મારી લોકયાત્રા/૧૦. લોકજ્ઞાનની વિદ્યાપીઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૦.

લોકજ્ઞાનની વિધાપીઠ

લોકસાહિત્યના સંશોધનના આરંભના દિવસોમાં મને ખેડવા, બહેડિયા, પાંચમહુડા, પંથાલ, નવામોટા અને માલવાસનો પરિચય થયો હતો. આ ગામો મારે માટે વાચિક લોકજ્ઞાન મેળવવાનાં નાલંદા, તક્ષશિલા અને વલભી જેવી વિદ્યાપીઠો સમાન હતાં. ગુજરાતી લિખિત શિષ્ટ સાહિત્યક્ષેત્રે મહાકાવ્યોનો દુષ્કાળ પ્રવર્તે છે એવા સંજોગોમાં આ ગામોએ ‘ગુજરાંનો અરેલો’, ‘રાઠોરવારતા’, ‘ભીલોનું ભારથ’ અને ‘રૉમ સીતમાની વારતા' જેવાં સત્ત્વશીલ ૪ મૌખિક મહાકાવ્યો અને ‘ગોપીચંદ-ભરથરીની વારતા’, ‘લાલુ અરિદા’, ‘ચંદન રાજા’, ‘રૂપારાણી’, તોળીરાણી' જેવાં એકવીસ લોકાખ્યાનો આપ્યાં છે અને ગુજરાતે દેશ અને દુનિયાને ન્યાલ કર્યાં છે. આ મુખ-પરંપરાના મહાન ગાયક નાથાભાઈ ગમાર, (ગામ : નવામોટા), જીવાભાઈ ગમાર, (ગામ : બહેડિયા) નવજીભાઈ ખાંટ, (ગામ : પંથાલ) વજાભાઈ ગમાર (ગામ : ખેડવા) અને ગુજરાભાઈ ગમાર (ગામ માલવાસ)નું વિશ્વ-લોકસાહિત્ય-ક્ષેત્ર ઓશિંગણ રહેશે. આ મહાકાવ્યોનું સત્ત્વ ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂરે પરખ્યું છે અને અંગ્રેજી અનુવાદ કરતાં ધન્યતા અનુભવી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીએ ‘ભીલોનું ભારથ’નો ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરાવવાનો આરંભ કર્યો છે. મોઈજ ૨સીવાલાએ ૨૧ લોકાખ્યાનોમાંથી ફ્રેંચ ભાષામાં ઍન્થોલૉજી બનાવી છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, દિલ્હીએ ‘રૉમ-સીતાની વારતા’નો હિંદી-અંગ્રેજી અનુવાદ કરાવ્યો છે. એંસીની સાલનો સમયખંડ હતો. લગ્નગીતોનું સંશોધન ચાલતું હતું. મારા વિદ્યાર્થી ઉજમા ગમાર (ગામ ચિખલી) સાથે ‘ટૂંટિયું વહેળું’ ઓળંગી ખેડવા ગામમાં નાથાભાઈ સાજાભાઈ ગમારના ખોલરા નજીક પહોંચ્યો ત્યારે સ્ત્રી-પુરુષોનો ગાવાનો અવાજ વાતાવરણમાં વરતાવા માંડ્યો. ઉજમો બોલ્યો, “સાએબ, લાડીન પીઠીએ બેહારવાની તિયારી (તૈયારી) હેં!” ઉજમાના ઉદ્ગારોથી મન અધીરું બન્યું; ચરણોને જાણે કે પાંખો ફૂટી અને ઝડપથી નાથાભાઈના ખોલરે આવી પહોંચ્યા. ખોલામાં અને બહાર લોકો ઊભરાતાં હતાં. ઓસરીમાં યુવાન-યુવતીઓ નૃત્યની મુદ્રામાં ગાતાં હતાં. આંગણામાં કન્યાને પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી. મારાં નેત્રો આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં. ચણિયાનો કછોટો વાળીને પાટલા ૫૨ બેઠેલી કન્યાનાં ખુલ્લાં અંગો પર માતા હળદરથી પીઠી ચોળતી હતી. અને કન્યા બાળકને સ્તનપાન કરાવતી હતી. ઉજમાને પૂછ્યું, “કન્યાનું આ બીજું લગ્ન છે?” ઉજમો મુક્ત મને હસી પડ્યો, “ના સાયેબ!” “કન્યાને નાનું બાળક પણ છે ને!” ઉજમો મને સમજાવવા લાગ્યો, “ઓંણીનું (આનું) લગન તો ગેઈ સાલ થાવાનું ઓતું પૉણ વિદ (વર) દાપું (કન્યા-શુલ્ક) નેં આલી હકો પૉણ દાપા પેટે ખેતી કૉમ કરવા હાહરીમાં આવતો-ઝાતો રેંવા લાગો. એતણ એંણાનું સ સૈયું (બાળક) હેં.' “કન્યા કે વ૨૫ક્ષવાળા આનો વાંધો નથી લેતા?” “ઈમાં હીનો વૉતો? અમાર તો કુવારેહી ગોઠિયા-ગોઠણ પ્રેમી-પ્રેમિકા) કરવાનો રિવાઝ હેં. ગોઠિયાહી (પ્રેમીથી) થયેલું સૈયું વૉય (હોય) તોયે નવો વર કન્યા અનં સૈયાન રાખેં પૉણ કન્યાના બાપનં દાપાના પૈસા ઓસા (થોડા) મળે એતરું સ(એટલું જ !)” આરંભમાં મારા સમાજે ગળથૂથીમાં પાયેલાં જડ મૂલ્યો અને ખ્યાલો માનસમાં લઈને આ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આથી આ મહામના સમાજનાં માનવીય મૂલ્યો સમજવા શક્તિમાન નહોતો. મોડી રાત સુધી પીઠી અને ગોઠિયાનાં નૃત્ય-ગીતો ગવાતાં રહ્યાં. કન્યા પણ નૃત્યગીતોમાં સહભાગી થતી હતી. ઘૂંટાયેલાં ગળામાંથી આવિર્ભાવ પામતાં ગીતોને ટેપરેકર્ડર ૫૨ ધ્વનિમુદ્રિત કરી લીધાં. આ રાતે મને આ ગામના સાધુ નાથાભાઈ ભૂરાભાઈ ગમારની ભાળ મળી. આ ભાળ ગુજરાતના લોકસાહિત્યની મહાન ઘટના હતી. આ ગાયકે આગળ જતાં ગુજરાતને ‘રાઠોરવાતા’ અને ‘ભા૨થ' જેવાં વાચિક લોકસંપદાથી છલકાતાં વિરલ મહાકાવ્યો આપ્યાં. ખેડવા ગામમાં નાથાભાઈ સાધુની ગેરહાજરીમાં એમના વિશે કહેવાયેલી વાતોથી મળવા મન અધીરું બન્યું હતું. પણ આ પછી પહાડી વિસ્તારમાં ભારે ચોમાસું બેઠું હતું; નદી-નાળાં જળથી ઊભરાઈ ગયાં હતાં; રસ્તા ધોવાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વળી મન વારંવાર બંડ પોકારતું હતું કે વિદ્યાર્થી કે કોઈ અન્યની જેષ્ટિકાના (લાકડીના) ટેકે ચાલીને ક્યાં સુધી સંશોધન કરવું? મનોમન સંકલ્પ કર્યો કે લોકસાહિત્ય-સંશોધન- યાત્રા આરંભી છે તો એકલાએ જ માર્ગ કાપવો. રાતે પણ અજાણ્યા લોકો વચ્ચે એકલા જ રોકાવું. શિશિરમાં ૧૭ કિલોમીટર પગપાળા યાત્રા કરીને સાંજે નાથાભાઈ સાધુના ઘેર પહોંચ્યો. ઓસરીમાં ચાલણચૂલી ૫૨ કલેડું મૂકેલું હતું. બે કન્યાઓ શરી૨ શેકતી આગ સંકોરતી હતી અને નાથાભાઈનાં પત્ની સાંકળીબહેન મકાઈના રોટલા પર આંકળીઓની નક્શી પાડતાં રોટલા ટીપી રહ્યાં હતાં. મેં નાથાભાઈ વિશે પૃચ્છા કરી આવવાનું પ્રયોજન કહ્યું. રોટલા ટીપવાનું છોડી તેણી ઊભી થઈ ઓસરી પાસે આંગણામાં ખાટલો ઢાળી, આવકાર આપી મને બેસાડ્યો. પછી બોલી, “એંણો નં મેનો પ૨મા૨ રાઝેથાંન ગા હેં. બાઝુના બેંરિયા ગૉમ્મા એક બાઈન હાપે ખાતી હેં. પીરિયાંન હમેસાર આલવા ગા હેં.” (“એ અને મેનો ૫૨મા૨ રાજસ્થાન ગયા છે. બાજુના બહેડિયા ગામમાં એક બાઈને સાપ કરડ્યો છે. પિય૨વાળાઓને સમાચાર આપવા ગયા છે.”) હું મૂંઝાયો, “ઘરમાં તો બધી જ સ્ત્રીઓ છે. હવે રાતના સમયે આ અજાણ્યા પ્રદેશમાં જવું તો ક્યાં જવું?” મને અન્ય સમાજના લોકોએ કહેલી કાલ્પનિક કથાઓ યાદ આવી, “આદિવાસીઓ અન્ય સમાજની એકલ-દોકલ વ્યક્તિ ૫૨ છિનાળવા(વ્યભિચાર)નો આરોપ મૂકીને પૈસા પડાવે છે.” મારા મુખ પર વ્યાપેલી ચિંતા નાથાભાઈની પત્નીએ વાંચી લીધી, “ડરી માં ઝાઝે, રાતે તો કેંર આવણાનો હેં. નેં આવે તો અમે તો હૈય.” (“ડરી જઈશ નહીં. રાતે ઘેર આવવાનો છે. ના આવે તો અમે છીએ.”) થોડીક ક્ષણોના વિરામ પછી બોલી, “સાએબ, થારે ઝમણાનું?” “ખેડબ્રહ્મા જમીને આવ્યો છું.” “પૂખો માં રેંઝે, સૈયાંનો બા કેંર તો ઑ મેલીન ગો હેં. કને લેઈન નહીં ગો! – ડાળ-રોટો બણાવું?” (“ભૂખ્યો ૨ઈશ નહીં. છોકરાંનો બાપ ઘર તો અહીં મૂકીને ગયો છે. સાથે લઈને નથી ગયો! દાળ-રોટલો બનાવું?”) મેં ના પાડી. મન વિચારે ચડ્યું : કહેવાતા સભ્ય સમાજના આંગણે રાતના સમયે કોઈ અજાણ્યો આદિવાસી આવ્યો હોત તો આવો માનવીય વ્યવહાર કરત? કદાચ ચોર માનીને હોબાળો મચાવ્યો હોત! આકાશમાં મોગરાનાં ફૂલની જેમ તારા પ્રગટતા હતા. પાસેના તળાવ પરથી વહેતો શીતળ પવન ગાત્રોને ધ્રુજાવતો હતો અને હું અજાણ્યા પ્રદેશમાં અજાણી ત્રણ સ્ત્રીઓ વચ્ચે એકલો-અટૂલો બેઠો હતો. તેમની ભાષા-બોલી શીખવાના મારા આરંભના દિવસો હતા. બોલવામાં ભૂલ પડશે તો તેમને કંઈ વાંકું પડશે એવા ભયને લીધે વાણી હોઠો પર આવતી નહોતી. ચિંતાના લીધે વ્યાપેલા દીર્ઘ મૌનને તોડવા સાંકળીબહેન બોલી, “ભજનાંનો તો એવાયો (રસિયો) હેં. રાઠોરાં, રૉમ-સીતમા, હાલદે હોળંગી, પૉસ પૉડવાં – હારા (બધાં) ભજન એંણાના કઠમા (કંઠમાં), બીઝના મતર (મંત્ર) પૉણ આવરેં.” મેં પૂછ્યું, “તેને બખનું (સારું) ભઝન કેયું આવરે?” “રાઠોરાંનું, બે મઈના તરી (સુધી) ગાય." રોટલા થઈ ગયા