મર્મર/યુદ્ધ અને શાંતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


યુદ્ધ અને શાન્તિ

યુધિષ્ઠિર : કેવો અહો ભીષણ યુદ્ધઅંત!
સંગ્રામ કોલાહલ સર્વ શાન્ત.
સમુદ્રના મત્ત તરંગ જેમ
ગર્જંત સેના કુરુપાંડવોની
ભજી રહી નિંદર ઘોર મૃત્યુની
રે ઓટનાં અબ્ધિજલોની જેમ.
પૂરું થયું યુદ્ધ અને મળ્યો જ્ય
તે પાંડવોનો? વિધિનો જ નિર્દય.
છિન્નાંગ કે રક્તઝરંત અંગ
સુભટ્ટ સૂતા સહુ મ્લાનઆનન.
ઝંઝા–ઝપાટે જ્યમ કો પ્રચંડ
ઉદ્ધ્વસ્ત ઉત્ફુલ્લ પલાશકાનન.
વિપક્ષ ર્હૈ જે જીવતાં લગી લડ્યા
તે સોડમાં એકબીજાની આ પડ્યા!
શું યુદ્ધનો આમ જ હોય અંત
છેદાય જેમાં મનુભાવિતંત!
આ ક્રન્દનો હૃદયભંગની મૂઢ કલાન્તિ
ત્યાં યુદ્ધના જયની શોધવી કેમ શાન્તિ?
કહો, કહો કૃષ્ણ મૂંઝાય છે મન
સૂણ્યું ન જાયે સ્વજનોનું ક્રન્દન.
કૃષ્ણ : શાંતિ! શાંતિ! ઘટે આવો શોક ના ધર્મરાજને
હકથી મેળવ્યું હાવાં ભોગવો રાજ, રાજ્યને
ધર્માધર્મ તણા યુદ્ધે જે કર્તવ્ય કર્યું ઘટે;
પૃથ્વીપાલનનો ધર્મ હવે તો આચર્યો ઘટે;
યુદ્ધને ટાળવા ઓછા મેં પ્રયાસ કર્યા નથી,
પ્રીતને મેંય માની છે મોટી આ કાલચક્રથી.
કિન્તુ ભારતના ભાગ્યે લખાયો ધ્વંસ આહવ,
કાલની બાજીનાં મ્હોરાં બન્યા કૌરવપાંડવ.
વિરોધી બલના આવા સંઘર્ષપરિણામથી
શાંતિની સ્થાપના શક્ય, લેવા માર્ગ બીજો નથી.
યુધિષ્ઠિર : આપની વાણીમાં દેવ, શ્રદ્ધા મારી છતાં કહું :
ગુરુઓ, સ્વજનો કેરો આ હાથે ધ્વંસ, શેં સહું?
ધર્માચરણ જો હોયે આવા યુદ્ધની યોજના
તો ધર્મકાર્યને અંતે ચિત્તને શાંતિ કેમ ના?
અરે આ યુદ્ધને અંતે જીત્યા જીવ્યા અમે દુઃખી
કપાઈ રણમાં સ્વર્ગે સંચર્યા તે વીરો સુખી.
જુઓ કૃષ્ણ, સુણો પેલા પુરનારી વિલાપને
દુઃખતપ્ત વ્યથાકુલ હૈયાના અભિશાપને.
આ આવે માત ગાંધારી–
ગાંધારી: અંધારી જિન્દગી અરે
ભાઈને હાથ સૌ મારા હણાયા પુત્ર આખરે!
આ આયુષ્યની સંધ્યાએ રહ્યો ના કોઈ આશ્રય.
ઓશિયાળાં બની ર્હેવું, અરેરે કાલ નિર્દય!
પુત્રો હણાયા મુજ એકલીના?
ના, આ ઊભી દ્રૌપદી શોકદીના.
દબાવતી કુન્તી ઊઠન્ત ડૂસકાં
સરોવરો જીવનનાં સૂકાં, સૂકાં.
પ્રયોજી યુદ્ધ ક્યહીં પાશવી બલ,
ક્યહીંક યોજી વળી શબ્દનું છલ.
યુદ્ધે બન્યું કોણ ન નીતિનિર્બલ!
હાર્યા જીત્યા મૂળથી ઊખડ્યું કુલ
રે યુદ્ધ આ સર્વ અધર્મનું મૂલ.
