માણસાઈના દીવા/‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’
‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’
ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં, અને એમાં શ્રમજીવી કેટલાંક છે તેમ જ બેઠાડુ કે ઉજળિયાત કેટલાં છે તેનું પ્રમાણ શોધતાં ‘અઢાર અને એંસી'વાળો લેખ મેં લખ્યો હતો. અસહકારની લડત દરમિયાન જ્યારે બોરસદ તરફ હું ફરતો હતો ત્યારે એક વાર એ કોમની એક ‘પરિષદ'માં હાજર રહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. કેટલાક પાટીદાર પટેલોએ જ્યારે પટલાઈ છોડી ત્યારે બારૈયા કોમના લોકોએ એ લીધી હતી. અને એને અંગે કંઈક ઝઘડાઓ પેદા થયા હતા. એક-બે ખૂન પણ થયાં હતાં, એમ મેં જાણ્યું હતું. તેથી એ કોમની નક્કર સેવા કરવી જ જોઈએ એમ નક્કી કરી મેં ગુજરાત વિદ્યાપીઠ વતી બોચાસણમાં એક વિદ્યાલય ખોલ્યું. પ્રથમ એનું નામ ‘બારૈયા વિદ્યાલય' રાખવાનો વિચાર કરેલો પણ તેમ કરતાં તેમાં કોમી તત્ત્વો દાખલ થશે, અને આગળ જતાં એ આપણને નડશે, એમ મને લાગવાથી મેં વિચારપૂર્વક એ વિદ્યાલયનું નામ ‘વલ્લભ વિદ્યાલય' રાખ્યું. સન ૧૯૨૩માં જ્યારે પહેલી વાર હું જેલ ગયો ત્યારે ત્યાં કોંગ્રેસના એક કાર્યકર્તા શ્રી શામળભાઈ પટેલનો પરિચય થયો હતો. એમની પાસેથી ખેડા જિલ્લામાં પાટીદારોના અને બારૈયા લોકોના જીવન અને સંબંધ વિષે મેં ઘણું સાંભળ્યું હતું. ‘ના-કર'ની લડતમાં શામળભાઈને જ મેં ખેડા જિલ્લામાં કામ કરવા મોકલ્યા હતા. એમની સાથે ચિ. બાળ કાલેલકરને પણ એ જ કામ સોંપ્યું હતું. એ કરતાં ચિ. બાળને પોલીસોને હાથે અનેક વાર પંજરીપાક પણ મળ્યો હતો. એ દિવસોમાં બંને પાસેથી મેં બારૈયા કોમની બહાદુરી વિષે અને એમના સ્વભાવની ખૂબીઓ વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. તેથી જ એ બેને ‘વલ્લભ વિદ્યાલય' ચલાવવાનું કામ સોંપ્યું. એ વિદ્યાલય ઉત્તમ રીતે ચાલે એ ઈંતેજારીથી મેં ‘વિદ્યાપીઠ'ના વિદ્યાર્થી શ્રી કપિલરાય મહેતા અને કસાયેલા રાષ્ટ્રીય શિક્ષક ડાહ્યાભાઈ પાઠક – એ બેને ત્યાં મોકલ્યા હતા. આ બધાએ મળીને પાટણવાડિયા કોમ વચ્ચે કેળવણીનું અને જાગૃતિનું સરસ કામ કર્યું. ત્યાર પછી મારાં આશ્રમ-ભગિની પૂજ્ય ગંગાબેને બોચાસણમાં જ સેવાનું કાર્ય કરવાનું પસંદ કર્યું, અને શ્રી શિવાભાઈ પટેલે એ ‘વલ્લભ વિદ્યાલય' આજે ઘણી યોગ્યતાથી ચલાવ્યું છે. આનંદની વાત એ છે કે વિદ્યાપીઠના ગ્રામસેવા-દીક્ષિત શ્રી બબલભાઈ મહેતા, જે પોતે ડાકોર તરફથી ઠાકુર કોમમાં બહુ જ સુંદર કામ કરી રહ્યા છે, તેઓ પણ વલ્લભ વિદ્યાલયના કામમાં હવે રસ ધરાવે છે. અને સૌથી સદ્ભાગ્યની વસ્તુ એ કે આ ચોપડીના મુખ્ય પાત્ર કે કથાનાયક શ્રી રવિશંકર મહારાજે