માય ડિયર જયુની વાર્તાઓ/લેખકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લેખકનો પરિચય

‘માય ડિયર જયુ’ના તખલ્લુસથી સાહિત્યજગતમાં જાણીતા થયેલા જયન્તીલાલ રતિલાલ ગોહેલ અનુઆધુનિક સમયગાળાના મહત્ત્વના વાર્તાકાર છે. માય ડિયર જયુ ભાવનગર સિંહોર પાસેના ટાણા ગામના વતની છે. તેમણે ટાણા, પાલિતાણા અને ભાવનગરમાં વિદ્યાભ્યાસ કર્યો છે અને ભાવનગરની ખૂબ જાણીતી કૉલેજ શામળદાસ આટ્‌ર્સ કૉલેજમાં ૪૦ વર્ષ સુધી ગુજરાતી ભાષાનું અધ્યયન-અધ્યાપન કાર્ય કર્યું છે. પ્રમુખતયા વાર્તાકાર તરીકે જ જાણીતા થયેલા માય ડિયર જયુએ વાર્તાલેખનની સાથે લઘુનવલકથા, સંસ્મરણો અને વિવેચનના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સર્જનાત્મક લેખનની શરૂઆત ‘મરણટીપ’, ‘કમળપૂજા’ અને ‘ઝુરાપાકાંડ’ લઘુનવલોથી કરે છે. આ ત્રણે લઘુનવલોને ગુજરાતી ભાવકો-વિવેચકોએ પોંખી છે. નવમા દાયકામાં માય ડિયર જયુ વાર્તાલેખન તરફ વળે છે અને અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં અગ્રિમ સ્થાન પામે એવો નિજી સર્જકમુદ્રા ઉપસાવતા ‘જીવ’, ‘થોડાં ઓઠાં’, ‘સંજીવની’ અને ‘મને ટાણા લઈ જાવ!’ એમ ચાર વાર્તાસંગ્રહો તેમની પાસેથી મળે છે. આ ચારે સંગ્રહની ૭૦ ગ્રંથસ્થ વાર્તા અને ૧૦ અગ્રંથસ્થ વાર્તાઓ મળીને કુલ ૮૦ વાર્તા માય ડિયર જયુએ રચી છે. કથનકલાનો મહિમા કરતી આ બધી જ વાર્તાઓ માય ડિયર જયુના સર્જક વ્યક્તિત્વની પરિચાયક બની રહી છે. ‘જયન્તીલાલ સાથે હિસાબ’ નામે સંસ્મરણોનું પુસ્તક હવે પછી તેમની પાસેથી મળવાની પૂરી શ્રદ્ધા છે. ‘સ પશ્યતિ’ અને ‘સ વીક્ષતે’ તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. લટૂર પ્રકાશન શરૂ કરીને તેઓએ પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે.