માય ડિયર જયુની વાર્તાઓ/૮. બાપ-દીકરી
લક્ષ્મીદાસ એના ઘર તરફના રસ્તે વળ્યો. પોસ્ટમાસ્તર સ્હેજ થંભીને એની પીઠને જોઈ રહ્યા. અલીની કબર પર એની દીકરીનો કાગળ મૂકવા ગયા ત્યારે ય લક્ષ્મીદાસ તો સ્વસ્થ જ હતો. પોતાની કબર પર મરિયમની ટપાલ પહોંચાડવા માટે અલીએ એને પાંચ ગીની આપી હતી. લક્ષ્મીદાસની ભલમનસાઈએ એ ફરજ પૂરી કરી. પણ પોસ્ટમાસ્તર અસ્વસ્થ હતા. એક તો, પળેપળ રાહ જોતા હતા, પણ હંસાના કાંઈ ખર-ખબર નહોતા. એમની દીકરી દૂર દેશાવરમાં ગંભીર હતી; સુવાવડમાં વસમી સ્થિતિ સર્જાયાનો તાર આવ્યા પછી ચાર-પાંચ દિવસ નીકળી ગયા. એમાં આજ વહેલી સવારથી અલી કોચમૅનની વાતે એ ચિંતામાં ખળભળાટ મચાવ્યો હતો. કબ્રસ્તાને જતાં અને આવતાં પોસ્ટમાસ્તરે વારંવાર લક્ષ્મીદાસ સામું જોયું હતું, પણ એને તો કાંઈ અસર નહોતી. પોતે બંને વાતે બેચેન છે એવી સભાનતા ય પોસ્ટમાસ્તરને રહી નહોતી. ધીમે પગલે એ પોસ્ટઑફિસના ફાટક સુધી આવ્યા અને ઊભા રહ્યા. પોસ્ટઑફિસના મૂંગા બિલ્ડિંગ પર અને સૂમસામ સડક પર નજર ઠેરવી. કબ્રસ્તાન અને અલીની કબરનું દૃશ્ય એમના ચિત્તમાં ઉભરાયું. એ સ્હેજ કંપી ગયા. હંસાની બાને તો ઘણા દિવસ અગાઉ હંસાને ત્યાં મોકલી દીધી હતી એટલે અત્યારે એ એકલા હતા. ચોકીદાર હજી પાછળની ઓરડીમાંથી બહાર નીકળ્યો નહોતો; એ એની બૈરી સાથે વાતો કરી રહ્યો છે એ પોસ્ટમાસ્તરે જોયું. એમણે જાતે ફાટક ખોલીને કમ્પાઉન્ડમાં પગ મૂક્યો. ‘હંસાના કાંઈ ખબર...?’ એવા ઝબકારે આમતેમ ડોકી ઘુમાવી, અને દુઃખભર્યું મરકી પડ્યા : ‘ટપાલ જ દિવસમાં એક વાર આવે છે ત્યાં બીજા ખબર ક્યાંથી હોય!....ક્યારેક તાર આવે છે એ ય કોઈના મરણ.....!!’ પોસ્ટઑફિસનું મુખ્ય પ્રવેશદ્વાર બંધ હતુ. પોસ્ટમાસ્તર આ બિલ્ડિંગના પાછળના ભાગે રહેતા હતા, એટલે બાજુમાંથી પાછળના ભાગે જવા ચાલ્યા. શીખાઉ બાળક અંક બોલે તેમ ડગલાં માંડતા હતા. પાંચ ડગલાં ચાલીને સ્હેજ થંભ્યા. પોસ્ટઑફિસની લાંબી લાંબી કાચની બારીઓ સામું તાકી રહ્યા. જે વિશાળ ખંડમાં આખો દિવસ શોરબકોરથી પસાર કરતા તે ખંડ અત્યારે અજાણ્યો લાગ્યો. સડક પરની લાઈટનો અંજવાસ કાચમાં થઈને અંદર જતાં ઝાંખો થઈ જતો હતો. એ ઝાંખપમાં પોસ્ટમાસ્તરને આજ વહેલી સવારનું દૃશ્ય દેખાયું. હંસાની ચિંતામાં આખી રાત પડખાં ફેરવી, વહેલાં પથારી છોડી, તારની ટકટકાટી સાંભળવાના લોભે એકધ્યાન થઈને બેઠા હતા, ત્યાં એક વૃધ્ધ ડોસો પોતાના હાડપિંજર પર ચીંથરાં લપેટતો, હાથમાંની ડાંગના ટેકે વળીને ઊભેલો, ડોકી ઊંચી કરીને ઝીણી આંખોમાંથી નીકળતાં અમાનુષી પ્રકાશથી એકધારું તાકી રહેલો ભળાયેલો. ફાટી આંખોએ પોસ્ટમાસ્ત૨થી બોલાઈ જવાયેલું,‘ કોચમૅન અલી ડોસા?!’ ડોસાના હોઠ ખુલ્યા નહોતા, છતાં પોસ્ટમાસ્તરને સંભળાયેલું, ‘હા હજૂર!....મારી મરિયમનો કાગળ છે ને?’ પોસ્ટમાસ્તરનો શ્વાસ થંભી જાય તે પહેલાં લક્ષ્મીદાસ પ્રવેશ્યો હતો. ત્યારે ખબર પડી હતી કે અલી તો ત્રણ મહિના પહેલાં મૃત્યુ પામ્યો છે! ત્યારે એમને થયું હતું કે કદાચ, એ ભ્રમણા નહોતી. નક્કી, અલીનો અંતરાત્મા મરિયમના ખબરઅંતર જાણવા હજી ભટકતો હોવો જોઈએ. અત્યારે લક્ષ્મીદાસ સાથે મરિયમનો કાગળ અલીની કબર પર મૂકવા ગયા ત્યારે ય કબર જીવતી લાગી હતી. અલી ડોસા હમણાં કબરમાંથી બેઠો થશે કે શું, એવું થયું હતું. એ ક્ષણ યાદ આવતાં પોસ્ટમાસ્તરને કમકમાં આવી ગયાં. પોસ્ટમાસ્તરે માથું ધુણાવ્યું. તાળું ખોલીને ઘરમાં પ્રવેશ્યા. પણ લાઈટ કરી નહીં, પગરખાં ઉતાર્યાં નહીં, કોટ – ટોપી ઉતાર્યાં નહીં. એમ જ, ઢીલપથી ખુરશીમાં બેઠા. દિવસ પૂરો થયો હતો અને રાત શરૂ થઈ નહોતી એ સમય હતો; એટલે એટલો અંજવાસ હતો. ત્યાં બારણામાં ઓળો દેખાયો. પોસ્ટમાસ્તર ચમક્યા. નજીક આવતાં ચોકીદાર બોલ્યો, ‘થાળી લાવું, સાયબ?’ પોસ્ટમાસ્તર અન્યમનસ્ક હતા. એ ક્ષણવાર ચોકીદાર સામું જોઈ રહ્યા, પછી બોલ્યા, ‘હમણાં નહિ, હું કહું ત્યારે લાવજે.’ ચોકીદાર પાછો ચાલી ગયો. પોસ્ટમાસ્તર એને જોઈ રહ્યા. પાંચ પાંચ વરસ લાગલાગટ દરરોજ વહેલી સવારે પોસ્ટઑફિસના પગથિયે આવી બેસતો અને દીકરીનો કાગળ નથી એવી જાણ થતાં ધીમા પગલે ચાલી જતો અલી કોચમેન આ ક્ષણે ય નજર સામે તરવરી રહ્યો. તે વખતે રોજ રોજ અચૂક હાજર થતા અલી તરફ એમનું ધ્યાન જતું નહોતું, અને આજ અલી નથી ત્યારે એ જ્યાં ત્યાં હાજરાહજૂર લાગે છે! પોસ્ટમાસ્તર શૂન્યમનસ્ક થઈ ગયા. ઓરડો એકલો પડ્યો. અંધારું ઉતરવા માંડ્યું. એકાંત અને શાંત વાતાવરણમાં પોસ્ટમાસ્તરને નાનકડી હંસા રમતી-ભમતી, હસતી-રડતી, મીઠી નીંદ૨માં સૂતી અને તોફાનમસ્તીથી દોડાદોડી કરતી દેખાઈ. હંસા એકમાત્ર સંતાન. બે વરસ પહેલાં અહીંથી સાસરે વળાવી ત્યારે એ કેટલું રડેલા – હંસા કેટલું રડેલી, એ તો આકાશમાં રહેલા સાત સમંદર જ જાણે! પોસ્ટમાસ્તરે પોતાના ગાલે હથેળીઓ મૂકી ત્યારે ખબર પડી કે અત્યારેય આંખોમાંથી પાણી છલકાઈ રહ્યા છે! – મને ચારપાંચ દિવસમાં આમ થાય છે, તો અલી ડોસાને પાંચ પાંચ વરસ શું શું નહિ થયું હોય! અરેરે, અમે સહુ એને ગાંડો ગણતા, એની મશ્કરી કરતા, એના પર હસી પડતા..... – હંસા બાબતે કલાકે કલાકે ખબર કરજો – એમ જમાઈને અને હંસાની બાને ભારપૂર્વક કહેલું, પણ છે કાંઈ ખબર....? – ત્યાં શી પરિસ્થિતિ હોય એ અહીં બેઠાં કેમ ખબર પડે!... – મરિયમે પણ પાંચ પાંચ વરસ સુધી કાગળ લખ્યો નહિ એનું શું કારણ..? પોસ્ટમાસ્તર સફાળા ઊભા થઈ ગયા. લાઈટ કરી. એ સાથે એમના મગજમાં ઝબકારો થયો : મરિયમનો કાગળ અલીની કબર પર મૂકી આવ્યા એટલે વાત પૂરી થઈ ગઈ?! સ્વજનનું શબ બાળી આવીએ એટલે વાત પૂરી થઈ જાય? બસ?! માનવીને પોતાને ઊંડો આઘાત ન લાગે ત્યાં સુધી એને સાચી દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. પોસ્ટમાસ્તરને થયું, મેં મરિયમનો કાગળ વાંચ્યો ય નહિ!.. મરિયમે પાંચ પાંચ વરસ.... કેવી કેવી પરિસ્થિતિમાં અટવાઈ હશે!....આજ કાગળ લખ્યો છે તો તેમાં શું લખ્યું હશે? ‘રામજી!’ પગથિયે આવતાં પોસ્ટમાસ્તરે બૂમ પાડી. ચોકીદાર દોડતો આવ્યો. ‘અહીં ઊભો રહે. હું હમણાં આવું છું.’ કહીને પોસ્ટમાસ્તર દોડતા હોય તેમ ચાલ્યા. સડક પરની લાઈટે રાત પાડી દીધી હતી. પણ બગીચો વટાવીને કબ્રસ્તાન તરફ ચાલ્યા ત્યારે ખબર પડી કે વિલીન થતી સંધ્યાનું ધુમ્મસિલ અજવાળું એમને દોરી રહ્યું છે. બગીચા પછી થોડે અંતરે જ કબ્રસ્તાન હતું, અને અલીની કબર આગળના ભાગે જ હતી. જાણે મરિયમનો કાગળ આ રસ્તેથી લઈ જનાર પોસ્ટમેનને અલી ભીની આંખોએ જોઈ શકે! કાગળ કબર ઉપર એમ ને એમ પડ્યો હતો. પોસ્ટમાસ્તર એ લઈને ઝડપથી પાછા ફર્યા. ચોકીદાર એમ જ ઊભો હતો. એને પોસ્ટમાસ્તરના આ હાલ–ચાલ સમજાતા નહોતા. ‘હવે તું જા. કહું ત્યારે આવજે.’ પોસ્ટમાસ્તરે બારણું આડું કર્યું. ટોપી ઉતારીને ટેબલ પર મૂકી. રસોડામાં જઈને પાણી પીધું. પછી ખુરશીમાં ગોઠવાઈને ધોતિયાના છેડે ચશ્મા સાફ કર્યા. કવર ખોલીને કાગળ હાથમાં લીધો. હંસા પહેલીવાર સાસરેથી આવી ત્યારે જે ભાવથી એને જોઈ રહ્યા હતા તે ભાવથી એ કાગળને જોઈ રહ્યા. કાગળ તાજો લખાયેલો ન લાગ્યો; થોડા દિવસો અગાઉ પોસ્ટ કર્યો હશે અને અટવાતો–અથડાતો પહોંચ્યો હશે એમ લાગ્યું. કંઈક