મણિલાલ હ. પટેલ/૩. માટીવટો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. માટીવટો

વીરુ શહેરથી વતન આવવા નીકળ્યો ત્યારે તો માથે ચૈત્રનો ચકચકતો તડકો હતો. લૂ લમણાં શેકતી હતી. એણે બસની બારી બંધ કરી દેવી પડેલી. વરસાદમાં કે ઠંડીમાં ય એને બારી બંધ કરીને બેસવાનું ફાવતું નહોતું, ગૂંગળામણ થતી. પણ આજે એનું ધ્યાન વતનના ઘરમાં મા પાસે જઈ બેઠું હતું. મોટાભાઈનો કાગળ હતો. ‘જૂનું ઘર ઉતારી લેવાનું શરૂ કર્યું છે. હવે એનાં બારીબારણાં, મોભ, પાટડા, કુંભીઓ, ભેંતા તથા મોવટીઓ બધું કાઢીને નવા ઘરમાં બેસાડવાનું છે. પાછલા ઓરડા પૂરતું ધાબું નખાઈ ગયું છે ને આગલી ચોપાડ પરસાળનું ચણતર આડા-ભૂંગળ સુધી આવી ગયું’ છે. તું આવીને એક વખત ઘર જોઈલે. નવા ઘરમાં કોઈ ફેરફાર કરવો હોય તો બતાવી જા ને મા કહે છે કે તું જૂનું ઘર છેલ્લે પણ જોઈ લે. માનો જીવ વલોવાય છે. ઘર પાડી નાખવાની વાતે એ ધરાઈને ખાતી ય નથી. પણ શું કરીએ? માસ્તર તો માને લડે છે : ‘હવે તારો જમાનો જતો રયો, તું છાનીમાની જોયા કર. ને અમે જે કરીએ છીએ તે હારા માટે જ છે, મન ના માને તો રોયા કર. પણ અમે આ તૂટતા ગામમાં નઈ રહીએ, ડૅમનો ભરોસો નઈ, તૂટે ય ખરો. આ જે નવાં ઘરાં’માં પેલ્લેથી જતા રયા એ ફાવી ગયા... કેટલી મકતી ભોંય મળી છે...’ તું આવે તો માને બે વાતો કહે, સમજાવે. એને ધરપતની જરૂર છે. તારી ટેવ પ્રમાણે આવવાનું ઠેલ્યા ના કરતો. કાગળ વાંચીને તરત ગાડી પકડજે.’ મા એટલે બાપુજીના મોટાભાઈનાં વહુ. સીતામા. શામળું એકવડિયું ડિલ. એંશીની ઉંમરે ય જાત પૂરતાં સાબદાં. ચાર ચાર પેઢીઓ એમની હીંચોળેલી, પ્રેમ અને ઠપકા આલીને ઉછેરેલી. છાંટામાંથી છાંટો ઘી દૂધ ને ફાડમાંથી ચોથિયું રોટલો વ્હેંચી આલીને માએ વસ્તાર મોટો કરેલો. વીરુએ માને પોતાની સાથે શહેરમાં રહેવા આવવા કહેલું ત્યારે મા બોલેલી : ‘ના, ભા ! અવે ઘઈડે ઘડપણ મારે ચ્યાંય નથી જવું. મારે તો આ જ મારાં અડસઠ તીરથ ને આ આંગણું જ મારું હરગ...આ ઘર તો મારું ખોળિયું સે બેટા! ખોળિયું મેલીને મારી બતી નઈ અવાય...તમે સુખી થાવ બેટા !’ મા કાયમ કહેતી : પેણીને આઈ તાર ચેડ્યે આ ઘર કરેલું. મીં જાતે તગારાં ભરી ભરીને માટીગારા ઊંચકેલાં, ભેંત્યો થાપેલી ને ઓયડા ઉતારેલા. ભૂખ્યાં રઈને રોટલા ઘડેલા, હૌને ખવડાવ્યા ચેડ ઉં ને તારી મરનારી જીજી બે ખાતાં...ભાઈએ ભાગ પડ્યા તાણેં ય આ ઘર ભાગ આયેલું...મોટા દાદા જુદા થયા. પછી ય કાકાએ ભાગ માગેલો ને એય જુદા ગયા, પણ આ ઘર આપણે ભાગે, મારો જીવ જ આ ઘરમાં, ઉં એકની બે ના થઈ તે ના થઈ...’ વીરુની આંખો સામે ઘર અને બાળપણ તરવરી રહ્યાં. રાતી ગારથી લીંપેલી ભીંતોવાળું ઘર. ભોંય તળિયે મોટી મોટી ઓકળિયો. માના હાથનું હેત એમાંથી જાણે પગને અડકે ને અંદર પેસે, કાળજે જઈ બેસે. મોટી ચોપાડ, મકતાવાળું ત્રીજયું ભેંત્યું, લાંબી પડસાળ, આગળ પાછળ બબ્બે, રસોડાંની ઓરડીઓ, વિશાળ વાડો, ઢોરભયુર્ંં આંગણું, સામે ત્રિભેટે કૂવો. ઘરને કરેથી નીકળે ધોરી વાટ. ગામના નાક જેવું, પેસતાં જ પાધરું ઘર. ઘર મોભાદાર. રસ્તાને માથે, ને ચાની તાવડી ને હુક્કોબીડી કાયમ તપતાં ને તાજાં. ગામમાં ધોરી કુટુંબ. માની ધાક ભારે. કોઈ વહુવારુ આડુંઅવળું ચાલતાં બોલતાં ફફડે. મોભી મોવડીઓ આવે કે વેવાઈ વ્હાલાંઓ આવે મા છીંકણી લઈને માફકસર દૂર બેસે ને વાતો કરે. વિવાહ કે વરસીએ માની સલાહ કોઈ ઉથાપે નહીં. માના પતિ તો જુવાનજોધ વયે નાનમ મૂકીને પાછા થયેલા. પગમાં કાટવાળી ખીલી વાગેલી ને ગંગાપૂજનની ન્યાતમાં હિંગવાળાં દાળશાક કઠોળ ખાધેલાં ને ધનૂર થઈ ગયેલું...‘ જીવવા કાંઈ જાવાં નાખેલાં...’ મા કહેતી જાય ને રોતી જાય! પછી તો મા ઘર–ગામ પર છવાઈ ગયેલી. બાપુજી બધાંને માટે કાકા બની. ગયા ને મા ઘરનો જીવ...એનો બોલ એ આખરી બોલ. ને આજે હવે— હવે એ ‘ઘર’ નહીં રહે ?...મા–નો જીવ કેવો વલોપાત કરતો હશે! વીરુ અંદરથી ધ્રુજી ગયો હતો. બધાંની જેમ મા પણ વીરુનું માનતી. પણ વીરુએ દાયકાથી વતનમાં જવાનું ઓછું કરી નાખેલું. કાકા જોડે ઝાઝું ફાવે નહીં ને મા વિના જીવ સોરાયા કરે. એ કાયમ વહેરાયા કરતો. ઝાંખા કાચમાંથી આવતો બપોરનો તડકો પણ દઝાડતો હતો. સીમ સૂની હતી, વગડો વેરાન. ફૂલો ખર્યા પછીની શીમળાની ડાળો પાંસળીઓ જેવી લાગવાથી એ વૃક્ષો હાડપિંજર જેવાં દેખાતાં હતાં. બસમાં સુસ્તી હતી. કોઈની કાણે જઈને આવતી કાળા સાડલાવાળી આઠદસ બ્રાહ્મણીઓ કે સુથારણો વચ્ચે વચ્ચે વાતો કરતી હતી. બાપાના ઠપકાથી કોઈ છોકરો ઝેર ખાઈને મરી ગયો હતો. વીરુ તાલુકે ઊતર્યો ત્યારે અચાનક ચઢી આવેલાં વાદળોમાં સૂર્ય ઢંકાઈ ગયેલો. સાંજ વહેલી થઈ ગઈ હતી. પવન ફૂંકાતો હતો. ઉબકા આવે એવી ગંદકી ચારે બાજુ વેરાયેલી હતી. બધે ખાડા પડી ગયા હતા. દોજખ જેવા સ્ટેન્ડમાં લોક સમાતું નહોતું. ખુલ્લી ગટરોની ધારે મૂકાયેલાં ગલ્લા લારીઓમાંથી ચા નાસ્તો કરતું મનેખ વીરુ જોઈ રહ્યો. પાન બીડીઓની મજા લેનારાઓ. એકે ય ચહેરો પરિચિત નહોતો લાગતો. ધૂળકટ ફૂંકાવા માંડેલું. બધું હાલંડોલ. એને લાગ્યું કે આ મુલકમાં એ પહેલીવાર તો નથી આવતો ને! છેલ્લે