માંડવીની પોળના મોર/સુરતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુરતા

આ ઘરનું નામ બિન્દુએ ‘રેવા’ વિચારેલું. પણ, જમણી બાજુના ત્રીજા બંગલાની ગ્રેનાઈટ-તકતીમાં સુવર્ણાક્ષરે કોતરાયેલું ‘રેવાબહેન પટેલ (યુ.એસ.એ.)’ એને રોકે છે અને વહારે આવી ચડે છે આદ્યકવિ. અહીં રહેવા આવ્યાં ત્યારે, પિસ્તાલીશ પ્લોટની સોસાયટીમાં ગણીને ચાર જ મકાનો થયેલાં. બાકી બધું ખુલ્લું. મહાલય જેવું ક્લબહાઉસ અને ત્રણે ત્રણ પાકા રસ્તા એ અમારી આગવી મિલકત. હું, બિન્દુ, ચોકીદાર પ્રવીણ, એની પત્ની અને નાનાં બાળકો એટલો અમારો પરિવાર. હોસ્ટેલમાં રહેતો અમારો દીકરો વચ્ચે વચ્ચે આવે-જાય. અહીં આઠે પહોર આનંદ આનંદ અને આનંદ જ. નોકરીએ જવાનું ય મન ન થાય. રોતાં રોતાં જઈએ ને પાછાં ઘેર આવીએ ત્યારે જ એમ લાગે કે જીવીએ છીએ. બહુ લાંબા સમય સુધી તો એમ જ લાગેલું કે આ અમારી સલ્તનત છે. કેમકે અહીં પ્રકૃતિએ બારે માસ ખજાનો ખુલ્લો રાખ્યો હતો. પૂરાં ચાર વર્ષ અમને ત્રણેય ઋતુઓનો ખાબધાબ ભોગવટો મળ્યો. અમે અહીં આવ્યાં એ પણ એક ચમત્કાર જ. ખરું તો એમ હતું કે બાએ અમારી ભેગું રહેવાનું વિચાર્યું એટલે થયું કે એકાદ રૂમ વધારે હોય તો સારું. ફ્લેટ તો વેચી દીધો. પણ પછી જોઈએ એવું મકાન મળે નહીં ને મળે એમાં બ્લેકના રૂપિયા આપવા પડે... અને એ આપણી પાસે તો ક્યાંથી હોય? એટલે પછી, સેક્ટર -૨૬માં ભાડે રહેવા ગયાં. એક દિવસ બિન્દુ કહે કે- ‘ફ્લેટના આ રૂપિયા ધીમે ધીમે વપરાઈ જશે ને આપણે મકાન વિનાનાં થઈ જઈશું. એમ કરો ક્યાંક એકાદ નાનકડો પ્લોટ લઈ રાખો. છેવટે તંબૂ તાણવા તો થાય!’ સાબરમતીથી પાછાં પગલે આવતાં, આ સોસાયટીનું પાટિયું નજરે ચડ્યું. અંદર આવ્યાં ને જે ભવ્યતા જોઈ, લાગ્યું કે યે અપને બસ કી બાત નહીં હૈ! પણ, બિલ્ડર જયંતિભાઈએ અમને આવકાર્યાં. સામાન્ય વાતચીતમાં જ એમને અમારો ને અમારી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. એમને આ સોસાયટી ડેવલપ કરવી હતી, એટલે એક જ સવાલ પૂછ્યો : ‘તમે અહીં રહેણાંક કરવાનાં?’ અમારી મક્કમ ‘હા’ સાંભળીને અમારી શરતે અને સગવડે ‘સુરતા’ બાંધી આપ્યું. ગૃહપ્રવેશ સમયે પગલૂછણિયું લાવવાની યે જવાબદારી પોતે ઉપાડી લીધી હતી. એમ સમજો ને કે અમને તો લોટરી જ લાગી ગઈ! અસલમાં આ અંબિકામિલવાળાનું ફાર્મ હતું. સોસાયટીનું ઉપાસણ તો પછી થયું હશે. જૂનાં વૃક્ષોને એમ જ રહેવા દીધેલાં, કણજી, ગુલમહોર, ગરમાળો, જાંબુ, સરગવો, સપ્તપર્ણી, નાળિયેરી, નીલગિરિ, લીમડા, વડ, ગુંદા અને આમળાંનો તો પાર જ નહીં. નહીં નહીં તો ય ત્રણસોએક વૃક્ષો હશે. તે સિવાય કરેણ, જાસૂદ, બોગનવેલ, મધુમાલતી, મોગરા અને ચાંદનીનો તો પાર જ નહીં. જાણે આ બધું જ અમારું! મન ભર્યું ભર્યું રહે. જે આવે એને વહેંચાય એટલું વહેંચીએ. અમે આવ્યાં ત્યારે અહીંની નાળિયેરીનું પાણી પીધેલું. શરૂઆતમાં તો વીજળી ય નહોતી. જયંતિભાઈએ જમીન એન.એ. કરાવેલી પણ જી.ઈ.બી.માં નોંધાવવાનું કોઈ કારણસર રહી ગયેલું. વીજળીનું જોડાણ કપાઈ ગયું. કેસ ટ્રિબ્યૂનલમાં ગયો. નિકાલ ન આવે ત્યાં સુધી અમે કુદરતને હવાલે. રોજ સાંજે ફાનસના ફોટા સાફ કરવાના. કેરોસીન પૂરવાનું ને જરૂરી હોય ત્યારે વાટ કાપવાની. મીણબત્તી અને ઘી-તેલના દીવાનો સંગ વધ્યો. કોઈએ કહ્યું કે ગેરકાયદે લાઈન ખેંચી આપીએ. અમને એ મંજૂર નહોતું. બંનેની નોકરી ગાંધીનગરમાં. મોટરમાં જઈએ-આવીએ, પરંતુ રહેવાનું આઝાદી પહેલાંના માહોલમાં. બિન્દુએ માટીના ગોળાનું ફ્રિઝ બનાવેલું. એમાં, ખાદીના ઝીણા કપડામાં વીંટાળેલાં શાકભાજી બે-ત્રણ દિવસ સારાં રહે. પાછળના ખેતરમાંથી પાઈપ મૂકીને પીવાનું પાણી લેતાં. વાપરવામાં ટેન્કર મંગાવી લેતાં. રોજ સાંજે પીળું ધમરખ અજવાળું મનને શીતળ બનાવે. મોટા ઓરડામાં એકાદ ફાનસ અને બાકીના રૂમે રૂમે મીણબત્તીઓ ટમટમે. પીળો પ્રકાશ ઘરને કોઈ આર્ટફિલ્મના સેટમાં ફેરવી નાંખે. ઝૂલવાળો હાથપંખો એક હાથે ફેરવતાં ફેરવતાં વાંચનમાં લય પણ ઉમેરાતો. ખાયણી-દસ્તાનું કામ એ વખતે વધી પડેલું. એ ગમે ત્યારે ટીંગ ટીંગ કરીને સંગીત ચાલુ કરી દે! તે વખતે ઘરમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત રહેતી. અંધારામાંય હાથ નાંખો કે તરત મળે. અત્યારે બધું ઝળાંહળાં છે તોય જોઈએ ત્યારે અમુક વસ્તુ નથી જડતી. કહેવું જોઈએ કે સાવ આછા પ્રકાશમાં કે નર્યા અંધકારમાં ય અમારી આંખો વધુ સારી રીતે આકારોને જોઈ શકતી. હાથની આંગળીઓની આંખો ઊઘડી જતી. મહેમાનો આવે ત્યારે એમને કહીએ કે આવો ત્યારે આટલી આટલી વસ્તુઓ લેતાં આવજો. બધેબધું તાજું ને રોજેરોજનું! કોઈ પણ પ્રકારની સંઘરાખોરી નોટ એલાઉડ. આ ઘર અમે એ રીતે બનાવ્યું છે કે ગમે ત્યાં ઊભાં રહો કે બેસો, બહારના જગત સાથે નાતો અકબંધ રહે. વધારામાં એટલાં બધાં વૃક્ષો કે ગમે ત્યારે, ગમે ત્યાં નજર ફેરવો. લીલો લીલો ને લીલો રંગ જ દેખાય. પ્રકૃતિપ્રેમ તો ‘મધુવન’ના વારસદાર તરીકે મળેલો જ, પણ અહીં આવીને તો એનો સાક્ષાત્કાર થયો એમ પણ નહીં, કહો કે એકરૂપ થઈ ગયાં. જરા સરખી હલચલ અમને કહી દે કે કયું