મર્મર/વસંત
વસંત
આવી વસંત, વસુધા તણી યૌવનશ્રી
ખીલી ઊઠી અવનવાં ધરી રૂપરંગ,
સ્પર્શે સુમંદ મલયાનિલના તરંગ
જાગી ઊઠી હિમવિમૂર્છિત કાનનશ્રી.
સૂકાં પલાશતરુની ઝૂકી ડાળી ડાળી,
અંગે રહી ઊઘડી યૌવન કેરી લાલી
ગુંજી ઊઠ્યા ભ્રમર અંતરની ખુશાલી
ઘેરી રહી હૃદય સૌરભ કો સુંવાળી.
પીતાં ધરાય ન, રહે રસ પ્રાશી પ્રાશી
આ પ્રાણ, ઓસરી જતી ઉરની ઉદાસી
શુભ્રાંગ હંસ સમ માનસના નિવાસી
પ્રાણે રહી ધવલ નિર્મલતા પ્રકાશી.
છંદે સુરમ્ય ઋતુના, ઋતુ શી વસંત
સોહે વસંતતિલકા સમ દીપ્તિમંત!