતી રહી ને વર્ષો તો પપૈયાનાં પાંદડા ઉપર ચોમાસુનું પાણી પડે ને સરી જાય એમ સરી ગયાં; ભર્યાભાદર્યાં ફાટું-ફાટું થતાં તળાવ જેવા જોવનાઈનાં વર્ષો. ડિલમાં લોહી ફૂંફાડા મારતાં, મેઘલી રાતો ડંખતી ને લીલાંકચ વખ ચઢતાં. સામે ચાલીને સ્વીકારેલા આ એકલ મેડીવાસ વેઠાતા નહોતા. તોય આશાએ મનહરનો પડછાયોય અંગે અડવા દીધો નહોતો. જળમાં તરસી માછલીએ જળને અગરાજ ગણ્યાં હતાં. જેને જોતાં જ મન પીડાથી ચિત્કારી ઊઠતું હતું એને જ પાછું મનના મહેલમાં સ્થાપવાનું અશક્ય લાગતું હતું. તો જેને માટે મન ના માને એને તન સોંપવાનો શો અર્થ? આશાને ખ્યાલ આવતો હતો કે પોતે કાચી માટીની નહોતી. મનહર એનો પતિ છે એવું વિચારતી – એવો વિચાર કદીક સવાર થઈ જતો ત્યારે એને તમ્મર આવી જતાં, શરીર પણછ જેવું થઈ જતું. એકાદ વાર તો મનહર ઘાંઘો થઈને ચઢી આવેલો, પણ એનો કડપ ને ડોળો ભાળીને પાછો વળી ગયેલો...પણ આશાને ડર લાગી જતો. વારંવાર આવતું શમણું પાછું ઘેરી વળતું. પીપળવાવનો કાંઠો ધોળો ઘોડો ને રૂપાળો અસવાર. એ ઇશારો કરે ને આશા જાય વાવનાં પગથિયાં ઊતરતી. પાણીની પાર ઊઘડે દરવાજો, આવે મહેલ... રૂપાળો જૂના મહેલમાં ગાયબ થઈ જાય. એને ઓરડે-ઓરડે શોધતી આશા હાંફી જાય.... ગભરામણ છૂટે. ડરની મારી દોડી જાય બહાર, બહાર છે મોટું વેરાન... મહેલ ખંડેર. એની રાંગે એ ભભડભૂસ - દાધારંગો - ગાંડા જેવો - ચોકીદાર શો લાગતો - માણસ... આશાને ભાળીને પાસે ને પાસે આવે... આશા દોડે, કોઈનો પંજો પડે ને ચીસ પાડી ઊઠે. જાગી જાય પરસેવે રેબઝેબ... પાછી ખાતરી કરી લ્યે કે પોતાની મેડીનો દરવાજો બંધ છે કે નહિ? રખેને મનહર – ચૉરીમાં એને જોઈને આશા હબક ખાઈ ગયેલી જાડા હોઠ, બહાર પડતા દાંત, કૂવાના ઠેબા જેવા ઊપસેલા ગાલ, એમાં ખીલ – ગૂમડાંના ડાઘ, ચાલવા-બેસવા-બોલવામાં દેખાઈ આવે બાઘાઈ. લોક આશાની સાથે એને જોઈને હેબતાઈ ગયેલું. આશાને ક્ષણ વાર થયેલું કે ‘કશાં વ્રતતપ કે માનતા મનવર કામ જ ના આવ્યાં ને? મા આશાપુરાય..’ તરત એણીએ મનને ટપારેલું ‘એમાં મા શું કરે? કરમ તારું કોડિયા જેવું તે! રૂપાળા મુરતિયાઓએ સામે ચઢીને ઘર પૂછ્યાં ત્યારે તો બાપાએ મુનિવ્રત લીધેલાં. કરમની કઠણાઈ આનાથી તે વળી કેવી?’ જોકે જાન વળાવતાં આશા બાપાને પગે લાગી હતી, પણ રડી નહોતી, ને આશાપુરાના પારેય ઊતરી નહોતી.... ગામસીમ વટાવતાં જરા વાર ડૂસકે ચઢી ગયેલી, પણ પછીની પળે જ કશાક નિર્ણયે મક્કમ થઈ ગઈ હતી. ઊંચું ભણેલી કે દાક્તર થયેલી છોકરીઓય પરદેશના મોહમાં બાપ પાસેથી દોથો રૂપિયા અને પચાસ-સો તોલા સોનું લેવામાં જરાય શરમાતી નહોતી... ત્યારે આ તો બાપને સારુ આધાર - આશા ઝાઝું વિચારી શકી નહોતી. સસરાએ આશાને ઘરેણાંથી લાદી દીધેલી, સાડી-કપડાંનોય પાર નહિ, પણ આશાએ તો સાસરવાસમાં પગ મૂકતાં જ બધું ઉતારીને સાસુમાને હવાલે કરી દીધેલું. મૃત બાની વાળીઓ લાવેલી તે કાનનાકમાં પહેરી લીધેલી. થોડા દિવસો તો પેલાં ઝમઝમ થતાં ઝાંઝર પણ ટ્રંકમાં મૂકી દઈને વહાલી ફોઈએ આપેલા એકવડી સેરના મૂંગી ઘૂઘરીઓવાળા છડા પહેરી લીધેલા. બધું ના પહેરે તોય એ તો શોભતી હતી. પરણીને આવ્યાની પહેલી રાતથી એણે મનહરને ચેતવી દીધેલો : ‘હું તમારી વહુ ને તમે મારા ધણી ખરા, દુનિયાના ન્યાયે, હું તમારાં ઘરકામ ને વટવ્યવહાર સાચવીશ, જરાય ઊણપ નહિ આવવા દઉં, પણ મને જરાય અડવાનો કે છેડવાનો ઉપાય કરશો તો હું ભૂંડી બનીશ. દાબી દઈશ તો વાર નહિ લાગે. મારા હાથે તમારી ચૂડીઓ છે તે દુનિયાના ન્યાયે બાકી હું ને તું ભાઈબહેન! મારી કાયા પર તમારો ઓછાયો પડશે તોય નાહી નાખીશ, સમજ્યા? સાંભળો, મેડીના આ બે ઓરડા, આ તમારો ને બાજુવાળો મારો. વાત બે વચ્ચે રહે તો ઠીક, ને ના રહે તોય મને કશી સાડીબારી નથી!’ મનહર તો ડરીને ડઘાઈ ગયેલો. સાસુમાનેય વર્ષે ખબર પડેલી. મનહરને લોક ચઢાવતું, બાએ એને મારઝૂડ કરતાં પોલીસકેસની બીક ઘાલીને અટકાવેલો આશાને મનાવતાં સાસુમા ક્યારેક ક્રોધ કરતાં, પણ એ ચૂપ રહેવામાં સાર સમજતી. કહેતી – મારા તનમનની તો હું માલિક ગણાઉં ને?’ સાસુમાની કાકલૂદીઓનેય એણે ભરી પીધી હતી. જોકે હજી એમણે આશા છોડી દીધી નહોતી... મનહર તો ખેતરવાડીમાં કામ કૂટ્યા કરતો, સ્કૂટર દોડાવ્યે રાખતો. કો’ક એને મરડમાં પૂછતું – ‘તમારી વાડી તો બઉ રૂપાળી ભૈ, શા મોલ થયા છે?’ ‘તે રાતદિવસ સાચવું છું... ચકલુંય ના પેસે એવી વાડ કરી છે મેં...’ મનહર ઉત્સાહથી બોલતો, પૂછનાર મૂછમાં મલકાતો. ‘તે ચકલાં ચણવા ધારે તો આભલેથીય આવે જ ને... કે નહિ?’’ મનહર ગફલાઈ જતો. બીજો એની મદદે આવતો : ‘હવે તો દાણા પાકી ગયા, કઠણ થઈ ગયા, જીવડાં શી રીતે ખાઈ શકે? કેમ, મનહરભાઈ બરાબર ને?’ એ હસીને ચાલી જતો. આશાની આસપાસેય ક્યારેક મજાક સંભળાતી, પણ એ જવાબ વાળતી નહિ. શરૂનાં વર્ષોમાં એકબે ટીખળી દાણો દાબી જોવા આવી ચઢેલા : ‘કેમ ભાભી, મજામાં ને? કેમ છે મનહરભાઈને –’ ‘કેમ, તમને ભાઈની દયા આવી કે પછી નવી ભાભી ઉપર હેત ઊભરાઈ આવ્યાં? ઘેર કામધંધો છે કે પછી –’ આશાનો જવાબ સાંભળીને જ એ પોબારા ગણી ગયેલા. ઘણાએ ઘણું ધારેલું, પણ કશું થયું નહિ. સાસુમા મેડીએ આવતાં જ આશા એમને વળગીને ડૂસકે ચઢી ગઈ. ‘બા મને માફ કરી દો, મેં મૂઈએ બાપને ભૂખ્યા કાઢ્યા? તમે તો મને સગી બાનું હેત આપીને મારી કકળતી આંતરડી ઠારી છે. બા, હું જ અભાગણી મૂઈ છું...’ સાસુમાએ એને પસવારીને ટાઢી પાડી, જમી લેવા કહ્યું. એમની આંખોમાં ઉદાસી ને હેત, ગૂંચવણ ને મૂંઝવણ બધું હતું. આશા એમની નજરને જીરવી ના શકી. નીચે ગઈ, પણ જમવાનું મન ના થયું. વાડામાં ગઈ. ત્યાં જઈને જોયું તો છટકી ના શકતી ખોડી કંસારીને ઝાઝી કીડીઓ વળગી હતી ને એ તરફડતી હતી. આશાએ સળીઓથી કંસારીને બહાર મૂકી.. એને થયું : કીડીઓ તો ત્યાંય વળગશે જ ને! વાડામાં કપડાં લેવા ગઈ ને જોયું તો જાંબુડાં નીચે પડ્યાં હતાં. પાકીને ડુમ્ભર થયેલાં! એણે હાથમાં લીધાં, પાકેલાં જાંબુને ખાનારું કોઈ ના હોય એમ એ સૂનમૂન થઈને જાંબુને તાકી રહી.... ક્યાંકથી મનહર સોટી વીંઝતો-વીંઝતો આવી ચઢ્યો ને કતરાતી આંખે જોતો-જોતો બીજી તરફ જતો રહ્યો. આશાએ જાંબુ દૂર ફંગોળી દીધું. સાંજે થોડી ડમરી ચઢી. આશાએ રાંધ્યું, પણ ખાવાનું મન ના થયું. મનહર જોડે એના બાપા પડસાળમાં કંઈક ગુસપુસ કરતા હતા. સાસુમાની નજરમાં અનેક પ્રશ્નો વાંચતી આશા એમની સાથે વાત કરતાં ખમચાતી હતી. આજે અસુખ થતું હતું. આશા એની મેડીમાં જરાક વહેલી સૂવા ગઈ. એ મેડી ઓઢી લઈને શાંત થઈ જવા ચાહતી હતી. અંધારું બધું ભૂંસીને હળવી કરી દે એવો અશોકશો ભાવ આજે કેમ થતો હતો? બારણું વાસી એ પલંગમાં લંબાવે છે ત્યાં જ પલંગ નીચેથી નીકળી મનહર અચાનક એને પૂરા જોશથી બાઝે છે ને ભીંસી લેવા મથે છે... પણ આશાએ એની બાથ છોડાવી સાડીના આંટામાં ગૂંચવી દીધો. ડારો બતાવી ચૂપ કર્યો... બીજી સાડીથી એના હાથપગ બાંધી, બારણું ખોલી બહાર નીકળી, બારણું બહા૨થી વાસીને સડસડાટ નીચે ઊતરી ગઈ. એને અંગેઅંગે લ્હાય લાગી હતી, તનમનથી ઝાળો નીકળતી હતી... બધું ઠરે એની હવે આશા નહોતી, રાહ જોવા જેટલી ધીરજ પણ નહોતી.... એની આંખો અંગારા વેરતી હતી ને કાયા સામેનાને ભસ્મીભૂત કરી દે એવી ધગ ધગ... લ્હાય... લ્હાય... એ બધું બચાવી લેવા માગતી હતી. એના પગમાં જોમ આવ્યું. એણે આંધળી દિશામાં દોટ મૂકી... મનહરની ‘છોડાવો... બચાવો...’ની બૂમોથી ફળિયું ને ગામ ભેગાં થઈ ગયાં... મોડી રાત સુધી શેરીઓ-ગામ-સીમ-સીમાડાનો ખૂણેખૂણો લોક શોધી વળ્યાં, પણ આશા ક્યાંય દેખાઈ જ નહિ. કોણ જાણે મગન સોમાની આશા તો ઓગળીને અંધારું થઈ ગઈ હતી કે પછી ધરતી એને ગળી ગઈ હતી?