મારી લોકયાત્રા/૧૨. વેરપિપાસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૨.

વેરપિપાસા

આસો માસ ચાલતો હતો; નદી-નાળાં સ્વચ્છ જળથી ઊભરાતાં હતાં અને હું બહેડિયા ગામના જીવાભાઈ ઝાલાભાઈ ગમારને મળવા જઈ રહ્યો હતો. થેલામાં ટેપરેકર્ડર, નોંધપોથી, શિંગચણા અને એક જોડી કપડાં મારાં રોજનાં સંગાથી રહેતાં. આથી ભીલ વિસ્તારમાં ‘ટેપવાળો સાહેબ'ના નામે ઓળખાતો. બસમાંથી ઊતરી વેલાભાઈ લૌરની સમાધિ પસાર કરી ગુજરા દેવા ગમારના ઘે૨ આવ્યો. ગુજરો જીવાભાઈ ગમારના અરેલાનો રાગિયો અને ક્ષેત્રકાર્યમાં સાથ આપનાર મારો પ્રિય સાથીદાર હતો. તેની ઓસરીમાં બેઠેલા માણસોએ મને આવકારી ‘રામ-રામ’ કર્યા. મને પણ તેઓમાંનો એક ગણતા હતા અને સામાજિક સમસ્યાઓમાં સહભાગી કરતા હતા આથી મારી હાજરી તેમને ગમી. વાતચીત પરથી લાગ્યું કે તેમના સામૂહિક મુખ પર ઘેરી ચિંતા ફરી વળી હતી અને કોઈ સામાજિક સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા. મેં પ્રશ્ન કર્યો, “કેમ હિમ પડ્યાની જેમ કાળા પડી ગયા છો?' ગુજરાનો મોટોભાઈ નૂરો બોલ્યો, “પગવૉનપાઈ, પારી પૂલ પરી ગેઈ હેં. ગેઈ કાલે ખેડ અબાવમાતા કનેની ઑંબલીએ અમાર બહેરિયાના ગમારાંન નં દિગ્થળી ગૉમના ડાભીઓન થોરકોક કઝિયો થો. અમારમાનો એક આદમી વિઝકો નં દેવા ડાભીના લમણામા એક લાફો ઝીકો. એંણાના કૉનમાહી થોરકુક લોઈ નેંહરું નં અમાર વેંર થઉં.” (“ભગવાનભાઈ, ભારે ભૂલ પડી ગઈ છે. ગઈ કાલે ખેડબ્રહ્મા અંબાજી માતા પાસેની આંબલીએ અમારે બહેડિયાના ગમારો અને દિગ્થળી ગામના ડાભીઓને થોડોક ઝઘડો થયો. અમારામાંનો એક આદમી ગુસ્સે થયો ને દેવા ડાભીના લમણામાં એક લાફો માર્યો. તેના કાનમાંથી થોડુંક લોહી નીકળ્યું અને અમારે વેર થયું.”) ચિંતિત ગુજરો બોલ્યો, “અમે લાફો ઝીકવાના (મારવાના) હાત અઝાર રૂપેયા આલવા તિયાર હૈય પૉણ અમારી વાત એણાન (તેને) કુણ પૉગારે (પહોંચાડે)? ગમાર દિગ્થળીમા ઝાય તો એઝાની (તેની) લોથ (લાશ) પરેં. અમાર તો પારી (ભારે) થેઈ હેં. ઓસામા પરું (ઓછામાં પૂરું) દેવો ગૉમનો મુખી હેં." આ સમયે તેમની પરંપરિત વેર ભાવનાથી અજાણ મને તેમના ન્યાયનું ગણિત ન સમજાયું. મેં કહ્યું, “મુખી હોય તો શું થઈ ગયું? એક તમાચાના બદલામાં સાત હજાર શાના? અને જે આ પ્રસંગે હાજર ના હોય એવી વ્યક્તિ તો દિગ્થળી જઈ શકે ને?” ગુજરાના કાકાનો દીકરો મણો બોલ્યો, “સાએબ, એ તો અમારામા મોંકાણ હેં! અમાર ગૉમનો તો ઠીક પૉણ બીઝા ગૉમનો ગમાર પૉણ એંણા ગૉમમા નેં ઝાઈ હકેં. અમાર તો આખા ગમાર ગોતર (ગોત્ર) ૫૨ વેંર ઊતરું.” દિગ્થળી ગામમાં વારંવા૨ સાધુ ભોળાભાઈ હોનાભાઈ ડાભીનાં ભજનો ધ્વનિમુદ્રિત ક૨વા જતો હતો. દેવા ડાભીનું ઘર રસ્તામાં જ પડતું હતું. ત્રણ કિલોમીટર ચાલીને દેવાના ઘેર જતો અને પાણી પીને તેના આંગણામાં વિશ્રામ કરતો. મેં કહ્યું, “પરમ દિવસે ભોળા સાધુનાં ભજન ટેપ કરવા જવાનું છે. દેવો પણ મારો ઓળખીતો છે. તમારી ભૂલ અને તેના બદલામાં સાત હજાર આપવાના ન્યાયની વાત તેને પહોંચતી કરીશ. ચિંતા કરશો નહીં.” એકે કહ્યું, “થારું નૉમ પગવૉનપાઈ હેં. પૉણ અમાર આતરું કૉમ કરે તો થું અમાર પગવૉન બરાબર હેં.” તેઓને આશ્વાસન આપતાં કહ્યું, “તમે હાં એમ દેવો પૉણ માર દોસ્તાર હેં. તમારી સિન્તા મનં આલાં. ઉં દેવાન હમઝાવી હકેઈ. રાતે જીવાના કેંર બત્તા આવાં. આપું (આપણે) હારે (સાથે) અરેલા ગાહું નં નાસહું. ઝીવતા ઝીવરા કિલોળ (કિલ્લોલ) કરહું.” તેઓને મારા પર ભરોસો બેઠો. જીવાભાઈની ઓસરી-આંગણામાં ગુજરાંના અરેલાનું ધ્વનિમુદ્રણ ચાલતું હતું. રાતે બધા જીવાકાકા ગમારના આંગણામાં અરેલા ગાવા એકઠા થયા. પૂરી રાત મન ભરીને ગાયા અને નાચ્યા. ત્રીજા દિવસે દિગ્થળી ગામમાં દેવા મુખીના ખોલરા પાસેથી પસાર થતો હતો. ખાટલા પર બેઠેલો દેવો ખજૂરીના પાનના રેસામાંથી દોરડું વણી રહ્યો હતો. દોરડાની ચકરડી જોરથી ઘુમાવતાં બંનેની દૃષ્ટિ મળી અને બંનેના મુખ પર આનંદ પ્રસર્યો. આંગણામાં પ્રવેશતાં દેવો દોરડું વણવાનું છોડી ખાટલા પરથી ઊભો થઈ ગયો અને મારા ખભે હાથ પ્રસારી આવકાર્યો. ઘ૨માંથી રજાઈ લઈ આવી ખાટલા પર પાથરી મને બેસાડ્યો. જુદી રાખેલી માટલીનું ઠંડું પાણી પાયું. દેવા સાથે થોડીક ખેતીની વાતો થઈ. ધીમે-ધીમે મુખ્ય વાત પર આવતાં દેવાને કહ્યું, “કાકા દેવા, બેરિયાવાળા લોકોએ કસુ(ખરાબ) કૉમ કરું હેં. પૉણ અવણ એંણાંન પૂલ (ભૂલ) હમઝાંણી (સમજાઈ) હેં. એણી પૂલ હાટે (બદલામાં) હાત અઝાર રૂપેયા આલવા તિયાર થા છેં.” સૌમ્ય લાગતા દેવાના મુખ પર આવેશ પ્રગટ્યો. મુખ ગુસ્સાથી વિકૃત થઈ ગયું. તેની નજ૨ ઓસરીની ભીંતે લટકાવેલી બંદૂક ૫૨ ગઈ. બોલ્યો, “એંણી બંદૂક દેખી?”' મારામાં નખ-શિખ ભય વ્યાપી ગયો. દેવાની વાક્ધારા લાવાની જેમ પ્રવાહિત થવા લાગી, “બંદૂકની ગોળી વસૂટીન (છૂટીને) પરેં એતરે તરી (એટલા સુધી) માર ઝમી (જમીન) હેં.” ભોંય ૫૨ બેઠેલો દેવો ઝડપથી ઊભો થઈ ગયો. માથા ૫૨ હાથનો સંકેત કરી ઊંચાઈ બતાવતો બોલ્યો, “આ ઉં(હું) પરો(પૂરો) દટાઈ ઝાઉ એતરા તો મા૨ (મારે) રૂપયા હેં! માર રૂપેયા હું કરવા હેં? ઉં તો એંણોનો એક આદમી મારવાનો સ. નક૨ અમાર ડાભી ગોતરના વેંરનું હું (શું)? એમાંય (એમાં પણ) ઉં તો મુખી!” દેવાનો અડગ નિર્ધાર જોઈ મને લાગ્યું કે તેની સાથે વધુ ચર્ચા કરવી વ્યર્થ છે. તે ખાર ખાઈને બેઠો છે તો વેર લેવાનો જ. મેં મૂળ વાત બદલીને થોડી આડી-અવળી વાતો કરીને મારા માહિતીદાતા ભોળા સાધુના ઘેર ગયો. માત્ર પાંચમા દિવસે ખેડબ્રહ્માના ભરબજા૨માં ધોળા દિવસે દેવા અને તેના દીકરાએ કડિયાળી ડાંગથી બહેડિયા ગામના ભીખા ગમારને વધેરી દીધો. દિગ્થળી અને બહેડિયા વચ્ચે ઝઘડો થયો ત્યારે ભીખો ગમાર હાજર નહોતો પણ પંચમાં પુછાતો સુખી માણસ હતો. આથી બે ઘણું વેર વળ્યું એવી પરંપરિત માન્યતાના લીધે ભીખો મોતનો ભોગ બન્યો. ભીખાને મારીને બાપ-દીકરો ભાગી છૂટ્યા પણ પોલીસે તેમની સ્ત્રીઓને પકડી લાવીને જેલમાં પૂરી દીધી. સ્ત્રીઓ જેલમાં જાય તો પિય૨૫ક્ષનું બીજું વેર ઊભું થાય. આથી ગુનેગારો અવશ્ય હાજર થશે એવી પોલીસને ખાતરી હતી. પોલીસની ધારણા સાચી પડી અને બીજા દિવસની રાતે બાપ-દીકરો પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા. બંનેએ ગુનો કબૂલ્યો અને સ્ત્રીઓને પોલીસ સ્ટેશનેથી છોડાવી. ભીલ વિસ્તારમાં દર માસે પરંપરિત વેર લેવાની ઘટનાઓ ઘટે છે પણ તેમના સમાજની એક પણ વ્યક્તિ દાર્શનિક પુરાવા આપતી નથી. જેથી ગુનેગાર નિર્દોષ છૂટે છે. આજ સુધી ખૂન કરવાથી કોઈને જન્મટીપ કે મૃત્યુદંડની સજા થઈ હોય એવો એક પણ કેસ પોલીસના ચોપડે નોંધાયો નથી. કોર્ટમાં દાર્શનિક પુરાવાના અભાવે દેવો અને તેનો દીકરો નિર્દોષ જાહેર થઈ છૂટી ગયા, પણ સમાજના ન્યાયાલયમાં તેઓ દોષિત જ હતા. ભીખાના મૃત્યુ પછી તેના એકના એક દીકરાને મળવા ગયો. ઘરથી થોડે દૂર પથ્થરનો એક ઢગલો કર્યો હતો. ત્યાં વેરીનું લોહી છાંટી ‘હૂરો’ (શૂરો) સ્થાપવાનો હતો. ઓસરીમાં શોક સંતપ્ત માણસો બેઠા હતા. ઘરમાંથી આવતું સ્ત્રીઓનું કરુણ રુદન વાતાવરણને વધુ શોકમય બનાવતું હતું. બધાને ‘રામ-રામ‘ કરી તેમની વચ્ચે બેઠો. ભીખાના દીકરા લુકાએ કપાળમાં તિલક કર્યું હતું. તેના કાળા મુખ પર લાલ તિલક વધુ બિહામણું લાગતું હતું. તેને આશ્વાસન આપતાં કહ્યું, “થનાર વાત થઈ ગઈ, ઝઘડો થયો ત્યારે ભીખો તો હાજર પણ નહોતો. આ રીતે તેનું મોત લખ્યું હશે. હવે દિગ્થળીવાળા ખૂનના બદલામાં પચાસ હજાર રૂપિયા દાવા પેટે આપે તો વેર ના ભાગે?'

