માય ડિયર જયુની વાર્તાઓ/૭. માસ્તરનો ઑમ
મારો સ્વભાવ શંકાશીલ કહેવાય. ક્યારેક તો મને એમ લાગે કે શંકાશીલ કરતાં કુશંકાશીલ કહેવો જોઈએ. એવું કંઈક જોઉં કે કુશંકા જ થાય. તે દિવસે કૉલેજથી આવતાં માસ્તરની શુચિને જમાલ કેન્ડીએ ઊભી ઊભી કેન્ડી ખાતાં જોઈ. અને ભાદરવાના તીખા તાપને લીધે હોય, કે જમાલ, જમાલ કરતાં કમાલ નામે જાણીતો છે એનો મને ઝબકારો થયો હોય એને લીધે હોય, કે કેટલીક બાબતમાં માસ્તર સાથે મારો વિવાદ થયા જ કરે એટલે હોય; પણ માસ્તરનું ફાટક આવ્યું અને મારાથી સ્કૂટરને બ્રેક મરાઈ ગઈ. કહી દઉં કે, તમારી શુચિ આમ એકલી જમાલ કેન્ડી... પણ સ્કૂટર પરથી ઉતર્યો ત્યાં તો એ વાત જ ઊડી ગઈ અને મારું ધ્યાન માસ્તર પર ચોંટી ગયું. માસ્તર ‘ઑમ...ઑમ...’ કરતાં કમ્પાઉન્ડમાં ઑમ પાછળ દોડતા હતા. ઑમ કેમે કરીને પકડાતો નહોતો. મારા માટે આ વાત નવી હતી. પ્રથમ તો, રોજ કૉલેજથી પાછા ફરતાં મારી નજર માસ્તરના ફાટક પર જાય ને હું જોતો હોઉં કે કમ્પાઉન્ડ સૂમસામ હોય, ઑમ ઝાડને છાંયે લાંબો થઈને ઘોરતો હોય, મેઈન ડૉર બંધ હોય, માસ્તર અંદર પડ્યા પડ્યા ધાર્મિક પુસ્તકોનાં પાનાં ઉથલાવતાં હોય કે કોણ જાણે શું કરતા હોય! પણ ચાર આસપાસ શુચિ કૉલેજથી આવે ત્યારે ફાટક ખખડે, ઑમ બેઠો થાય, માસ્તર ડૉર ખોલીને બહાર આવે. છ પછી એમના મિસિસ આવે સ્કૂલેથી. ત્યારે આખું ઘર સળવળતું લાગે. એને બદલે અત્યારે ખરા બપોરે માસ્તરના કમ્પાઉન્ડમાં હડિયાપાટી ચાલે! મેં મારા આશ્ચર્ય વચ્ચે ઑમને આમતેમ દોડતો જોયો, ને પાછળ માસ્તર. હું ફાટક સુધી આવી ગયો. ‘ફાટક ખોલશો નહિ.’ મને જોતાં જ માસ્તર બોલી ઊઠ્યા. અને ઑમ મને જોવા ઊભો રહ્યો કે માસ્તરે એના ગળાનો પટ્ટો પકડી લીધો. ‘બસ, હવે આવો.’ માસ્તર હાંફતાં હાંફતાં બોલ્યા. અને ઑમને ઢસડીને બોરસલીના ઝાડ પાસે લઈ ગયા. એના થડે બાંધેલી સાંકળનો આંકડિયો ઑમના પટ્ટામાં ભરાવીને હસી પડ્યા. ‘કેમ, આજ આ આમ કરે છે?’ મારાથી પૂછાઈ ગયું. ‘ખબર નહિ, આજ સવારથી દોડાદોડી કરે છે.’ કહીને એ ઑમ પાસે બેસી ગયા. એના માથે—મોંએ–શરીરે હાથ ફેરવવા માંડ્યા. મેં જોયું કે રોજ માસ્તરની સામું જોઈ રહેનારો ઑમ અત્યારે માસ્તર સામું જોતો નહોતો. એનું મોં ફાટેલું હતું, આખી જીભ બહાર લબડતી હતી અને એમાંથી લાળ ટપકતી હતી. તડકાને લીધે હોય કે હડિયાપાટીને લીધે હોય, એની આંખો મને વધારે માંજરી લાગી; અને એથી એનો દેખાવ હિંસ્ર. ‘ભાદરવાને લીધે તો નહિ હોય ને?’ મારા સ્વભાવ પ્રમાણે મારાથી, એમ જ, બોલાઈ ગયું. પછી તરત મને વિચાર ઝબક્યો : માસ્તરને આવું કહેવાની જરૂર નહોતી. હોઠનો ખૂણો ખેંચીને માસ્તરે મારા તરફ તિરછી નજર ફેંકી, ડોકું ધુણાવ્યું, ‘આપણાં સંસ્કારમાં એવું ના આવે.’ એમ કહીને ઑમનું પાણીનું બાઉલ થોડું છેટું પડ્યું હતું તે લઈને ઑમના મોં પાસે મૂક્યું. ઑમે એ તરફ જોયું પણ નહિ. ‘ઑઓ...મ.’ ‘ઑઑ...મ...’ માસ્તર ઑમને શરીરે હાથ ફેરવતા હતા, અને ઑમની આંખોમાં આંખો પરોવવા પ્રયત્ન કરતા હતા. પણ ઑમને એની કોઈ અસર ન હતી. એ તો કમ્પાઉન્ડમાં આમતેમ નજર દોડાવતો હતો. ભાદરવો આમેય વિચિત્ર ઋતુ છે. ક્યારેક વરસાદનું ઝાપટું પડી જાય એટલે ધરતી ભીંજાયેલી હોય; ચોમાસાનું પાણી પી પીને ઝાડવાં લંબાઝૂમ થઈ પડ્યાં હોય; એમાં બપોરે માંકડાનાં માથાં ફાટે એવો તાપ પડે; આપણને થાય કે આ લીલોતરી બેબાકળી થઈને ઊડવાં માંડશે કે શું! આ લીલોતરી સવારમાં ઝાકળથી લથબથ ધુમ્મસમાં છૂપાયેલી પડી રહે; અને સાંજે ચોખ્ખા આકાશની ઘાટી સંધ્યામાં ડૂબી જાય; પણ બપોરે, ભાદરવાનો બપોર આ લીલોતરીને અકળાવી મૂકતો હશે કે શું! ‘આજ સવારથી આમ કરે છે. કમ્પાઉન્ડમાં ચારે બાજુ દોડાદોડ કરતો ભસ્યા કરે છે.’ માસ્તર ઑમના શરીર પર હાથ ફેરવતાં બોલ્યા. મને કહેતા હતા, પણ એમની નજર કમ્પાઉન્ડમાં આમતેમ ફરી રહી હતી. ‘ફાટક બંધ છે, તો ય બહાર કેમ નીકળી ગયો તે પ્રશ્ન છે! અત્યારે બહાર ઊભો ઊભો લાંબા રાગે રડતો હતો એટલે હું બહાર આવ્યો.’ મેં કહ્યું, ‘એમ? તો તો બહુ વિચિત્ર કહેવાય.’ મારા માટે આ વાત નવી હતી. માસ્તરે ઑમને પાળ્યો ત્યારનો હું એનો સાક્ષી છું. પહેલી વાર નાનકડા ગલુડિયાને જોઈને મને નવાઈ લાગેલી. રૂપેરંગે એવું સુંદર હતું કે એને જોઈને હું માસ્તર સામું જોઈ રહેલો. માસ્તર ભાગ્યશાળી કહેવાય. એ વખતે ય એ માસ્તરના હાથમાં રહેતું નહોતું. માસ્તર શાંતિપ્રિય અને એમને આ તરવરાટ વળગ્યો. માસ્તર એને જુદા જુદા નામે બોલાવીને સાદ પાડે. મેં કહ્યું, એક નામે બોલાવો. એને એમ થઈ જવું જોઈએ કે હું ટૉમ છું કે ટૉમી છું. માસ્તર ક્ષણવાર મારી સામું જોઈ રહ્યા. કોઈપણ બાબત વિચારી વિચારીને કરવા-કહેવાની ટેવ ખરી ને! બોલ્યા, ‘ટૉમ કે ટૉમી આપણી સંસ્કૃતિ નથી.’ ‘તો ડોન રાખો.’ મેં કહ્યું, ‘તમારે એને બહાદુર તો બનાવવો છે ને?’ ‘તોફાન કરવાં એને બહાદુરી ન કહેવાય. શક્તિ તો ભીતર સંઘરાયેલી હોવી જોઈએ. શક્તિનો સંચય કરે એને શક્તિમાન કહેવાય.’ ‘તો શક્તિમાન જ રાખો ને.’ વળી એ વિચારમાં પડીને કુરકુરિયાને પસવારતા રહ્યા. ઘણીવારે નાભિમાંથી મંત્ર ઉચ્ચારતા હોય એમ બોલ્યા, ‘ટૉમ નહિ, ‘ઑમ’ રાખીએ. મારે આને શક્તિશાળી ય બનાવવું છે અને સંસ્કારી ય બનાવવું છે.’ અને, પોતાનો આ નિર્ણય જાણે કે કોઈ જીવનમંત્ર હોય એમ આકાશ તરફ જોઈ રહ્યા, મસીહાની જેમ. ટૉમ રાખે કે ઑમ રાખે, મને તો કાંઈ લેવાદેવા નહોતી. મેં તો ગમે તે નામ રાખો, એટલું વાતવાતમાં સૂચન કરેલું. ત્યાં માસ્તરે એ વાતને ચોળીને ચીકણી કરી મૂકી; છેક સંસ્કાર ને સંસ્કૃતિ સુધી લઈ ગયા. અને પછી તો, એનો ઉછેર જ સંસ્કારના સિંચનથી કરવા માંડેલા. દિનબદિન જેવી કાળજી ખવરાવવા-પીવરાવવાની લે, એવી જ ચીવટ ઑમની ટેવો અને હરકતો બાબતે રાખે. ત્યાં સુધી કે ચાર-છ મહિને ઑમ મોટો ડાઘિયો બની ગયો. પણ માસ્તરની ચીવટ એવી કે ઑમની ટેવો જોઈને ખરેખર આશ્ચર્ય થાય. દા.ત. કમ્પાઉન્ડમાં ચક્કર લગાવે, પણ બેસે ત્યારે એના ખાસ પાથરણા પર જ બેસે, દા.ત. ટાઇમસર ખાય-પીએ, અને ખાઈ-પીને મોં પાણીના બાઉલમાં બોળે, ને પછી મોં પાથરણા સાથે લૂંછી નાખે. દા.ત. પગ ઊંચો કરવાનું બને ત્યારે કમ્પાઉન્ડના એક ખૂણે જ પહોંચે. દા.ત. સોસાયટીનાં બીજાં કૂતરાં દોડધામ કરતાં હોય, ક્યારેક ભસતાં–ઝગડતાં હોય, પણ ઑમ એની સામે ય ન જુએ. ઉલટાનું, ભસતાં કૂતરાને જોઈને એ માસ્તર સામું જુએ; અને માસ્તર એની આંખોમાં આંખો પરોવીને ઊંડેથી બોલે, ‘ઑઑમ્...’ તો, ઑમ પણ મોં પહોળું કરીને, બગાસું ખાતો હોય એમ, બોલે, ‘ઑઉમ્’. પહેલીવાર મેં એ દૃશ્ય જોયું ત્યારે મારો શ્વાસ થંભી ગયો હતો. ઑમ માસ્તર સામું જોઈને ‘ઑઉમ્’ બોલ્યો, અને માસ્તર ગર્વથી મારી સામું જોઈ રહ્યા. જાણે કે કહેતા હોય : આને સંસ્કાર કહેવાય. અને, એ છાપ જડબેસલાક બેસારવા જ માસ્તરે ફરી ‘ઑમ્’ ઉચ્ચાર્યું; તરત જ ઑમ બોલ્યો, ‘ઑઉમ્’ માસ્તરે ફરી વાર ‘ઑમ્’ ઉચ્ચાર્યું, ઑમ પણ ફરીવાર બોલ્યો, ‘ઑઉમ્’. અને માસ્તર પ્રસન્ન વદને મારી સામું જોઈ રહેલા. ઑમ પણ એમની સામે પ્રસન્ન વદને તાકી રહેલો. ત્યારે માસ્તરના સંસ્કારની મને હળવી ઈર્ષા પણ થયેલી, અને થોડી હળવાશ પણ. હળવાશ એટલા માટે કે માસ્તરને ડાયલોગ કરવા માટેની કંપની મળી ગઈ. એમના પત્નીની સવાર રસોડામાં જાય, આખો દિવસ સ્કૂલમાં જાય, અને સાંજ રાત વળી રસોડામાં, અને પછી પથારીમાં થાકનો ઢગલો. શુચિનું પણ એવું જ. લેસન-ટ્યુશન-સ્પોટ્સ ક્લબમાંથી ફ્રી થાય તો માસ્તર સાથે બેસીને વાત કરે ને! એટલે તો અમારી સોસાયટીમાં માસ્તરનું ટેનામેન્ટ છેડે, છતાં હું જ્યારે બહાર નીકળું ત્યારે માસ્તરને અચૂક ટહુકો કરું. મૂંગા રહી રહીને એમના ચહેરાની રેખાઓ પણ સ્ટીલ થઈ ગઈ હતી એની મને દયા આવતી. અત્યારે ઑમ એમની સામું જોતો નહોતો એટલે વળી મને માસ્તરની દયા આવી. પણ, શું બોલવું-ની ગડભાંજમાં હું ય થોડીવાર મૂંગો બેઠો. એટલામાં શુચિ આવી. મને કંઈક ન સમજાય એવી રાહત થઈ. હવે માસ્તર, શુચિ ને ઑમ જે કરે તે. હું નીકળી ગયો. પછી એ વાત મારા મગજમાંથી નીકળી ગઈ. સાંજે ફરવા નીકળ્યો. અમારી સોસાયટી પછી ખુલ્લી જમીન. કોઈ કોઈ ઝાડઝાંખરાં દેખાય. બાજુના ગામે જતાં એક બે રસ્તા પડ્યા હોય ચત્તાપાટ. મને એ તરફ ફરવા જવાની આદત. એમાં ચોમાસાની સાંજસંધ્યા તો બહુ રળિયામણી હોય. આપણામાં અજબનું ચેતન જગવે. પ્રતીચીની ખીલતી સંધ્યાને માણતો જતો હતો ત્યાં બીજી બાજુથી કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો. મારી નજર એ તરફ ગઈ. જોયું તો, માસ્તર! પાંચસાત કૂતરા માસ્તરના ઑમને ઘેરી વળ્યાં હતાં. બધાં સામસામું ભસતાં હતાં. કોઈક ઝડપ મારીને ઑમને બચકું ભરવા જતું હતું. ઑમ એનો સામનો કરતો હતો. એમ આખો જમેલો ખસતો ખસતો આગળ ને આગળ જતો હતો. માસ્તર ‘ઑમ...ઓમ...’ બૂમો પાડતા, પથરો લઈ ઘા કરતા, એની સાથે ઘસડાતા હતા. હું નજીક પહોંચ્યો ત્યારે, ઑમ છલાંગ મારીને કૂતરાના ચક્રવ્યૂહમાંથી છટક્યો ને માસ્તર પાસે આવી ગયો. માસ્તરે એને પકડી લીધો. કૂતરાઓનો જમેલો ધસી આવ્યો, પણ માસ્તરે હૂડકારા કરીને, હાથ ફંગોળીને એને આઘાં કર્યાં. કૂતરાં એમ જ ઊભાં ઊભાં ભોં ભોં કરતાં રહ્યાં. ઑમ ઊંકારા કરતો કરતો માસ્તર સાથે ચાલ્યો; એ વળી વળીને પાછું જોતો હતો. ‘વળી પાછો બહાર નીકળી ગયો હતો કે શું?’ નજીક પહોંચતાં મારાથી બોલાઈ ગયું. મને જોઈને માસ્તર થોડા ઝંખવાણા. ‘ખબર નથી પડતી, આજ આને શું થઈ ગયું છે! ફાટક બરાબર બંધ હતું તો ય કેવી રીતે બહાર નીકળી ગયો!’ કહેતાં કહેતાં માસ્તરની નજર ઑમની ડોક પર પડી. ઑમની ડોકે કૂતરાંએ બચકું ભર્યું હતું. લોહીના ટશિયા ફૂટી ગયા હતા. હું મૂંગો મૂંગો એ જોઈ રહ્યો. ‘બે દિવસ દવા લગાવીશું કે ઠીક થઈ જશે.’ માસ્તર એટલું બોલીને, ઑમને દોરીને એક તરફ ફંટાયા. એમને મારી સાથે વધુ વાત કરવાની ઇચ્છા ન હોય એવું મને લાગ્યું. મેં બીજી તરફ પગ ઉપાડ્યા. ક્યારેક મને મારો શંકાશીલ સ્વભાવ સાચો લાગતો. અત્યારે મને ચોક્કસ એવું થયું કે ઑમ ઉપર ભાદરવાની અસર છે. પણ પાછું વળીને જોયું તો એ શંકા ઊડી ગઈ : ઑમ માસ્તર સાથે સાથે એવી રીતે ચાલતો હતો કે જાણે હમણાં કાંઈ રમખાણ થયું જ નથી! જાણે કે બંને ઈવનીંગ વૉકમાં નીકળ્યા હોય એમ શાંતિથી, લહેરથી જઈ રહ્યા હતા. કોઈ તોફાની છોકરું ઘરથી દૂર રખડવા નીકળી ગયું હોય, ને મા તેને ઘરભેગું કરતી હોય, ને ઠપકો આપતી જતી હોય, એમ માસ્તર ઑમને કંઈક કહેતા જતા હતા. ઑમ ડાહ્યોડમરો થઈને સાંભળતો જતો હતો. મને થયું, મારે તરત શંકા, બલ્કે કુશંકા, કરવી જોઈએ નહીં. પણ મારા મગજમાં એવો ઝબકારો ક્યારે થઈ જાય એ મારા કાબૂની વાત નહોતી. તે રાતે હું ઓચિંતા જાગી ગયો. સોસાયટીના રોડ પર કૂતરાઓએ દેકારો મચાવ્યો હતો. હું ઘણી વાર સુધી પડ્યો પડ્યો સાંભળી રહ્યો. એમાં ઑમ પણ ભસતો હોય એવું લાગ્યું. પણ હું એ માનવા તૈયાર નહોતો. અગિયાર વાગે કૉલેજ જતાં સ્કૂટર માસ્તરના ફાટક પાસે ધીમું પાડ્યું. જોયું તો, ઑમ એની મુકરર જગ્યાએ બેઠો હતો. માસ્તર કમ્પાઉન્ડમાં ઊભા હતા. બ્રેક મારીને મેં સ્હેજ પૂછ્યું, ‘હવે તો બહાર નથી જતો ને?’ ‘અરે, રાત્રે જ કમ્પાઉન્ડ વૉલ ઠેકીને બહાર નીકળી ગયો’તો.’ માસ્તરના મોં પર ગંભીર રેખાઓ હતી. ‘ગળે દવા લગાવું છું એટલે પટ્ટો કાઢી નાખ્યો છે. બાંધી રાખી શકાય એમ નથી. થયું કે ભલે છૂટ્ટો રહેતો.’ માસ્તર બોલતાં બોલતાં દીવાલ સામું જોઈ રહ્યા. ‘આવડી દીવાલ કૂદી જશે એ તો કલ્પના જ નહિ!’ ‘તો ભલે ને છૂટ્ટો રહે.’ બોલવું પડે એટલે હું બોલ્યો. ‘હા, હા, એમ જ.’ માસ્તર કંઈક આત્મવિશ્વાસથી બોલ્યા, ‘પાછો આવતો રહે છે એ જ મહત્ત્વનું છે ને.’ હું ઉપડ્યો. ‘પાછો આવતો રહે છે... પાછો આવતો રહે છે...’ એ શબ્દો મારા મગજમાં આંદોલિત થતા રહ્યા. કૉલેજ રોડ પર જમાલને જોતાં મને મારા સ્વભાવ પર ચીડ ચડી. અત્યારે બેચાર છોકરા ખડખડાટ હસતા હતા. મને થયું, મારે વાતવાતમાં શંકા-કુશંકા કરવાનું છોડી દેવું જોઈએ. પણ એમાં મારું કાંઈ ચાલે તેમ નહોતું. પરિસ્થિતિ જ સામે આવીને એવી ઊભી રહે કે મને ડગમગાવી દે. બપોરે કૉલેજથી ઘેર જવા જરા વહેલા નીકળ્યો, ને મેં જોયું, શુચિ એકલી ઊભી ઊભી જમાલની કેન્ડી ખાઈ રહી હતી. બંને વાતોમાં એવા મશગૂલ હતાં કે મેં સ્કૂટર ધીમું પાડ્યું તો ય શુચિએ આ તરફ જોયું નહિ. ધીમા સ્કૂટરે મેં પાછું વળીને જોયું. જમાલ મારી તરફ જોતો જોતો શુચિ સાથે વાત કરી રહ્યો. કમાલ છે! – મને થયું. સોસાયટી આવતાં વિચાર આવ્યો કે, મારે વાતવાતમાં માસ્તરને કહી તો દેવું જ જોઈએ કે શુચિ આમ એકલા ઊભી ઊભી જમાલ સાથે... પણ સોસાયટી આવી કે માસ્તરને ફાટક પકડીને ઊભેલા જોયા. મેં બ્રેક મારી. કોઈ દિવસ નહિ ને આજ માસ્તર આમ બપોરે બહાર? ધોમ તાપમાં ઊભેલા. માથે નેપકીન નાખેલું. ચશ્માના કાચ ઓઘરાળા; મોં કાળું પડી ગયેલું. ‘કેમ?’ મારાથી આટલું પૂછાઈ ગયું. ‘ઑમ સવા૨નો બહાર નીકળી ગયો છે. અત્યાર સુધી પાછો દેખાયો નથી. હું બેત્રણ વાર બધે આંટા મારી આવ્યો. આટલામાં ક્યાંય નથી. અત્યારે મેદાન તરફ જઈ આવ્યો, ત્યાંય નથી.’ માસ્તર એકદમ ટાઢા પડી ગયા હતા. એમને ઑમનું આવું વર્તન ડંખતું હોય એમ લાગ્યું. અને એટલે જ હું કાંઈ બોલ્યો નહિ. ‘આવી જશે, આવી જશે, ચિંતા ના કરો.’ કહીને હું આ તડકાથી છૂટવા ચાલ્યો. શુચિનું તો નામ લેવાય એવી સ્થિતિ જ નહોતી. મેં માથું ધુણાવીને વાત ખંખેરી નાખી : આખી દુનિયાના આવા ગોટાળા શું મગજમાં ઘાલવા! એક બે દિવસ તો મેં એવી વાતમાં ધ્યાન જ ન આપ્યું. પણ ત્રીજેચોથે દિવસે કૉલેજ જતાં જોયું તો કમાલ કેન્ડીને એની જગ્યાએ જોયો નહિ. તરત મને ફાળ પડી. બારે માસ એક જગ્યાએ ઊભો રહેતો જમાલ, આમ એકાએક અદૃશ્ય! વળી મને વિચાર આવ્યો : એ તો હમણાં હમણાં મારું ધ્યાન ખાસ એના પર જાય છે તેમાં, બાકી ક્યારેક કોઈ કામસર ન પણ આવતો હોય. માણસને ક્યારેક કોઈ કામ હોય કે ન હોય? વહેલોમોડો આવશે. પણ, કૉલેજમાં મને જંપ ન વળ્યો. વચ્ચે એક ફ્રી પિરિયડ દરમિયાન બહાર નીકળીને મેં રોડ પર નજર દોડાવી. હજી જમાલ આવ્યો નહોતો. એ સાથે મને શુચિ યાદ આવી; અને કુશંકા વધતી ચાલી : આ તો વિદ્યાનગરી છે! સ્કૂલકૉલેજનાં છોકરા – છોકરીઓ સ્વચ્છંદપણે રમતાં – રખડતાં – બેસતાં – ઊઠતાં – ટહેલતાં – ટપરતાં જોવા મળે છે! હવે તો અહીંના હોટેલવાળા ય બેચાર કલાક... મેં મારા વિચારને બ્રેક મારી. પણ કૉલેજથી પાછા ફરતાં જમાલ કેન્ડીની જગ્યા ખાલીખમ જોઈને મારી કુશંકા છળી ઊઠી : માસ્તરના ફાટકે બ્રેક મારી. જોયું તો ફાટક ખુલ્લું. માસ્તર હાથમાં મોટો ડંડીકો લઈને કમ્પાઉન્ડમાં ઘુમરીયું લે. સ્કૂટર સ્ટેન્ડ કરતાં કરતાં મારાથી મોટેથી પૂછાઈ ગયું, ‘કેમ?... કેમ આમ આંટા લગાવો છો?’ માસ્તરે મારા તરફ જોયું, પણ કમ્પાઉન્ડમાં ઘુમવાનું ચાલુ રાખ્યું. ‘ઑમ ઘુસી ગયો છે. અત્યારે બીજી વાર આવ્યો. સવારે આવ્યો ત્યારે ખબર પડી કે સડી ગયો છે. ઘામાંથી જીવડાં પડે છે. ભયંકર દુર્ગંધ મારતો હતો. સવારે ઘરમાં ઘુસી ગયેલો; માંડ માંડ બહાર કાઢ્યો. વળી અત્યારે ક્યાંથી આવ્યો. હું તો અંદર હતો. દુર્ગંધ આવી એટલે બહાર આવ્યો.’ માસ્તર ઘુમડિયાં લેતાં બોલ્યે જતા હતા, ‘ક્યાંય દેખાતો તો નથી.’ મેં પણ આસપાસ નજર દોડાવી; મને પણ ક્યાંય દેખાયો નહિ. ત્યાં મેઈન ડૉરમાંથી ઑમ બહાર નીકળ્યો. માસ્તર રાડ પાડી ઉઠ્યા, ‘અરે, ઘરમાં ઘુસી ગયો’તો!’ અને દોડ્યા. ઑમ વળી ઘરમાં ઘુસી ગયો. માસ્તરે આખા ઘરમાં રીડિયારમણ કરી મૂકી. ઑમ આમથી તેમ દોડાદોડી કરે, માસ્તર ‘ઑમ...ઑમ...’ બૂમો પાડતાં પાછળ પાછળ દોડે. હું ઊભો ઊભો જોઈ રહ્યો. માસ્તરે દંડાનો ઘા કર્યો. ઑમ છટકીને મેઈન ડૉરમાંથી બહાર કૂદ્યો. માસ્તર પાછળ. માસ્તરે કમ્પાઉન્ડમાંથી મોટો ડંડીકો હાથમાં લીધો. ઑમ કમ્પાઉન્ડની પાછલી બાજુ દોડ્યો. માસ્તર પાછળ, ઑમ ઘુમરી લઈને પાછો વળ્યો. આખું કમ્પાઉન્ડ દુર્ગંધથી ઊબાઈ ગયું. માસ્તર હૂડ હૂડ કરતાં પાછળ દોડ્યા, ઑમ ફાટક સુધી ગયો ને થંભી ગયો. સાવ મરણતોલ થઈ ગયો હતો. ઑમ પાછો ફરવા ગયો. માસ્તરે જોરથી હૂડ કહેતાં ડંડીકો ઑમના માથા પર ફટકાર્યો. ઑમ ચીસ પાડીને અડબડિયું ખાઈ ગયો. ઊભો થયો ને માસ્તર સામું જોયું, તરત પછડાયો, બેત્રણ ગડથોલિયાં ખાઈ ગયો, એક બે ઊંહકારા નીકળી ગયા, ને ઠરી ગયો! માસ્તર સૂન્ન થઈ ગયા. એમની આંખો ફાટી રહી. હું સ્તબ્ધ થઈ ગયો. માસ્તર તો એમ જ ખોડાઈ રહ્યા. મેં ઑમ પર, માસ્તર પર, આસપાસ, દૃષ્ટિ ફેરવી; અને મને ઝબકારો થયો : શુચિ હજી આવી નહિ! માસ્તર મૂંગા હતા, પણ મને થતું હતું, એ બોલી રહ્યા છે : પાછો આવતો રહે છે... પાછો આવતો રહે છે... મને થતું હતું : કેટલી વાર થઈ, શુચિ હજી આવી નહિ !... શુચિ હજી આવી નહિ! અને ભાદરવાનો વાદળિયો તડકો ઘામ ઘામ વરસાવી રહ્યો.