હતા. મેં તેમને જમી લેવાનું કહ્યું. બોલી, “સૈયાંના બાનાં એરાં એરું. એણો પાંણ પૂખો અહેં.” (છોકરાંના બાપની રાહ જોઉં છું. તે પણ ભૂખ્યો હશે.) બે દીકરીઓને જોઈને તેના દીકરા વિશે જાણવા પ્રશ્ન કર્યો, “સૈયો કેં ગો હેં?” બોલી, “મા૨ એક સૈયો હેં, આસરણ(આશ્રમ)મા પણે (ભણે).” મેં કહ્યું, “એક સૈયો તો ઘણો.” બોલી, “એક સૈયો તો સૈયાસમા નેં ગણાય. એક ઑંખ ઑંખ નહીં નં એક પૉંખ પૉંખ નહીં. એક પૉંખહી પખેરું ઊડી નેં હકેં. અમાર તો ઑં ઝુધ થાય. ભારથ ખેલાય. સરેતરાં થાય. સરેતરામા એક સૈયો તો મરાઈ ઝાય. પેસ સૈયા વેણાં ૨ઈ ઝાઈએ. અમાર તો મૂળો સૈયા સાઈઝે. પિરિયાં નેં મૉને તો કાલ બેરિયામા સરેતરું થાવાનું સ હેં.” (એક છોકરો તો છોકરામાં જ ના ગણાય. એક આંખ, આંખ નહીં અને એક પાંખ, પાંખ નહીં. પંખી એક પાંખથી ઊડી શકે નહીં. અમારે તો અહીં યુદ્ધ થાય. ભારત ખેલાય. ચડાઈ થાય. ચડાઈમાં એક છોકરો તો મરાઈ જાય. પછી છોક૨ા વિનાનાં રહી જઈએ. અમારે તો ઘણા છોકરા જોઈએ. પિય૨વાળા નહીં માને તો કાલે બહેડિયા ગામમાં ચરેતરું (ચડાઈ) થવાનું જ છે.) પદસંચારની દિશામાં દૃષ્ટિ દોડાવી. આછા અંધારામાંથી ધીમે-ધીમે બે સશસ્ત્ર માનવઆકૃતિઓ ઊપસી રહી હતી. એકના હાથમાં તલવાર અને બીજાના હાથમાં તીર-કામઠું હતું. તીર-કામાવાળાએ માથે ફેંટો અને શરીરે કાળો કોટ પહેર્યો હતો. ભરાવદાર મુખ પર લાંબી મૂછો ફરફરતી હતી. સફેદ કપડાંમાં સજ્જ બીજાએ માથે રૂમાલ બાંધ્યો હતો. મોઢે આછી મૂછો હતી. તીર-કામઠાવાળા મેનાભાઈ પરમાર અને તલવારધારી નાયાભાઈ ગમાર હતા. હું અપરિચિત હતો છતાં એમણે મને આવકારતાં ‘રામ-રામ' કર્યા. ઓસરીમાંથી સાંકળીબહેન બોલી, “ખેડ મોટી નેંહાળહી સાએબ આવો હેં. એંણાન ભઝનાં હૉપળવાં હેં.” રાજસ્થાનથી ૧૫ કિલોમીટર ચાલીને આવ્યા હતા છતાં ભજનનું નામ પડતાં બંનેનાં મુખ પર આનંદની આભા પ્રગટી. નાથાભાઈએ પત્નીને ઠપકો આપ્યો, “પૉમણાન (મહેમાનને) ઑગણામા કિમ બેહારો (બેસાડ્યો) હેં?” મેં કહ્યું, “ઘરમા તો બત્તી (બધી) બાયો-બૂનો સ અતી. એતણ (એટલે) ઉં ઝાતે સ ઑગણામા બેઠો હું.” નાથાભાઈના મુખ ૫૨ આછો રોષ પ્રગટ્યો, “અમેય મૉનવી હૈય. અન્ન ખાઈએ; ખૉર તો ખાતા નહીં. બાયલી - સોરીઓ પર એવો વેંમ તરીએ નહીં. તમેય મૉનવી હાં. આવી સિન્તા માં કરઝો.” (“અમે પણ માનવી છીએ, અનાજ ખાઈએ; ઘાસ તો ખાતા નથી. પત્ની-દીકરીઓ પર એવો વહેમ ધરીએ નહીં. તમે પણ માનવી છો. આવી ચિંતા કરશો