મણિલાલ હ. પટેલ/૧૨. પલકના સર
પલકનો મૂંઝારો મટતો નહોતો. આમ તો બધું બરાબર હતું. કશું એવુંતેવું બન્યું નહોતું; પણ પલકને થતું કે જાણે કશું જ બનતું નથી. એ મૂંઝાતી જતી હતી. નીરવને પરણવા માટે પલકે પસંદગીસૂચક સંમતિ પાઠવી ત્યારે એણે ધારેલું નહીં કે નીરવ ‘પ્રેમ કરવા’ની બાબતે પણ આટલો બધો ‘નીરવ’ હશે. કન્યાકાળના એ દિવસોમાં એ લિટરેચર સાથે પીજી કરતી હતી. ‘સર’ની વાત નીકળતી ત્યારે સાથેસાથે વાંચતાં વાંચતાં – ભાઉ સખીભાવે પલકની મજાક કરતી, ‘પલક તું કશું સમજતી નથી; ‘પછી’ બધી ખબર પડશે ત્યારે વેળા વીતી ગઈ હશે.’ – સરનાં આવાં વાક્યો બોલી-બોલીને ભાઉ પલકને પજવતી, પલક (બહારથી) મૌન ધારણ કરીને, મરકતાં-મરકતાં ભાઉને સાંભળ્યા કરતી... ‘સર આધેડ વયે પહોંચ્યા છતાંય ‘આક્રમણભોગ્ય’ છે. એમના ચહેરાની ભાવાર્દ્રતા તું જોતી નથી?... ને એમના ભીનાભીના અવાજમાં પરખાતી લાગણીનો રણકો તારા કાનોમાં ઝિલાતો નથી શું? કાં તો તું જાણીજોઈને ડૉળ કરે છે કે પછી લિટરેચર ભણે છે પણ સમજવા-અનુભવવા માગતી નથી? બોલ... બોલતી કેમ નથી? કે પછી અંદરનો ભાવ પ્રગટ થઈ જવાની બીક લાગે છે તે અહીં ને ત્યાં બધે મુનિવ્રત પાળે છે...’ લિ?!’’ આ બધું જ યાદ આવતાં પલક વધારે ઉદાસ થઈ જાય છે. દિવસો જાણે એકલા-એકલા અને રાતો સૂની-સૂની પસાર થયા કરે છે. નીરવને બૅંકની નોકરી છે. શહેરથી વીસેક કિલોમીટર દૂરના મોટા ગામમાં બૅંકની નવી શાખા ખૂલી છે. નીરવે અપડાઉન કરવું પડે છે. સવારે સાડાનવે નીકળવાનું ને સાંજે આવતા સુધીમાં સહેજેય સાત વાગી જાય છે. જમી-પરવારતાં જ રાતના નવ વાગી જાય એટલે પલક નીરવને આંટો મારવા-બહાર જવાનું કહી શકતી નથી. જોકે એ ઇચ્છે છે કે નીરવ એને કહે કે, ‘ચાલ, જરા પગ છૂટો કરી આવીએ.’ પણ તેમ ભાગ્યે જ થાય છે. નીરવ છાપું ઉથલાવ્યા કરે છે ને બા જોડે કોઈ ને કોઈ વાત ચાલતી રહે છે. પલક બેડરૂમમાં બેઠીબેઠી કોઈ ને કોઈ પુસ્તક વાંચ્યા કરે છે. સર કહેતા હતા કે આપણા ઘરમાં એક ‘બુક્સ કૉર્નર’ રાખવી જોઈએ. પુસ્તકો આપણી એકલતાને મારી ભગાડે છે... પલક ઘણી વાર વાંચતા વાંચતાં ઊંધી જતી. રાત એમ જ પસાર થતી ને સવાર પડતી, નીરવનું ટિફિન તૈયાર થઈ જતું. બા ધીમેધીમે ઘરસફાઈ કર્યા કરતાં. પહેલાં તો નીરવની પીઠ દેખાય ત્યાં સુધી પલક દરવાજે ઊભી રહેતી. આજે એવું કેમ લાગે છે કે એણે દૂર જતા નીરવને જોયો છે એટલો ઘરમાં, પાસે આવતા ની૨વને જોયો નથી. મૂંઝારો મારી હટાવવા મથતી પલકને આવાતેવા નાનાનાના નગણ્ય એવા અવરોધો નડતા લાગે છે. મમ્મીએ બહુ વ્હાલ વરસાવ્યું હતું. સરે ખૂબ કાળજી લીધા કરેલી, પપ્પાએ કહેલું કે બ્રાહ્મણનો છોકરો મળે ત્યાં સુધી બીજું કાંઈ વિચારવાનું નથી. નીરવ સાથે નક્કી થયું એ પહેલાંય ચારપાંચ છોકરા જોયા હતા. એક બી.એ. થઈને બાપુજી જોડે કર્મકાંડમાં જોડાઈ ગયો હતો. બીજો ઓછું ભણેલો - આમ ખૂબ દેખાવડો, જોતાં જ ગમી જાય એવો, પણ બહોળો પરિવાર અને ઘર ઘસાયેલું પપ્પાએ જ વાત અટકાવેલી, ત્રીજો વળી સારો, એટલે કે સમજદાર લાગેલો પણ પલકથી ચાર-પાંચ ઇંચ જેટલો નીચો. ‘એક નીચો તે વર ના જોશો ઓ દાદા! નીચો તો નિત્યે ઠેબે આવશે –’ એવું તો નહોતું પણ એમાં ખાસ લોભાઈ જવા જેવુંય નહોતું. નીરવ એમ.કોમ. થયો હતો. અને હમણાં જ બૅંકમાં નોકરીએ ચડ્યો હતો. સંસ્કારી દવે પરિવાર. એકનો એક દીકરો. બહેન ખરી તે મુંબઈમાં રહેતા શુક્લ પરિવારમાં પરણાવેલી છે ને સુખી છે. વાર-તહેવારે માંડ આવે. બાપુજી ટ્રેન અકસ્માતમાં ગુજરી ગયેલા. ઘરમાં બા એકલાં ને શરીરે સારાં – આખા ઘરનું કામ કરે એવાં નીરવે સગાઈના દિવસોમાં જ સોસાયટીમાં મકાન બુક કરાવેલું, મમ્મી સમેત બધાં રાજી હતાં. પલકે આવું ઘર જવા દેવાનું નથી. આજે આવા કમાતા છોકરા મળે જ ક્યાં છે તે – પલકે સંમતિ આપી દીધી હતી. પલકને સરના શબ્દો યાદ આવતા હતા : ‘જેને પોતાનું ચાહેલું અને મનગમતું મળે તે નસીબદાર; પણ જેને જે મળે તે મનને ગમાડે - ગમાડતાં શીખે તે સમજદાર કહેવાય.’ પલક પોતે નસીબદાર છે એવું તો નહોતી માનતી પણ સમજદાર બનવા માટેના એના પ્રયત્નો પૂરતા હતા. જોકે મમ્મી પપ્પા તો સૌને કહેતાં હતાં કે અમારી પલક નસીબદાર તો ખરી નહીં તો આવું ઠેકાણું વાટમાં થોડું પડ્યું છે?!’ આમ તો સરે પણ, મળવાના પ્રારંભના દિવસોમાં કહેલું : ‘પલક તું નસીબદાર છે; તારી આંગળીઓ તો જો, કેવી લાંબી અને સરસ છે. કેસૂડાંનાં ફૂલો જેવી તારી હથેળીઓ...’ પલકે ક્યારે પણ મેંદી મૂકી હોય તો સર એને અચૂક કહેતા. સરસ લાગે છે – આ હથેળીઓ સાથે તું પણ!’ પલક જરાક શરમાઈને નીચું જોઈ જતી, પણ સર એને ઊંચું સામે જોવાનું કહેતા અને ઉમેરતા –‘આમ અપલક નેત્રે જોયા કર... જોવાનું પણ એક સુખ હોય છે... ને છેવટે એ જ તો બચે છે.’ પણ ની૨વને તો સમય જ ક્યાં મળે છે? પલક જરૂરી વસ્તુઓના શોપિંગ માટે જવાની વાત મૂકે ત્યારે નીરવ કહે છે - ‘મોડી સાંજે ખરીદવાની શી મજા આવે? એમ કરજે, કાલ બપોર પછી બાને લઈને જઈ આવજે.’ પલક મહિનામાં એકાદ બે રવિવાર ફરવા જવાનું કે બહાર જમવા જવાનું કહે છે. ત્યારે નીરવ - અંદરના કશા ઉમળકા વગર – તૈયારી દર્શાવે છે. પલક ઉત્સાહથી તૈયાર થવા માંડે છે. આંખમાં કાજળ આંજતા એને સરના શબ્દો સંભળાય છે. ‘પલક તારી આંખો – તું દર્પણમાં જુએ છે ખરી? શ્વેત કાળી, જરાક મોટી ને સહેજ મારકણી. તું કદીય કાજળ ના આંજતી હાંકે! તારા જેવી છોકરીએ તો અહિંસક રહેવાનું હોય –’ કહેતાં સર હસી પડતા. સર એકલા અને આજીવન કુંવારા રહ્યા છે. કહેતા’તા કે બા તો બાળપણમાં જ નિરાધાર કરી ગયેલી. ગરીબ ઘર. બાપુજીએ બીજી પત્ની સાથે સંસાર માંડ્યો હતો. સર સંઘર્ષ કરતાં-કરતાં આપબળે આગળ આવ્યા હતા. શિસ્ત અને કાર્યનો આગ્રહ. સર અસાધારણ પ્રતિભાવાન ગણાતા હતા. એમનું કામ અને નામ બેઉ ગાજતાં. એમને ઑફિસે જ મળવું પડે. વ્યાખ્યાનો ને સેમિનારો, લેખન અને વાચનમાં ખૂબ વ્યસ્ત હોય. બપોર પછી મળવાનો સમય આપે પણ ગમે તેને મળવાની છૂટ નહીં. ખાસ કામ હોય એને જ મળે. પણ પલક માટે છૂટ હતી. એ ગમે ત્યારે વગર રજાએ જઈ શકતી. સરે જ કહેલું – ‘તારે રજા લેવાની ના હોય, પલક!’ જોકે એક વાર ભારે થયેલી. પલકને મળવા માટે સરે બે-ત્રણ સંદેશા કહેવરાવેલા પણ પલક દ્વિધાવશ અને થોડીક નિજી ગણતરીમાં મળવા ના ગઈ... બહુ મળવું નહિ, ક્યાંક ચર્ચાઓ થાય–’ વગેરે ભય પણ હશે. એક દિવસ અચાનક સરની નારાજગી એના વાંચવામાં આવતાં એ ગઈ ‘આવું? સ...ર!’ ‘પ્લીઝ... હમણાં નહિ, પછી મળજો...’ સર બહુ વ્યગ્ર-વ્યાકુળ હતા. પલકે સરને આ ભૂમિકાએ તો કલ્પ્યા જ ક્યાંથી હોય? એ કંપી ગયેલી. પહેલી વાર સર માટે એની આંખો ભીંજાઈ હતી. એની બેચેની કળી ગયેલ મમ્મીએ કારણ પૂછ્યું તો પલક ગળગળી થઈને બોલી બેઠી હતી – ‘મમ્મી! સરે મને મળવાની ના પાડી દીધી...’ ‘હત્ ગાંડી! કાલે ફરી જવાનું! સરે ના પાડી તે કાયમ થોડી ના પાડવાના છે. કામમાં હશે...’ બીજે દિવસે સર એની વાટ જોતા હતા. પલક પહોંચી તો ઊભા થઈ ગયા. ‘સર મારા પર ગુસ્સે થયા છો? સર –’ ‘ના રે, મારી જાત પર નારાજ થયો છું – મારે છેક આટલે આવ્યા પછી આમ ‘ઢીલા’ થવાનું ના હોય! હું તો મારા ૫૨ જ ગુસ્સે છું...’ ‘સૉરી સર, હવેથી?’ ‘તારે મને સૉરી કહેવાનું ના હોય, પલક! પણ આવી તીવ્રતા, વ્યાકુળતા મેં આ પૂર્વે ભાગ્યે જ અનુભવી છે... હું અંદરથી આટલો ખળભળી કેમ ગયો છું? ને વળી-વળીને તું જ દેખાય – પણ હવે જવા દે એ વાત! કેવું વંચાય છે? અને હાં, ભત્રીજી ઝકુને હવે કેમ છે?’ આંબાની ડાળે મંજરીઓ લચી પડતી, ઉનાળો જામતો, સાખ પડતી ને વરસાદ આવતો; શિયાળાની છડી પોકારતા ઠંડા પવનો મેદાનોમાં ઊતરી આવતા. સમયનો ઘોડો અશ્વમેધ કરવા નીકળ્યો હતો. નીરવનો આવ-જાનો ક્રમ તૂટતો નહોતો. પલકની બપોરો કેમેય કરી ખૂટતી નહોતી. એ નીરવને કહેતી – ‘બપોરે ફોન કરતો હોય તો?’ નીરવ કહેતો – ‘લ્યે, બેત્રણ કલાકમાં તો વળી શું વાત કરવાની હોય તે ફોન – ’ પલક બપોરે મૂગા ફોનને જોયા કરતી, એને મન થતું કે સરને ફોન કરે – અંદરથી ધક્કો આવતો, એ ફોન સુધી જતી ને થતું – ‘ત્યારે સરને કહ્યા છતાં મેં કદી ફોન ના કર્યો ને આજે હવે? હવે શું જણાવવાનું છે બાકી –?’ જોકે ત્યારે જો બે દિવસ ના મળું તો સર તરત ફોન જોડતા – ‘પ...લ...ક!’ ‘સ....ર..... અવાજનું માધુર્ય દીવાઓ પ્રગટાવતું. પલક દેખવાનું સુખ ના મળે તો સાંભળ્યાનું સુખ તો મળે ને! બસ... એટલુંય ઓછું નથી. ટેક કૅર...’ કહીને સર ફોન મૂકતાં પહેલાં ઉમેરતા : ‘લાગણીઓને ઉંમર નથી હોતી, એ તો બસ એ જ હોય છે...!’ પલકને એવું કેમ લાગે છે કે નીરવની લાગણીઓ જાણે ઉંમરે પહોંચી રહી છે? મનને પટાવતી પલક લગ્નનું આલ્બમ કાઢીને જુએ છે. આ હથેળીઓની મેંદી, આંગળીઓ પર વેલબુટ્ટા... આ કેશગુંફન... સ૨ના શબ્દોમાં એ સાચ્ચે જ ‘સુવર્ણા’ લાગતી હતી. સુવર્ણ વર્ણ, બોચીમાં વાદળી લાખું, સોનેરી ઝાંયવાળા ને જોતાં નજર પણ લસરી જાય એવા સિલ્કી હૅર... પલક ક્યારેય ખુલ્લા કેશ લઈને સર સુધી ગઈ નહોતી. સરનાં નિરીક્ષણો સૂક્ષ્મ હતાં. નીરવ પલકને કહેતો – ‘તારા ગાલ પરના ખીલના ડાઘા માટે તેં દવા નહોતી કરાવી?’ ક્યાંક સરને ગમતી ગઝલ વાગતી હતી : ‘એક તું હી બસ ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...’ પલક ઝડપથી તૈયાર થતી. સેંથી પૂરવા જતી અને હાથ જરા થંભી જતો. સરને તે દિવસે પલક સગાઈની ખબર આપવા ગઈ હતી. સર ખાસ પ્રસન્ન નહોતા થયા. સુરેશ જોષીનું વાક્ય ‘આ ક્ષણે આંખમાં આંસુ બનવા જેટલું જે નજીક આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.’ - ટાંકતા, આશીર્વાદ લેવા નીચે નમેલી પલકનો ચહેરો સરે હથેળીઓના સંપુટમાં લીધો હતો અને કપાળ પાસેની રેશમી કેશરાશિને ચૂમી હતી.... ‘બસ, સ...ર!’ પલકથી બોલી જવાયું હતું. નીરવને લઈ આવજે, મારે એને મળવું છે.’ સર બોલ્યા હતા. ‘લગ્નમાં નહીં આવો? સ...૨!’ ‘આવવું ગમે, ખાસ તો તને નવવધૂના પરિવેશમાં જોવાનું મન થાય. પણ હું તને આમ... જતી નહિ જોઈ શકું, પલક! મને માફ –’ લગ્ન પહેલાં કે પછી નીવે સરને મળવા જવાનો સમય જ નહોતો ફાળવ્યો. અરે! ગોવાને બદલે મુંબઈમાં – બહેનને ઘરે ફરીને જ નવા દિવસોને જૂના કરી દીધા હતા... ગોવાનો ખર્ચ...! આપણે સોસાયટીના ઘરના હપ્તા ભ૨વાના છે...!’ જોકે ઘર નાનકડું પણ સારું હતું. એને સરનાં વાક્યો ઘેરી વળે છે. ‘પતિ એવો હોય તો બસ કે જેની સાંજે રાહ જોવાનું ગમે.’ પલકે નીરવની રાહ જોવાની ટેવ પાડી હતી. ‘ઘર સ્વચ્છ હોય તો ભયો ભયો. સુખ કાંઈ સગવડમાંથી નથી મળતું. સુખ તો સહવાસમાંથી મળે છે...’ પલક માટે નીરવ પાસે જુદો પ્રેમથી અલગ કાઢેલો સમય જ ક્યાં છે? – પલકને આવી વાતો વધારે મૂંઝવતી રહે છે. પલકે સોનેરી ઝાંયવાળાં વસ્ત્રો પહેર્યાં છે. કોરા વાળ ખુલ્લા રાખ્યા છે તે આખી પીઠ છલકાય છે. જરા તીવ્ર સુગંધવાળું ચાર્લિ સ્પ્રે કર્યું છે – પણ નીરવ તો હળવા હાથે સ્કૂટર લૂછી રહ્યો છે. છેક પાસે પહોંચેલી પલક તરફ છેવટે ધ્યાન જતાં જરા મલકાય છે. પલક સ્કૂટરની પાછળ નીરવની પીઠ પર એની છાતીનો ઉભાર દબાય એમ બેઠી છે, પણ નીરવ તો મંદિરે પહોંચવા ઉતાવળો હોય એમ સ્કૂટર ચલાવવામાં જ ઓતપ્રોત છે, એ સાંજે પલક ખાસ્સી ઉત્ફુલ્લ હતી. પણ એ રસોડું પરવારીને આવે તે પહેલાં તો નીરવ ઊંઘવા પડ્યો હતો. પલકે મોડી રાત સુધી સરે આપેલી શરદબાબુની ‘ગૃહદાહ’ નવલકથા વાંચ્યા કરી. મધરાતે સૂતાં પહેલાં પાણી પીવા રસોડે ગઈ ત્યારે તેની નજર દેવગોખલે પડી – ‘બાએ દેવને ધરાવેલો પ્રસાદ એમ જ પડ્યો હતો’ – પલકને થયું કે – દેવપ્રસાદ આરોગતા કેમ નથી?? વળતા દિવસની બપોરે એને થયું કે મમ્મીને ફોન કરું ને કહું કે હું થોડા દિવસ માટે આવું છું. પછી થયું કે ના, એમ જ જઈ ચઢીશ નિરાંતે નહાવા માટે એણે તૈયારી કરી. બહાર દોરીએથી ટૉવેલ લેવા ગઈ ત્યારે દીપચંપાની સોનાવર્ગી દીવીઓથી ખચિત ડાળી પર પલકે એકલું બેઠેલું બુલબુલ જોયું. થોડી વાર જોયા જ કર્યું. પછી બાથરૂમમાં બધાં જ વસ્ત્રવ્યવધાનો ઉતારીને એણે ફુવારા નીચે બદનને ક્યાંય સુધી ભીંજાવા દીધું, પાણીના શીકરો છાતીમાં ઝીણું ઝીણું વાગીને મધુર સુખ આપતા હતા. પોતાની કાયાના કસદાર વળવળાંકોને, એના પર પડતી જળફુહારને, મોતી બનતાં ને તૂટી જતાં