મારી લોકયાત્રા/૯. ભોપાનો પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૯.

ભોપાનો પ્રભાવ

અમારા આગમનથી જોટાસણ ગામના બધા જ પુરુષોના નાસી જવાના કારણનો કોઈ અંકોડો મળતો નહોતો. ગયા રવિવારે તો પૂરું ગામ હર્ષઘેલું બન્યું હતું અને અમને આવકારી ઋતુચક્રના પર્વ-પ્રસંગોનાં અનેક નૃત્યગીતો અને નાટ્યવેશોનો ૨સથાળ અમારી સન્મુખ ધરી દીધો હતો. આથી તો આવો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા છેક શ્રેયસ ફાઉન્ડેશન, અમદાવાદથી ‘ભારત લોકનૃત્ય મહોત્સવ’ના નિરીક્ષકોને નિમંત્ર્યા હતા. આ મહોત્સવમાં આદિવાસી કલાકારોની પસંદગી કરાવી, લઈ જવાની સંપૂર્ણ જવાબદારી સેવાનિકેતન આશ્રમના સ્થાપક નંદુ ગુરુજીએ ભીલ સંસ્કૃતિ-સમાજનો અભ્યાસ કરતા મને સોંપી હતી. મારે નંદુ ગુરુજી અને ભીલ નૃત્યો જોવા આતુર બનેલા આ મહોત્સવના સંયોજક પ્રશાંત પ્રજાપતિને શો જવાબ આપવો? તેઓ કેટલા ઉત્સાહથી નવો વીડિઓ કૅમેરા લઈને નૃત્યો-વેશો ઝડપવા અહીં આવ્યા છે! મને આદિવાસીઓ છેતરી ગયાના ખ્યાલથી ઊંડો આઘાત લાગ્યો. જોટાસણ ગામના લોકોએ કૂવામાં ઉતારી વરત (દોરડું) કાપ્યા જેવો અમારો ઘાટ કર્યો! “આદિવાસીનો વિશ્વાસ નહીં. ક્યારે શું કરે કહેવાય નહીં!” જેવાં એમના વિશેનાં અન્ય સમાજોમાં પ્રચલિત વિધાનો અમને સાચાં પડતાં લાગવા માંડ્યાં. અમે અમદાવાદના નિરીક્ષકો સન્મુખ જૂઠા પડ્યા એનું ભારે દુઃખ થયું. અમને આમંત્રીને જોટાસણ ગામના મુખી ચંપાએ આવું કેમ કર્યું હશે તેનું કારણ જાણવા માટે મેં સાથે આવેલા કોટડા ગામના સરપંચ હીરકાને પ્રશ્ન કર્યો. અમારી દોડધામ વચ્ચે મરક-મ૨ક મૂછમાં હસી રહેલા હીરકાના મુખનો બંધ છૂટી ગયો અને મુક્ત મને હસી પડ્યો, “સાહેબ, તમે અમારી આદિવાસી જાતને ન સમજો! અમારે તો એક અઘવા (મળ ત્યાગવા) બેસે ત્યારે ન લાગ્યું હોય તોયે બીજોયે બેસે અને તેને જોઈને ત્રીજો પણ બેસે.” હું તેની આ અવળવાણી ઉકેલવા અસમર્થ હતો. તેની સામે પ્રશ્નાર્થ બની તાકી રહ્યો. હીરકો બોલ્યો, “ના સમજ્યા? ગામમાં એવી વાત ચાલે છે કે આશ્રમના સાહેબો આપણને અમદાવાદ નાચવા-ગાવા માટે નહીં પણ લડાઈમાં લડવા લેવા આવ્યા છે. આપણે શહેરમાં લડવા નથી જવું, ચંપો, મુખી, મતાદાર અને ગામના પુરુષો ક્યાંયે ગયા નથી પણ આજુબાજુનાં કોતરોમાં સંતાયા છે. ભોપા(ભૂવા)એ પણ ધૂણીને અમદાવાદ ના જવાની આજ્ઞા કરી છે. આથી કોઈ ઉપાયે તેઓ આ જંગલ-ઝાડીમાંથી બહાર નહીં આવે.” હીરકાનાં વચનોથી માનસમાં અમદાવાદમાં તાજેતરમાં બનેલી ઘટનાઓની આભા પ્રગટી. આ સમયે કેટલાંક સ્થળે અમદાવાદમાં કોમી રમખાણો થયાં હતાં. તેના સમાચાર વર્તમાનપત્રો દ્વારા ખેડબ્રહ્મા સુધી