અમારા વલ્લભ વિદ્યાલયમાં હવે પોતાનો કાયમી વસવાટ કર્યો છે. એમના ચિરંજીવી શ્રી મેઘાવ્રત તો બોચાસણમાં આયુર્વેદની દવા આપવાનું કામ ક્યારના કરતા હતા જ. ત્રણ વરસની આ વખતની જેલને અંતે બહાર આવતાં જ્યારે મેં જાણ્યું કે રવિશંકર મહારાજે બોચાસણમાં રહેવાનું કબૂલ્યું છે, ત્યારે મેં અસાધારણ ધન્યતા અનુભવી. કુલનાયક તરીકે ‘વિદ્યાપીઠ'નું સંચાલન હું કરતો હતો તે વખતે બારૈયા કોમ માટે ખેડા, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વલ્લભ વિદ્યાલય જેવાં એક પછી એક અનેક વિદ્યાલયો સ્થાપવાનો મારો વિચાર હતો. એને અંગે તે તે પ્રદેશમાં હું ફર્યો પણ હતો. શ્રી રવિશંકર મહારાજ સાથે લાંબા કાળનો — બહાર તથા જેલમાં — પરિચય તો હતો, તેથી ગુજરાતીના સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શ્રી રવિશંકર મહારાજ વિષેનાં સ્મરણો શિવની જેલમાં જ અત્યંત રસપૂર્વક હું વાંચતો હતો. બહાર આવ્યા પછી જ્યારે શ્રી ઈશ્વરલાલ દવેએ શ્રી મેઘાણીની આ ચોપડી માટે પ્રસ્તાવના લખવાનું મને સૂચવ્યું ત્યારે મેં ક્ષણનો વિચાર કર્યા વગર તરત હા પાડી. ભલે એક પ્રસ્તાવક તરીકે પણ શ્રી રવિશંકર મહારાજની જીવનકથા સાથે અને શ્રી ઝવેરચંદ મેઘાણીની સાહિત્યકૃતિ સાથે મારો સંબંધ જો જોડાતો હોય તો હું ના શા માટે પાડું!
ગયા જમાનાના કાઠિયાવાડી ભડવીરો અને ચારણોની જીવનકથાઓનો અને લોકકાવ્યોનો સંગ્રહ કરી ગુજરાતી ભાષામાં એ રોમાંચક જીવનમૂલ્યોને આબાદ રીતે ચિત્રિત કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં અદ્ભુત સંયમ વાપર્યો છે અને શ્રી રવિશંકર મહારાજની જ ભાષા અને શૈલી અહીં વાપરીને મહીકાંઠાના જીવનવીરોનાં જીવનમૂલ્યો કેવાં છે, અને એ મૂલ્યોમાં મૌલિક ફેરફાર કરવા મથનાર સંસ્કૃતિવીર શ્રી રવિશંકર મહારાજે પોતાનું જીવન કેમ નિચોવ્યું છે, એનું જીવતું ચિત્ર આપણને આપ્યું છે. મને તો લાગે છે કે આ ગ્રંથમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત-રમ્ય સાહિત્યશૈલી, ઉપર કહેલા સંયમના ઓપને કારણે, સોળે કળાએ પ્રગટે છે. આ ઓપડી વાંચતાં મેઘાણીની સંયમસમર્થ શૈલીએ મારા પર જે અસર કરી છે તે બીજી કોઈ પણ ભાષાની ચોપડીએ ભાગ્યે જ કરી હશે. હું આશા રાખું છું કે ‘માણસાઈના દીવા'ના અનુવાદો દેશપરદેશની અનેક ભાષાઓમાં થશે અને સંસ્કૃતિવીર રવિશંકરના પુરુષાર્થનો આ દસ્તાવેજ માનવકોટીના સાહિત્યમાં પોતાનું સ્વાભાવિક સ્થાન લેશે. સમાજ અને સરકાર જેમને ગુનેગાર જાતિ ઠરાવે છે તે જાતિ પાસે પણ કેવા ઊંડા અને ઉમદા જીવનના આદર્શ છે, તે વાત હૃદયની દૃષ્ટિથી તપાસી શક્યા તેથી જ શ્રી રવિશંકર મહારાજ એ લોકોની અંદર આદર્શ-પરિવર્તનનાં તત્ત્વો ઉમેરી અથવા વાવી શક્યા છે.