એ અમરીમાના મરણટાણે આવેલો. દૂરનાં કુટુંબી. ખેતરમાં આંબાવાડી કરેલી. વચ્ચે ઘર. ત્રણ ત્રણ દીકરા શહેરોમાં બંગલા ગાડીઓમાં મ્હાલતા હતા પણ અમરીમાઓ પોતાનું થડું ના છોડ્યું તે ના છોડ્યું. વીરુને યાદ આવ્યું. એનો પડોશી કહેતો હતો કે એનાં બા-બાપુજીએ, ગામનું ઘર પડી જાય તો ભલે પણ વેચવાનું નહીં એવું એની પાસે વેણ લેવડાવ્યું હતું! કોઈ રહેનાર ના હોય પછી ઘરનો શો અર્થ? મિત્ર કહેતો હતો. વીરુ કદાચ વધારે સમજતો હતો. ભાઈનો કાગળ ખિસ્સામાં જ હતો. ફરી વાંચવાનું મન થયું. એમાં ઘરવાળી વાત જાણે લખી જ ના હોય તો કેવું સારું! ને મા... એની આંખમાં કસ્તર પડ્યું. એણે આંખો પટપટાવી. બળતરા થતી હતી. પાણી નીકળ્યું તો ય કસ્તર તો ખૂંચતું જ રહ્યું, અજવાળું ઓલવાતું આવતું હતું. બધું ઝાખું થઈને દૂરને દૂર સરતું લાગ્યું. કોઈ અજાણ્યા ગ્રહનો ભય વીરુને ઘેરી વળતો હતો. સાંજના શટલનું ઠેકાણું નહોતું ને નાઇટ ગાડીની વાર હતી. વીરુ છોકરાં માટે ભૂસું લેવા નીકળ્યો. મનમાં પાછું બધું બેઠું થઈ ગયું. તોતેરની રેલમાં ગામ તબાહ થઈ ગયેલું. મહીસાગરે માજા મૂકેલી. દહીંની દોણીઓ વધેરીને ટચલી આંગળી વાઢીને રજપૂતે ભોગ ધરેલો, કુંવારકાઓએ તાબડતોબ વ્રત લાધેલાં તો ય મહીમાતા પાછી નહોતી પડી. ફૂંફાડા મારતાં પાણી ગામમાં ફરી વળેલાં. નીચું ફળિયું પાટડા લગ પાણીમાં ગરકાવ. પણ જૂનું ઘર ઊંચાણમાં તે હજી પડસાળે પાણી નહીં ચડેલાં. મા મોઢામાં જીભ નહોતી ધાલતી : ‘ મારા વીરુને બોલાવો. એના આવ્યા વના જીવ ખોળિયું મેલશે પણ ઉં ઘર નઈ મેલું...’ આખી રાત વલોપાતમાં વીતેલી. સવારે વીરુ પહોંચ્યો ત્યારે પાણી પરાકાષ્ઠાએ આવીને થંભેલાં. બપોર ઢળતામાં તો નદી પશ્ચાત્તાપમાં ગરકાવ, પાછી પડીને, જંપવા ઉત્સુક લાગેલી. પણ ઓસરતાં પૂરે જૂના ઘરના કરામાં તિરાડ ને નીચું ફળિયું જમીન દોસ્ત કરી દીધેલું. પછી તો જોતજોતામાં નવી વસાહત–‘નવાં ઘરાં’ –થઈ ગઈ હતી. ગામની ક્યારીની પેલે પાર, માઈલેક છેટી ટેકરીઓ અને કોથળિયા ડુંગરની તળેટીમાં નીચલું ફળિયું જઈ વસેલું. ગામ તૂટવા લાગેલું, વીરુ માટે આ ઘટના એક ખોળિયાના બે ભાગ કરવા જેટલી પીડાદાયક હતી. એના બે ભાઈઓનાં ઘર પણ નવાં ઘરાંમાં જઈ વસેલાં. આથી ટાણે પ્રસંગે કુટુંબનું બેસવું ઊઠવું વિખરાઈ ગયેલું. આપદા ઓછી નહોતી. નવાં ઘરાંમાં આવી જવું હવે જરૂરી હતું. પછી સારી ઘરથાળ મળવી મુશ્કેલ. કાવાદાવા, અરજીઓ ને બાતમીઓ, સરકારના તુમાર, અધિકારીઓને લાંચ, છેવટનાં સમાધાનો. ધનની બરબાદી. પણ માનો જીવ...