પહોંચ્યા હતા. આ સમાચાર કંઠોપકંઠ કેટલાક લોકો ગામમાં લાવ્યા હતા અને લોકવાયકા દ્વારા પૂરા ગામમાં પ્રસર્યા હતા. એ દિશાના અજ્ઞાનને લીધે ગામના લોકમાનસને સમજવામાં મેં ભૂલથાપ ખાધી હતી. તેમના વર્તનને મૂળ સંદર્ભમાં ન સમજી શકવાનું અન્ય કારણ બીજા સમાજે ચિત્તને આપેલો કાલ્પનિક વારસો પણ જવાબદાર હતો. આના લીધે મારા માનસમાં તેમના માટે ઉદ્ભવેલા ખ્યાલો ખોટા પુરવાર થયા હતા. આરંભના સંશોધનકાળમાં લોકમાનસને પારખવાની સમજ તો ક્યાંથી હોય પણ સામૂહિક શ્રદ્ધાળુ માનસને સંચાલિત કરતા ભોપાને વિશ્વાસમાં લીધો હોત તો આજે બનવાની સુખદ ઘટનાનો કરુણ રકાસ ન સર્જાયો હોત. અમારી ભૂલના કારણે આજના કાર્યક્રમની નિષ્ફળતાના કારણ સાથેના સમાચાર પ્રશાંત પ્રજાપતિને આપ્યા. તેઓ મારા વિધાનોની સચ્ચાઈ અને વેદના પામી ગયા. સાથે આવેલા કાર્યકરોને વીડિઓનાં સાધનો અને જનરેટરને સમેટવાની સૂચના આપી. મોડી રાતે અમે સેવાનિકેતન આશ્રમ, ખેડબ્રહ્મામાં આવીને સૂતા. સવારે ચા-નાસ્તાના સમયે આ ગામના નહીં તો બીજા ગામના આદિવાસી કલાકારો લાવીને કાર્યક્રમમાં અવશ્ય સહભાગી થઈશું એવી હૈયાધારણ આપી વિદાય કર્યા. લોકનૃત્ય મહોત્સવની વચ્ચે હજી પંદર દિવસ આડા પડ્યા હતા. જોટાસણ ગામની ઘટનાથી મને ભીલ સમાજમાં વ્યાપેલા ભોપાના પ્રભાવનો ખ્યાલ આવ્યો. ભોપાને સાધવામાં આવે તો જ આ લોકનૃત્ય અભિયાન સફળ થાય એ બાબત મારા મનમાં સ્પષ્ટ થઈ હતી. ખેડબ્રહ્માથી ૪૨ કિલોમીટર દૂર આવેલા દાંતા તાલુકાના મચકોડા આશ્રમમાં ત્યાંના આચાર્ય પ્રેમજીભાઈના સહયોગથી એક રાતે લોકનૃત્યો નિહાળવાનો કાર્યક્રમ ગોઠવ્યો. કાર્યક્રમની પૂરી જવાબદારી મચકોડા ગામના રખી (રક્ષક-રખેવાળ-ઋષિ)ના ભોપા ખેંગાર રોહિસાને સોંપવામાં આવી. કાર્યક્રમના આરંભે ખેંગારને રખીના સ્થાનકે બેસાડીને અમદાવાદ જવાની અનુમતિ માગી. લોકસમુદાયના હોંકારા-પડકારા શરૂ થયા અને ખેંગારના માથે રખી બાવસી(બાવજી)ની વેળ ઊપડી. ધૂણતો ભોપો આશીર્વચનો બોલવા લાગ્યો, “તમાર અમદાવાદ ઝાવાની સૂટી હેં. તમાર વાળ ઑંકો નેં થાવા દેઉં. બત્તાંનું ખેંમાકહોર થાહેં!” (“તમારે અમદાવાદ જવાની છૂટી છે. તમારો વાળ વાંકો નહીં થવા દઉં. બધાનું ક્ષેમકુશળ થશે.”) લોકસમૂહે હર્ષોલ્લાસ સાથે ભોપાનાં આશીર્વચનો વધાવી લીધાં. અને પરંપરિત નયનરમ્ય કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. નિયત દિવસે અમે પશ્ચિમ અમદાવાદમાં આવેલા શ્રેયસ ફાઉન્ડેશનમાં પહોંચ્યા. આદિવાસી કલાકારોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. શહેરમાં આ રીતે થયેલા સ્વાગતનો તેમના માટે પ્રથમ પ્રસંગ હતો. ભારતમાંથી જુદાં- જુદાં