અને કૃષ્ણ તમે આ સૌ અધર્મકર્મમૂલમાં
શાપું છું: નાશઅંગારો પડો યાદવકુલમાં.
યુધિષ્ઠિર : સુણ્યો તમે દેવ, અમોઘ શાપ?
ગાંધારીમાનો ઉરશોકતાપ?
રે પાપથી તો પ્રસવે જ પાપ.
આ યુદ્ધનો કૃષ્ણ નથી જ અંત
આરંભ આ વિગ્રહનો જ અન્ય.
પોષ્યું પાળ્યું વેરનું વારિ સીંચી
આ યુદ્ધનું વૃક્ષ જ આંખ મીંચી.
રે સ્વાર્થનો આસવ ઢીંચી ઢીંચી
જે આચર્યા જીવનમાં અનર્થ,
તેની પૂઠે શાંતિની આશ વ્યર્થ.
કેવો વિધિનો ઉપહાસ દેવ,
વ્હે જેતૃઆંખોથી જ અશ્રુનેવ!
આ રાજ્ય, સત્તા, જય—સર્વ ભ્રાન્તિ,
જીતાય ના જ્યાં લગી ચિત્તશાંતિ.
જુઓ બળે શી સ્વજનો તણી ચિતા,
છવાતી હૈયે ય સ્મશાનશૂન્યતા.
કૃષ્ણ : અગ્રજ પાંડવોના
આવો મહામોહ ઘટે થવો ના.
શોકાપઘાતે કરી ચિત્તના ચૂરા
શી રીતે વ્હેશો નવરાજ્યની ધુરા?
યુધિષ્ઠિર : ધુરા? હવે કૃષ્ણ વહેવી ના ધુરા,
રહ્યા હવે લ્હાવ ન કૈં અધૂરા.
આસક્ત થૈ એક અનિષ્ટ દ્યૂતે
મેં યુદ્ધનું ઘોર અનિષ્ટ નોતર્યું,
હવે નહીં યુદ્ધ તણા અનિષ્ટે
શ્રદ્ધા ધરી આત્મવિનાશ નોતરું.
રે હું જ આ બાંધવયુદ્ધનું મૂળ,
સહ્યું ન જાયે અપરાધનું શૂળ.
અહો કુરુવંશ વિનાશ દારુણ
હું, હું જ એનું અનિવાર્ય કારણ.
કહો કયું પ્રાશ્ચિત વાસુદેવ,
આ પાપમુક્ત્યર્થ અવશ્યમેવ.
કૃષ્ણ : ધર્મપુત્ર!
સંગ્રામ મધ્યે ભજનાર સ્થૈર્ય
ઘટે ન આવું તમને અધૈર્ય.
હવે તમે ના વનવાસી પાંડવ
કે કૌરવોના રિપુ પાંડુપુત્ર.
કરે તમારા અવ રાજ્યસૂત્ર.
હજી ઘટે ને અવસાદ?—તો જશું
ગાંગેય સાન્નિધ્ય? કૃપાર્થ યાચશું?
સૂતેલા શરશય્યામાં જુઓ ભીષ્મ પિતામહ
અનિવાર્ય ગણી યુદ્ધ ઝૂઝ્યા જે પાંડવો સહ.
ધર્મરાજ, ખરે ધર્માધર્મનો પ્રશ્ન છે ગૂઢ,
જ્યાં તમે હુંય ક્યારેક વળી થાઉં મતિમૂઢ.
તો આવો ગુરુ ગાંગેય પાદાબ્જે શિર નામીએ,
વ્યથાના વ્રણને ઠારે એવો જો મંત્ર પામીએ.
યુધિષ્ઠિર–કૃષ્ણઃ ગુરો નમું છું, પ્રણમું પિતામહ.
યુધિષ્ઠિર : આ યુદ્ધની જ્વાલથી દગ્ધ દુઃસહ.
અરે હણ્યા ભાઈકરે જ ભાઈ–
આ ધર્મ જ્યાં ભૂલવી લોહી તણી સગાઈ!
ગુરો ન મારે જયરાજ્ય જોઈએ
ન આવું રે ભોગવ્યું રાજ્ય કોઈએ.
આ ક્રન્દનો સૌ કુલનારીઓનાં
ને છિન્ન અંગો અહીં ભાઈઓનાં!
કેવી ગુરો ભીષણ યુદ્ધલીલા
લોપાય જેમાં રૂઢ ધર્મચીલા!