જાૂના ઘરની જાહોજલાલી... શટલ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ઝાંખા ચ્હેરાઓ ને મેલાં લૂગડાં. મોટેથી થતી વાતો. શ્ર્વાસ અને પરસેવાની દુર્ગંધ. બસનો કાનતોડ ખખડાટ. ટેકરીઓના ચઢતા ઉતરતા ઢાળમાં લાગતું હતું કે હમણાં જ ફંગોળાઈ જશે. જોકે બધાં વાતોમાં તલ્લીન હતાં. શું બોલતાં હતાં એના વતનનાં આ મનેખ? વીરુને કાંઈ સમજાતું નહોતું. વીરુ નવાં ઘરાંના સ્ટેન્ડે ઊતર્યો ત્યારે રાત પડી ગયેલી. શેરી દીવા આજે સળગ્યા નહોતા. એકલા પંચાયતઘર પાસે ઝાંખો બલ્બ ઝીણો પ્રકાશ પાથરવા ફાંફા મારી રહેલો. ટેકરીઓ અને એમનાં બચોળિયાં જેવાં ઘરો અંધારામાં ડુલ હતાં–બધું એકાકાર. હજી આ જગાનું વહાલ વળગ્યું નહોતું. વીરુ ઊભો રહ્યો, તારા ભર્યું આભલું એની સામે આંખો મીચકાવતું હતું. મહીસાગરના ભાઠામાં સારસ બોલતાં સંભળાયાં. એને જૂના ઘરે જવાનું મન થયું. પણ અત્યારે માઈલ ચાલવાનું–અંધારું અને વચ્ચેનાં ક્યારી ચરો! પગ ભાઈના નવા ઘર તરફ વળ્યા. બધાં બે દિવસથી વાટ જોતાં હતાં. સવારે સરપંચનું ટ્રેકટર જૂના ઘરનો સામાન ખેંચી લાવવા જતું હતું. સરપંચ ભાઈ વીરુને બોલાવવા આવ્યો : ‘બેસી જાવ ટ્રેકટરમાં, વીરુએ કહ્યું : ‘વળતી ફેરા વાત’ સિગારેટ પીતાં સરપંચ સ્વાભાવિક રીતે વાતોએ ચડ્યા.‘ માસ્તરને જગા સારી મળી છે. અમલદારોએ અઘરું પાડ્યું પણ માલિકની મરજી તે બધું પાર પડ્યું. ઘર દીપી ઊઠશે. ખરા મોખામાં પડ્યા.ત્યાંય ધોરીવાટ હતી અને અહીં તો કરામાં જ પાકી સડક. પાછળ વાડા ને શાકભાજી વાડીઓ ય થશે. થોડાં ઝાડ થશે તો નંદનવન લાગશે. પણ તમે જરા માને મનાવી લ્યો. ઘરડા જીવને લાગી આવે. જગ્યાની માયા તો ઢોરને ઓય સે, ને બાપદાદાની ભોંય છોડતાં કાળજું કાંપે પણ અવે ગામ તૂટયું ને નદી સાપણ જેવી. મા–ને કહો કે આવતી પેઢીના લાભમાં મન કાઠું કરે...કેમ ખોટું કઉસું?!’ વીરુ હોંકારો દઈ ના શકયો. ટે્રકટર ગયું. એને લાગ્યું કે બુલડોઝર પસાર થઈ ગયું... હાશ! પણ– જૂના ગામ જતાં આજે પગ પાછા પડતા હતા. જીવ ચૂંથાતો હતો. વળી વળીને પરસેવો થઈ જતો હતો. વાટમાં જતાં અમરીમાની વાડી આવી. એ ઊભો રહી ગયો. ભર્યુંભાદયું ને કલ્લોલ કરતું જીવતર મૂંગું થઈ ગયેલું. આંબાઓ ઉપરની કેરીઓ ભેળાઈ ગઈ હતી. અડધું ભાંગી પડેલા ઘરના ઢાળિયા નીચે કોક રખેવાળ સૂતો હતો. ચારે તરફ ઉજ્જડનો ભણકારો ને સૂનાં ઝાડ. એની આંખમાં ભીનાશ ઊઠી. આંખો સાફ કરી ત્યારે કેડી–સાપ જેવી કેડી–ભળાઈ. નીચલું ફળિયું પડીને પાદર થઈ ગયેલું. ભગુકાકાના ઘરની ભીંતો હજી ય ખંધોડિયાં