મર્મર/ઊર્મિલા–લક્ષ્મણ


ઊર્મિલા–લક્ષ્મણ

લક્ષ્મણઃઊર્મિલે, પ્રિય ઊર્મિલે!
ઊર્મિલાઃપધારો નાથ દાસીને
શો આદેશ વદો, ધારી મુખે કેમ ઉદાસીને?
લ. :ઊર્મિલે! હોઠ આવેલા શબ્દો હૈયે સરી જતા,
આઘાત પ્રિયને દેવા એ તૈયાર નથી થતા.
ઊ. :આઘાત! સ્વામી શું છે ક્હો
લ. :ઊર્મિલે પ્રિય જાણીને
કલ્પું છું શી દશા તારી! વદું કેમ કુવાણીને!
ઊ. :મૂંઝાઓ નાથ ના, બોલો ઊર્મિલા તો તમારી છે
તમારી વીર્યશ્રી પૂજી, બની એ વીર નારી છે.
બોલો, ઔત્સુક્યમાં હૈયું પર્ણશું ફફડી રહ્યું
કહો હૈયું કરી વજ્ર, વજ્રહૈયે સૂણીશ હું.
લ. :અયોધ્યા નગરી બંધુ જ્યેષ્ઠ શ્રીરામ ત્યાગીને
પિતાની શિરસાવંદ્ય ગણી આજ્ઞા, સીતાજીને
જાય છે સાથ લેઈ, ને બંધુસેવાર્થ ભાઈ હું
જાઉં છું વનમાં સાથે, કર્મની કઠણાઈ શું!
ને તારે
ઊ. :ને મારે અહીં પ્રાસાદે ર્હેવાનું છે, કહો, કહો
નાથ કાં અટક્યા?
લ. :પ્રિયે નયને નીર ના વહો,
જોઉં છું છાતી આ ઊંચી નીચી સિન્ધુતરંગ શી
હાંફતી, મ્લાનતા છાઈ રે તારે અંગ અંગ શી!
વાસંતી દ્રુમ જાણે કો પુષ્પભારે લચી જતું
ગ્રીષ્મના ઉષ્ણ ઉચ્છ્વાસે સૂકુ ઠૂંઠું બની જતું;
બન સ્વસ્થ પ્રિયે
ઊ. :સ્વામી સ્વસ્થ છું, શોકતપ્ત છું
પાપિણી પૂર્વની કોઈ હું નારી દુઃખશપ્ત છું.
લ. :બોલ ના ઊર્મિલે એવું, મારું જીવનતીર્થ તું
વિશુદ્ધ વૃત્તિઓ મારી સૌનું પાવન તીર્થ તું.
ઊ. :બોલો, બોલો, મીઠી જીભે કરો આજ મનામણાં
રિક્ત મેઘ તણી જાણે ગર્જના! વચનો તણાં
વૃથા આશ્વાસનો રાખે ટકાવી ધૃતિને ક્યમ?
લ. :પ્રેમ સેવા તણી ત્યારે સમસ્યા ઊકલે ક્યમ?
જાણું છું પ્રિય કે તું તો સર્વથા દોષદૂર છે
તથાપિ વિધિની વ્હાલી લેખિની કેવી ક્રૂર છે!
ઊ. :વિધિ ને કર્મની વ્હાલા જવા દો વાત પામર
બલિષ્ઠ તમને એવી ન શોભે પાંગળી ગિર.
લ. :શોકઆળા ઉરે દેવી ડામ ના મુજને વધુ
ક્યાં મારું બલ? ના શક્તિ સીંચવા પ્રિયને મધુ
ધર્મ્ય બે કાર્યખેંચાણે બન્યો છું સાવ નિર્બલ,
શ્રેય શું
ઊ. :નાથ એ મિથ્યા જવા દો શબ્દનું છલ;
નથી હું એવી હૈયાની આળી કિન્તુ જણાય છે
મને તો વનનાં દૃશ્યો, ને ભારે હૈયું થાય છે.
લ. :કહી દે, કહી દે વ્હાલી નિરુપાય છતાં સૂણી
શોકભાર ઝીલું, જો તું બને કૈં વેદનાઊણી.
લૂછી લે આંખનાં આંસુ
ઊ. :લુછાશે એ નિરાંતથી
એક વાર લૂછયે હાવાં સુકાશે અશ્રુની નદી?