રાજ્યોના પ૦૦ કલાકારો આવ્યા હતા. જમવાની એક-૨સોડે વ્યવસ્થા કરી હતી. ભિન્ન સંસ્કૃતિ-સમાજ અને ભાષા ધરાવતા લોકો હોવા છતાં અખંડ ભારતની ભાવાત્મક એકતાનાં અનોખાં દર્શન થતાં હતાં. વિશાળ ભારતીય પરિવાર એક સ્થાને ભેગો થયો હતો. સેવાનિકેતન આશ્રમના ગૃહપતિ અને તેમનાં પત્ની (ભાઈએ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને બહેન નિરક્ષર હતાં) અમારા સમૂહભોજનથી અળગાં પડી જમવા બેસતાં હતાં. ભીલ સમાજ વિશે વિશેષ જાણવાની ઇચ્છાથી મેં તેમને પ્રશ્ન કર્યો, “તમારાં ભાઈ-ભાંડુથી અળગાં થઈને જમવા બેસવાનું તમારું કયું કારણ?” તેમના ઉત્તરથી મને આશ્ચર્ય અને આઘાત લાગ્યો. બોલ્યાં, “હાળાં એ તો આદિવાસીનાં આદિવાસી જ રહ્યાં! અમે તો તમારા જેવા સુધરી ગયા! અમારે તો તેમના ઘરનું પાણી પણ હરામ!” મેં બીજો પ્રશ્ન કર્યો, “તમે તો અમારાથી પણ આભડછેટ પાળો છો તેનું શું?” તેમની પત્નીએ લાગલો જ પ્રત્યુત્તર પાઠ્યો, “એમની સાથે રહીને તમે પણ આદિવાસી જેવા થઈ ગયા છો! તમેયે બગડી ગયા છો!” તેમનો પ્રત્યુત્તર હૃદયને તીક્ષ્ણ હથિયારની જેમ છેદી ગયો. તેમનું આ વર્તન અધૂરા-અર્ધકચરા ભણતરનું પરિણામ હતું. ભવિષ્યમાં તેમની સાથે સંપર્ક વધારી, તેમના માનસમાં બંધાયેલી પોતાની જાતિનાં ભાઈ-ભાંડુ પ્રત્યેની વિષમ ગ્રંથિથી મુક્ત કરી તેમને સહજ બનાવ્યાં તે બાબત મારે મન આ કાર્યક્રમની મોટી ફળશ્રુતિ. શ્રેયસના રંગમંચ પર એક રાત ઉત્તર ગુજરાતના આદિવાસી કલાકારો માટે ફાળવી હતી. આરંભમાં સોડમનાથ મદારીના હાથચાલાકીના ખેલ પછી દાંતા-ખેડબ્રહ્મા પહાડી વિસ્તારનાં લોકનૃત્યો, નાટ્યવેશોના પ્રદર્શનનો આરંભ થયો. આરંભ ડાકણના વેશથી થયો. ડાકણનો વેશ પુરુષે લીધો હતો. દેહ પર ફાટેલી ચણિયા-ચોળી અને બંને હાથમાં સળગતા કાકડા સાથે ડાકણ અને તેની સાથે બે લંગોટીધારી પુરુષોએ પ્રવેશ કર્યો. ડાકણે બંને હથેળીમાં કાકડા દબાવ્યા અને આંગળીઓ વચ્ચેથી જ્વાળાઓ પ્રગટવા લાગી. કાકડા ઉપર બંને પુરુષો કેરોસીન ફૂંકતા હતા, ભડકા થતા હતા અને મકાઈના ડોકાના બનાવેલા દાંત અને ડાકણનું કાજળકાળું મુખ વધુ ભયંકર ભાસતું હતું. ભરતમુનિએ નિર્દેશેલો આગને રંગમંચ પર ન લઈ જવાના નિયમનો ભીલોએ છડેચોક ભંગ કર્યો હતો. રાશથી બાંધેલી ડાકણ પ્રેક્ષકો તરફ ધસતી હતી. બાળકો-સ્ત્રીઓ ભયાતુર બનતાં હતાં અને બંને પુરુષો તેને રાશથી ખેંચીને કાબૂમાં રાખવાના પ્રયત્નો કરતા હતા. ડાકણના વેશ પછી ઠાકોરના ઘોડાએ પ્રવેશ કર્યો. વાંસના ઘોડા પર ઠાકોરના ભોપા ખુલ્લી તલવારે વિરાજ્યા હતા. તેમની સાથે પ્રવેશેલા લોકસમુદાયે હોંકારા-પડકારા શરૂ કર્યા. ભોપાના માથે ઠાકોર દેવ ઊતર્યા. ખુલ્લી