માય ડિયર જયુની વાર્તાઓ/૯. મને ટાણા લઈ જાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. મને ટાણા લઈ જાવ

સ્થળ : સ્વર્ગ સમય : (સ્વર્ગમાં) - (પૃથ્વી પર) ઈ.સ. ૨૦૪૦ કિન્નર : મહાનુભાવ! મારું સુમધુર સંગીત આપને પરિસ્પંદિત કરી શકતું નથી એનું મને આશ્ચર્ય છે, અને એ વિશે હું વ્યથિત પણ છું. જૅન્તીલાલ : મને કાંઈ થતું નથી. હું આનંદિત પણ નથી અને વ્યથિત પણ નથી; અને કેમ નથી એનો મારામાં કોઈ પ્રતિભાવ પણ નથી. કિન્નર : હે દિવ્યાત્મા, એ જ તો અમૂંઝવણ છે. કાંઈ ન હોવું એ સ્વર્ગવિરુદ્ધ છે. ઉફુલ્લન પ્રફુલન એ જ તો સ્વર્ગની ઓળખ છે. આ પ્રફુલ્લિત પ્રકાશ, આ આહ્‌લાદક સમીકરણ, આ મર્મરિત વનરાજી, આ રસસૌંદર્યનાં સાક્ષાત્‌ કલ્પનો સમાં દેવદેવીઓ - અપ્સરાઓ - યક્ષો – ગાંધર્વો...અહીં જડત્વને અવકાશ નથી, પ્રાજ્ઞ! જૅન્તીલાલ : આવા મને અહીં કોણ લઈ આવ્યું ત્યારે? કિન્નર : દેવદૂતો, મહોદય! દેવદૂતો. દેવદૂતો પૂર્ણતઃ સુયોગ્ય જીવ ને જ અહીં લઈ આવે છે. અવનિ પરના અંતિમ શ્વાસે જે જીવ પૂર્ણ આનંદસ્વરૂપ હોય તે જ સ્વર્ગનો અધિકારી ઠરે છે. તેના અણુએ અણુમાં વ્યાપેલું અમૃત તેને આ અમૃતલોક સુધી લઈ આવે છે. દેવદૂતો એરંડિયાના દલાલોની તો સામું ય ન જુએ. જૅન્તીલાલ : (વિચાર કરીને) તો એટલું તો નક્કી કે હું મારી અંતિમ ક્ષણોમાં આનંદસ્વરૂપ હતો. કિન્નર : અવશ્ય. નિર્વિવાદ. જૅન્તીલાલ : (ઊંડું વિચારીને) મને મારી એ ક્ષણોની ડીવીડી જોવા મળે? (અટકીને) કદાચ, એમાંથી કોઈ ઉકેલ મળી આવે! કિન્નર : વ્હાય નોટ. આપની તો આખી બાયોગ્રાફી છે. આપના સમવયસ્કો તો છૂટક – તૂટક – પરચુરણ જીવન જીવેલાં, એટલે એમનાં ટૂંકા ટૂંકા સ્કેચીઝ છે. આપ તો આખેઆખું પૂર્ણ પુરુષોત્તમ સમું-શતાયુ જીવન જીવ્યા. સમવયસ્કો તો ઈર્ષાથી જલી ઊઠતાં. ઔર તો ઔર, દેવોને પણ ઈર્ષા થતી! જૅન્તીલાલ : (મનમાં) ઠીક છે, ઠીક છે. તારે તો વખાણ જ કરવા છે ને. કેટલી વીસે સો થાય એની તને શી ખબર પડે, કોડા! ભાવનગરમાં બેઠાં બેઠાં અમદાવાદના અને વડોદરાના રીઢા વયસ્કોને સળી કરવી એ કાંઈ સહેલું નહોતું. કેટલું બળ પડ્યું એ તો હું જ જાણું. પણ છોડ યાર, એ બધું ગુજરાતી સાહિત્યનો સાચો ઇતિહાસ લખનારે જોવાનું, મારે કે તારે નહિ. (પ્રગટ) મને પણ થાય છે, મિત્ર, કે આ સ્વર્ગ, આ સતત પ્રકાશમાન સૃષ્ટિ, આ પ્રસન્નકર પ્રકૃતિ, આ વિવિધરંગી વિવિધગંધી પુષ્પગુચ્છો, આ સુમધુર સંગીત, આ નિષ્પલક નયનોથી વાતાવરણને આહ્‌લાદક રાખતી અપ્સરાઓ....અમારે તો એક અપ્સરાને આરસપહાણમાંથી કંડારવી હોય તો દિવસોના દિવસો લાગતા; એવી એના એક ઉરોજ પર હાથ મૂકતાં અમે ઝણઝણી ઊઠતા. આંહીં તો ટોળેટોળાં-જીવતાંજાગતાં! તો યે જીવને એકલું એકલું કેમ લાગે છે? કંઈક અગમ્ય વિચ્છેદભાવ અનુભવતો હોઉં એવું થાય છે. કિન્નર : સમજાશે, મૉશાય! સમજાશે. આપ અંતિમ શ્વાસે જે મનોદશામાં હતા તે અવસ્થાને પામશો તો ત્યારે સમજાશે. અત્યારે આપ શૂન્યમનસ્ક છો, ત્યારે પૂર્ણમનસ્ક હતા. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો ઇત્યાદિ જેવું. વારુ, આ અનુભૂતિનો વિષય છે, ચર્ચાનો નહિ, એ તો આપ જાણો છો. જૅન્તીલાલ : હું કાંઈ જાણતો નથી. અત્યારે તો એટલું જાણું છું કે મારો જીવ હજી આંહીં સેટ કેમ થતો નથી! કિન્નર અને જૅન્તીલાલ સંગીતાલયનાં સોપાનો ચઢે છે. એક વિશાળ ખંડમાં પ્રવેશીને કિન્નર જૅન્તીલાલને બેસવા સંકેતે છે. પોતે કેલેન્ડર પર દૃષ્ટિ ફેરવી એક પ્લેયર પાસે બેસે છે. બેચાર વાર બેચાર સ્વિચ ઑનઑફ કરે છે. સામેના સ્ક્રીન પર..... સ્હેજ ટેડી ગરદન અને એનાથી સ્હેજ વધુ ટેડી નજરવાળો જૅન્તીલાલનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ દેખાય છે. નીચે લખ્યું છે : જયન્તીલાલ રતિલાલ ગોહેલ પેન નેઈમ : માય ડિયર જયુ વતન : ટાણા. રહેવાસી : ભાવનગર. જન્મ : ટાણા. મૃત્યુ : ન્યૂયોર્ક અને ભાવનગર અને ટાણા. જૅન્તીલાલનું મગજ આંટી મારી જાય છે. એ કેવી રીતે બને? એક જૅન્તીલાલ માણસ ત્રણ ત્રણ ઠેકાણે મરે!!! જૅન્તીલાલ : આ બધું જવા દો, મિત્ર! માત્ર મૃત્યુની ક્ષણોથી આરંભ કરો. બાયોડેટા તો એકદમ વાહિયાત પીંજણ છે. બાયોડેટા એ જીવન નથી. જીવનમાં એકાદ મુદ્દો જ કાળજયી હોય છે. જુઓ ને, સમકાલીનોએ પચાસ પચાસ નવલકથાઓ લખી તો યે પહેલી પુણ્યતિથિએ જ ભૂંસાઈ ગયા, અને મારી નાનકડી લઘુનવલ ‘મરણટીપ’ આજે ય અવિચળ ચળકે છે! કિન્નરે પાછલું વાક્ય સાંભળ્યું - ન સાંભળ્યું કર્યું. જૅન્તીલાલને થયું, દરેક સાહિત્યકારને થતું હશે કે પોતાની વાત કોઈ સાંભળતું નથી. પણ તમારી અંગત વાતમાં કોને રસ હોય! બિનંગત શબ્દ જ આસ્વાદ્ય અને અમર હોય છે. કિન્નરે પાંચ સેકન્ડ એક સ્વિચ દાબી, અને સ્ક્રીન પર.... લોન્ગ શોર્ટ : ન્યૂયોર્ક પાસેનું ફાર્મહાઉસ. ન્યૂયોર્ક એટલે પૃથ્વી પરનું સ્વર્ગ, અને એની આસપાસનાં ફાર્મહાઉસીસ તો સ્વર્ગથી ય ચઢિયાતાં! લીલીછમ્મ ડુંગરમાળા અને વચ્ચે નીલઘેરું સરોવર. એના કાંઠે નાનાના પુત્ર જાજ્વલ્યનું ફાર્મહાઉસ, દસ વરસથી અહીં રહે. મહિનેદહાડે કલાકેક ભાવનગર આવી જાય. આવે ત્યારે એના મમ્મી રડમસ ચહેરે એક જ વાત કરે, ‘હવે તારે લગ્ન નથી કરવું, ભાઈ!’ અને જાજ્વલ્યનો ચહેરો એક પળ તંગ, અને બીજી પળે સરોવ૨માં છાંટા પડે એમ હલકોફૂલકો થઈ જાય. એ સામો પ્રશ્ન કરે, ‘એટલે શું?’ એના મમ્મી ધીમેકથી બોલે, ‘લગ્ન વગર તો જીવનનો અર્થ શો?!’ અને જાજ્વલ્ય હસી પડે, ‘તું એમ જીવી છો એટલે તને જીવનના એક જ અર્થની ખબર છે. અમે આમ જ આનંદથી રહીએ છીએ તો રહેવા દે ને!’ જૅન્તીલાલને ખબર, જાજ્વલ્ય અને એની અમેરિકન ફ્રેન્ડ દસ વરસથી આ ફાર્મહાઉસમાં સાથે રહે છે. જૅન્તીલાલને થાય, શું જમાનો આવ્યો! અમારા વખતમાં કોઈ છોકરીની સામું ય જોવાતું નહિ. જે કરવું હોય તે બધું લગ્ન પછી. એને બદલે આવા એ દસ દસ વરસથી સાથે રહે છે, લગ્ન કર્યા વગર! એટલે, પાંચ વરસ પહેલાં મોટાનો રતિન્‌ અહીં લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા સેટલ થયો અને જૅન્તીલાલને સાથે લઈ ગયો ત્યારે એ બે વરસ ત્યાં રહેલા. પણ એમને ઊંડે ઊંડે ઇચ્છા ખરી કે જીવતેજીવત એક વાર જાજ્વલ્યને ત્યાં જવું છે. એ લોકો કેમ જીવે છે એ નજરોનજર જોવું છે. મિત્રો તો કોઈ બચ્યા નહોતા. બંને દીકરાની સલાહ કે હવે સો વરસના થયા છો. ક્યારે તેડું આવે એ કહેવાય નહિ. એવું થાય ત્યારે અમારી પાસે હો તો સારું ને. પણ જૅન્તીલાલ જનમથી જ જિદ્દી. જે કરવું હોય તે કરીને જ જંપે. એટ ઈઝ પહોંચી ગયા ન્યૂયોર્ક. પેલાં બંને તો સવારથી રાત સુધી ઘેર હોય નહિ. એક બેડરૂમમાં સૂવે એ તો જાણે ઠીક, પણ રોજ એક બાથરૂમમાં ન્હાય ત્યારે જૅન્તીલાલને રોમાંચ રોમાંચ થઈ જાય. હાઉસ કીપર ટાઈમ ટૂ ટાઈમ હાજર. બ્રેકફાસ્ટ લઈને બંને ઉપડે પોતપોતાની ફ્લાઈંગ કારમાં; ત્યાં સુધી જૅન્તીલાલને વળગેલાં રહે. જૅન્તીલાલને નવું લોહી ચડે. રાતે એક જ ટાઈમે બંને કાર આવી ઊભે. જૅન્તીલાલ ખુશ ખુશ થઈ જાય. દો બદન, એક જાન! કારમાંથી ઉતરીને પગથિયાં ચડતાં પહેલાં એકબીજાને વળગી રહે; મિનિટો સુધી કિસ ચાલે. જૅન્તીલાલ જોતાં જ રહી જાય. રોજ રોજ એકધારો છલોછલ પ્રેમ! વાહ! - લોન્ગ શોર્ટમાં ફાર્મહાઉસ જોતાં જ જૅન્તીલાલના મગજમાં આ દૃશ્યાવલિ ઊભરાઈ પડી. બીજી પળે જૅન્તીલાલની અંતિમ ઘડીનું દૃશ્ય શરૂ થયુંઃ ઑપન પોર્ચમાં આર્મચેરમાં બેઠાં બેઠાં સામેના નીલ સરોવરમાં તરી રહેલાં સારસયુગલને જૅન્તીલાલ ઝીણી નજરે નિહાળી રહ્યા છે. કિચનમાંથી પાંચ પાંચ મિનિટે નેન્સી (હાઉસ-કીપર)નો ‘માય ડિયર’ ‘માય ડિયર’ એવો ટહૂકો સંભળાય છે. જૅન્તીલાલને એ ગમે છે. પહેલાં તો નેન્સી સવારે અને સાંજે જ આવતી; પણ જૅન્તીલાલને દિવસ દરમિયાન એકલું લાગતું એટલે હવે એ આખો દિવસ અહીં જ રહે છે. જૅન્તીલાલને એ ગમે છે. જૅન્તીલાલને એ ય ગમે છે કે, નેન્સી એને ‘માય ડિયર’ જ કહે છે. જૅન્તીલાલને થતું, ઇન્ડિયામાં તો કદરૂપી પ્રૌઢા ય ‘માય ડિયર જયુ’ કહેવા તૈયાર થતી નહિ; અહીં તો નેન્સીએ જાણ્યું કે મારું પેનનેઈમ ‘માય ડિયર’ છે, ત્યારથી ચોખ્ખું કહી દીધું : હું તમને જૅન્તીલાલ નહિ કહું, માય ડિયર જ કહીશ.’ કેવું ઉલટું! બસ, આથી જ જૅન્તીલાલને જીવવાનું મન થતું. ચોમેર જાણે પ્રેમ પ્રેમ ને પ્રેમ. વાતવાતમાં નેન્સીના પ્રશ્નો ય એવા, ગમે એવા : ‘માય ડિયર! તમારી લાઈફ સાથે કેટલા અફૅર જોડાયેલાં છે? છૂટક છૂટક નહિ હો, રિમાર્કેબલ, સાઈઝેબલ...?’ અને નેન્સી હી....હી...