મર્મર/સ્મરણ પ્રિયનાં
Jump to navigation
Jump to search
સ્મરણ પ્રિયનાં
સ્મરણ પ્રિયનાં આજે ક્યાંથી અચાનક જાગતાં!
જતનથી પુરા રાખેલાં જે સુગુપ્ત જ અંતરે.
દૃગ સમીપ એ મૂર્તિ નોખી પુનઃ પ્રિયની તરે
વિમલ નયનો આંસુમેલાં વ્યથાથી ઢળી જતાં.
બહુ દિન વહ્યા, જાણ્યું. સાથે વિદાય શરીરની
પ્રણયભરતી થંભી, આવી જ ઓટ સદાયની;
પણ સુરભિ શો એ તો સૂતો સ્મૃતિકુસુમે, બની
પ્રખર બળતા મધ્યાહ્ને યે સુધાઝડી શાંતિની.
ક્રૂર ગજબનો કેવો વિધિ! લીધું પ્રિય છીનવી;
ગજબની દયા શીરે એનીઃ દીધી સ્મૃતિની કણી!
વિફલ મથતો ભૂલી જાવા ક્ષણો મિલનો તણી
ઊભરી ઊભરી આવે સામે ધરન્ત છટા નવી.
પ્રણયની અહો શક્તિ! જેની જતો ભૂંસવા સ્મૃતિ
રહતું બસ તે, જાયે આખું બની જગ વિસ્મૃતિ!