મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વસંતગીત
Jump to navigation
Jump to search
પાંદડીઓ લીલીછમ ભાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
પોતામાં કેમ અરે, કૂણું કૂણું સળવળતું
કાલ હતાં સુક્કાં સૌ પાન
આસપાસ કાન જરી માંડ્યા તો
સંભળાતાં પંખીના કંઠેથી ગાન
જંગલ તો વિમાસે : સોળે શણગાર કર્યા કોણે આ ભોળકુડી ડાળીને?
ઝાકળના આસવમાં એવું કશુંક છે કે
તરણાંનાં ઘેન નથી ઊતર્યાં
ટેકરીના ઢાળ વળ્યા ખીણમાં ને
પડછાયા બીડમહીં દૂર દૂર વિસ્તર્યા
હરખાઈ હરખાઈ હરણાંઓ કૂદે છે પુચ્છ અને શિંગડાં ઉછાળીને
આછી સવાર જેવી મઘમઘતી હમણાંથી
ઠેર ઠેર વગડે બપ્પોર
સાંજને ત્યાં ઊતરતી જોઈ એવું થાય :
આમાં રૂપ કોનું મ્હોરે છે ઓર?
વાયરાએ તીરખીને લાડ કર્યાં એવાં કે જીજાજી હેત કરે સાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
પાંદડીઓ લીલીછમ ભાળીને