મર્મર/રોકો વસંતને


રોકો વસંતને

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફૂલડાંના ફાલ
લાવતી રોકો વસંતને.

એ તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે
કોઈ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે!
મારા ઝૂરતા જીવન સાથે રંગે ચડે!
એની વેણુમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.