કરીને ઠણકલું પણ કરી લે. જૅન્તીલાલને સંભળાય તો એ પણ નેન્સી સામું હસી રહે; અને નેન્સી નજર સામે ન હોય તો, જાણે આવી વાતમાં હવે જૅન્તીલાલને રસ ન હોય તેમ સાંભળ્યું - ન સાંભળ્યું કરે. બરાબર અગિયારને ટકોરે નેન્સીનો અવાજ આવે છે : ‘માય ડિયર! થાલી તૈયાર છે.’ જૅન્તીલાલ જેમ બેઠા છે એમ જ બેસી રહે છે. સામેનાં સરોવર, ડુંગરમાળ, વનરાજિની પાંખે જૅન્તીલાલનો પ્રાણ ટાણા પહોંચી ગયો છે. આભ તો બધે સરખું જ હોય! જૅન્તીલાલ ફિલ કરી રહ્યા છે કે ટાણાના આભ નીચે બેઠો છું જાણે! નેન્સીનો ફરી કૉલ, ‘માય ડિયર!’ જૅન્તીલાલ નિષ્પલક! નેન્સી પોર્ચમાં આવતાં આવતાં સ્હેજ ઊંચા અવાજે ‘માય’ બોલતાં બોલતાં ‘....ગોડ!’ બોલી જાય છે. એના સેંડલની ટપટપાટી ફરસ સાથે ચોંટી જાય છે. એના ફાટ્યા ડોળા જૅન્તીલાલના અધખૂલા મોં પર ચીટકી જાય છે. બંને હથેળીઓને પોતાના ગાલ સાથે દબાવતાં ‘નૉ...નૉ...’ કહેતી દોડે છે. ડૉ. જોન્સનને ફોન કરે છે, જાજ્વલ્યને ફોન કરે છે. માર્થાને ફોન કરે છે. અને હજી તો બહાર આવે છે ત્યાં કમ્પાઉન્ડમાં ડૉ. જોન્સનની ફ્લાઈંગ કાર આવી ઊભે છે. ડૉક્ટર અને નર્સ કારમાંથી ઊતરે ઊતરે ત્યાં જાજ્વલ્ય અને માર્થાની કાર આવી ઊભે છે. સૌ ઝડપથી જૅન્તીલાલ પાસે પહોંચે છે. ડૉક્ટર જૅન્તીલાલનો હાથ પકડે છે, ઊફ્‌ કરે છે. આર્મચેર એમ જ ઘસડીને બેડરૂમમાં- જૅન્તીલાલને બેડ પર લેવામાં આવે છે. ડૉક્ટર જૅન્તીલાલની છાતી પર મશીન જેવું મૂકે છે, એના મોનિટરમાં કંઈ હલચલ દેખાતી નથી. ડૉક્ટર અરધી નમેલી આંખે જાજ્વલ્ય સામું જુએ છે : ‘મિ. ઝાઝ, તમારા દાદાજીનું હૃદય બંધ પડી ગયું છે. હી ઈઝ ક્લિનિકલી ડેડ.’ ‘એમ કેવી રીતે બને, ડોક્ટર! મારે એમને જીવતે જીવત ઇન્ડિયા પહોંચાડવાના છે.’ જાજ્વલ્ય ટટ્ટાર થઈને કહે છે. ડૉક્ટર સાથેની કીટમાંથી બીજું મશીન કાઢે છે. જૅન્તીલાલના માથા પર ગોઠવે છે. જૅન્તીલાલ જુવાન હતા ત્યારે ભાવનગરમાં ડંડાવાળાએ હેલ્મેટનો કાયદો કરેલો, ત્યારે જૅન્તીલાલ હેલ્મેટ પહેરીને કાચમાં જોતાં એવા અત્યારે લાગે છે. ડૉક્ટર મોનિટરમાં આવતી સાઈનો જોઈને કહે છેઃ ‘અહો, વૈચિત્ર્યમ્‌ મિ. ઝાઝ, તમારા દાદાજીના મગજમાં હજી કેટલાંક સેલ્સ કામ કરી રહ્યા છે. આપણે પ્રયત્ન કરીએ કે તેઓ જીવતેજીવત ઇન્ડિયા પહોંચે.’ કહેતાં કહેતાં ડૉક્ટર પેલાં મશીનમાં એક ઇન્જેક્શન સરકાવે છે : ‘પ્રભુની ઇચ્છા! પેલા સેલને અસર થશે તો આપણું કામ સહેલું થશે.’ અને અસર થઈ હોય એમ, મોનિટર પર શબ્દ વંચાય છે : વ...વ...વ...વ્...વ્... ....વ...ત...ત્...ત્... વ...વ..ત...ત...ન...ન ....વ ત ન... જાજ્વલ્ય સસ્મિત ડૉક્ટર સામું જુએ છે. ડૉક્ટર કહે છે, ‘હવે કામ કરતાં સેલ ઝીણું ઝીણું ય બોલશે તે મોનિટર પર આવ્યા કરશે, અને સેલ વધુ એક્ટિવ થશે તો કદાચ હૃદયને ધક્કો મારશે. આપણે જવાની ઉતાવળ કરીએ. હું કેપસ્યૂલ મંગાવું; તમે પ્લેન મંગાવો.’ ‘તમે પણ સાથે આવો છો, ડૉક્ટર’ જાજ્વલ્યે કહ્યું, ‘આપણે આ પેકેટ સોંપીને તરત પરત આવીશું. ઓ.કે.!’ જાજ્વલ્ય ભાવનગર ફોન કરે છે. એના પપ્પા તો આખી જિન્દગી ઘેર રહ્યા જ નથી. ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ હોય. બાકીનાં ત્રણેનાં ડૂસકાં સંભળાય છે. જાજ્વલ્યને એ ગમતું નથી. જૅન્તીલાલ ભાનમાં નથી, નહીંતર કહેત : શું જમાનો આવ્યો! લાગણી જેવી જાત રહી નહિ. જુઓ ને, આ છોકરો મને પેકેટ કહે છે! તરત પ્લેન આવે છે. જૅન્તીલાલને કેપસ્યૂલમાં ગોઠવીને બધાં પ્લેનમાં ચડે છે. ડૉક્ટરની નજર મોનિટર પર છે. ડૉક્ટર જાજ્વલ્યને મોનિટર પર જોવા કહે છે. મોનિટરમાં આશ્ચર્યચિહ્નો આવ્યાં કરે છે .....!.....!....!.....!.... જાજ્વલ્ય ડૉક્ટર સામે પ્રશ્નભરી નજરે જુએ છે. ડૉક્ટર કહે છે, ‘તમારા દાદાજી ખુશ થઈ રહ્યા છે એ બતાવે છે.’ ‘તે થાય જ ને! ભાવનગરને તો એ બહુ પ્રેમ કરતા.’ જાજ્વલ્ય કહે છે, ‘સોળ વરસની ઉંમરે દાદાજીએ ભાવનગરમાં પગ મૂક્યો તેને આજે ચોર્યાસી વરસ થશે. અમારી ફિલસૂફીમાં ચોર્યાસીનો આંક ખાસ સંદર્ભવાળો છે. દાદાજીનું જીવન આમ પૂર્ણ સંદર્ભોથી છલોછલ છે. દાદાજી ભાવનગરની ભૂમિ પર શૂન્યમાંથી પૂર્ણ સ્વરૂપે વિકસ્યા.’ જાજ્વલ્ય બોલ્યે જાય છે. ડૉક્ટરનું ધ્યાન માત્ર ને માત્ર મોનિટર પર છે. બીજાં પોતપોતાની રીતે પ્લેનમાં ગોઠવાય છે. પ્લેન ઉપડે છે. નેન્સી પોર્ચમાં આર્મચેર પકડીને ઊભી છે. એ આંખો ઢાળે છે ત્યારે એની આંખોમાંથી બે ટીપાં..... હવે જાજ્વલ્યની નજર મોનિટર પર ઠરે છે. મોનિટર જીવતું છે. એમાં જુદા જુદા કલરનાં આશ્ચર્યચિહ્‌નો પસાર થઈ રહ્યાં છે : .......!.......!........!..........!...... ‘એ દર્શાવે છે, મિ. ઝાઝ! કે તમારા દાદાજી વધુ ને વધુ ખુશ થઈ રહ્યા છે.’ ડૉક્ટરે કહ્યું, ‘શું તમારા દાદાજી રંગીન મિજાજના હતા?’ ‘શાથી એમ પૂછો છો?’ જાજ્વલ્યે ડૉક્ટર સામું જોયું. ‘આ સ્ક્રીન પરની રંગબેરંગી આતશબાજી જોઈને.’ ડૉક્ટર પણ હસી પડ્યા. ‘તમારો ઇશારો સેક્સ્યુઅલ પાર્ટ તરફ તો નથી?’ જાજ્વલ્યે પૂછ્યું. ડૉક્ટરની આંખો હજી મરકી રહી હતી. ‘હા, એમાં પણ દાદાજી નોખા-નિરાલા હતા.’ જાજ્વલ્યે કહ્યું. ડૉકટરની આંખોમાં પ્રશ્નચિહ્ન મોટું થયું. ‘એમનાં જમાનામાં સ્ત્રી–પુરુષના સેક્સ્યુઅલ રિલેશન્સને એ લોકો ‘લવ’ કહેતાં. એમાં વિચિત્રતા એ હતી કે પોતે કરતાં એને જ લવ કહેતાં, બીજાં કરે એને ‘આડો સંબંધ’ કહેતાં. બીજી વિચિત્રતા એ હતી કે આવા સંબંધો સહુ એકદમ ચૂપકે ચૂપકે - ખાનગી રાખવાના જીવલેણ પ્રયત્નો કરતાં. જો કે, આજ નહિ તો કાલ, સૌને ખબર પડી જ જતી. પણ જેટલો વખત જેટલી ઓછાને ખબર પડે એને એ લોકો ચાલાકી તરીકે ઓળખાવતાં. ઉંમર વધવા સાથે આ ચાલાકીમાં પણ વધારો થતો. લગભગ અપવાદ સિવાય નાનાં-મોટાં સહુ આ ‘ગેઈમ’ રમ્યાં કરતાં. એમાં દાદાજીએ એક મેડમ સાથે એક દસકો ખુલ્લંખુલ્લા ફ્રેન્ડશીપ રાખીને પેલાઓના ‘લવ’ની ખરી ઠિઠૌલી ઉડાવેલી!’ જાજ્વલ્ય હસી રહ્યો. ‘જો કે, દાદાજીને એનાથી સારું એવું નુકસાન થયેલું.’ ડૉક્ટર હસતાં હસતાં, ‘એટલે?....ફ્રેન્ડશીપ અને નુકસાન?!’ ‘હા. પછીથી મારા દાદી દાદાજીને ઘર બહાર જવા દેતાં નહીં. ફરજિયાત જવું પડે તો સખત વૉચ રાખતા. એ માટે દાદાજીને કાળા - રાતા દોરા બાંધતા. તે ત્યાં સુધી કે દાદી મરણપથારીએ હતાં, કેમે ય જીવ જાય નહીં. અમે સૌ એની પથારી આસપાસ વીંટાળાયેલાં હતાં. અમે પૂછતાં : ‘દાદી, તમારી કાંઈ અંતિમ ઇચ્છા છે?’ છેવટે દાદીજીએ અમારી પાસેથી વચન લીધું પછી જ પ્રાણ છોડેલા કે ‘એમને ક્યાંય બા’રા જવા દેતા નઈં. અને જાવું પડે તો એકલા જાવા દેતા નઈં!’ જાજ્વલ્ય અને ડૉક્ટર ખડખડાટ હસી પડ્યા. ડૉક્ટર બોલ્યા, ‘તો તો તમારા દાદાજીનું જીવન જેલ જેવી ગૂંગળામણ અનુભવવામાં જ વીત્યું હશે?’ ‘નહિ રે, બિલકુલ નહીં.’ જાજ્વલ્ય લગભગ ઉછળી પડ્યો. ‘કોઈ એક વાતે પગ વાળીને બેસી જાય એ દાદાજી નહીં. આખી જિંદગી અમને અને સૌને એક દાખલો વારંવાર આપતા : શ્રીકૃષ્ણની જેમ જીવો. ઇચ્છા કરશો તો કારાવાસની દીવાલો ભેદી શકશો. ચાલવા માંડશો તો બે કાંઠે ધસમસતી યમુના ય રસ્તો આપશે. આત્મબળ હશે તો શસ્ત્ર વગર કુરુક્ષેત્ર સોંસરા નીકળી જવાશે. દોડતા રહો. પગ વાળીને બેસશો તો કોઈ પણ દિશામાંથી તીર આવશે અને પૂર્ણવિરામ મૂકાઈ જશે.’ જાજ્વલ્ય ઉત્સાહથી બોલ્યે જાય છે. વંશજોની ગૌરવગાથા કહેવાને કોણ ઉત્સાહી નથી? ‘પોતાનો વારસો અમારામાં ઉતરે અને અમે કર્મઠ બનીએ એ માટે વારંવાર કહેતા : સોળ વરસની ઉંમરે હું આ અજનબી ભાવનગરમાં એકલો રહેતો. હાથે રાંધી ખાતો; વાસણ - કપડાં જાતે; સ્કૂલ - કૉલેજે ટાંટિયા ઠોકતાં જતો; ચોમાસામાં બસ ચાલુ ન હોય તો સિહોરથી ટાણા ગુડિયાગાડી... એમાં આ શરીર ચાલે છે. નહીંતર અત્યારે સિત્તેર – પંચોતેરે તો પોણા ભાગના મિત્રો ઈશ્વરના દરબારમાં પૂગી ગયા છે અને હું ફૉરેન આંટા દઉં છું!’ જાજ્વલ્ય સતત બોલ્યે જાય છે. ડૉ. જોન્સન રસપૂર્વક સાંભળે છે. જો કે એને આમાંની કેટલી વાતો સમજાતી હશે તે પ્રશ્ન છે. પણ ઝીણી ઝીણી વાતોને ધ્યાનથી સાંભળવી એ એ પ્રજાનું લક્ષણ છે. આપણા જેવું નહીં; કોઈ કોઈનું સાંભળે નહીં! ‘ફૉરેન શા માટે જતા? કંઈ એવો મોટો બિઝનેસ હતો?’ ડૉક્ટરે પૂછ્યું. ‘નહિ. દાદી બહાર જવા દેતા નહિ એટલે દાદાજી ઘરમાં પૂરાઈને લખ્યા કરતા; એમાં મોટા લેખક થઈ ગયેલા. એમની કથાવારતાઓને ઇન્ટરનેશનલ એવોડ્‌ર્ઝ મળેલા. વિદેશનું નાનું સરખું ઇનામ મળે અથવા કોઈ પણ બહાને અમેરિકા આંટો મારવાનું થાય તો જ સારા લેખક તરીકે નામના થતી, એવી એ જમાનામાં ફેશન હતી!’ જાજ્વલ્ય બોલ્યે જાય છે. ત્રણેની નજર મોનિટર પર છે. માર્થા વચ્ચે વચ્ચે આસપાસ જોતી જાય છે, એની આંખોમાં પહેલી વાર ઇન્ડિયા જવાનું કુતૂહલ છલકાયા કરે છે. જાજ્વલ્ય બહાર જુએ છે. ‘વેલ. હવે તુરતમાં ઇન્ડિયા પહોંચીએ છીએ!’ ‘હા. અહીં જુઓ.’ ડૉક્ટરની નજર મોનિટર ૫૨ સ્થિર છે. ‘આપણી પહેલાં તો તમારા દાદાજીને ખબર પડી ગઈ!’ ‘એ કેવી રીતે?’ ‘જુઓ ને, મોનિટર પરની રંગરંગીનિયા ચાલી ગઈ. એકલી હરિયાળી લહેરવા માંડી. તમારા દાદાજી એકદમ પ્રસન્ન થઈ ઊઠ્યા છે!’ અને જોતજોતામાં ભાવનગર. ભાવનગરનું ઍરપોર્ટ. પ્લેન ઉતર્યું. ઊભું રહ્યું. જાજ્વલ્યે બહાર જોયું. એના પપ્પા – મમ્મી, બાપુજી - ભાભુ અને બેચાર સગાંવહાલાં પ્લેન તરફ આવી રહ્યાં છે. ઍરપોર્ટની લોન્ઝમાં હજારો લોકો શ્વેત વસ્ત્રો ધારણ કરીને દાદાજીના ‘સ્વાગત’ માટે ઊભાં છે; કેટલાકના ચહેરા ગંભીર છે, કેટલાકના રડમસ. કેટલાક ખબરપત્રીઓ અને કેમેરામેન અલગથલગ ગોઠવાઈ ગયા છે. કોઈ મહામાનવની અંતિમયાત્રા શરૂ થવાની હોય તેમ એક પુષ્પાચ્છાદિત એમ્બ્યુલન્સ વાન અને વ્હાઇટ ડ્રેસમાં સજ્જ બેન્ડ એક તરફ ખડાં છે. ‘જોયું!’ જાજ્વલ્યે ડૉક્ટરને કહ્યું, ‘આખું ભાવનગર ઉમટ્યું છે, એવું મારા દાદાજીનું માન છે!’ પણ ડૉ. જોન્સનની નજર મોનિટર પર ચોંટી રહી છે. ‘પણ અહીં તો જુદા સંકેતો મળે છે, મિ. ઝાઝ!’ ડૉક્ટર કહે છે. જાજ્વલ્ય મોનિટર તરફ જુએ છે. મોનિટર લાલચોળ પ્રવાહીથી ઊભરાઈ રહ્યું છે. જાજ્વલ્ય ડૉક્ટર સામું જુએ છે. ‘એ બતાવે છે, મિ. ઝાઝ, કે તમારા દાદાજીને આ પસંદ નથી.’ ‘શું પસંદ નથી, ડૉક્ટર? આ લોકો પસંદ નથી? આ માન-સન્માન ને દેખાડા પસંદ નથી? આ ભાવનગર પસંદ નથી?’ ડૉક્ટર ખભા ઉલાળે છે. ‘હમણાં ડૉર ખોલશો નહીં.’ ડૉક્ટર બોલ્યા, ‘હજી સેલ્સ કામ કરી રહ્યા છે તો ફરધર સાઈન મળશે. જોઈએ.’ ત્રણે મોનિટર પર ઝૂકી રહે છે. થોડી વારે મોનિટરમાંનાં લાલચોળ મોજાં શમી જાય છે. મોનિટરમાં વચ્ચે વચ્ચે ‘નૉ’ ‘નૉ’ ઝબક્યા કરતું હતું તે પણ શમી જાય છે. મોનિટર એકદમ ક્લીયર થઈ જાય છે. ડૉક્ટરની આંખો સહેજ પહોળી થાય છે. જાજ્વલ્ય શ્વાસ થંભાવીને તાકી રહે છે. બંનેને થાય છેઃ દાદાજી ગયા કે શું?! ત્યાં મોનિટર જીવતું થાય છે. એકદમ સ્પષ્ટ અક્ષરો પસાર થાય છેઃ મ......ને......ટા....ણા...લ....ઈ....જા.....વ....!! ....મ......ને. .ટાણા......લ.....ઈ.....જા....વ...!!! ........મને......ટાણા.....લઈ.......... જાવ....!! ટાણા....મારું....વતન...છે.....મારું વતન ટાણા છે, ભાવનગર નહીં. અહીં મને કોઈ ઓળખતું નથી. આ બધા લોન્ઝમાં ઊભાં છે એ એકબીજાની દેખાદેખી અને શરમેભરમે આવ્યાં છે, મારા માટે નહીં. મને અહીંનું - આમાંનું કાંઈ અડતું નથી!....’ ‘ટાણા?! વ્હોટ ટાણા?’ ડૉક્ટરને કાંઈ સમજાતું નથી. ‘દાદાજીનું વતન ટાણા નામનું ગામ છે; ત્યાં લઈ જાઓ એમ કહે છે.’ જાજ્વલ્યે સ્પષ્ટતા કરી. અને દરવાજો ખોલવા કહ્યું. કારણ કે હવે એની જવાબદારી પૂરી થઈ. હવે બાપુજીને જેમ કરવું હોય તેમ કરે. પેલાં અંદર આવ્યાં. બૈરાંઓ અવાજ કાઢીને રડી પડ્યાં. માર્થા જોઈ રહી. જાજ્વલ્યના મમ્મી માર્થા સામું જોતાં રડતાં રડતાં હસી રહ્યાં. બાપુજીની સૂચના પ્રમાણે જૅન્તીલાલને એમ ને એમ (શબવાહિની તો ના કહેવાય) એમ્બ્યુલન્સમાં ગોઠવ્યા. બધાં ફરતે ગોઠવાયા! સમસ્ત ભાવનગરની ક્લબો સોસાયટીના પદાધિકારીઓ એક પછી એક આવ્યા અને જૅન્તીલાલને પુષ્પો – પુષ્પગુચ્છો – પુષ્પહારોથી ઢાંકી દીધા. ‘તમારે પણ ટાણા આવવું પડશે, ડૉક્ટર! નહીંતર આમાં કાંઈ કોમ્પ્લીકેશન થશે તો અમને કાંઈ સમજાશે નહિ.’ જાજ્વલ્યે કહ્યું. ‘કોમ્પ્લીકેશન! હવે શું કોમ્પ્લીકેશન થવાનું?’ ‘કાંઈ કહેવાય નહિ. ગમતું મળે તો અમારે ત્યાં મડદાં બેઠાં થયાના દાખલા છે!’ જાજ્વલ્યે ઉત્સાહથી કહ્યું. ‘હેં!!!’ ડૉક્ટરના ડોળા ફાટી રહ્યા. અને જૅન્તીલાલ સામું જોતાં જોતાં વધુ ને વધુ પહોળા થતા રહ્યા. સૌ ડૉક્ટર સામું અને જૅન્તીલાલ સામું વારાફરતી તાકી રહ્યાં. ‘કાંઈ ફેરફાર છે, ડૉક્ટર?’ જાજ્વલ્યે પૂછ્યું. ‘આ ટાણા કેટલું દૂર છે? કેટલો સમય થશે ત્યાં પહોંચતાં?’ બાપુજીએ તરત જ જવાબ આપ્યો, ‘ચાલીસ કિલોમીટર..ચાર મિનિટ,’ ‘હંઅ.’ ડૉકટરે તર્જની હોઠે લગાવી. ‘મિ.ઝાઝ, તમે કહ્યું તેવી મિથિકલ સ્ટોરી બને તો નવાઈ નહિ. હાર્ટમાં સળવળાટ થતો લાગે છે! ડૉક્ટરનો ચહેરો પ્રફુલ્લિત થઈ ઊઠ્યો. એણે ટ્યુબમાં ઇન્જેકશન સરકાવ્યું. ત્રીજી મિનિટે વાન આડી ધારની છાતી પર ચડ્યું ને મોનિટરમાં આતશબાજી શરૂ થઈ! સૌ જોઈ રહ્યાં : ‘ટાણા.....ટાણા...ટાણા...ટાણા...ટાણા...’ ચોથી મિનિટે વાન ટાણાના પાદરમાં ઊભું રહ્યું. સૌ અસમંજસમાં એકબીજા સામું જોવા માંડ્યાં. ‘હવે?’ ત્યાં ડૉક્ટર ઉછળ્યા. ‘આશ્ચર્ય! આશ્ચર્ય! મિ.ઝાઝ, તમારા દાદાજીનું હૃદય ધબકવા માંડ્યું છે! હવે એ અંદરથી ભાનમાં છે, હવે એ એના કાબૂમાં છે. હવે એ કહે તેમ કરો. તમને સારું પરિણામ મળવાની આશા છે. કદાચ, તમારા દાદાજી બેઠાં પણ થાય. ઈશ્વરકૃપા!’ સૌ મોનિટર પર ઝળૂંબી રહ્યાં. મોનિટરમાં શબ્દો ઊપસ્યા : ‘પ્રથમ પહેલાં માતાવાળી શેરીમાં લઈ જાવ.’ બીજું કોઈ ટાણાની ભૂગોળ જાણતું નહોતું. બાપુજીને ખબર; એણે ડ્રાઇવરને દોર્યો. અને... ‘હા આ માતાવાળી શેરી!’ (બધાની ડોકી આમતેમ ફરે છે : નાનકડી સાંકડી શેરી; સામસામી પાંચ -છ ખડકીઓ; કોઈ બહાર ફરકતું નથી. પુરુષો કામે ગયા હશે, છોકરાં નિશાળે અને સ્ત્રીઓ અંદર ઘરકામમાં અટવાયેલી હશે. બધાને થાય છે કે શેરીમાં કાંઈ નવી નવાઈ તો છે નહિ!) ‘.....આ માતાવાળી શેરી. અહીં હું મને મળેલો. અહીં મને મારી ઓળખાણ થયેલી, કે, હું જયન્તી છું. જૅન્તી... જૅન્તી. નહીંતર, હું તો બાના ખોળામાં..... ગર્ભ જેમ સલામત.....સ્વર્ગ સમો સુખી.....આભ જેવું બાનું થાનેલું, મોં અમૃત પીએ અને બાના ચહેરા પર મંડરાયેલી આંખો શું પીએ? આખું વિશ્વ! આખું વિશ્વ બસ, આટલું જ.... એમાં શેરી ગજવતો કલશોર કાને પડે : ‘બહાર આવ, જૅન્તી’.. ‘બહાર આવ, જૅન્તી!’... અને મારામાં પડઘા પડે : હું જૅન્તી છું શું! હું જૅન્તી છું શું !! ઘર બહાર ડગ માંડ્યાં ત્યારે ખબર પડી કે આ ભેરુઓ મને સાદ દેતાં હતાં. એ મને શેરીએ ને પાદરે, વાવકૂવા ને તળાવે, નિશાળે ને મંદિરે, વાડીખેતર ને વનવગડે દોરી જવાનાં હતાં. એ મને ઝળહળ જ્યોતવાળો સૂર્યોદય ને શરદની ઘેઘૂર સંધ્યા ને રૂપલે મઢેલી રાત દેખાડવાનાં હતાં. એક વાર ખાખરિયાની નેળમાં કેવું થયું! બોરડીઓના મોટા મોટા ઢૂવા, એક એક બોર ચૂંટીને ગજવે મૂકતાં ખબર ન રહી, પવનનો એક હડદોલો આવ્યો ને બોરડીનું જાળું ઉપર! ન હલાય, ન ચલાય. સ્હેજ હલો ને કાંટો ખચ્‌ કરતાં...ભેરુઓ તો જુદાં જુદાં જાળે પંખીની જેમ ગોઠવાઈ ગયેલા. બોલો, ખરા સલવાયા કહેવાઈએ ને! આંખમાંથી ડળક ડળક પાણી હાલવા માંડે ને! મારે એક તારો આધાર રે શામળા ગિરધારી એવું થઈ જાય ને! ત્યાં તો કોણ જાણે કોણે પવનનો હડદોલો મોકલ્યો કે જાળું હટી ગયું, જૅન્તીલાલ નરાળા! આંખમાંના પાણીનો રંગ ફરી ગયો! વાહ! આવું આવું કોણ કરે છે, હેં! ક્યારેક પાંચે ઇન્દ્રિયોને મુશ્કેટાટ બાંધી ખૂણામાં બેસાડી દે, તો ક્યારેક જાદૂઈ ફૂંક લગાવે ને આકાશમાં ઉડાડી મેલે હલકાફૂલકા, ગાતાંકલરવતાં, આનંદની ચીચિયારીઓ પાડતાં! શેરીથી માંડીને સીમ સુધી; આંગણાના તુલસીક્યારાથી માંડીને પાદરના ઘટાટોપ વડલા સુધી, આરતીના દીપકથી માંડી ગણ્યા ગણાય નહિ એટલા તારલિયા સુધી કોઈક તો છે, જે કળાતું નથી, પણ છે તો ખરું! ત્યારે એમ થવા માંડેલું કે હું ય છું ને આ બધું યે છે, જીવતુંજાગતું! વાહ! કેવું જીવવાનું મન થાય! ફળિયામાં ખાટલા ઢાળીને સૂતા હોઈએ ને ઉપરથી તારા વરસ્યા કરે વિસ્મયમગ્ન ચિત્તમાં. વરસી વરસીને ઘેન ભર્યા કરે થાકેલાં પોપચામાં, તે પોપચાં ઢળે ને આખું બ્રહ્માંડ સમેટાઈ જાય મારામાં, ને હું?.. મારામાં બ્રહ્માંડ સમેટાઈ ગયું કે બ્રહ્માંડમાં હું? કંઈ ભાનસાન કેવાં! સવારે આંખો ખૂલે ત્યાં દેખાય કે દાદાએ ગાય દોહી લીધી છે. અમારી માણેક, એના ગળેથી સાંકળ ખોલી નાખી છે. હવે ગોંદરે મૂકવા...‘મારે ય આવવું છે.’ કહેતાં માણેક પાછળ પાછળ હું અને દાદા. હું દાદા સાથે જાઉં છું એટલે દાદા ખુશ છે કે દાદા મારી સાથે ચાલે છે એટલે હું ખુશ છું એનાં ભાનસાન કેવાં! કે અમે બંને માણેક સાથે ચાલીએ છીએ એટલે એના ગળાની ઘંટડીઓ રણકે છે! એ રણકાર સાંભળતી ગોંદરે પહોંચી ગયેલી ગાયો માથાં ઊંચા કરે કે, આવી ગયાં! ગાયોની આંખોમાં ય પરિચિતતાનાં પાણી તગતગે. જુદી જુદી શેરીઓમાંથી આવી છે, પણ કેવી એકબીજાને ઓળખે છે. આખું ધણ કાંઈ બોલતું નથી, પણ વાતો કરી રહ્યું લાગે! એ જોઈને ગોંદરાના લીમડા – પીપળાની ઘટાઓમાં કલરવતાં પંખીઓ પણ ઊડાઊડ કરી મૂકે. ત્યારે થાય કે માત્ર દાદાની આંગળીથી સમ્બન્ધાયો નથી, આ માણેક છે, એની સો – બસો બહેનપણીઓ છે, આ હજાર હજાર ચકલાં – કાબર – મેના – પોપટ – મોર – કબૂતર - કાગડા ને હોલાં ય સ્વજનો છે જાણે! (સહુની નજર મોનિટર પર છે. જાજ્વલ્યના ચહેરા પર કોઈ પ્રતિભાવ નથી. એ બાપુજી સામું જુએ છે. બાપુજી મરકી રહ્યા છે. એ ડ્રાઇવરને ઇશારો કરે છે. વાન શેરીમાંથી પાદર-ગોંદરે આવી ઊભે છે.) એ હુંફાળા ધુમ્મસમાં પૂર્વની લાલિમામાંથી પહેલું કિરણ લીમડા પીપળાની ટોચે આવી લાગે ને પાંદડું પાંદડું ચકલાની આંખ જેવું તગતગી રહે ત્યારે થાય કે એકલા વડલાના પાંદડે જ ક્યાં પોઢ્યા છે! આંહીં તો પાંદડે પાંદડે બાલમુકુન્દ! કેવા આનંદિત થઈ ઊઠીએ! અંદર કોઈ કહેવા માંડે કે, જૅન્તી! ઘેર નથી જાવું, અહીંયા જ રહી જઈએ, અહીંયા જ. જો, પાંદડે પાંદડે તગતગતાં કિરણોનાં પ્રતિબિંબ પંખીઓની આંખોમાં, એનાં પ્રતિબિંબ ગાયોની આંખોમાં! અને એ સઘળાં પ્રતિબિંબ તારી આંખોમાં! તું બિંબ નથી; આ સઘળાં પ્રતિબિંબોનું પ્રતિબિંબ છું, ભાઈ! અરે, હું જૅન્તી છું કે આ સઘળું જૅન્તી જૅન્તી છે એ જ સમજાતું નહિ ને! એવાં ભાનસાન કેવાં! (જાજ્વલ્યને ય આ કાંઈ સમજાતું નથી. એની એક આંખ મોનિટર પર અને બીજી આંખ આસપાસ જોતી રહે છે. ભાવનગર ઍરપોર્ટ પર તો આખું ભાવનગર ઉમટ્યું હતું; અહીં તો કોઈ પાસે ય આવતું નથી. છતાં દાદાજી અહીં કેમ લઈ આવ્યા? એટલામાં એક બ્રાહ્મણ શિવાલયે જતો દેખાય છે. એ અટકીને આ બાજુ જુએ છે. પણ ‘હશે કંઈક’ એવા ભાવ સાથે શિવાલયનાં પગથિયાં ચડી જાય છે. ત્યાં એક કણબી નીકળે છે. કુતૂહલભરી દૃષ્ટિ કરે છે. ‘સરકારે ય માળી, રોજ રોજ નવા નવા દેખાડા કર્યા કરતી હોય છે!’ એવું બબડીને ચાલતો થાય છે.) એવા ભાનના અક્ષાંશ અને સાનના રેખાંશ આવી આવીને સમેટાયા અહીં. અહીં થોભો....તમને આ મકાન નાનકડું લાગશે; મને એ પૃથ્વી જેવડું મોટું લાગેલું તે વખતે, જ્યારે બ્રહ્માંડનો પરિચય થયેલો. નવખંડ ધરતી અને સાતે સમુદ્ર અહીં એકઠાં થયેલાં. પંચભૂતોની લીલા અને ગ્રહો-નક્ષત્રોની રમણા અહીં સમજાયેલી. અહીં બીજમાંથી વૃક્ષ અને વૃક્ષોમાં ફૂલ-ફળ ને બીજનાં સંક્રમણો સમજાયેલાં. આ પૃથ્વીના માનદંડ જેવા હિમાલયના શિખરે ભગવાન ત્રિલોચન તપ તપતા; અહીંથી રામ વન વન વીંધતા – સરિતા સમુદ્રો વળોટતાં લંકા પહોંચેલા; અહીંથી શ્રીકૃષ્ણે દોટ દીધી એક શ્વાસે તે અહીં દ્વારિકામાં ઠરીઠામ થયા! ..ક્યારે? હેં? આખી પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ અહીં એકઠા થાય છે એ વાત ખરી, પણ ક્યાંથી? હેં? ક્યારે, હેં? આ અસીમ વિસ્તાર અને અનંત કાળમાં હું ક્યાં છું, હેં? ‘મારી આંખોમાં!’ કોણ બોલ્યું? કોકિલા? મેના? મયૂરી? કોણ બોલ્યું, હેં? આમ તો જન્મતાની સાથે પળેપળ આશ્ચર્યના કમળવનમાં દોડતો હતો, પણ આ તો આશ્ચર્યોનું આશ્ચર્ય! ક્યાં છો, કમલનયના? મધુરી બોલતી નહોતી, પણ એની આંખો કહેતી હતી કે અહીં છું, હું અહીં છું તારી સાથે સાથે તારામાં, ને તું મારામાં! આંખોમાં જ નહિ, રોમેરોમમાં; સાથે સાથે નહિ, શ્વાસે શ્વાસે! આશ્ચર્ય! એક માણસ આખેઆખું આપણામાં હોય અને આપણે આખેઆખા એનામાં સમાઈ ગયા હોઈએ એ તો અદ્‌ભુત! પછી તો સૂતા–જાગતા, બેસતા ઉઠતા, ચોવીસે કલાક ને ત્રીશે દિવસ ને બારે મહિના – અરે, એ વખતે મને ક્યાં ભાનસાન હતાં કે આ તો વરસોનાં વરસ- જીવનભર - છેલ્લા શ્વાસ સુધી સાથે ને સાથે હશે! નિશાળે મને બ્રહ્માંડનાં રહસ્યો કહ્યાં; મધુરીએ જીવનનાં રહસ્ય, આનંદના અર્થ ને ધન્યતાના પર્યાયો સમજાવ્યા. જેને બાલસખી મળી નથી એ અભાગી જીવ જીવનભર ખોખલું જીવન વેંઢારતા ફરે છે. હું તો મધુમય – ધીયો યો નઃ પ્રચોદયાત્‌ – ઉતાવળીના ધરાએ ને તળાવની પાળેથી ને વાવકૂવાના થાળેથી ધૂબાકા મારતો થાકતો જ નહિ ને! પાંસઠમે વરસે નવલકથાઓ લખવાની શરૂઆત કરી ત્યારે ય મારા રોમેરોમમાં એ જ ચકમકતી પ્રેરણા – એ જ ધગધગતો ઉત્સાહ હતાં એનાં મૂળ અહીં ચોંટેલાં! અહીં, આ ટાણાની ધરતીમાં! અહીં, આ મધુરીની આંખોમાં!! (જાજ્વલ્ય દાદાજીની મનોરમણા પામી ગયો હોય તેમ સસ્મિત માર્થા સામું જુએ છે. એ જોઈને બાપુજી કોમેન્ટ કરે છે, ‘પ્રેમ અને આનંદ દાદાજીનો જીવનમંત્ર હતો. આ ધરતીમાંથી એ મળેલાં એટલે એમને આ ધરતી વહાલી છે. મંત્રનાં પુનરુચ્ચારણ......’ ત્યાં મોનિટરમાં વળી હરિયાળી ઊભરાય છે. જાજ્વલ્ય ડૉક્ટર સામું જુએ છે. ડૉક્ટર કહે છે, ‘કાંઈ સમજાતું નથી, પણ તમારા દાદાજીમાં પ્રેમઆનંદ સાથે કંઈ અજબનો ઉત્સાહ પ્રવેશ્યો હોય તેમ લાગે છે. જુઓ, હૃદય પણ વધુ તેજ ગતિમાં ધડકવા માંડ્યું છે!’ ત્યાં મોનિટરમાં વંચાય છે : ‘ભીલીધાર ચાલો!’ જાજ્વલ્ય બાપુજી સામું પ્રશ્નભરી નજરે જુએ છે. બાપુજીના ચહેરા પર ખુશી તરવરે છે, કે, આમ ને આમ દાદાજી આંખો ખોલે, બેઠા થાય, અમને જુએ, હસે, એમની પ્રસન્નતા નામના આશીર્વાદ અમારા આ વંશજો પર ઊતરે! બાપુજી ડ્રાઇવરને આગળ વધવા કહે છે. ‘આ ધરતી. આ ડુંગરમાળાની સૌથી ઊંચી ટોચ પર આવીને જુઓ નહિ ત્યાં સુધી તમને આ ધરતીનાં રૂપ કેમનાં દેખાય! આવો. આ ભીલીમાતાની મહાકાય શિલાઓ પર ચડો અને જુઓ : દક્ષિણ દિશામાં તાલધ્વજથી છૂટી પડીને ટેકરીઓ ટાણા ગામ દોડી આવે છે, અને ઉત્તરેથી રાણિયા ડુંગરની ટેકરીઓ! પૂર્વેથી માળનાથની ડુંગરમાળ દોડતી દોડતી ટાણાના પાદર સુધી પહોંચી છે, તો પશ્ચિમથી શેત્રુંજય પર્વતમાળા આવી આવીને ટાણાને અડકે છે! એની વચાળે મારું ટાણા ગામ. અહીં ઊભા રહીને એક કાન થશો તો, આ ટેકરીઓ ચોમેરથી ‘ટાણા’ ‘ટાણા’ કરતી આવી રહી હોય એવું સંગીત સંભળાશે! આ ટેકરીઓમાં અથડાતો-અટવાતો પવન કાળે ઉનાળે ય ટાઢો પડી જાય. આ ટેકરીઓમાં અટવાતાં–અથડાતાં વાદળ એક સામટાં ટાણા માથે તૂટી પડે! ટાણા જાણે ઘેઘૂર ઝાડવું ને ઝાડવા માથે વરસાદ! અહીં ઊભા રહીને એક ધ્યાન થઈને જુઓ તો, ટેકરીઓ દડબડ દડબડ આવતી ય ભળાય અને ખડબડ ખડબડ જાતી ય ભળાય; જાણે કે ક્ષિતિજ પાર જવાનું આહ્‌વાન આપતી હોય! એવે કોઈ ટાણે મને ટેકરીઓની પેલે પાર જવાની મનીષા જન્મેલી, અને હું ભાવનગર જવા માટે પાદરમાં ઊભેલો... ચાલો પાદર...ઉતાવળીનો આછો રેલો અને રેતાળ પટ. એવે ટાણે ટાણા માથે વરસાદ વરસે ને જલધારાના સળિયા પાછળ મધુરીને જોઈ. મને થયું, મધુને કહ્યું કે હું ભણવા જાઉં છું ભાવનગર. ત્યાંથી, કદાચ, જેના ઉદ્યાનમાં ભગવાન ચંદ્રમૌલિ બિરાજ્યા છે એને લીધે જેના શ્વેત મહાલયો ચંદ્રિકામાં અહોનિશ નાહી રહ્યા છે તે અલકાનગરી જોવા જાઉં. મન થશે તો, કોઈ અંધારી રાતે ધાનસિડના કાંઠે ઘાસમાં સૂઈ જઈશ. કદાચ, એથેન્સના સંથાગારો જોવા જાઉં. મન થશે તો, થોડાં વરસો ડૂઈનો કિલ્લામાં રહીશ મૂંગોમંત૨! પણ... પણ અંતે તો અહીં આવીશ, તારી પાસે, તારી આંખોમાં.. ૦ એક ઝબકાર સાથે સ્ક્રીન પરનું દૃશ્ય અલોપ થાય છે. જૅન્તીલાલ ઝબકીને આસપાસ જુએ છે (કે, લાઈટ ગઈ કે શું!) કિન્નર સમજી જાય છે અને હસીને કહે છે, ‘અહીં તમારા જેવું નથી હોતું.’ જૅન્તીલાલ : તો? કિન્નર : હે મનુવર! દેવદૂતો અદૃશ્ય જાતિ છે. એને દૃશ્યબધ્ધ કરી શકાતા નથી. મધુરીને મળવાના અતિ ઉત્સાહે આપે દોટ દીધી એની અસર વાનમાં સૂતેલા એવા આપને થઈ અને આપનું હૃદય... અને દેવદૂતો હાજર! જૅન્તીલાલ સ્ક્રીન પરથી દૃષ્ટિ હઠાવીને બારી બહાર જુએ છે. સતત પ્રકાશમાન સૃષ્ટિ, મર્મરિત વનરાજી, વિવિધરંગી વિવિધગંધી પુષ્પગુચ્છો, આહ્‌લાદકારી સમીરણ, સુમધુર સંગીત વડે વાતાવરણમાં પ્રસન્નતા લહેરાઈ રહી છે. એ પ્રસન્નતાને છાતીમાં ભરીને જૅન્તીલાલ કિન્નર સામું જુએ છે. જૅન્તીલાલ : (પ્રસન્ન ચહેરે) તમે મને મારી મધુને મળવા ન દીધો! કિન્નર : એ ખિન્નતા સાથે આપ અહીં આવ્યા એટલે જ અન્યમનસ્ક હતા. કિન્તુ, હવે આપને સમજાયું હશે કે, જીવન હોય છે તેમ પ્રેમ હોય છે. પ્રેમ એ અનુભવવાની વસ છે, એના પર આધિપત્ય લાદવાનું ન હોય. આપે જે ક્ષણે એવો પ્રયાસ કર્યો એ જ ક્ષણે... જૅન્તીલાલ ગરીયસી જન્મભૂમિની સ્મૃતિમાં આનંદમગ્ન છે. જૅન્તીલાલ : (કિન્નર સાથે આંખો મિલાવીને) હજી ટાણા જવા મળે?! કિન્નર : (સસ્મિત જૅન્તીલાલ સાથે આંખો મિલાવીને, ધીમેથી) મને લઈ જશો?!