નહીં.”) આવાં ભોળાં માનવીઓ પર સંશય કરતાં હું એમનો ગુનેગાર હોઉં એવી વેદના થઈ આવી. નાથાભાઈએ મારો ખાટલો ઘરમાં લીધો. બે ખંડનું ઘર હતું. એક ખૂણામાં થોડાંક ઍલ્યુમિનિયમ, પિત્તળ અને માટીનાં વાસણો હતાં. વળગણીએ જૂનાં લૂગડાં ઝૂલતાં હતાં. બીજા ખૂણામાં ઊંધા પાડેલા ટોપલા નીચે કૂકડાં બોલવાનો અવાજ આવતો હતો. તેની પાસે બકરાં બાંધેલાં હતાં. ત્રીજા ખૂણામાં એક કુંભમાં પૂર્વજ માતાનાં ફૂલ પધરાવી હિતમાતાની સ્થાપના કરી હતી. મને માનવ, પશુ, પક્ષી અને મરેલા પૂર્વજના સહજીવનનો ખ્યાલ આવ્યો. બધાં એક જ ઘરમાં સાથે વસતાં હતાં અને સાથે જીવતાં હતાં. માનવ અને પશુ-પક્ષી જેવાં પ્રકૃતિતત્ત્વોનું અદ્ભુત તાદાત્મ્ય સધાયું હતું. મંગલદાયી પૂર્વજ હિતમાતા જેવું આધિદૈવિક તત્ત્વ સૌનું રક્ષણ કરતું હતું. પરિવારના સહભોજન સમયે નાથાભાઈએ મને પુનઃ જમવાનું પૂછ્યું. ભૂખ્યો હોવા છતાં ખેડબ્રહ્મા જમીને આવ્યાનું જૂઠું બહાનું બતાવ્યું. નાથાભાઈ બોલ્યા, “પેટ તો તમારી કને પૉણ હેં. પૂખા (ભૂખ્યા) રેંહો તો તમે ઝૉણાં (જાણો)!’ મારા માટે ચા બનાવવા સાંકળીબહેન બકરી દોહવા બેઠાં. વહોરાની દુકાનેથી ચા-ખાંડ લાવવા મોટી દીકરીને નાથાભાઈ પૈસા આપવા લાગ્યા. મેં ચા-ખાંડના પૈસા આપવાનો આગ્રહ કર્યો. મુખ પર રોષની આછી ટશરો ફૂટી, “અમેય કેં૨ લઈન બેઠા હૈય. પૉમણાના પૈસા લઈને મેં મૂકહું? પરું ઑં ઝંગળ તો નહીં. ઑં પૉણ મૉનવી રેં હેં. અમાંન કેવા ધારા? અમાંન મૉનવીમાહી નખ્ખા કાટી માં મેલાં?” (“અમે પણ ઘ૨ લઈને બેઠા છીએ. મહેમાનના પૈસા લઈને ક્યાં મૂકશું? અહીં પૂરું જંગલ તો નથી. અહીં પણ માનવી રહે છે. અમને કેવા ધાર્યા? અમને માણસમાંથી પૂરેપૂરા કાઢી ના મૂકો!”) એમના અંતરમાંથી સહજ રીતે જન્મતા ઉદ્ગારોનો પ્રતિકાર કરવા મારી વાણી હરાઈ ગઈ. હું અવાક્ બની ગયો. મન અનુમાન કરવા લાગ્યું, તેમના ઘરમાંની નાની કોઠીમાં માંડ અવાડિયાનું અનાજ હશે. પાસે પચ્ચીસેક રૂપિયાની આર્થિક સંપત્તિ હશે. પણ નરદમ ભાવોથી ભરેલા એમના વિશાળ હૃદયના ઊંડાણનો તાગ મેળવવો દોહ્યલો હતો. સંગ્રહની કોઈ વૃત્તિ નહીં. કાલની કોઈ ચિંતા નહીં. વર્તમાનમાં ખુશ રહીને જીવવાનું જીવનદર્શન રોજિંદા જીવનમાં સહજ વણાઈ ગયું હતું. નાથાભાઈ મને પૂર્વકાલીન ઋષિ જેવા ભાસ્યા. આજના ભૌતિકવાદ-ભોગવાદથી પીડાતા જગતને આ જીવનદર્શન જ મુક્ત કરી શકશે એવું મને લાગ્યું. ચા પીને તેઓ કુટુંબીજનોને ભજનનું ‘વાયક' (આમંત્રણ) આપવા ગયા. કાકાનો દીકરો લખો ગમાર, સાળો ભીખો તરાળ, પત્ની સાંકળીબહેન તેમના મહત્ત્વના હોંકારિયા અને રાગિયા-બાણિયા હતા. સાધુના હૃદયમાં વાણીનાં બાણ મારી વારતા બહાર લાવે તે બાણિયો, અને હોંકારો ભણી સાધુને વારતા કહેવા ઉશ્કેરે તે હોંકારિયો. હું વિચારવા લાગ્યો, સાધુ પોતે જ દર્શક-શ્રોતાને આમંત્રણ આપવા જાય. સાધુ હોવાનો ગર્વ નહીં. સાધુ જેવાં ભગવાં કપડાં નહીં. ભાલે કોઈ સંપ્રદાયની ઓળખ સમું તિલક નહીં. ગળામાં માળાનું વળગણ નહીં. જેવા ભીતર એવા બહાર; સહજ-સરળ. મને આદિવાસી સાધુનું આંતર-બાહ્ય સહજ સ્વરૂપ સ્પર્શી ગયું. ચિત્તમાં મારા કહેવાતા સભ્ય સમાજના સાધુ-કથાકારની તુલના થવા લાગી. તેઓ એક વિશાળ વૈભવશાળી મંડપમાં રજત સિંહાસન ૫૨ સંપત્તિની છોળો વચ્ચે વિરાજેલા હોય. ગળામાં સ્વર્ણ-જડિત રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી હોય. દસે આંગળીએ પહેરેલી હીરા-જડિત મુદ્રિકાઓ મંડપમાં ઇંદ્રધનુષ્ય રચતી હોય. વિરાટ ભક્ત-સમુદાય ‘ખમ્મા! ખમ્મા!' કરતો ૨જ પ્રાપ્ત કરવા ચરણોમાં ઢળી પડતો હોય. પોતા વિશે ગર્વોક્તિઓ ઉચ્ચારતા સાધુ-મહાત્મા પોથી વાંચી વાલ્મીકિ-વ્યાસ કે તુલસીદાસનું એઠું-વાસી પીરસતા હોય. વાસી એઠવાડ ખાઈને તાનમાં આવી ગયેલો ભક્તસમુદાય તેમની ‘જય’ પોકારતો હોય. અહીં સાધુ સ્વયં આમંત્રિત શ્રોતા-દર્શકોનું સ્વાગત કરી હેતથી આસન આપે, રોજિંદા જીવનમાં ખેતી કરે; પશુ ચારે અને ફુરસદના સમયે મજૂરી કરે, મૃત્યુના પ્રસંગે સંતપ્ત સમાજને હંસદેવ અને આત્મજ્ઞાનનાં ભજન ગાઈને આશ્વાસન આપી શોક હળવો કરે. લગ્નપ્રસંગે નૃત્ય-ગીતો ગાઈને આનંદ વહેંચે. એના ચિત્તમાં મુખ-પરંપરાનાં અનેક ઝરણાં વહેતાં હોય. ગોઠિયાનાં ગીતો, લગ્નગીતો, મેળાનાં ગીતો, ગોરનાં ગીતો, હોળીગીતો જેવાં અનેક નાનાં- નાનાં ઝરણાંની સાથે ગોપીચંદ-ભરથરી, તોળીરાણી, રૂપારાણી, હાલદે હોળંગી, ચંદનરાજા જેવા મહાનદ ‘ખળૂકા’ મારતા હોય. આ ઉપરાંત રાઠોરવારતા, રૉમ-સીતમાની વારતા, ભારથ, ગુજરાંનો અરેલો જેવા મહાસાગર માનસમાં ખળભળતા હોય. આ બધી મૌખિક સંપદા ગળામાં ઘૂંટાઈને તંબૂરના મધુર સંગીત-સ્વરે સમાજમાં પર્વ-પ્રસંગ પ્રમાણે મુક્ત મને વહેંચાતી હોય. આમ છતાં સમૃદ્ધ પરંપરાને ચિત્તમાં સાચવવાનો કોઈ અહં નહીં પણ છૂટા કંઠે વહેંચવાનો એક દિવ્ય તોષ મુખ પર છલકતો હોય. રાતના નવ વાગતામાં તો નિર્જીવ લાગતા ખોલરામાં જીવ આવ્યો. આબાલ- વૃદ્ધ સ્ત્રી-પુરુષોથી ખોલરું ઊભરાવા લાગ્યું. ગાયક સાધુએ ઓસરીની ભીંતની મધ્યમાં ભગવાનના નામનો દીવો કરી, શ્રીફળ વધેરી ભજનમંડળી પૂરી. વિશેષ ધાર્મિક વાતાવરણ વચ્ચે તંબૂરને જગાડવાનો મંત્ર બોલી, સ્થાનક પરથી ઉઠાવી, અંકમાં મૂકી, સાધુ સ્વરનું સંધાન કરવા લાગ્યો. હોંકારિયો અને બાણિયા-રાગિયા ગાવામાં સહભાગી થવા સાધુની આજુબાજુ ગોઠવાઈ ગયા. સાધુએ ગણપતિ અને શારદાના ભજનથી ગાવાનો આરંભ કર્યો. ટેપરેકર્ડર પર તેમનાં નામ સાથેનાં બે ભજન ધ્વનિમુદ્રિત કરી મંડળીને સંભળાવ્યાં. તેમનો અવાજ પુનઃ સાંભળીને લોકસમુદાય આશ્ચર્યચકિત થઈ ગયો. સાધુ તો આનંદથી અડધો થઈ ગયો. પહાડી વિસ્તારના લોકસમુદાયે અત્યાર સુધી ગ્રામ-પંચાયતનો રેડિયો જ જોયેલો-સાંભળેલો. આથી ટેપરેકર્ડરને પણ રેડિયો જ સમજતા હતા. તેમને લાગ્યું કે રેડિયોમાં પુરાયેલો આપણો અવાજ પૂરા દેશમાં જશે. આથી તેમનો ગાવાનો આનંદ બેવડાયો. ગાયક, રાગિયા અને દર્શક-શ્રોતાનો ભેદ ભુલાયો અને લોકસમૂહને ભજન ગાવા-નાચવાનું ‘તેજ”, (શૂર) ચડ્યું. સાધુએ અત્યંત દીર્ઘ મહાકાવ્ય ‘રાઠોરવારતા' ગાવાનો આરંભ કર્યો. કેશરી રાઠોડ, હીરાપથ અપ્સરા, ધાંધલ રાજા, ઝેદરો ખેંસી, પાબુ રાઠોડ, ચાંદો રાઠોડ જેવાં ધાર્મિક ચરિત્રો માનસમાં દેહ ધરવા લાગ્યાં અને તેમનાં દર્શન થવા લાગ્યાં. મૌખિક મહાકાવ્યની એક પછી એક પાંખડી (પ્રસંગ) ઊઘડવા લાગી અને તેમના ભીતરનો વાચિક વૈભવ કેસેટમાં પુરાવા લાગ્યો. આખી રાત નિર્ધન લાગતું ખોલરું આંતરિક વૈભવથી છલકાતું રહ્યું. સવારે ચા પી રહ્યા હતા અને એક આદમી હાંફળોફાંફળો થતો સાધુ પાસે આવ્યો. શરી૨ કંતાઈ ગયું હતું અને મોઢામાં શ્વાસ સમાતો નહોતો. આવનાર વ્યક્તિ બહેડિયા ગામનો નૂરો ગમાર હતો. નૂરો, નેતા (પુરુષ વ્યક્તિનું નામ) ગમારનો મોટો ભાઈ હતો અને ગઈ કાલે નેતા ગમારના દીકરાની વહુ સાપ કરડવાથી મરણ પામી હતી. શ્વાસ હેઠો બેઠા પછી નૂરાએ સમાચાર આપ્યા, “તમે પિયરમા હમેસાર આલીન પાસા આવા નં ઑં હૂરુઝ સૉનું રાઝેથાનનું સરેતરૂં આવી પૂગુ. અમાર તો બત્તું ૨ડણ-પડણ થેઈ ગઉં!” (“તમે પિયરમાં સમાચાર આપી પાછા આવ્યા અને અહીં સૂરજ છાનું ચરેતરું (ચડાઈ) આવી પહોંચ્યું. અમારે તો બધું ખેદાન-મેદાન થઈ ગયું!”) નાથાભાઈ અને મેનાભાઈ ૫૨ જાણે શિશિરનું હિમ પડ્યું. ચિંતિત મેના પરમાર બોલ્યા, “આપુની નાતમા (ન્યાતમાં) કોઈ સુતારો (સુધારો) નેં થાય!” નૂરો સમાચાર આપવા લાગ્યો, “બેરિયામા અરઝણના