મર્મર/નહીં યુદ્ધ જોઈએ
Jump to navigation
Jump to search
નહીં યુધ્ધ જોઈએ
હવે અમારે નહીં યુદ્ધ જોઈએ.
અમે ધરાને દૃઢ ચાહનારા
હવે અમારે નહીં યુદ્ધ જોઈએ.
વહી જતી શી સદીઓ પરે સદી!
સુકાતી ના માનવરક્તની નદી;
વસુન્ધરાની વ્રણયુક્ત કાયા
પરે ઢળી ના જરી શાંતિછાયા.
હવે યુયુત્સુ નવ થાવ કોઈએ.
હવે અમારે નહીં યુદ્ધ જોઈએ.
શી ધૃષ્ટતા આ! લઈ ઉગ્ર શસ્ત્રો
ફેલાવવા સત્યનું ધર્મશાસન,
લડી રહ્યા યુદ્ધ અધર્મ સામે
અધર્મને અંતર દેઈ આસન.
હવે વધુ ધૃષ્ટ થશો ન કોઈએ.
હવે અમારે નહીં યુદ્ધ જોઈએ.
વસુન્ધરા નિઃસીમ સુન્દરા આ
અમારી એ પ્રેયસી નિત્યયૌવના
આશ્લેષમાં આજ અમે લીધી છે.
એને લગીરે અપમાનનારને
અમે જરાયે ન નિભાવનારા.
ન યુદ્ધમાં લેશ અમારી શ્રદ્ધા,
સૌ યુદ્ધ સામે અહીં યુદ્ધમાં ઊભા.
આવો બધા છેલ્લું જ યુદ્ધ ખેલીએ
સૌ યુદ્ધ સામે, ચિર શાંતિ અર્થે
ને કોઈથી આજ દબાવું કોઈએ.
હવે અમારે નહીં યુદ્ધ જોઈએ