મર્મર/રામનો પશ્વાતાપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રામનો પશ્ચાત્તાપ

પ્રિયે, હૃદય, જાનકી! મધુર નામ હૈયે હવે
રહ્યું જ રટવું મહામધુર મૂર્તિ સીતા ગઈ,
ગઈ? નહિ, કઠોર રામ હૃદયે ત્યજી કૈતવે
પ્રજાહૃદય ઠારતાં ઉરની દૃગ્ધ સૃષ્ટિ થઈ.

સુમુગ્ધ વયથી જ જે જીવનની હતી સંગિની
મહાવિકટપંથગામી રથની રહી સારથિ
ગઈ તું, થયું રામનું હૃદય વેદનાભારથી
સહસ્ત્રશતખંડ ભગ્ન; ગઈ રે તું આનંદિની.

શક્યો હું ત્યજી! દૈવની ગહનને વિચિત્રા ગતિ;
બંન્યો નૃપનિવાસ શૂન્ય સમ દંડકાકાનન.
વને સુખ હતું: હતું સ્મિત છલન્ત ત્યાં આનન
સીતે સમીપ તારું; ધિક્ મુજ નૃપત્વ પ્રેરી મતિ.

અરે હૃદય મીણનું બની હવે રહે કાં વહી!
તદા થયું મૃદુ ન, વજ્ર બની તો હવે લે સહી.