મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સામે તીર
Jump to navigation
Jump to search
સામે તીર
ઘર છે સામે તીર
સજન, તારું ઘર છે સામે તીર
ઓસરતાં નહીં નીર
સજન, તારું ઘર છે સામે તીર
માળામાં કલશોર વળે છે
નીરખે સંધ્યા : સૂર્ય ઢળે છે
ઊભી હું ય અધીર
સજન...
તારા ઘાટે ઝળહળ દીવા
નાવ ન આવી, થાકી ગ્રીવા
તું શું જાણે પીર?
સજન...
સમજણ દુનિયાભરની કાચી
કેવળ ડાળ કદમ્બની સાચી :
જૂઠો એક અહીર
સજન...