જીવનના આદર્શો કોણ ઘડે છે? ઋષિમુનિઓ, પરમેશ્વરના પયગંબરો, મહાકવિઓ, લોકનેતાઓ. ધર્માચાર્યો, ન્યાયમૂર્તિઓ, જનતાની પંચાયતો, ન્યાતના આગેવાનો, ભાટ અને ચારણો, જૂના જમાનાનું સ્મરણ રાખતી ડોશીઓ અને કઠણ પ્રસંગે પાકટ સલાહ આપનાર ડોસાઓ, જુનવાણી રિવાજો સામે જેહાદ પોકારનારા સુધારક યુવકો અને અસહ્ય અન્યાય સામે શિર સાટેની પણ ઢંગધડા વગરની જેહાદ ચલાવનારા બહારવટિયાઓ – બધાં જ પોતપોતાની ઢબે જીવનના આદર્શો ઘડતાં આવ્યાં છે. દરેક વર્ગ પોતપોતાના જીવનદર્શન પ્રમાણે આ આદર્શો ઘડતો આવ્યો છે. દરેક જીવનદર્શન સરખું નથી હોતું. બહુ જ થોડા લોકોનું જીવનદર્શન સંપૂર્ણ અથવા સર્વાંગીણ હોય છે. દરેકની અનુભૂતિ જેટલી ઊંડી કે વ્યાપક હોય, એટલી જ એની જીવનસમૃદ્ધિ અને જેટલી જીવનસમૃદ્ધિ, તેટલું જ એનું જીવનદર્શન. ઘણાંખરાંનું જીવનદર્શન એમના સ્વભાવદોષને કારણે વિકૃત પણ હોય છે. એકાંગિતા એ માણસને મોટામાં મોટો શાપ છે. એને કારણે જીવનદૃષ્ટિ વિકૃત થાય છે અને માણસ જીવનસાફલ્ય ખોઈ બેસે છે એટલું જ નહિ પણ એની પ્રવૃત્તિ જીવન માટે શાપરૂપ પણ નીવડે છે. કોઈની જીવનદૃષ્ટિ સુધારવી એ એની ઉત્તમમાં ઉત્તમ સેવા છે. એવી સેવા જે કરે તે જ નવા અર્થમાં સાચો બ્રાહ્મણ છે. આ થોડાંક સરખાં રેખાચિત્રો દ્વારા શ્રી રવિશંકર મહારાજે આપણને પાટણવાડિયા જેવી બાહોશ પણ દુર્દેવી કોમના જીવનદર્શનની ઝંખી સમતાપૂર્વક કરાવી છે, અને એનું એ જીવનદર્શન સુધારવા માટે એમણે કેટલી તત્ત્વનિષ્ઠા, ધીરજ અને કુનેહ વાપરી છે, એનું પા અહીં આપણને પવિત્ર દર્શન થાય છે. ધીરજ અને કુનેહ, એ જેટલાં ડહાપણથી આવે છે તેના કરતાંય વધારે ઉત્કટ પ્રેમને લીધે આવે છે. વિષયીક પ્રેમ અને અહંપ્રેમ ભલે આંધળો હોય, પણ નિર્હેતુક અને શુદ્ધ એવા પ્રેમની દૃષ્ટિ તો લગભગ દિવ્ય હોય છે. કેળવેલા ડહાપણ કરતાં પ્રેમનું ડહાપણ આખરે બધી રીતે શ્રેષ્ઠ અને કલ્યાણકારી નીવડ્યું છે. શુદ્ધ પ્રેમને લીધે થયેલી ભૂલો પણ સમાજને અંતે ઉપર જ ચડાવે છે. પ્રેમ અને તત્ત્વનિષ્ઠા મૂળમાં એક જ વસ્તુ છે. પ્રેમની ભક્તિ સગુણ હોય તો તત્ત્વનિષ્ઠાની ભક્તિ નિર્ગુણ હોય છે — એટલો જ ફેર પણ મૂળમાં બન્ને એક જ છે. જંગલમાં રહેનારાં પશુઓની અંદર જીવનકલહ અાલે છે. પણ તેમના તે કલહને કારણે કોઈ તેમને ગુનેગાર કહેતાં નથી. જાનવરોને માટે ‘ક્રૂર' અથવા ‘સૌમ્ય'નાં વિશેષણો આપણે લગાડી શકીએ છીએ પણ તેમને આપણે ગુનેગાર કે પ્રમાણિક કહી શકતા નથી. એવો ભેદ તેમને માટે છે જ નહિ. તેઓ જંગલનો નિયમ પાળે છે. કેટલાંક પ્રાણીઓમાં સામાજિક વૃત્તિ ઉત્કટપણે દેખાય