મર્મર/આવી વર્ષા


આવી વર્ષા

હવે આવી વર્ષા, ગંગન ગરજ્યા મેઘ ગભીર,
ઝગી વિદ્યુલ્લેખા નયનઅણીશી કે રમણીની;
વહ્યો વાયુ ભીનો તરુગણનું ધૂણાવત શિર,
મહેકી ઊઠી કે સરલઉર સાધુશી ધરણી.

ઘટાઓને કેકા થકી ભરી રહ્યા મત્ત મયૂરો
નવાણો સૂકાંને બદન ચઢતું જોબનપૂર;
સીમાડેથી આવે વહી પવનમાં વાંસળી સૂરો
છલ્યું શું આનંદે નભધરતીનું નિર્મલ ઉર!

હવે આવી વર્ષા, ઈહ જગતને રામગિરિએ
વસેલા કો યક્ષે અનુભવી વ્યથાઓ વિરહની
કહીં તન્વી શ્યામા, દિવસગણનાતત્પર પ્રિયે
કહીં શંભુશિરસ્થિત શશી થકી શુભ્ર રજની!

ધરાપ્રાન્તે મેઘો મદીલ અનરાધાર વરસે
ઝૂરે ઝૂરે પ્રાણો બિછડી ભૂમિની પ્રીતિતરસે.