મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૭

ગંગાસતી

જુગતી તમે જાણી લેજો પાનબાઈ!
મેળવો વચનનો એક તાર;
વચનરૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમના માર...          જુગતી ૧

ભાઈ રે! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે
મરજાદ લોપાઈ ભલે જાય;
ધરમ અનાદિનો જુગતીથી ખેલો.
જુગતીથી અલખ તો જણાય...          જુગતી ૨

ભાઈ રે! જુગતીથી સેજે ગુરપદ જડે પાનબાઈ!
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહિ,
જુગતીથી જાણે તો પાર પોંચી જાય...          જુગતી ૩

ભાઈ રે! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે’ સદાય
ગંગાસતી એમ બોલિયાં રે,
તેને તો નમે જગતમાં બધાંય...          જુગતી ૪