મણિલાલ હ. પટેલ/૪. બદલી
રોઈ રોઈને અંબાની આંખો રાતીગલ થઈ આવી છે. વગડા માથે ચઢતા બપોરનો તડકો વેરાયો છે. રસ્તાની બેઉ ધારે ઊઘડેલા સોનારા ખરી રહ્યા છે, એનાં પીળાં આવળશાં ફૂલોને જતુંવળતું લોક ચગદી નાખે છે. આંખનાં આંસુને હોઠ કરડીને ખાળવાના અંબાએ ઘણા ઉધામા કર્યા પણ એના પર આજે એનો કાબૂ નહોતો. ગામ બપોરિયું ગાળવા ખેતરેથી ઘરઢાળું થયું ત્યારે અંબા નાછૂટકે વગડે જવા વળેલી. પાકવા આવેલી મકાઈ. માથે ઓતરાચીતરાના તડકા. દેમાર. ખેતરની મોચમમાં હજી પાછેતરી મકાઈના કૂણા – કાચા છોડ હતા. આકરા તાપમાં વિલાયેલા; કોક ભાંગી પડેલા અડધેથી. પણ અંબાએ તો એક વખત મન મૂકીને રડી લેવું હતું, રાયજી માસ્તરની બદલીના સમાચારે આજે એને માંહ્યથી વીંખીપીખીં નાખી હતી. હાથમાંનાં દાતરડું–બન્ધિયો કયારે શેઢા પર મુકાઈ ગયાં ને કયારે ખાળેલી આંખોની પાળોનાં અવાણા ઊઘડી ગયા એનું અંબાને ભાન ના રહ્યું. વગડો ભેંકાર. ઘરમાં ગૂંગળાતો જીવ સીમાડે મોકળો થાય એ ગણતરીએ મન ગાંઠયું નહીં. વગડો ય મૂંઝારે વસમો લાગતો હતો. શરીરમાં ગરમ લાહ્ય જેવી બળતરા. હીબકા છાતીમાં સમાય નહીં. વાડ અને મોચમ વચ્ચે મળવા મથતા થૉરના પડછાયાઓના પાંખા પણામાં અંબા બેસી પડેલી. આટલું તો ત્રણ વર્ષ પહેલાં એને પહેલવારકા પતિ રાયજી માસ્તરથી બેઉની ઇચ્છા વિરુદ્ધ અળગી કરીને નવા પતિ રેવજી વેરે વળાવી દેવાઈ ત્યારે ય નહોતું રડી શકી. વાધરી માટે ભેંસ મારવામાં આવેલી. દેવને ઘેર દવ પડે તો બીજું થાય શુંં! અંબાએ ધમપછાડા તો ઘણા કરેલા પણ એની એકેય કારી ફાવેલી નહીં. સગા બાપ અને ભાઈએ પંચ વચ્ચે અંબાની ફારગતી કરી નાખેલી. આવી છેડાછૂટ સાંભળીને રાયજી–અંબા તો વાઢો તો લોહી ના નીકળે એવાં થઈ ગઈલાં. છેવટે તરફડીને બેઉ હાર્યાં થાકયાં ટાઢાં પડેલાં, કારગતિયાઓના કાંઠાકબાડા આગળ કિસ્મત-કરમ ને દેવદાનવ બધાંય લાચાર. ભર્યા પંચમાં પત્તર ખંડાઈ હોય પછી થૂંકયું ગળવાનો સવાલ આ જન્મારે તો ના ઊઠે. નાત એટલી નઘરોળ. વાતમાં કાંઈ ભલીવાર નહોતો. અંબાનો ભાઈ અંબાની સગી નણંદ સુખી વેરે પરણાવેલો. હવે ભણેલા નોકરિયાત ભાઈને સુખી ખટતી નહોતી. કોહ્યું ત્યાંથી કાપવા બેઠેલા પંચે નર્યાને ગળેય નખ દીધા વિના છૂટકો નહોતો : તમારી છોકરી તમારે ઘેર અને અમારી અમારે ઘેર : આદમી કાંઈ દેડકે ગળ્યા નથી. જેવું જેનું અંજળ– આટલું કહીને વાત ઉકેલી દેવાયેલી ત્યારે રાયજી–અંબા હાજરે ય નહીં. છૂટા પડવાનું તો એમને શમણું ય નહોતું આવ્યું. હજી હમણાં જ હળ્યાંભળ્યાં હતાં. અંબાની જીભ ઝલાઈ ગયેલી. રાયજીના જીવતરને લકવો માર્યા જેવું થયેલું. છેવટે અંબાએ ભાઈ અને રાયજીએ બેન કાજે ભોગ આપ્યા—નું મન મનાવ્યું, ગઈગુજરી ને પાર પાડી. નાતરિયા ન્યાતમાં આ કાંઈ નવી નવાઈની વાત ના ગણાય.