બુંદોને એ જોતી જ રહી, માણતી રહી જાણે! ત્યારે આ અબોટ બદન માટે કેવું તો ગૌરવ હતું! ને આજે?? જેણે આ વૈભવની પારાવાર કામના કરી હતી એનો તો પડછાયોય પડવા દીધો નહોતો, ઘણી વેદના થઈ હતી – આ બધું અકબંધ સાચવતાં! આજે જેને આ સમર્પિત છે એને જાણે કે ભૂખ નથી કે નથી કશી ગતાગમ?? પલકે ફુવારો વધારે ખુલ્લો કર્યો. એક પરોઢનું શમણું હતું : સર સફેદ ચડ્ડી અને જાંબલી ટીશર્ટ પહેરીને હોકી જેવી સ્ટીક સાથે ઘાસિયાં મેદાનો તરફ ઘોડો દબાવતા જાય એ બૂમો પાડે છે ‘સર... સર...’ પણ પલકનો અવાજ સર સુધી પહોંચતો નથી. એ જાગી જાય છે. ઠંડા પાણીમાં હૂંફાળું બદન... સ્નાન પૂરું થાય છે. પલકને ઓચિંતી અને એકલી આવેલી જોઈને મમ્મી ચકિત થઈને પૂછે છે – ‘કેમ રે આમ એકદમ? નહીં ફોન નહીં કાગળ? બધું ઠીક તો છે ને?’ ‘હા, મમ્મી! તું બહુ સાંભરી આવી એટલે –’ મમ્મીને બાઝી પડતી પલકની આંખો છલકાઈ આવે છે ‘મમ્મી! સરનો ફોન હતો?’ હા, ફોન તો નહોતો પણ ગયા અઠવાડિયે જ, પહેલી વાર આવી ચઢ્યા હતા. ઘર પૂછતા-પૂછતા. કહેતા કે પલકે પાક્કું સરનામું આપેલું હતું એટલે ઘર તો મળી જ જાય ને! તારે માટે ચોપડીઓ મૂકી ગયા છે – લગ્ન વખતે થોડી ઓછી મળેલી એમ કહેતા’તા. ઝકુ માટેય વાર્તાઓ લાવ્યા છે. ઘડીક બેઠા; પછી આખા ઘરમાં ફરી વળેલા... પૂછતા હતા કે પલક અહીં જ બેસીને વાંચતી હતી ને?! અસલ એ જ જગ્યા. ચા પીવાય ના રહ્યા...’ મમ્મીની આંખમાં ભેજ ધસી આવ્યો હતો. બીજે દિવસે પલક ‘મમ્મી, હું સ૨ને મળવા જાઉં છું –’ કહીને નીકળી હતી. સરને ઘરે કદી ગઈ નહોતી – ઑફિસે જ મળતા. આજે તો ઘરે જવાનું હતું. બગીચા સાથે જૂની મઢૂલી જેવું સરસ ઘર હતું. પલકે બારણે ટકોરા માર્યા. બારણું ખૂલતાં વાર લાગી. સર હતા. હાથમાં સિગારેટ હતી. પલકને જોતાં જ ‘અરે, તું? સર તને યાદ રહ્યા ખરા?’ હસતાં-હસતાં સિગારેટ પર ધ્યાન ગયું. બોલી પડ્યા : ‘સૉરી... પલક’ સિગારેટ બુઝાવીને સ૨ સુગંધી અગરબત્તી પેટાવે છે. ‘સર તમે સિગારેટ–’ ‘ના રે, આ તો હમણાં બે-ત્રણ વર્ષથી ક્યારેક જ... બોલ તું કેમ છે? પલક નીચું જોઈ ગઈ. એની આંખો અચાનક છલકાઈ આવી, સર ઊભા થઈને એની પાસે આવ્યા – ‘જો, રડવાનું નહીં –’ બીજી જ પળે પલક સરને વળગીને ડૂસકે ચઢી ગઈ... એમની છાતી પર માથું ઢાળીને એ રડતી રહી... નાના બાળકને મા પસવારે એમ સર પલકની કેશ ભરેલી પીઠને ક્યાંય સુધી પસવારતા રહ્યા. બહાર સમય થંભી ગયો હતો.