મર્મર/ગ્રીષ્મ ચાંદની
દિને પ્રવૃત્તિના દંડે પૃથ્વીભાંડે મથાઈને
તાપનું દધિ આ જાણે બન્યું ચાંદનીમાખણ.
ભૂતલે દ્રુમછાયામાં ચાંદનીચકતાં, શકે
વેરાયા વ્યોમથી સિક્કા ઢોળાતાં ચન્દ્રનો ચરુ.
પૃથ્વી ને નભને વ્યાપી ચાંદનીનું સરોવર
ડ્હેકે કંપાવતું ઈષત્ તારાપોયણીનું કુલ.
ચન્દ્રના વિરહે તપ્ત ચકોર મિલનોત્સુક
પામે શાતા જરા સ્પર્શી ચાંદનીનું ચીનાંશુક.
દિવસે ગૃહખંડો જે સેવતાં વ્યગ્ર આતપે
અગાશીમાં હવે કેવાં ચાંદનીજલમાં તરે!
કોપાવિષ્ટ મહારાજા સમું માર્તંડમંડલ
કામક્રોધવિમુક્તાત્માશો સુધાકર શીતલ.
દેવકન્યાતણું જાણે વેરાયું હાસ્ય વ્યોમથી
ઉન્મત્ત કરતું ચિત્ત અધિકું રસ સોમથી.
તપોનિધિતણું જાણે તપ ઉગ્ર હવે ફળ્યું
પૃથ્વીને ચાંદનીરૂપે પાન અમૃતનું મળ્યું.
અલ્પનીરા નદીઓના ભેંકાર લાગતા પટ
દિને, રાતે વહેતું ત્યાં ચાંદનીપૂર બેતટ.
ચાંદની વરસે વ્હેતી ભરીને ગ્રામશેરીઓ
છાપરે નળિયાંમાંથી ચૂવે છે તેજહેરિયાં.
દિને ઉગ્ર તજી તેજ લપાવું છાંયડે ગમે
છાયાને છાંડીને રાત્રે, તેજમાં તરવું ગમે.
પારદર્શક છે કેવું ચાંદનીનું સરોવર
ડબેલાં સ્પષ્ટ દેખાતાં નગો, હર્મ્યો, તરુવર!
દિનની ચૉરીમાં અગ્નિસાખે ફેરા ફર્યા પછી
પર્યંકે સજ્જ રાત્રિના પ્રિયાના મુખનો શશી!