પણ મોસમ આવે ને ઝાડ ફૂટે નહીં એવું બનતું તો જાણ્યું નથી. નીંભાડા જેવી વેળા. એમાં શેકાતી અંબા. અંબા ફૂટડી. જરા ઊંચીય ખરી. સોટા જેવી ઘડેલી કાયા. મોટી આંખો વધારે કાળી. મહુડીનો છાંયો પીઠ ઉપર પાથર્યો હોય એવા વાળ, ભરચક ઊજળા ચહેરા પર સવાર જેવી નમણાશ. પીળી કરેણના ફૂલ જેવું નાક. દીવાની જ્યોત જેવી નજર. રાયજી અંબા પર ઓળઘોળ થઈ ગયેલો. આંખ ઠરે એવી જુગતે જોડી, છેવટે– બીજીવારનો પતિ રેવજી અંબાને પામીને આ બીજવરની આંતરડી ઠરેલી. રેવજી ઘણો કહ્યાગરો ને જતન કરનારો. રંગેરૂપે ય અંબા જોડે નભે એવો. અંબા આવી ત્યાથી એણે એને અછોવાનાં કર્યાં હતાં. પડ્યો બોલ ઝીલવા એ તૈયાર. અંબાના મોઢા પરથી ઓલવાઈ ગયેલું હસવું પાછું આવે એ કાજે રેવજીએ એક આખું વરસ અંબાને પાંપણોના છાંયડે રાખેલી. રેવજી જાણતો હતો કે અંબાનું ઘર નંદવી નાખનારાએ એનું મન પણ નંદવી નાખ્યું હતું : એ હૈયે હસતી થાય તો ગાલે ખાડા પડે : –રેવજીની આ અબળખા પૂરેપૂરી ફળી નહોતી. તોય અંબા ધીમે ધીમે નવાં ઘરવર સાથે ગોઠવાતી જતી હોય એમ વર્તાતું. અંબાને ક્યારેક હસતી જોતાં રેવજીનો જીવ ઠરતો. એને મનવર કરવાનો એકે ય અવસર એ જવા દે એવો નહોતો. અંબાનું મન રાખવા તો એણે, પોતે ખેતી કરતો હોવા છતાં નોકરિયાત જેવાં લૂગડાં કરાવેલાં. એ પોતે રાયજી માસ્તરની માફક સુઘડ રહેવા મથતો. રાયજીથી એ કોઈ વાતે જાય એવો નહોતો. છેડાછૂટના બીજે જ દહાડે રાયજી માસ્તરની સગાઈ થઈ ગયેલી. મોભાદાર ઘરનો આદમી ચાર ઘડી બૈરાં વગરનો રહે તો નાતમાં નાક વઢાય. એમાં ય આ તો માસ્તર! રાયજીના દુઃખ કે ઉમંગની વાત તો કોણ જાણે... પણ અંબાને ગળે એ દા’ડે પિયરમાં ય કોળિયો ધાન નહોતું ઊતર્યું. રેવજી વેરે એનાં લૂગડાં પહેરાવવાનું તો ત્યાર પછી ચાર છ માસે નક્કી થયેલું. ત્યાં સુધી અંબાના વલોપાત ભર્યાભાદર્યા ચોમાસા જેવા રહેલા. કેમેય કરીને જો રાયજી સાથે પાછું... પણ પછી તો જન્મારાનું છેટું પડી ગયું હતું. લાંઘણોએ તથા આંસુએ એને સૂકવી નાખેલી એટલું જ. નવી વહુ સાથે નોકરીએ ચાલી ગયેલો ભાઈ, એને તો પછી ન દેખવું કે નહીં દાઝવું. પણ પથ્થર કાળજાના બાપા તો અંબા સાથે આંખ મેળવીને વાત નહોતા કરી શકતા. રેવજીનું ઘર માંડવા નીકળેલી અંબાને ઘસડી જતા કાળને જોતાં એ ડૂસકે ચઢી પછી સૂનમૂન થઈ ગયેલા. ઠરીને ઠામ થવા મથતી અંબા અડધે કામે થંભી જતી. પાસે કામ કરતા રેવજીને ય એ ભૂલી જતી. રાયજીનો સહવાસ. ચપટીક પુણ્યનો પ્રતાપ. ઓખા બાવન ગાળામાં ધણીની હાર્યે બહારગામ રોટલા ઘડી આલવા જનારી એ પહેલી બાઈ હોય એવો અંબાને એ દિવસોમાં ભાવ ઊભરાતો. મન મૂકીને જાતભાતનું રાંધતી, જમાડતી અંબાને રાયજી સિનેમા દેખાડવા લુણાવાડા લઈ ગયેલો. પોતે લાખ શરમાઈ તોય એને પાન ખવડાવેલું. ગામલોકો એને