છે. તેઓ અંદરોઅંદર સામાજિક વૃત્તિ અને સહાયવૃત્તિ, અમુક હદ સુધી, બતાવે છે અને આપણને આશ્ચર્ય પમાડે છે. કેટલાંક પ્રાણીઓ એવી સામાજિક વત્તિ ફક્ત પોતાનાં જીવનસાથી પ્રત્યે અને બચ્ચાંઓ પ્રત્યે જ બતાવી શકે છે બાકીની દુનિયા એમને માટે કાં તો ભક્ષ્ય છે અથવા શત્રુ છે. માણસમાં સામાજિક વૃત્તિ ક્યારે ખીલી એનો ઇતિહાસ જડતો નથી. માણસ પ્રથમથી જ ઓછેવત્તે અંશે સામાજિક પ્રાણી છે અને તેથી એણે પોતાની પ્રાકૃતિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વે જાતજાતના સામાજિક આદર્શો ઘડી કાઢ્યા છે. એ આદર્શો એને વખતોવખત બદલવા પડે છે એ ખરું પણ એક વખત ઘડાયા પછી, અને અમુક કાળ સુધી ટક્યા પછી, તે એવા તો દૃઢમૂળ થયા છે કે અંતે મનુષ્ય-સ્વભાવનું જ રૂપ ધારણ કરે છે. એ આદર્શો ખીલવાનાં ક્ષેત્રો મુખ્યત્વે ચાર-પાંચ જ છે. કૌટુંબિક જીવન એ એક ક્ષેત્ર છે. એમાં લગ્નસંબંધ અથવા વૈવાહિક જીવનની શુદ્ધિ, મિલકત ઉપરનો કુટુંબીજનોનો સરખો જ સામુદાવિક હક્ક અને પરોણાગતના એટલે કે આથિત્યના ઉદાર આદર્શો — એ ત્રણ આ ક્ષેત્રનાં મુખ્ય તત્ત્વો છે. કુટુંબ બહાર સામાજિક જીવનનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. એમાં પણ આતિથ્યનો આદર્શ, શરણાગતને રક્ષણ આપવાનો આદર્શ, અપમાન કે અન્યાય કરનાર વ્યક્તિ કે જાતિ પર બદલો લેવાનો આદર્શ, વ્યાજવટું કરવા-ન-કરવાનો આદર્શ, વચનપાલન, સત્યવાદિતા અને ન્યાયનિષ્ઠાનો આદર્શ — એ બધાં આ ક્ષેત્રમાં જ આવે છે. આવા આદર્શો ઘડવાનું કામ કુટુંબોના કર્તાહર્તા પુરુષોનું, વહુઓ ઉપર રાજ કરનાર સાસુઓનું, અને કુટુંબોને દોરનાર ગોર કે ચારણનું હોય છે. જ્યારે સમાજો અને રાજ્ય સ્થપાય ત્યારે રાજાઓ અને ન્યાયાધીશો, પંચાયતના પ્રમુખો અને સમાજને દોરનાર કવિઓ તથા પયગંબરો સમાજ માટે આદર્શો ધીરે ધીરે કાઢે છે. ધર્મપ્રધાન સમાજોમાં ઋષિમુનિઓ, સ્મૃતિકારો અને આચાર્યો સર્વહિતકારી દીર્ઘદૃષ્ટિથી અત્યંત વ્યાપક અને ઉજ્જવળ આદર્શો સમાજ આગળ મૂકે છે અને માનવસંસ્કૃતિને ઊંચે લઈ જાય છે જ્યારે બીજી બાજુએ રાજાઓ અને રાજ્યકર્તાઓ પોતાના સ્વાર્થ અને સમાજની લાગણીઓ, બંનેનો વિચાર કરી, સમાજમાં નભી શકે — અથવા સમાજ પાસેથી નભાવી શકાય — એવા વ્યવહારુ આદર્શો રૂઢ કરે છે. પ્રસ્તુત દસ્તાવેજમાં આપણને પાટણવાડિયા કોમનો સ્વાભાવિક જીવનઆદર્શ, એમની વચ્ચે રહીને પોતાનું ગુજરાન શોધનારા ગોર લોકોએ ચલાવેલો મધ્યકાલીન હિંદુ આદર્શ, દેશી અને પરદેશી રાજકર્તાઓએ વિચારપૂર્વક ખીલવેલો પણ અણઘડ રીતે અમલમાં આણેલો કાયદાનો આદર્શ અને છેવટે