ભીષ્મ : કૌંતેય આ વેળ નથી જ શોકની
સેવા હવે તો નૃપધર્મ લોકની.
હવે વૃથા યુદ્ધની વાત પુત્ર,
ગ્રહો હવે તો કર રાજ્યસૂત્ર.
જેવું હતું વિગ્રહ ક્ષાત્રકર્મ,
તેવો ધરાપાલન ક્ષાત્રધર્મ.
ઘટે ગયાનો નહિ શોક ધીરને,
રાખ્યું ન ચાલે મીણહૈયું વીરને.
અધર્મપક્ષે રહી યુદ્ધ જે લડ્યા,
તે સર્વ જો કાલકુઠારથી પડ્યા.
ને ધર્મને અંતર જાણવા છતાં
શક્યા ન જે આચરી ને અધર્મે
રહ્યા મચી, તે સહુ જો સ્વકર્મે
સૂતા મહાનિંદરમાંહી મૃત્યુની.
કૌંતેય, તો, આ અવસાદ ત્યાગી
બની રહો ભૂપતિ ધર્મરાગી.
રહો સહુ ભૂત હિતો વિશે રત
ને ભોગવો કીર્તિ અનસ્ત, અક્ષત.
ધર્મે રહો બદ્ધ બધી અભીપ્સા
ને આચરો શાસનમાં અહિંસા.
યુધિષ્ઠિર : શાસનમાં અહિંસા?
લાગે ગુરો આ વસમી સમસ્યા.
ભીષ્મ : નહિ, નહિ વત્સ ન એ સમસ્યા
આયુષ્યની અંતિમકાલ દીક્ષા.
રાજન્, પ્રજાનું કરવું જ શાસન
સ્થાપી પ્રજાના હૃદયે સિંહાસન.
જે કર્મ હો કેવલ પ્રેમને વશ
તેમાં સદા પ્રાપ્ત થવો જ છે યશ.
વિસ્તારવું પ્રેમનું વત્સ વર્તુળ,
સમસ્ત આ વિશ્વ ગણ્યું ઘટે કુલ.
સૌની પ્રતિ સ્નેહ અને સમત્વ
ધારી રહો સૌ જીવશું મમત્વ,
તો આદરો રાજન સ્નેહયજ્ઞ
સ્વધર્મને પાલને ર્હૈ નિમગ્ન.
સ્નેહના રાજ્યમાં, પુત્ર, હશે ના દંભ કે છલ,
હશે ના મદનું મદ્ય, પાપાચાર તણું બલ,
પ્રેમ એ જ જગે રાજન્ અમોઘ એક શાસન
જ્યાં શત્રુત્વ નહિ એ જ સાચું યુદ્ધનિવારણ.
યુધિષ્ઠિર : સૂણી ગુરો ધન્ય છું સ્નેહવાણી;
લીધું હતે જો ધરથી જ જાણી
રહસ્ય આ પ્રેમ તણા પ્રભાવનું,
રહસ્ય આ યુદ્ધ તણા અભાવનું,
જોવું પડ્યું હોત ન સત્ર નાશનું
તૂટી પડી પાળ, વહી ગયાં જલ,
લાધ્યું ઘણું મોડું જ જ્ઞાનનું ફલ.
છતાં ઉરે કૈંક પમાય શાંતિ
જરા ઘટે અંતરકલેશકલાન્તિ.
ન યુદ્ધથી યુદ્ધ શમે, ન વેર
શમે વધાર્યાથી જ વેરઝેર.
શાં શોક આક્રન્દન ઘેરઘેર,
આનન્દ જેમાં જયનો વિલીન
ને રાજ્યસિંહાસન શ્રીવિહીન!
હવે વધુ ભોગવવી નથી ધરા
વ્રણો વ્યથાના રૂઝશે નહિ પૂરા.
તોયે ગુરો આપની પ્રેમવાણીમાં
હું જોઉં છું નૂતનયુગઆગમ,
તટે પ્રીતિના શુભનો સમાગમ,
ધરામુખે પ્રેમ તણી પ્રસન્નતા,
પ્રજાપ્રજાની પ્રીતની અભિન્નતા.
આ ભારતે જોઉં છું ધર્મનો જય
ને ધર્મપ્રેર્યાં સુખશાંતિ અક્ષય.
યુદ્ધની ઘોર રાત્રિના અંધકાર પછી ઝીણી
ઝગંતી આત્મઆગારે લહું છું શાંતિની કણી.