મર્મર/મેઘદૂત...


મેઘદૂત

શાળામાંથી છૂટી આજે, આષાઢી ઘનવર્ષણે
ભીંજાતે વસ્ત્ર આવીને ગૃહે જ્યાં ડગ માંડતો
ઉદ્વેગે, સ્મરણે ઘેરા યક્ષના વિપ્રલમ્ભના
ત્યાં તો બોલી ગૃહિણી : ‘ઓ ભીંજાયાં વસ્ત્ર છે સહુ.’

“વસ્ત્ર શું, આજ તો આખું ભીંજાઈ ઉર છે ગયું’;
કહીને બદલી વસ્ત્રો પડ્યો હું ખુરશી મહીં,
ને ભોળી ગૃહિણી પાસે બેઠી રેશનઅન્નને
સડેલા જોતી, ના ઊંચી આંખ ત્યાંથી જરા કરે.

‘જો આવી એક આષાઢી સાંજે વિરહથી તપ્યો
કાન્તાને, યક્ષ પ્રેષે છે સંદેશો અલકા પ્રતિ!’
‘જવા દો એ બધાં ગપ્પાં, છત્રી લાવો બજારથી,’
‘જાણે છે, ભાવ છે એના ઊંચા કૈં આસમાનથી?’

લઈને ગ્રંથ હું બેઠો મેઘદૂત તણો અને
શ્લોકો ગણ્ગણવા લાગ્યો, હતો હું તો સુખી જ ને!
હતી પ્રિયતમા પાસે તો યે આ મેઘદર્શને
અન્યથાવૃત્તિ ધારે છે ચિત્ત એવું વિચારતો
જોઈ લેતો જરા એને, ને પાછો શ્લોક વાંચતો.

ત્યાં તો આકાશને જાણે ટુકડામાં સહસ્ત્રશ :
તોડતો ત્રાટકો એક થયો, વિદ્યુત્ જરા ઝગી
ને જાઉં બ્હાર જોવાને બારીમાંથી ઊભો થઈ
ત્યાં તો બાહુ વિષે આવી એવી તો એ લપાઈ ગૈ
કે મેં યે છોડી જોવાનું આશ્લેષે જકડી લીધી.

મેઘદૂત તણો જાણે વિપ્રલમ્ભ પૂરો થયો,
જાણ્યું ના મેઘ લૈ ક્યારે સંદેશો અલકા ગયો!