નજર માંડીને જોઈ રહેતા. ‘સાહેબનાં વહુ’નું માન તો સાહેબથી ય વધારે. બધાં એને ‘બહેન’ કહેતાં. રાતે અંબા રાયજી માટે અડધી અડધી થઈ જતી. બીજામાં ખોવાયેલી અંબાને રેવજી જોઈ શકતો નહોતો. એ એને વાતે વાળતો. કયારેક રાયજી માસ્તરની વાતો પૂછતો ને પાછો પેટ ભરીને પસ્તાતો. અધૂરામાં પૂરું, વર્ષ પહેલાં રાયજી માસ્તરની બદલી રેવજીના ગામની નિશાળમાં થઈ. અંબા આથી ફફડી ઊઠેલી. પણ ઊંડે ઊંડે કોઠામાં એને કશીક ટાઢાશ ફરી વળેલી. જ્યારે એ દિવસોમાં રેવજીના ચહેરાનું તેજ વિલાઈ ગયેલું. અંબાને ય, આથી ફાળ પડેલી. અંબા રેવજી માટે પહેલીવાર વલોવાઈ ઊઠી હતી. ચિંતાને લીધે એણે રેવજીની વધારે કાળજી લેવા માંડેલી. રેવજી સાથે રાતે એ વધારે જાગતી એનું મન એને કહેતું કે – ‘ભૂંડી, તારે ય એક ભવમાં બે ભવ તો થયા, હવે જે મળ્યું છે એનાથી ય મોઢું ફેરવી લેવામાં તું શું ન્યાલ થઈ જવાની હતી? આ કણબીને બબ્બે બૈરાં પછી ય નિરવાશ થવાના દંન આવશે તો તારો આવતો ભવે ય કોણ જાણે કેવોક જશે? એક નંદવાયું તે ઓછું પડે છે તને?...’ રેવજીનો ઝંખવાયેલો ચહેરો જોતી ને પાછી અંબા વા–વિચારે ચઢી જતી : ઃ અભાગણી! મૂઈ, આ કણબીએ તારું શું બગાડ્યું છે? તારું ઘર ભાગ્યું તો તારાં સગાંવહાલાંએ ભાગ્યું. આ તો તારા દુઃખમાં ભાગ પડાવનારો ભાઈબંધ મળ્યો ગણાય. એણે તો તને ખાટલે ને પાટલે કર્યા કરી છે. ભૂંડી! તું એના મૂઢા સામું તો જો... ગાય તરસી વાળ્યાનું પાપ શું કામ માથે વહોરે છે? આવતો ભવે ય બગાડવા બેઠી છે? હવે કોડિયું તો કોડિયું. એના અજવાળાં ઘર લીપવા ઓછાં નથી. એમાં પણ છેદ કરીને તો તું કાંઈ નહીં પામે, હા...’ આ બધું સંભારતી અંબા કૈંક શાંત પડી. પાકવા આવેલી સીમ માથે વેરાયેલો તડકો થોડો હતો. પણ સૂનકાર ચત્તોપાટ પડેલો ભળાતો હતો. દૂર સડકના સ્ટેન્ડેથી આવતો મુસાફરોનો અવાજ આઘો–ઓરો સંભળાઈને વિખેરાઈ જતો હતો. મકાઈના છોડની પાનઠો પીળી પડવા માંડી હતી. પણ ડોડા હજી ય લીલા હતા. માએ કેડ્યમાં છોકરું તેડ્યું હોય એવા મકાઈના છોડ એ જોઈ રહી. પોતાની અંદરનું ઓધાન ફરક્યાનું ઓસાણ જાગતાં પાછો રાયજી સાંભરી આવ્યો. પોતે એના વસ્તારની મા ના બની શક્યાનું દુઃખ ઊમટી આવે એ પહેલાં એણે મથીને રેવજીનું રટણ આદર્યું. આવનાર બાળકનું મોંરખાણું રેવજી જેવું આવે એમ એ ઝંખી રહી. એકવાર રાયજી બીજા માસ્તરો ભેળો ફળિયામાં સામેના ઘરની પડસાળે આવી બેઠો હતો. અંબાએ ધીમેથી બારણું વાસી દીધેલું. પણ કમાડની તિરાડોમાંથી એને ધરાઈને જોઈ લેવાની તલબ એ દાબી શકી નહોતી. પછી ય કામ કરતાં કરતાં રાયજીનો બોલાશ સાંભળવા કાન સાબદા થતા રહેલા. આજે અંદરથી એ બોલ વળીવળીને સંભળાતા હતા. અંબા ઊપસેલા ઉદર પર હાથ રાખીને આંખો મીંચી રહી... બીજી વાર, ખેતરથી ઘેર જતાં