કુતૂહલથી, કંઈક ડરથી, કંઈક કરુણાથી એમણે કાગળ પર કંપતી દૃષ્ટિ ખોડી : ‘કિતને સાલ ગુજર ગયે યે તો માલુમ નહીં. મગર યે મોહમ્મદ તીન સાલસે દોડતાફિરતા હૈ તો માલુમ પડતા હૈ કિ પાંચ સાલ સે કમ તો નહીં હોંગે. પર અબ્બુ, તુમારી ઈચ્છા કે મુતાબિક હી હુઆ. મેરી શાદી તક આપ જો કહા કરતે થે કિ મુજે ભૂલ જાયેગી તબ મૈં માનૂંગા કિ તું અપની દુનિયામેં સુખી હૈ...’ – અરે! આ તો અમારી જ વાતો છે! હું ને હંસા ને હંસાની બા આવી આવી વાતો કરતાં કરતાં રડી પડતાં’તાં! પોસ્ટમાસ્તરની આંખો કાગળ પર હતી, પણ દૃષ્ટિ સામે એ દૃશ્યો ભજવાઈ રહ્યાં : હંસાના લગ્નની તિથિ નક્કી થયા પછી ત્રણે સાથેસાથે રહીને એક એક પળ જીવી લેવા માંગતા હોય તેમ સવારે – સાંજે – રાતે એકની એક વાત કર્યા કરતાં : હંસા કહેતી, ‘હું સાસરે જાઉં પછી તમારું કોણ?’ ‘એટલે શું, તારા લગન નહિ કરવાના?’ ‘એમ નહિ, પણ હું તમને બંનેને એકલાં મૂકીને ક્યાંય જવા ઇચ્છતી નથી.’ હંસાની બા કહેતી, ‘અરે, રાજાની કુંવરીઓને ય માબાપને છોડીને સાસરે જવું પડે છે, તો આપણે કોણ?’ ‘પણ મને એક જ વિચાર આવે છે, હું જાઉં પછી તમારું કોણ?’ ‘તું નહોતી ત્યારે અમારું કોણ હતું? ...અમે બંને એકબીજાને સહારે જીવવાં ટેવાયેલાં છીએ.’ ‘એ તો ત્યારે. હવે એમ નહિ રહી શકો. બા તો ઠીક, આખો દિવસ ઘરકામમાં અને સાંજના સત્સંગમંડળમાં દિવસ કાપી શકે. પણ તમે? વીસ વીસ વરસથી તમારી સાંજ મારા વગર.....’ કહેતાં કહેતાં હંસાના ગળે ડૂમો બાઝતો; પોતાની આંખો ભીની થતી. અત્યારે તો છલકાઈ પડી. પોસ્ટમાસ્તર વિસ્ફારિત આંખોએ જોઈ રહ્યા : જન્મી પછી સવા મહિને જ હંસાને અને પત્નીને એના પિયરથી તેડી આવ્યા હતા. દિવસ દરમિયાન વારેઘડીએ ઑફિસમાંથી દોડી આવતા. હંસા ઘોડિયામાં સૂતી હોય તો એકટસ જોઈ રહેતા, હંસા જાગતી હોય તો એને રમાડતાં રમાડતાં ગાંડા કાઢતા, હંસાને ચાલતાં–બોલતાં શીખવવામાં કલાકો મથતા, હંસાને નિશાળે મૂકવા-લેવા જતાં, સાંજ પડ્યે રોજ હંસા સાથે કાં આંગણામાં કે બાજુના બાગમાં કે મેળા - મેળાવડામાં – હંસા હંસા હંસા – પોસ્ટમાસ્તરે ચશ્મા ઊંચા કરી ધોતિયાના છેડાથી આંખો લૂછી. ‘દીકરી બધે સરખી....એને માબાપનું લાગે એવું કોઈને ન લાગે.... મરિયમ અને અલી ડોસા ય આમ જ જીવ્યાં હશે ને!’ મનુષ્યને પોતાના દુઃખમાં બીજાના દુઃખનાં લેખાંજોખાં કરવાં ગમતાં હોય છે. મરિયમનો કાગળ આગળ વાંચવાને બદલે વળી હંસાના વિચારોમાં ગરકાવ થઈ ગયા : હંસાના લગ્નના દિવસો વધુ નજીક આવતા જતા હતા તેમ તેમ ત્રણેનું મૌન ઘેરું થતું જતું હતું, ત્રણે બોલતાં ઓછું, પણ ત્રણેના હલનચલનમાં સતત રુદન ટપકતું અનુભવાતું. આટલો બધો લગાવ હંસાને એના પતિ સાથે આનંદથી જીવવા નહિ દે એવા વિચારે પોસ્ટમાસ્તર છેલ્લે છેલ્લે એક વાત ભારપૂર્વક કહ્યા કરતા, ‘જો, માબાપનું સુખ દીકરીના સુખમાં સમાયું હોય છે. દીકરી સુખી તો માબાપ સવાયા સુખી; એમાં પિતા તો ખાસ. કારણ કે પિતાને મન દીકરી એટલે કાળજાનો કટકો.....વાસ્તે, અમને સુખી જોવા હોય તો તારે તારો સંસાર સુખમય છે એની અમને ખાતરી કરાવવી પડશે. ગમે તેટલો સારો હોય પણ પતિ પોતાની અને પત્નીની વચ્ચે બીજા કોઈની દરમિયાનગીરી સ્વીકારતો નથી.....આપણા સંબંધને તો યમરાજા ય તોડી શકે તેમ નથી. પણ તારે તારી નવી દુનિયામાં તારો પોતાનો પ્રેમનો બાગ ઉછેરવાનો છે. એ માટે સાસરે રહીને તું અમને ભૂલી ગઈ છે એવી અમને ખાતરી થશે ત્યારે અમારું સુખ દરિયા જેમ છલકાતું હશે!’ ‘એમ જ થયું ને!’ પોસ્ટમાસ્તર બબડ્યા. ‘કોઈ દીકરી એમ કાંઈ માબાપને ભૂલી શકે!’ પોસ્ટમાસ્તરના હોઠ મરક્યા. ‘ગમે તેમ. હંસા ખૂબ સુખી છે, ખૂબ આનંદમાં છે, એ જાણી જાણીને અમે બંને કેવા સંતોષની જિંદગી જીવતાં હતાં! અલી ડોસાને તો આ સુખે ય ન મળ્યું, બિચારાને!’ વળી એમણે હાથમાંનો કાગળ ઊંચો કર્યો : અબ્બુ, તુમારી ઇચ્છા કે મુતાબિક કુદરતને ભી ઐસા હી કિયા. છે સાત મહિના સાથ રહે કિ ઉનકો બુલાવા આયા. લડાઈ શરુ હુઈ થી. લડાઈ કહાં હૈ યે મુજે ઔર મેરી સાંસકો ક્યા પતા? હમ તો પહાડિયોં મેં હમારી જૈસે દૂસરે આઠદસ મકાનોં કે બીચ દિન બીતાને લગે. દિન તો ક્યા, મહિનોં સાલોં બીતા દિયે. ન વો આતે થે – ન ઉનકી ખબર આતી થી. ન તો હમ કહીં ખબર ભેજ સકતે થે. મહિનેભર પૈસા દેનેવાલા આતા થા વો એક હી બાત કહેતા થા કિ લડાઈ ચલ રહી હૈ. લડાઈ મેં કિસી કો છુટ્ટી નહિ મિલતી. ઈસ બીચ મોહમ્મદ કા જનમ હુઆ તબ તો મુજે એક હી તડપન રુલાતી થી કિ મુજે અબ્બા કે પાસ જાના હૈ... મુજે અબ્બા કે પાસ જાના હૈ. ઔર યે શરારતી કે સાથ મસ્તી કરતે કરતે તીન સાલ ગુજર ગયે. તીનચાર મહિનેં પહેલે વો આયે. મુજમેં તો એક હી ધૂન સવાર થીં મુજે જલ્દ હી અબ્બા કે પાસ જાના હૈ. ઔર અબ્બુ, ક્યા બતાઉં, ઢેર