મર્મર/ચાહું


ચાહું

ચાહું આજે માત્ર તારો થવા હું,
આવેલો છું એટલું યાચવા હું;
આ સૃષ્ટિના રાહથી સાવ ખિન્ન
લેવા ચાહું તાહરો રાહ ભિન્ન.

હે આત્મામાં વ્યાપ્ત, હે છન્ન, ગૂઢ!
મારી સૌયે વાસનાઓ વિમૂઢ
આજે તારા દર્શને જાય જાગી
દોડે તારી મેર, માલિન્ય ત્યાગી.

તારે હૈયે લે મને હે ઉદાર!
લે ઉઠાવી માહરો પાપભાર.
સ્મિતે તારા, માહરા રોમરોમે
જાગી ઊઠો ચેતના નવ્ય જોમે.
આયુષ્યે અલ્પ મારા, તવ અનુભૂતિનો ઊલટો ભવ્ય ઓઘ;
પામો સૌ ન્યૂનતાઓ મુજ, તુજ સ્પરશે પૂર્ણતામાં પ્રબોધ.