સામેના રસ્તે, નિશાળ છૂટતાં રાયજી પાછો વળતો હતો. એક પળે તો અંબાને થયેલું કે એને ઊભો રાખી ગળે વળગી રડી લે, પણ બીજી પળે વાટ બદલી વળી જવાનો સણકો ઊઠયો. એ પગ ઉપાડે એ પહેલાં તો પાસે આવી ગયેલો રાયજી બોલેલો : –તમારા ગામમાં આવીએ છીએ તે કોઈ દિવસ ચા-પાણીનો ભાવ તો આઘો રહ્યો, પણ આંખ માંડીને વાત તો કરો–કે પછી બધાં ય સગપણ સાવ ભૂલી ગયાં? –ભગવાન ભૂલવે તો બધુંય ભૂલી જવું પડે ને વાતો તો હવે કરીએ કે ના કરીએ, શું ફેર પડવાનો હતો–દઈને ઘેર દવ – બોલતાં બાલતાં અંબાની આંખો ભીની થઈ આવી. ગળું રૂધાઈ ગયું. વાત કરો તો મનને વિસામો મળે, બાકી વાતે પેટ થોડાં ભરાવાનાં હતાં? તમે તો નજર મેળવવામાંથી ય– અંબાની તકાયેલી આંખોમાં મહુડાં જેવાં આંસુ જોતાં રાયજી બોલતાં અટકી ગયેલો. મારું ભલું તાકતા હોવ તો અહીંથી બીજે કશે બદલી કરાવી લ્યો, મારાથી આવું વેઠાતું નથી– ન બોલવાનું બોલાઈ જતાં હલબલી ઊઠેલી અંબા કોઈએ ધકેલી કાઢી હોય એમ ચાલી ગઈ હતી. ઘેર જતાં જતાં એને ઘણુંય થયેલું કે–ફૂટયા કરમની! એણે તારું શું બગાડ્યું. છે. એની વાટે નોકરી કરે એમાં તારું શું લૂંટાઈ જાય છે? આ વલોપાત ઘણું ચાલેલો. પણ આજે એણે પડોશમાં થતી વાતોથી જાણ્યું કે રાયજી માસ્તરની બદલી થઈ ગઈ છે–ત્યારે તો એ અંદરથી ખળભળી ઊઠી. ભૂંડી! તારે લીધે જ, તારે કહ્યે જ એમણે બદલી માગી લીધી હશે–કપાતર તું–અંબાએ જાતને તમાચા માર્યા. તોય ધરપત ન વળતાં એ ખરે તડકે ખેતરે આવી વિલાપે ચડી હતી. રેવજી બજારના કામે લુણાવાડા ગયેલો હતો. બપોર ઢળી ગઈ. અંબાની આંખો સુકાઈને સૂજી ગઈ હતી. ત્રણની બસનો ધમકારો સંભળાતો તો ય રેવજીના આવવાનું ઓસાણ ન આવ્યું. એ તો તડકા વચ્ચે ઢગલા જેવી પડી જ રહી. અચાનક કોઈના આવવાનો અણહારો સંભળાયો. અંબાએ ડોક ફેરવી, રેવજી સામેથી એને જોઈને સપાટાબંધ આવતો હતો. અંબા ઊભી થઈ ગઈ. ખરે બપોરે બેજીવી અંબાને ખેતરે આવેલી જોઈ હાંફળો ફાંફળો થઈ ગયેલો રેવજી એની રાતીચોળ આંખો જોઈ ધરુજી ઊઠ્યો. એ અંબાને કાંઈ પૂછે એ પહેલાં અંબા દોડતીકને એને વળગી પડી. એને ખભે માથું નાખી દઈ એને હાથોથી હચમચાવી નાખતી એ રડી ઊઠી. બાળકની પેઠે રડતી અંબાને પંપાળતો રેવજી પૂછી રહ્યો : શું થયું છે? શું થાય છે, એ કહે. કાંક વાત કર–જરા શાંત થા, સમજ પડે એમ તો કશુક–બોલતાં રેવજીનો કંઠ પણ ભરાઈ આવ્યો. તમે હવે મને એકલી મેલીને કયાંય નહીં જાવ; હા, કહી દો કે કોઈ દંન કશેય નહીં જાવ : કહેતી અંબાની છાતીના બંધ ખૂલી ગયા. હચમચી ઊઠેલી અંબા શાંત થઈ ત્યારે એણે રેવજીની આંખોમાં આજે આંસુ ચમકતાં જોયાં. રેવજી આંસુ રૂંધવાને બહાને મકાઈના અડધેથી ભાંગી પડેલા છોડને ટટ્ટાર કરવા મથતો હતો. રેવજીને પહેલી જ વાર જોતી હોય એમ અંબા એને, બસ, તાકી જ રહી.