જોઉં છું જ્યેષ્ઠ ભ્રાતા ને સીતા માતાની પૂઠળે
ચાલતા વલ્કલો ધારી, બેસતા દ્રુમની તળે
વાગેલી શૂલને ધીમે ખેંચતા કે શ્રમે ઢળ્યા
રામને અર્થ પર્ણોના વ્યજનો લાવવા પળ્યા.
સાંભળી વન્ય પ્રાણીની ત્રાડ ધ્રૂજી જતાં સીતા
ત્યારે હાથ ધનુર્બાણ ગ્રહી આશ્વાસતા ભીતા.
એકાકી ઝરણતીરે બેસીને જલની ઝીણી
લહરો ગણતા ન્યાળું, આંખ જાય ભીની બની.
હા નાથ, રામને સીતા સંગિની વનવાસમાં
તમારું કોણ જે બેસી આનંદે ઉર, પાસમાં!
લ. :ર્હેવા દે પ્રિય ર્હેવા દે, છે ના એ સ્થિતિ શોકની
મારે તો તુચ્છ આનંદ સમૃદ્ધિ ત્રણ લોકની
જેને આનંદનું ધામ એક છે રામસંનિધિ
શોકક્ષુબ્ધ પ્રિયે તારો દાઝું દેખી ઉરોદધિ.
ઊ. :તો પછી નાથ આજ્ઞા દો આવવા સંગમાં વને
ક્હેવાતું ન’તું હોઠેથી હતું જે રમતું મને
અબલા હું નથી જાણો, નથી નારી અજાણ હું
ધર્માધર્મે, મૃદુ તોયે શક્તિ કેરું કૃપાણ છું.
સીતા ને રામની સેવા તમારું ધર્મકાર્ય છે
તો શુશ્રૂષા ત્રણેની ના મારું શું ધર્મકાર્ય કે?
લ. :સેવા? સેવા! પ્રિયે ગૂંચ નવી તેં શી ઉમેરી આ
વ્યસ્ત સૌ ચિત્તતંતુઓ થતા, આંધી ચઢી શી આ?
ઊ. :ધરો ધૈર્ય ઉરે નાથ, કર્તવ્યો કેરી જાળ છે
સંકુલા, સૃષ્ટિની એવી અટપટી ઘટમાળ છે.
બનો સ્વસ્થ
લ. :બન્યું છે સૌ અસ્તવ્યસ્ત અહીં પ્રિયે
અયોધ્યા નગરી જાણે ભીંસાતી ચક્રના દ્વયે.
ઊ. :શાંતિ નાથ, નથી સીધી બાણશી જગની ગતિ
નાનાશા પ્રશ્નમાં ગૂંચાતી શું સૌમિત્રિની મતિ!
લ. :નિશ્ચયદુર્ગની સામે ઝીંકાતાં સૈન્ય તર્કનાં
ઊઠે છે ધ્રૂજી સૌ દ્વારે ભીડેલાં ચિત્તતંત્રનાં
વૈકટ્ય વનનું તારે સેવવું શેં અકારણ?
ઊ. :સ્વામી, જવા દો શબ્દભારણ
હૈયે તેવું ન હોઠે તો બોલવું શું અકારણ!
તમારા સહવાસે તો વનવાસે સહેલ છે
ને તમારા વિના શૂન્ય વન રાજમહેલ છે.
વધી અસ્વસ્થતા? વ્હાલા, જવા દો વક્ર વાત સૌ
બોલો નાથ, કરો આજ્ઞા કહી દો દૃઢ નિશ્ચય
રાખશો ઉરમાં ના કૈં પ્રિયાક્રોધ તણો ભય.
સેવા છે ધર્મ મારો તો ર્હેવું આજ્ઞાઅનુકૂલ
એ ય ધર્મ, સદા જેથી રઘુનું કુલ ઉજ્જવલ.
લ. :ધન્ય છે ઊર્મિલે તારા અનન્ય આર્યધર્મને
વીર હું સ્તવું છું હારી, તારા આ વીરકર્મને
સ્હેજે આનંદથી ધૈર્યે, સેવામાં માતૃકુલની
ર્હેજે વજ્ર બની
ઊ. :નાથ સીધાવો (વિમુખ બને છે)
લ. :(રાજમહેલના ઉદ્યાનમાં) ગન્ધ ફૂલની
સ્ફુરે શી ઉરમાં મારા, ને વ્યથા તીવ્ર શૂલની!