માંડવીની પોળના મોર/મારું સત્ય: મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારું સત્ય : મૃત્યુ

સત્ય એક જ હોવા છતાં એના પ્રકારો અનેક છે. સત્ય ઐતિહાસિક હોય છે એટલું જ સામયિક પણ હોય છે. સત્ય પ્રારંભિકની જેમ અંતિમ પણ હોઈ શકે. જેટલું પરલક્ષી હોય એટલું જ આત્મલક્ષી હોય. મીઠું હોય પણ કડવું લાગી શકે. એ સિવાયના પ્રકારોમાં તટસ્થ, વસ્તુલક્ષી, વાસ્તવિક, નગ્ન, સીધું, ગંભીર, આર્ષ, કઠોર, દિવ્ય, નિરપવાદ, મૂળભૂત અને પ્રતીતિકર સત્ય પણ હોઈ શકે. અમુક કિસ્સાઓમાં સત્ય મૌલિક પણ હોઈ શકે. હું જ્યારે સત્ય વિશે વિચાર કરું છું ત્યારે મને માત્ર અને માત્ર બે સત્યો જ દેખાય છે. એક છે જીવન અને બીજું છે મૃત્યુ. બાકીનાં સત્યો આ બે સત્યોને આધારિત છે. આપણું જન્મવું જેટલું સાચું છે એટલું જ સાચું મૃત્યુ છે. માણસ જીવી જીવીને તે કેટલુક જીવે? ગમે તેટલી ભીષ્મ પ્રતિજ્ઞાઓ લઈએ તો પણ, જીવનનો ક્યારેક ને ક્યારેક અંત છે એટલું નક્કી. માણસ જન્મે પછીનું જીવન એના હાથમાં હોય છે, હથેળીમાં નહીં! એ ધારે એટલું એને સંસ્કારી શકે. પરંતુ, સાદા અર્થમાં જીવન કે મૃત્યુ કોઈના ય હાથની વાત નથી. અપવાદ રૂપે કોઈ સામે ચાલીને મૃત્યુને આવકારે પણ મૃત્યુ પામ્યા પછી, એનો જીવનની જેમ સાક્ષાત્કાર શક્ય નથી. એટલે આ ક્ષણે તો મારે માટે સત્ય એટલે મૃત્યુ. જીવનનો અંત. આપણી પરંપરામાં એને નૂતન જીવનનો પ્રારંભ પણ કહેવામાં આવે છે. મેં જીવનમાં ક્ષણે ક્ષણે મૃત્યુને અનુભવ્યું છે. ઉત્તમોત્તમ પળોમાં ય વિચાર તો મૃત્યુનો જ કર્યો છે. ડરથી નહીં, અંદરથી. પહેલવહેલું મૃત્યુ જોયું તે, નવ વર્ષની ઉંમરે, સહાધ્યાયી મિત્ર બાબુડિયાનું. એ આકસ્મિક રીતે જ કૂવામાં પડીને મરી ગયેલો ને મારા વ્યક્તિત્વમાંથી સર્વ પ્રથમ નાનકડો અંશ લઈ ગયેલો! બસ, ત્યારથી તે આ લખું છું ત્યાં સુધી હમેશાં વિચારતો રહ્યો છું. એ પછી, એટલાં બધાં મૃત્યુ જોયાં છે કે કશી બીક વિના ઉત્સુકતાથી, એક નિકટના મિત્રની જેમ સમજવા મથતો રહ્યો છું. ખબર નહીં કેમ, પણ સંજોગો જ એવા થતા રહ્યા છે કે કેટકેટલાનાં મૃત્યુના સાક્ષી બનવાનું થયું છે. અમુકનો તો હાથ મારા હાથમાં હોય ને એ હાથતાળી દઈને ચાલ્યાં ગયાં છે. શરીરમાંથી અલગ થતી ચેતનાને અનેકવાર જોઈ છે. ‘અંતકાળે જાવું છે જીવને એકલું રે...’ એ ભજન મા પાસે વારંવાર સાંભળ્યું છે. મા એ ભજન ગાતાં ત્યારે હું રડી પડતો. એ વખતે મને માત્ર, મૃત્યુની માત્ર ભયંકરતા જ દેખાતી. પરંપરાગત રીતે સાંભળેલું કે યમરાજ એના પાડા ઉપર સવાર થઈને આવે, અટ્ટહાસ્ય કરે ને જીવને ખેંચીને, કહો કે ઊતરડીને લઈ જાય. નરકની યાતનાઓનાં વિગતે વર્ણન પણ ‘ગરુડપુરાણ’માં સાંભળેલાં. એ બધું મારે માટે ત્રાસદાયક હતું. કમકમાં આવી જતાં. પરંતુ એ જ માનું માથું મારા એક હાથમાં હતું ને બીજા હાથમાં એમનો ઠંડો પડી ગયેલો હાથ હતો. નવ્વાણું વર્ષની ઉંમરે, અત્યંત શાંતિથી, સ્વસ્થતાથી એમણે પોતે આગાહી કરેલી એ દિવસે આંખો મીંચી દીધેલી. એ પછી બાપુજીના મોટાભાઈ, એમને અને દાદા કહેતાં તે ત્ર્યંબકદાદાએ પણ મારી નજર સામે દેહ છોડેલો. ચાર ઊંડા શ્વાસ અને પાંચમે શ્વાસે અંધારું! એ પછી, ઘણાં બધાં સ્વજનો, મિત્રો અને સાહિત્યકારોને આ હાથે વળાવ્યાં છે એની ટીપ અહીં નથી આપવી, પણ મૃત્યુને એટલા નજીકથી નિહાળ્યું છે કે હવે એનો ભો નથી રહ્યો. રાજેન્દ્ર શાહના ‘શેષ અભિસાર’ કાવ્યમાં મૃત્યુ કહે છે તેમ – ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું વાણી ના, શ્રુતિ ના, દૃષ્ટિ કેરાં યે દર્શનો નહિ, સ્મૃતિ ના, તુજને વ્હાલો પ્રાણ તે યે નહીં નહીં. તું ને હું.....’ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી, ક્ષણેક્ષણમાં જીવી લેવાનું મને કદાચ મૃત્યુએ જ શીખવ્યું હશે. અંતિમ સત્ય મૃત્યુ છે એ જાણવા-સ્વીકારવા છતાં, કદી મેં એની કામના નથી કરી. બલ્કે, એ આવે તે પહેલાં પંચેન્દ્રિયથી આ જગતને જેટલું અંદર ઉતારી શકાય એટલું ઉતારી લેવું છે. વિશ્વંભરને પણ બતાવી શકાય એવું જીવી લેવું છે. વર્ષો પહેલાં એક ગઝલ લખી હતી એનો એક શે’ર : ‘એટલે ‘હર્ષદ’ બધે બનતી ઉતાવળ હું કરું, શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં?’ મારા હાથમાં ગમે એટલાં શ્વાસ હોય, એની કશી પરવા કે દરકાર કરી નથી ને કરવી પણ નથી. જેટલા શ્વાસ લેવાય છે એમાં બને એટલી સુગંધ એકઠી કરી લેવાની સહજ ઈચ્છા છે. પ્રત્યેક કાર્યમાં ઉતાવળ એ જાણે સ્વ-ભાવ થઈ ગયો છે. પરંતુ એ ઉતાવળ હડબડી કે અકરાંતિયા પ્રકારની નથી. ખાવું છે તો કોળિયે કોળિયાનો સ્વાદ અનુભવવો છે. સાયુજ્યમાં પળ વાર માટે ય અલગ અસ્તિત્વ રહેવા દેવું નથી, ઓગળી જવું છે. આવી ક્ષણોમાં જ કદાચ, જીવનનો પૂર્ણ અનુભવ છે એવું સમજાયું છે ને એ પૂર્ણ અનુભવની પછવાડે ક્યાંક મૃત્યુનો આછો વિચાર પડેલો છે. આમ તો આપણે જેમ ક્ષણે ક્ષણે જીવીએ છીએ એમ જ ક્ષણે ક્ષણે મૃત્યુ પણ પામીએ છીએ. રેતશીશી જેવી છે જિંદગી. આ બાજુથી સરકતી રેત બીજી બાજુ જમા થતી રહે છે એમ, હું જીવન અને મૃત્યુને શાશ્વતીના સંદર્ભે જોવા- પામવાનું શીખ્યો છું, મને એ શીખવ્યું છે સ્વયં શાશ્વત એવા મૃત્યુએ. ગઈ કાલે આપણે કોઈના મિત્ર હતા અને આજે નથી તો એ મિત્રના ચિદાકાશમાં આપણે જીવતા ન કહેવાઈએ. એમાં સ્થૂળ મૃત્યુની કોઈ વાત નથી, પણ એની ચેતનામાં આપણો કોઈ અંશ હવે નથી રહ્યો એટલું સ્વીકારીએ તો પણ આ મહામૃત્યુનો આંશિક પરિચય મળી રહે. મૃત્યુને મહાસત્ય તરીકે સ્વીકાર્યા પછી જ હું જીવનના સત્યને સ્વીકારી શકું છું. જે જાય છે તે આપણી સ્મૃતિઓમાં જીવે છે. કદાચ, વધારે સારી રીતે ને નિર્ભેળ રીતે જીવે છે. સ્મૃતિનું સત્ય પણ કંઈ નાનુંસૂનું નથી. એકવાર આટલું સ્વીકારી લીધા પછી ત્રિજગતીમાં વિહાર કરવાનું અઘરું નથી. વિહાર એ મારી જુગજૂની ઈચ્છા-આકાંક્ષા હોવાથી મૃત્યુને હું મારા અંતિમ અને એકમેવ સત્ય તરીકે સ્વીકારી શકું છું. હકીકત તો એ છે કે એ સત્યને કારણે જ જીવનની પળેપળને ધન્ય બનાવવાની ધખના ટકી રહી છે. જીવનને વધુ સુંદર રીતે માણવાની મનસા મને જે રિદ્ધિ-સિદ્ધિ અપાવે છે એ કદીક આવનાર મૃત્યુને અને એના ખયાલને આભારી છે. એટલે પ્રારંભે કહ્યા તે સત્યના વિવિધ પ્રકારોમાં હું અંતિમ સત્યને મારું ગંતવ્ય ગણું પણ છું ને નથી પણ ગણતો. મને એની રાહ પણ નથી ને ભેટો કરવાની ઉતાવળ પણ નથી. કારણ કે મેં તો હંમેશાં મૃત્યુને જાતથી જુદું ગણ્યું જ નથી. એટલું જ નહીં, આ સચરાચરમાં કાયમને માટે નવજાત શિશુ હોવાનો જ અનુભવ કર્યો છે. મારું એક કાવ્ય અહીં ઉતારવું જોઈએ એમ લાગે છે:

પુનર્જન્મ

કાળના ગર્ભગૃહ જેવી
ઊંડી ગુહામાં ગયો હતો એક વાર,
શિલ્પો જોવા, ચિત્રો જોવા.
પ્રવેશતાં જ એવું કેમ થયું
જાણે માતૃગર્ભમાં જઈ રહ્યો છું પાછો!
આંખો ઊઘાડીને જોઉં તો???-
અર્ધ નિમીલિત નેત્રે બેઠેલા બુદ્ધ.
ચહેરા પરની શાંત, નિર્વિકલ્પ રેખાઓ
પ્રસન્ન કરે મને.
હું બુદ્ધની આંખો વાટે
જાઉં છું અંદર કે
છએ ચક્રોને ભેદીને બુદ્ધ આવે છે મારી અંદર
એની ખબર પડતી નથી.
વારંવાર સરકી જતા
ચીવરના સળને સરખા કરવા
મથતી આંગળીઓ સ્વયં પદ્મપાંખડીઓ!
સ્થિર આસને નિમગ્ન છતાં
કરાવે જન્મજન્માંતરે વિહાર.
ઘડીમાં શ્રાવસ્તી તો ઘડીમાં જેતવન,
ક્યારેક કોશલદેશ તો કદીક દક્ષિણગિરિ.
પ્રવજ્યા લેવામાં અને દેવામાં કદી લાગું અપૂર્ણ અને અજ્ઞ.
વળતી ક્ષણે
ધર્મસભામાં પૂર્ણ છલોછલ સર્વજ્ઞ.
કંટકશય્યા, ઊભડક બેઠક કે
વાગોળવ્રતસમાં તપ તો મિથ્યા,
માત્ર ગતિ.
ન કરે કલ્યાણ ન કરે ઉન્નતિ.
ઉન્નતિ તો મારી અંદર.
કલ્યાણ મારું કવચ.
તપયોગે કરું સ્થિરદર્શન.

કહું છું:
હે ભદંત! નથી ઉપડતા આગે મારા ચરણ.
રોધે મને મારાં આવરણ.
જીવમાંથી મુક્ત થાય બીજો જીવ
એમ નિસરું છું ગુહાની બહાર.
હવે હું -
ન ગૌતમ, ન શાસ્તા, ન ભિખ્ખુ ન ભગવન્
માત્ર નવજાત શિશુ!

(સમાપ્ત)