તલવાર ખેલાવતા અને કિકિયારીઓ પાડતા ધૂણવા લાગ્યા. એક અદ્ભુત આદિમ વાતાવરણ સર્જાયું અને ઠાકોર આશીર્વચનો બોલવા લાગ્યા. ઠાકોરના ઘોડા પછી સફેદ વસ્ત્રોમાં સજ્જ અને એક ઊંચા વાંસ પર વિરાજેલા રખીએ પ્રવેશ કર્યો. કલાકારોનું રક્ષણ કરવાના કોલ દેતા રંગમંચ પર ફરવા લાગ્યા. ધાર્મિક વેશો પછી ઝરખું, કાથોડી, વહોરા જેવા સામાજિક વેશો અને ઋતુચક્ર પ્રમાણે આવતાં પર્વ-પ્રસંગોનાં વિવિધ નૃત્યોનો આરંભ થયો. શહે૨ના પ્રેક્ષકો જીવનમાં પહેલી વાર આદિવાસી નૃત્ય-વેશો નિહાળી આનંદ-આશ્ચર્યથી મંત્રમુગ્ધ બન્યા. કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી બીજા દિવસે ભીલ કલાકારોને પુરસ્કાર આપવાનો સમય આવ્યો. આગ્રહ કરવા છતાં એક પણ ભીલ કલાકાર પુરસ્કાર લેવા રાજી થયો નહીં. મને અથર્વવેદનું પૃથ્વી સૂક્ત યાદ આવ્યું : यस्मात् नृत्यन्ति गायन्ति यैतवा । અર્થાત્ ઐલના વંશજ પોતાની જ માતૃભૂમિમાં નૃત્ય અને ગીત દ્વારા પોતાનું મનોરંજન કરે છે. આ વિધાન ઉત્તર ગુજરાતના દાંતા-ખેડબ્રહ્મા તાલુકાના ભીલો માટે એટલું જ સાચું છે. તેઓ પોતાના માટે જ નાચે છે અને પોતાના માટે જ ગાય છે. તેમનું સાહિત્ય અને કલા નિજાનંદ માટે જ હોય છે. તે નથી તો વ્યવસાય માટે કે અર્થ (પૈસા) માટે. મેં ટુકડી નાયક ખેંગાર રોહિસાને પુરસ્કાર લેવા આગ્રહ કર્યો. તે બોલ્યો, “આપણને ખવડાવ્યું છે, પિવડાવ્યું છે અને મહેમાન બનાવીને રાખ્યા છે. આવું તો ઘેર અને પરબ(પર્વ)માં સદાય નાચીએ છીએ. તેના વળી પૈસા શાના? અમે ભિખારી નથી.” તેના મુખ પર આત્મગૌરવનું તેજ ફેલાયું. વળી એક ભણેલો યુવાન બોલ્યો, “કલાના પૈસા લેવાતા હશે? અમે કલાને ના વેચીએ!” હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, “તમારી વાત લાખ રૂપિયાની છે! તમે પુરસ્કાર ના લેશો તો લીનાબહેન સારાભાઈ (શ્રેયસ ફાઉન્ડેશનનાં સ્થાપક)ને માઠું લાગશે. આપણને ક્યારેયે આમંત્રણ (નૂતર) નહીં આપે. આપણે હોળીની ગોઠ નથી લેતા? આ પણ હોળી જેવું જ પરબ હતું. તમેય અહીં હોળીમાં નાચો છો એવું જ નાચ્યા છો. હોળીની ગોઠ (શીખ) લેવી પડે" અંતે બધા કમને પુરસ્કાર લેવા તૈયાર થયા. પુરસ્કારની વહેંચણી બે રીતે કરી હતી. જેમણે ઢોલ, શરણાઈ, કુંડી, ચાંગ (થાળી જેવું ચર્મ-તાલ વાઘ) જેવાં લોકવાદ્યો વગાડ્યાં હતાં તેમનો પુરસ્કાર બે ગણો હતો. વળી પાછો તેમનો વિરોધ શરૂ થયો. એક યુવાન બોલ્યો, “અમે ઢોલ વગાડ્યા છે તો બીજા નાચ્યા અને ગાયા છે. અમે તો સરખા ભાગે વહેંચીને જ લઈએ. અમે તો બધા સરખા.” આ પ્રસંગથી મને જીવનમાં પહેલી વાર લોકજીવનની સમાનતા અને સહભાગિતાનું જીવનદર્શન લાધ્યું હતું.

***