લુકાની આંખોમાં લોહી ધસી આવ્યું. તિલક કરેલા મુખે ઉગ્ર રૂપ ધારણ કર્યું. તિલક તરફ સંકેત કરતો બોલ્યો, “સાએબ, આ ટીલું ખેડ(ખેડબ્રહ્મા) માતાજીની સાક્ષીએ કરું હેં. ગમાર ગોતર વૅંર નેં લે તો માર બા(બાપ)ના આતમાન સૉન્તિ નેં મળે. કિરોધ (ક્રોધ) કરેં તો અમાર વસ (વંશ) નેંકરી ઝાય. મેં વેંરીન એ૨વા (શોધવા) હેતી-વારી સોરી (છોડી) દીતી હેં. વેંર નેં લઈએ તો ખેર તાલુકાનાં બત્તાં ગાંમાંના ગમાર ઑંમણા (કાયર-બાયલા) કેંવાંય.” તેના કાકાનો દીકરો મણો બોલ્યો, “રૂપેયાંન અમાર હું કરવા હેં? રૂપેયાંન તો કૂતરાંય નહીં ખાતાં! વેંર તો અમાં લેવાના, નકર અમાર વરીલાં (વડીલો)નો આબરૂ ઝાય.” મેં કહ્યું, “એમ તો વેંર વળું હેંણ કેંવાય? તમે તો દેવાના બદલામા બીઝા દોહ વનાના (નિર્દોષ) આદમીન વતે૨વાના (વધેરવાના). ભીખાનો પૉણ કોઈ અપરા-દોહ (અપરાધ-દોષ) નેં અતો.’ લુકાના મોટા કાકાનો દીકરો નેતો બોલ્યો, “આ ફેરે તો અમે દેવાન સ મારવાના. ઑંમ પૉણ દેવો મુખી હેં; સુખી હેં; પસમા (પંચમાં) પૂસાતો હેં. એંણાન મારહું તો અમાર પૉસ કણું (ઘણું) વેંર વરહેં.” મારી કોઈ દલીલ એમના સામૂહિક મનને સમજાવવામાં લેખે લાગી નહીં. મનમાં ઉદ્ભવેલો છેલ્લો પ્રશ્ન પૂછ્યો, “પૉણ ઑંમ તો વેંર પેઢીએ-પેઢીએ અગળ વધતું સ રેંહે. નં તમે બત્તા બરબાદ થાતા રેંહાં.” ગુજરો બોલ્યો, “ના સાએબ, પેસ તો હૉમ હૉમું હાટું વળી ઝાહેં. ડાભીએ ગમારાનું એક મૉનવી મારું તો ગમાર ડાભીઆંનું એક મૉનવી મારહેં. પેસ તો વેંર ખૂટી ઝાહેં. બેય ગોતરના મૉનવી ભેળા થાહું. વેંરન લીલા રૂંખ(વૃક્ષ)ના મૂળાંમા ગૉળ નાખી ફૂટી કાલહું (ઘાલશું). પેસ ગૉળ વૉટીન (વહેંચીન) વેંર ભાગહું. ગૉળ ખાઈન ગૉળ ઝેવા ગળ્યા થાઈન વેરાઈ ઝાહું. વેંર નેં લેઈએ તો અમાર હદા (હ૨રોજ) ગોત૨નું કોઈ નં કોઈ મૉનવી મરાઈ ઝાય. અમાર વસ (વંશ) નેં રે નં ગોતરનું ખરિયાખોડ (સત્યાનાશ) ઝાય.' બધાને રામરામ કરી, ખેડબ્રહ્મા ચાલી નીકળ્યો. મન વિચારે ચડ્યું, “નિર્દોષ માણસોને વધેરતી આ પરંપરિત વેરભાવનાની પ્રથાને કોઈ વિધાયક દિશા ન આપી શકાય?” પણ કોઈ દિશા સૂઝતી નહોતી. લુકાના હૃદયમાં પ્રજ્વલિત વેરભાવનાની આગે ખેતી છોડાવી દીધી હતી. તેણે વેરીની શોધ આદરી હતી. વહેલી સવારે ખેડબ્રહ્મા માતાજીના મંદિરમાં આવી, તિલક કરી પ્રતિજ્ઞા તાજી કરી લેતો હતો. ત્યાંથી દિગ્થળી પાસે આવેલા મટોડા કેન્દ્રિત ગામમાં આવીને દુશ્મનોની બાતમી લેવાનો પ્રયત્ન કરતો હતો. બાતમી ન મળતાં મોડી રાતે ઘેર પાછો ફરતો હતો. છ માસ સુધી વેરીને શોધવાનું કઠોર અનુષ્ઠાન ચાલુ રહ્યું. સાતમા માસના એક દિવસે લુકાને પાકા સમાચાર મળ્યા કે આજ રાતે દેવો પોતાના પરિવારના એક સભ્યની સગાઈ કરવા પાસે આવેલા રાજસ્થાનના એક ગામમાં જવાનો છે અને વહેલી સવારે અંધારે પાછો ફરવાનો છે. લુકાએ આ બાતમી બહેડિયા ગામમાં પહોંચાડી. દરેક ઘરનો પ્રત્યેક સભ્ય મધ્યરાત્રિથી દેવાના પાછા ફરવાના પંથને ચારે બાજુથી ઘેરીને ડુંગરોની તળેટીમાં તીર-કામઠું અને તલવાર લઈને બેસી ગયો. પરોઢના આછા પ્રકાશમાં દુશ્મન દેવાનાં દર્શન થયાં. વેંટ (વર્તુળ) નાની ને નાની થતી ગઈ. દેવો ગફલતમાં રહ્યો કે ગામના લોકો શિકાર માટે હાકો નાખવા માટે આવ્યા છે. ઘેરાઈ ગયેલા દેવા ૫૨ શત્રુનાં તીર પર તીર છૂટવા લાગ્યાં. ત્રણ એક તી૨ દેવાએ શરી૨માંથી બહાર કાઢી કામઠા પર તીરનું લક્ષ લઈ દુશ્મનોને હંફાવવાનો પ્રયત્ન કર્યો. ચાર એક વ્યક્તિના હાથે-પગે તીર ઘૂસ્યાં પણ અહીં તો તીરના ‘ઝરમરિયા મેહ' વરસતા હતા. એકલા હાથે ઝઝૂમી પંચાવન વર્ષનો દેવો વીરત્વ પામ્યો. વેરપિપાસાથી પશુ બનેલા દુશ્મનોએ તેના શરીરના એકવીસ ટુકડા કર્યા. તેનું માથું ધડથી અલગ કરી એક પાત્રમાં લોહી લઈ લીધું. દેવાના મોતના સમાચાર મળતાં સીધો બહેડિયા પહોંચ્યો. નાળેરા ડુંગરની તળેટી પાસે આવેલા લુકાના ખોલા પાસે માનવમેળો ઊમટ્યો હતો. ભીખાનો હૂરો સ્થાપવા પથ્થરોના ઢગલા પર દુશ્મન દેવાનું લોહી છાંટ્યું હતું. ઢગલાના શિખરે બહેડિયા ગામની વિજયપતાકા સમું દેવાનું માથું મૂક્યું હતું. જુગુપ્સા પ્રેરતું આ વરવું દૃશ્ય મારું હૃદય સહી શક્યું નહીં. પાસે આવેલા ખીજડાના થડનો ટેકો લઈને બેસી પડ્યો. ઊંચે ખીજડાની