સારી બાતેં ખતમેં કૈસે લિખું! ખત મેં ક્યા મામુદ કી શરારતેં દિખા સકતી? પર ઉન્હે તો લડાઈ કે દિનોં મેં છુટ્ટી મિલનેવાલી નહીંથી. આખિર મેં તય કિયા કિ મૈં હી જાઉં મામુદ કો લેકે. વો પંજાબ મેલ મેં બિઠા દેંગે. ફિર કોઈ ઝંઝટ નહીં, જો રોજમેં સીધે પહુંચેંગે અપને ગાંવ.... અબ ખુશ? યાદ રખો, સત્તરા તારીખ કો – શામ કો હમારા મેલ અપને સ્ટેશન પર વ્હીસલ બજાયે તબ તુમ પ્લેટફૉર્મ પર ખડે....’ પોસ્ટમાસ્તરના શ્વાસોચ્છ્વાસ ઉછળી રહ્યા. એ આગળ વાંચી ન શક્યા. આંખો ડબડબી ગઈ. હંસાના જીવનના ય એવા એવા દિવસો એમના ચિદાકાશમાં તરવરી રહ્યા. ‘દીકરીના જીવનની પળેપળની કલ્પના કર્યા કરવામાં જ બાપનું જીવતર પૂરું થતું હોય છે ને!’ એ બબડ્યા. આંખો લૂછી. ‘અલીને ય એના એકાકી જીવનમાં આવું સુખ સાંપડ્યું હશે ને!’ પોસ્ટમાસ્ત૨ ટેબલ પર કોણી રાખી હથેળીમાં હડપચી ટેકવીને બેઠા. એમની નજર ટેબલ પરના કેલેન્ડર પર પડી અને સફાળા ઊભા થયા, ‘અરે, સત્તર તારીખ તો આજ જ છે!’ કહેતા બહાર આવ્યા. એમનું આખું શરીર કંપી રહ્યું. ‘રામજી!’ બૂમ પાડી. ‘આ તાળું લગાવી દે.’ કહેતાં ઝડપથી પગથિયાં ઉતર્યા. વળી અટકીને પાછા ફર્યા. ‘અને સાંભળ, તારી વહુને કહે રસોઈ વધારે બનાવે; હમણાં મહેમાન આવશે.’ કહીને ચાલવા માંડ્યા. રામજી જોઈ રહ્યો કે સાહેબ જિંદગીમાં પહેલીવાર ટોપી પહેરવાનું ભૂલી ગયા છે. એને એ ક્યાં ખબર હતી કે અત્યારે તો હંસાને ય ભૂલી ગયા છે જાણે! પોસ્ટમાસ્તર ઝડપથી રસ્તા પર આવ્યા અને આમતેમ જોયું; એકે ઘોડાગાડી દેખાતી નહોતી. મેલ આવવાનો ટાઇમ થઈ ગયો છે એટલે બધી સ્ટેશને જ પહોંચી ગઈ હોય ને! ‘મેલ આવવાનો ટાઇમ!!!.....’ પોસ્ટમાસ્તર ડાંફો ભરતાં સ્ટેશન તરફ ઉપડ્યા. માણસમાં એક વાર કરુણાનો ભાવ જન્મે પછી મારું - તારું ક્યાં રહે છે! સડક પરના થાંભલાની આછી બત્તીઓ જોતી હતી કે જેમ આ રસ્તે એક વાર અલી કોચમેન ધીમાં પગલે આવી રહેતો, એમ જ અત્યારે ઉતાવળે પગલે પોસ્ટમાસ્તર જઈ રહ્યા છે. સાંજનો મધુર વાયુ એનાં રોમરોમમાં ચેતન જગવી રહ્યો છે. બગીચો વટાવ્યો પછી તો ઉપર ભૂરા આકાશમાંના કોક કોક તારા સિવાય પોસ્ટમાસ્તરનો પગરવ સાંભળનારું ય કોઈ નહોતું. કદાચ, કબરમાં સૂતાં સૂતાં અલી કોચમેને આ જોયું હોય અને આંસુભરી આંખો આનંદથી મીંચી દીધી હોય! હવે એને કયામતના દિવસ સુધી કોઈ રાહ જોવાની નહોતી!