પક્ષી આવ્યું ને કઈ ડાળીએ બેઠું. પક્ષીજગતના અમારા અનુભવો તો બીજો અને સુવાંગ નિબંધ માર્ગ! પણ, ‘સુરતા’નું મુખ્ય બારણું ખુલે એટલે સામે જ જાંબુનું મોટું ઝાડ. વહાલથી એને જાંબુદાદા કહીએ. આ દાદાની ફરતે અમે ગોળ ઓટલો કર્યો છે. ઓટલા ઉપર દાણા-પાણીની કાયમી વ્યવસ્થા. વહેલી સવારથી સંધ્યા સમય સુધી અભ્યાગતો ભૂખ્યાં આવે, ધરાઈને ઊડી જાય. આ જાંબુલીલા પણ જોવા જેવી. પવન આવે કે વરસાદ, પતંગ આવે કે પક્ષી, ટાઢ પડે કે તડકો જાંબુદાદા દરેક વાતનો જવાબ દે. આખો દિવસ કશુંક ને કશુંક જીવતું લાગે! ‘શિયાળે શીતળ વા વાય’ અને ઘર આપોઆપ એરકન્ડિશન્ડમાં ફેરવાઈ જાય. ઘણી વાર તો અમે સ્વેટર-ટોપી વગેરે પહેરીને બહાર જઈએ ત્યારે હાસ્યાસ્પદ લાગીએ. કેમ કે બહાર, ખાસ તો અમદાવાદમાં એટલી ઠંડી હોય જ નહીં! ક્યારેક, રાત્રે ફળિયામાં તાપણું કરીને બધાં ઢુંગલું વળીને બેસીએ. મિત્રો આવ્યા હોય તો એની મજા વળી ઓર. જાતભાતની વાતો કરીએ. દોઢસો વર્ષ જૂનો પટારો છે અમારા ઘરમાં, એટલાં જ જૂનાં છે મજૂસ અને ઘંટી. ઘંટીના પથ્થરની હવે જરૂર રહી નથી. એટલે એના ઉપર મોરની કોતરણીવાળો પિત્તળનો મોટો થાળ મૂક્યો છે. ઘંટી હવે ટિપોયનું કામ આપે છે. પટારામાંથી રોજ નવાં નવાં ગરમ કપડાં નીકળે. અમે જ અમારા વાતાવરણમાંથી ગરમાવો પેદા કરીએ. ચીકુડી અને સરગવો તો ઘરમાં જ છે. એટલે વારંવાર એનું મહિમાગાન થયા ઉનાળે ગરમી પડે પણ બીજે કરતાં રાહત. અગાશીમાં પડ્યે પડ્યે અનેક કવિતાઓને ચાંદની સ્પર્શે આવકારી છે, મોટા મોટા અવાજે ગયું છે ને ઝીણી ઝીણી આંખો કરીને વાયરાને જાંબુડાળે કે નીલગિરિની ટોચે ઝૂલતો જોયો છે.અનેક સંદર્ભમાં જીવનરસને મૂર્તરૂપ આપ્યું છે. વાતાવરણમાં ગરમી એવી કે આખી દુનિયા બહાર આવી જાય. ક્યારેક તો સવારે બારણું ખોલીએ કે તરત જ સાપનો ફુંફાડો સંભળાય. લાંબો થઈને ઓટલાની ધારે પડ્યો હોય. જો કે એ પહેલાં જ લેલાં અને કાબરોએ દેકારો કર્યો જ હોય. આટલાં વરસે હવે અમે ઝેરી- બિનઝેરીને કંઇક ઓળખતાં થયાં છીએ. ધીમે ધીમે કરતાં આજુબાજુ બંગલાઓ બંધાયા એટલે આવવામાં હવા થોડો સંકોચ કરે છે. પણ, જો બધી બારીઓ ખૂલી હોય તો ધીમા પંખે પણ ચાલી જાય. હજી પણ, ખુલ્લી અગાશી ચાંદનીમાં નહાવાનું નિમંત્રણ અવારનવાર મોકલે છે. ઠંડી સફેદ ચાદરમાં, એવાં જ સફેદ કપડાં પહેરીને અલગ અલગ માંડવીની પોળના મોર પ્રહરે નક્ષત્રદર્શન કર્યું ને આકાશગંગામાં હોડલી ચલાવી તે તો અહીં જ.

‘તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની.’