થઈ ઊભેલી છે. પાદરનો કૂવો વપરાશ વગર અવાવરુ તૂટેલી વંડી ને ભાંગેલું ઉરુ... પાસેનો વડ પણ પાંખો થઈ ગયેલો છે. નીચીફળી વચ્ચેનાં ખંડેરોમાં ભીંતોના છાંયડે થોડાંક ટેણિયાં લખોટીઓ રમે છે. પોતે ય અહીં કેટકેટલી વાર...! શિવાલય નથી રહ્યું ને નિશાળ હતી ત્યાં મરેલાં ઢોરને ચૂંથતાં ગીધ. એ જોઈ નહોતો શકતો ભૂત આમલીનું ઠૂંઠૂં! દરેક ભર્યાં ફળિયાંમાંથી એકાદ એકાદ ઘર ઊઠી ગયું છે. કોઈ મોભી સ્વજન ગુજરી ગયા પછીના ઘર જેવું. ફળિયાં ઉદાસ છે. સૂની ઘરથાળે આકડિયા ઊગી આવ્યા છે. દોઢીનો દરવાજો જમીનદોસ્ત થઈ ગયો છે. દરબારની ડેલી બેવડ વળીને પડવાને વાંકે ઊભી છે. હવે અફીણ કસુંબા નથી ઘોળાતાં. વચલે ફળિયે ભાયરામનાં ઓટલા, પડસાળો ખાલીખમ પડ્યાં છે. બેઠકો નથી થતી, ઢોલ નથી વાગતા હોળીના. વરઘોડા નથી નીકળતા ઊભી વાટે. ફૂલેકાં ફળિયાં વિના ક્યાં ફરે હવે? ધૂળ, ધૂળેટીને ધારો રમનારાં ક્યાં છે? પત્તે રમતાં છોકરાં ને રાતની મંડળીઓ... વીરુએ કહ્યું : ‘મા, ક્યાં છે ગામ? કશું જ બચ્યું નથી. કાળ તાણી ગયો બધું. મા મહીસાગર જોતી રહી. એ ય સૂકાઈ ને સંકોડાઈ ગઈ છે. મા, જિદ્દ મૂકી દે... જે થાય તે જોયા કર મા, જે હાથમાં નથી એ સાથમાં ક્યાંથી? જીવ બાળીને રાખ ના કર. ચોથી પેઢીએ દીવા પ્રગટયા છે–એનાં અજવાળાં અખંડ રહે એવી આશિષ આલજે મા, તેં તો આખો જન્મારો તેલ ઉંજ્યાં ને ઘી પૂર્યાં. ગોખલાનો દીવો બૂઝાવા નથી દીધો. મા મહીસાગરે માઝા મેલી પણ તેં તો માંયની આગ એકલીએ વેઠીને રાજીપો વહેંચી આલ્યો છે સૌને–હવે, છેલ્લી વખતે જિદ્દ શાની? મા, તું તો કળજુગમાંય લખ્યાલેખ ને કરમમાં માનનારી...’ માએ વીરુનો હાથ પકડયો. બોલતો અટકાવી, આંખો લૂછી, નાક નસીંક્યું. માએ મુખ્ય બારણું કાઢતા મજૂરોને રોક્યા. કહેલું ‘કાલે કાઢજો.’ વીરુ જોઈ રહ્યો : મોભ ઉતરી ગયા હતા. વર્ષોએ ઢાંકેલી દીવાલો ઉઘાડી પડી ગઈ હતી. પાટડા જતાં કુંભીઓ એકલી નિઃસહાય રક્ષકના પાઠમાં ઊભી હતી. બારી બારણાં નીકળતાં હતાં. દીવાલોમાં ગાબડાં, માળાઓ વીંખાતા હતા. ખાલી કોઠારો ખુલ્લા થઈ ગયા હતા. રસોડામાં કાળમુખા, ચૂલા બળતા હતા. ભેંસોના ખાણનાં ગોરિયાં ભાંગી ગયેલાં પડ્યાં હતાં. જૂનાં પેટીઓ, પટારા, કબાટો, મજૂસ, કોઠલા, ખાટલા, ધૂળખાધી ગોદડીઓ, થાળુંભાંગી ઘંટીઓ, કાન તૂટ્યાં એંઠવાડનાં કૂંડાં, દહીંની દોણીઓ, ચીકટાં થયેલાં શીકાં, જૂનાં કુલ્લાં, આળિયા, ગોખલા. કોઠિયાના ખાડા, ઝંખવાયેલા ખડપૂળા, રોટલાઓ ઘડી ઘડીને કાણી થઈ ગયેલી જાડા લાકડાની કથ્થાઈ કથરોટો... વીરુના