ઘટા તરફ દૃષ્ટિ જતાં પાંડવોએ ગુપ્તવાસ સમયે સંતાડેલાં રક્તપિપાસુ શસ્ત્રોનો પ્રસંગ સ્મૃતિમાં તાજો થયો. સાથે જ દુઃશાસનની છાતી ચીરી રક્તપાન કરતા વેરપિપાસાથી ઉન્મત્ત થયેલા ભીમનું પાશવી કૃત્ય પ્રત્યક્ષ થયું. લિખિત મહાભારતનું આ અમાનવીય દૃશ્ય અહીં બહેડિયા ગામમાં સાંપ્રત ભીલજીવનના એક ભાગ તરીકે પ્રત્યક્ષ ભજવાઈ રહ્યું હતું. મારા માટે આ દશ્ય દુઃખદાયક અને જુગુપ્સાપ્રેરક હતું પરંતુ એમના માટે પૂર્વજની ભક્તિ હતી. લોકસમૂહના હોંકારા-પડકારા વચ્ચે લુકાના માથે એનો મૃત પિતા પૂર્વજરૂપે માથે ઊતર્યો હતો. ગોત્રજનોએ વેર વાળ્યું હતું! આથી પૂર્વજનો આત્મા ખુશ થઈને પૂરા ગોત્ર ૫૨ આશીર્વાદ વરસાવતો હતો. નિર્દોષ મનુષ્યને સામૂહિક રીતે ક્રૂરતાથી મારવાના કાર્યથી કોઈના મુખ પર ગ્લાનિ કે દુઃખ વરતાતું નહોતું પણ પૂરું ગોત્ર તેને ધાર્મિક મહોત્સવ માની માણતું હતું. આ સમયે ખેડવા ગામના નાથાભાઈ ગમારે ‘રાઠોરવારતા’ ગાવાનો આરંભ કર્યો: મૉટી મારા ન રે પૉણ બૉતમો, મૉટી મારા ન રે પૉણ... એ ભાગણિયાં માય રે ભૂડકો ઓઇયો.....રા....ઝી.. લોયાંની નદિયો ન રે પૉણ મૉટિયો, લોયાંની નદિયો ન રે પૉણ... એ રે લોયાંની નદિયો રે ખળૂકા મારિયાં.....રા....ઝી.. સ્વજનનું વેર વળ્યું હોવાથી દારૂ પીને ઉન્મત્ત બનેલો પૂરો લોકસમુદાય મૂછે તાવ દેતો વિજયોન્માદથી ઝૂમી-ઝૂમીને નૃત્ય કરવા લાગ્યો. આ ટાણે થોડા સમય પહેલાં શ્રાવ્ય કેસેટો પર ધ્વનિમુદ્રિત કરેલી ‘રાઠોરવારતા’ની પૃષ્ઠભૂમિ મારા ચિત્તમાં સ્પષ્ટ થઈ. પૂરા મહાકાવ્યે વેરપિપાસામાંથી રૂપ ધર્યું હતું તેનો ખ્યાલ આવ્યો. સામૂહિક નૃત્યના બળવાન ટેકા વચ્ચે પૂર્વજને ભોગ ચડાવવા બે બકરા હૂરા (શૂરા) સામે લાવવામાં આવ્યા. વધનું પ્રત્યક્ષ બનતું દૃશ્ય મારા માટે અસહ્ય હતું. હું ખીજડાની છાયામાંથી ઊભો થઈ ગયો. પંથે ચાલતાં વિચારી રહ્યો, “સંશોધક તરીકે પરંપરામાં દખલગીરી તો ન કરી શકાય; પરંતુ તેમની મુખ-પરંપરાઓમાં એવી કોઈ વારતાઓ તો અવશ્ય હશે કે જેમના મંચનથી સામૂહિક વેર ભાવનાની ધાર બુઠ્ઠી કરી શકાય!”

***