એ કલાપીદીધી પંક્તિની અર્થચ્છાયાઓ અહીં જ ઊકલી. આખી રાત ચંદ્ર અને વાદળોને સરકતાં જોવામાં ઊંઘનું સાતત્ય ન રહે છતાં બીજે દિવસે તરોતાજા જ હોઈએ! ‘સુરતા’માં વરુણદેવની મહેર ઊતરે ત્યાર પહેલાં તપોવન સંસ્કારપીઠ અને મેરુધામ બંને જૈનતીર્થોમાં મહારાજસાહેબોનાં ઠાણાં ચાતુર્માસ ગાળવા પગપાળા આવી પહોંચે. વૃદ્ધ સાધુઓ ખાસ પ્રકારે બનાવેલી પૈડાંખુરશી વાપરે. એ ય ને પછી ઢોલ-નગારાં-ત્રાંસા અને પીપૂડીઓ ગમે ત્યારે વાગવા માંડે. લાંબી લાંબી શોભાયાત્રાઓ જોઈએ ત્યારે રાગ અને ત્યાગ વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાઈ જાય! અમારું સરનામું જગજાહેર, એટલે કેટલાક સાહિત્યરસિક અને અભ્યાસી સાધુઓ આવી ચડે અથવા મળવા બોલાવે. વરસાદ પડવાનો હોય એ પહેલાંથી જ વાતાવરણનાં રંગ અને સુગંધ બદલાઈ જાય. ડાળીએ ડાળીએ બેઠેલા મોર ષડ્જના સૂરમાં ડોકના ત્રિભંગે કરી મૂકે કેકા. ધોળે દિ’એ ચમકીલું અંધારું છવાવા લાગે. વૃક્ષો, દીવાલો અને રસ્તાઓ દૂધે ધોયાં હોય એમ અલૌકિક ભાસે. વાદળોની ગડગડાટી, વીજના ચમકારા અને પછી તડમઝીંક... ચોમેર પાણી પાણી... વરસાદની ગતિ પ્રમાણે સંગીતનો લય-તાલ બદલાય. પાંદડાંની અણીએથી ટપકતાં બુંદોને સાંભળી શકો તો અહોભાગ્ય! મકાન ઓછાં છે ને ખાલી પ્લોટોની સંખ્યા વધારે છે. એ કેક પ્લોટ જાણે કે પુકુર. થોડા દિવસ એમાં પાણી ભરાઈ રહે. દેડકાઓ ઉછળકૂદ કરે એનો છપાકિયો અવાજ ઘરમાં બેઠાં ય સંભળાય. બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી પંખીઓ દાણા ખાવા ન આવે. જમવા બેસીએ ત્યારે, અમસ્થી જ ચિંતા થાય કે એ બધાં અત્યારે શું ખાતાં હશે? સૌથી પહેલી વેરણ થાય તે તો વીજળી. અમે કોઈ પણ રીતે ઘરમાં અજવાળું કરવાનું ટાળીએ. બને ત્યાં સુધી તો બહાર હિંચકે જ બેઠાં રહેવાનું. નાછૂટકે જ ઘરમાં આવીએ. પણ ઘરની બારીઓ એવી કે ભીંતો એના અસ્તિત્વને ભૂલી જાય ને અમે વરસાદી ગીતો સાથે અંદર-બહાર ભીંજાતાં રહીએ. ભીની માટીની સુગંધ સમગ્ર અસ્તિત્વને ઘેરી વળે ને મન પ્લાવિત થતું રહે, ગાતું રહે : ‘વા વાયા ને વાદળ ઉમટયાં....’, ‘ગરજત બરસત સાવન આયો રે...’ અમિયાપુર ગામનું છેવાડું એટલે અમારી સોસાયટી. પણ, ગામ સાથેનો નાતો એકદમ જીવતો. ઘરકામ કરનારી બધી બહેનો ગામની. કેડ્યે એકાદ છોકરું તો હોય જ. સતત અવરજવર ચાલુ ને ચાલુ. તૂટ્યે ફૂટ્યે નાનીમોટી ચીજવસ્તુ છગુજીની હાટડીએથી મળી રહે. દિવસે બધાં કામધંધે વળગેલાં હોય એટલે ગામની હાજરી ઓછી અનુભવાય. પણ સાંજ પડે કે તરત જ બધી દિશાઓ આવીને ગામમાં સમેટાય. વારાફરતી, એક પછી એક મંદિરની ઝાલરો ને નગારાં વાગવા માંડે. પૂનમ કે બીજ હોય તો પરોઢ સુધી અસલ ઢાળનાં ભજનો હાર્મોનિયમ, તબલાં અને એકતારાના સહારે સાંભળવા મળે. વસતિ બધી ઠાકોરભાઈઓની, પણ ગામ સુંવાળું. સાંજે હલકા તરંગની ઉડાન ભરે, પણ તોફાનનું નામ નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બધાંમાં એકસરખો રસ લે. ગામને અડધું બળતણ તો અમારી સોસાયટીનાં વૃક્ષો જ આપી રહે છે. અહીં, આ ઘરમાં જ મારી ચેતનાને સુરતા લાગી છે. ત્રણસેં ને પાંસઠેય દિ’ પ્રતિક્ષણ મહાપ્રકૃતિ મારી પ્રકૃતિને બદલી રહી છે. કશાકનું કશાકમાં અવિરતપણે રૂપાંતર થતું રહે છે. ઘણી વાર આવી ઉન્નત અને ઉન્મત્ત ક્ષણે પ્રશ્ન થાય છે કે હું અત્યારે ‘મધુવન’માં છું કે ‘સુરતા’માં? અહીંનું આંગણું, પગથિયાં, વૃક્ષો, પંખીઓ અને મારી સતત બદલાતી ભાષા સમય નામના તત્ત્વને ઓગાળે છે. મને સરત નથી રહેતી ને હું ગમે ત્યારે ગમે ત્યાં જઈ ચડું છું. છ વર્ષની વયમાં મીંડું ઉમેરાઈ ગયું છે પણ મન તો એવું ને એવું, સવારે સુરતામાં હોય તો સાંજે મધુવનમાં ને સાંજે મધુવનમાં હોય તો સવારે સુરતામાં...