અંગે અંગે કશેક કંપ ઊઠતો હતો. એનાં ગળામાં સોસ, તરસ. મા પાણી લેવા જતી હતી. વીરુએ રોકી. એ પોતે ગયો. પાણિયારું તૂટતી ભીંતોની ધૂળથી ઢંકાઈ ગયું હતું... મા માટે એ પાણી લાવ્યો. માએ પીધું. નપાણિયા ગોળાઓ- ચવડાઓ ને ટાટિયાં બાંધ્યા નાવણિયાં-બધું વેરવિખેર હતું, ભાભી બબડતાં હતાં : ‘એ ડોહલીને ઘર લઈને ચ્યાં મહાણોમાં જવાનું અશે? આખો જન્મારો નાવાધોવાનું કે બેહવા ઉઠવાનું હખ ના પડયું. આ ઘરમાં... મકતી જગ્યા હું છાતીએ મારવાની...?’ વીરુને જોતાં જ ભાભીનો પપડાટો અટકયો. માની આંખોમાં જુદી જ ચમક વીરુ જોઈ રહ્યો... મા વીરુને આંગળી ચીંધીને બતાવતી હતી. અહીં તારા બાપા જન્મેલા, તું પણ અહીં. જો પણે જો, ભીંતે ગણપતિ દાદા બેઠા સે ત્યાં બધી ફઈઓ અને હૌને પીઠી ચડેલી. આ જુદા જુદા ખૂણાઓમાં હૌ હૌના ખાટલા ને ઘરસંસાર... ચોપાડમાં ઘોડિયાં, મ્હેમાનો, કાયમનાં ચાપાણી. હુક્કા બીડીઓ ને છીંકણીના સડાકા. આંગણામાં માંડવા ને ફળિયામાં પંગતો, બેસણાં ને સજ્જાઓ પણ પડસાળે, બેટા અહીં તારા દાદાને ભોંય ઉતારેલા, અહીં જ તારી બાએ છેલ્લો હાહ લીધેલો. મરનારાંના ચોકા આ ભોંય પર આ હાથોએ લીંપેલા. બેય માસ્તરોની દેવ જેવી વહુઓને રોગ દવાખાને ખેંચી જ્યો ને એમની લાશો ય અહીં ઉતરેલી... વલોપાત ને વપત બેટા, હવે હું ય અહીંની જ હકદાર...આ જ ભોંય ને આ જ જગ્યા મારી...’ મા આગળ બોલી ન શકી. એના ગળામાં ડૂમો બાઝી ગયો હતો. દીવાલને છાંયડે ખાટલીમાં માને સૂવડાવીને વીરુ માથે બેઠો છે. મજૂરો દેમાર તડકામાં તડામાર કામ કરે છે. મા આંખ ખોલે છે, વીરુને કહે છે.‘આ માટીનાં દડબાં, આ ભોંયની ગોરમટી ખોદી લેવડાવજે. નવાઘરમાં પાછલો ઓરડો આની ગારથી લીંપાવજે મારે માટે બેટા! આ ખોળિયું—’ મા ખાટલીમાંથી બેઠી થઈ– ‘બેટા, અંજળ પૂરાં થયાં..., ઉઠતીકને એ ચોપાડ વચ્ચે જઈ પ્હોંચી. ધીમેશથી એની કાયા ઢળી પડી. વીરુ દોડયો–મા બાલતી હતી...‘ કોઠલામાં ગંગાજળ...ગાયનું છાંણ... બેટા...’ વીરુ મા, મા કરતો રહ્યો. બધાં ભેગાં થઈ ગયાં, ગામ આખું ડોશીનાં મોત પર મોંમાં આંગળાં નાખી ગયું. ઉતારેલા ઘરના મુખ્ય બારણેથી ઢળતી બપોરે ડોશીનો દેહ નીકળ્યો. બબ્બે સગા દીકરા છતાં સૌએ વીરુ પાસે દોણી દેવતા દોરાવ્યાં. કોઈ રડ્યું નહીં. સાંજે ચ્હે ઠારીને ડાઘુ પાછા વળ્યા. કોગળા પતી ગયા. બધાં ઘરોમાં પ્હોચીં ગયાં. વીરુએ જોયું તો મુખ્ય બારણું ઉખાડી લઈને મજૂરો સાથે છેલ્લું ટે્રકટર જતું રહ્યું હતું. ફરતું કૂતરું કશુંક સૂંઘીને થોડી થોડીવાર રડતું હતું...