મહાત્મા ગાંધીજીએ દેશ આગળ અને મનુષ્યજાતિ આગળ રજૂ કરેલો માણસાઈભર્યો અને બહાદુરીભર્યો સત્ય-અહિંસાનો કલ્યાણમય આદર્શ — એ બધા આદર્શોના સ્વભાવ-સુંદર આઘાત-પ્રત્યાઘાત જોવાને મળે છે. અને એ દૃષ્ટિએ જ્યારે આપણે આ આખું બયાન વાંચીએ ત્યારે જ નિસ્પૃહ અને પ્રેમાળ, નિરહંકારી અને સેવાપરાયણ સંસ્કૃતિવીર રવિશંકર મહારાજની મૂર્તિની ઊંચાઈની ભવ્યતા આપણે માપી શકીએ. ‘અલ્યા, તારે કાયદાને રસ્તે જવું હોય તો તે માર્ગ તારે માટે ખુલ્લો છે અને મારે માર્ગે જવું હોય તો તારે માટે મહેનત કરવા તૈયાર છું. મારે માર્ગે જતાં સજા તો થશે જ, પણ એ ઓછામાં ઓછી થાય એને માટે હું પ્રયત્ન કરીશ,' એમ રવિશંકર મહારાજે એક જણને સમજાવ્યું. પેલાએ વકીલોની સલાહ માની. એ માર્ગે જતાં ગુનેગારને મહારાજ ધારતા હતા એના કરતાંય ઓછી સજા થઈ અને ભલે ગમે તે પ્રકારે પણ ગુનેગાર બચી ગયો એટલાથી જ રવિશંકર મહારાજ રાજી થયા. એ દૃશ્ય એ આ બધા પ્રસંગોનો અને આજની માનવી-સંસ્કૃતિની ‘લેવલ'નો વાસ્તવિક ચિતાર છે. અને ત્યાં જ અનાસક્ત પ્રેમધર્મી રવિશંકર મહારાજની ભવ્યતા મેં ભાળી છે. આવી અનાસક્ત પ્રેમમૂર્તિ જ સંસ્કૃતિને ઊંચે ચડાવી શકે છે. શ્રી મેઘાણીએ રજૂ કરેલી મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તીર્થસ્નાનની ધન્યતા હું અનુભવું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ જ અનુભવ થશે. રાનીપરજની તેમ જ દૂબળાં હળપતિની સેવા કરનારા મારા મિત્ર જુગતરામ દવે સાથે એમના ક્ષેત્રમાં — તાપી, મીંઢોળ, પૂર્ણા અને વાલ્મિકી નદીઓને કાંઠે — ફરતાં આ પ્રસ્તાવના કટકે કટકે લખી છે, એ પણ એક આનંદનો વિષય છે. સન ૧૯૪૫ : શરદ-પૂનમ, કાકા કાલેલકર કાકાસાહેબની આ પ્રસ્તાવનાનો મારા નિવેદનમાં ઉલ્લેખ સરખોય નથી એથી વાચકોને નવાઈ લાગશે. એ ઉલ્લેખથી મારું નિવેદન વંચિત રહ્યું છે, કારણ કે ભાઈશ્રી ઈશ્વરલાલ દવેએ કાકાસાહેબ પાસેથી પ્રસ્તાવના માગી છે, અને કાકાસાહેબે સહર્ષ એ લખી આપવાનું સ્વીકાર્યું છે, તેની ખબર મને નિવેદન છપાઈ ગયા પછી પડી. આ પ્રસ્તાવનાને વાઙ્મયના ક્ષેત્રમાંના એક માનાર્હ વડીલની મમતા તેમ જ આશીર્વાદની પ્રસાદી માનું છું. ગુજરાતના ભલભલા લેખકો પોતાની કૃતિને માટે જેમનાં અલ્પઆશીર્વચનો મેળવવા પણ તપશ્ચર્યા કરે છે તેવા કાકાસાહેબ મારા પર આપોઆપ મુક્તમેઘધારે વરસ્યા છે, એ કંઈ નાનુંસૂનું સદ્ભાગ્ય નથી. પ્રભુ પાસે પ્રાર્થું છું કે આ પ્રશંસાને પાત્ર બનવા મને સદાકાળ પ્રયત્નશીલ રાખે.
બોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ ઝવેરચંદ મેઘાણી