ઑંબા એઠ પસ નં રાઝેથાંનના પૉમણા ન્યા કરવા બેઠા હેં. અમાંન તો ખેરવામા હૉતી કાલા હેં. તમાર પસમા ઝાવું પરહેં.” (“બહેડિયામાં અર્જુનના આંબા નીચે પંચો અને રાજસ્થાનના મહેમાન ન્યાય કરવા બેઠા છે. અમને ખેડવા(ગામ)માં સંતાડ્યા છે. તમારે પંચમાં જવું પડશે.”) નૂરો ખેડવામાં રોકાઈ ગયો. મારે રવિવારની રજા હતી. જાણવાની આતુરતા પારખીને નાથાભાઈ અને મેના પરમારે મને સાથે લીધો. સાચવીને જવાની સલાહ આપતી સાંકળીબહેન બોલી, “એંણાના કેંર માથે ગરો બેઠા હેં. ગેઈ સાલ નૂરાની સોરીન વિદ પણ્ણવા આવો. કળબાવાળો કોઈ સૈયો વિદન સેંપી ગો. વિદ તો સવરીમાહી ઊપો થેઈ ગો નં ઝાતો-ઝાતો બોલો, કિમ સેંપો? વિદ તો રાઝા કેંવાય! બાપરી સોરી તો પીઠી સોળીન બેહી રેઈન ઝૉન તો સવરીમાહી પાસી ગેઈ!” (‘તેના ઘર માથે ગ્રહો બેઠા છે. ગઈ સાલ નૂરાની દીકરીને વ૨ પરણવા આવ્યો. કુટુંબનો કોઈ છોકરો (અજાણતાં) વરને અડકી ગયો. વર તો ચૉરીમાંથી ઊભો થઈ ગયો અને જતાં-જતાં બોલ્યો, કેમ અડક્યો? વર તો રાજા કહેવાય! બિચારી છોકરી તો પીઠી ચોળીને બેસી રહી અને જાન તો ચૉરીમાંથી પાછી ગઈ!”) એક દિવસના વ૨રાજાનો આવો ભારે ઠસ્સો મારા સમાજમાં ક્યારેય જોયો નહોતો. બહેડિયા ગામ ખેડવાથી ૨ કિલોમીટર દૂર હતું. રસ્તામાં મેં ગંભીર મૌન તોડતાં પૂછ્યું, “સ્ત્રીને સાપ કરડ્યો અને મરી ગઈ એમાં પિય૨૫ક્ષવાળાની ચડાઈ શાની? સાપ થોડો સમજે છે? સાપના બહાને એનું મોત!’ “પગવૉનપાઈ, તમે અમારી નાતન નેં હમઝી હકાં. અમાર તો બાયલી બીમારી પરેં નં મરી ઝાય એંણા પેંલાં પિયરના એક આદમીન કને રાખવો પરેં. પિયરવાળો આઝ૨ નેં વાઁય નં નેવું વરહની ડોહી ઉંમરના લીતે મરે તો પાણ મારી નાખવાનો ઓળપો માથે મેલે નં સરેતરું કરી ૨ડણ-પડણ કરેં. સરેતરામા નૉનકો પૉણેઝ આથ આવેં તો પૉણ ઝટકાવી નૉખેં. પૉણ બાયલીન નેં મારી હકેં. નકર પિયરનું વેંર થાય નં પાસી દસા બેહે.” (“ભગવાનભાઈ, તમે અમારી ન્યાતને ના સમજી શકો. અમારે તો પત્ની બીમાર પડે ને મરી જાય તેના પહેલાં પિયરની એક વ્યક્તિને પાસે રાખવી પડે. પિયરવાળું હાજર ના હોય ને નેવું વર્ષની ડોસી ઉંમરના લીધે મરે તોપણ મારી નાખવાનો આરોપ માથે મૂકીને ચડાઈ કરી રમણભમણ કરે. ચડાઈમાં નાનો ભાણેજ હાથ લાગે તોપણ ઝટકાવી નાખે; પણ સ્ત્રીને મારી ના શકે. નહીંતર પિયરનું વે૨ બંધાય. સ્ત્રીને મારીએ તો દશા બેસે.”) મેના પરમારે ઉત્તરમાં એમના સમાજના નીતિ-નિયમો સમજાવ્યા. મેં આ રિવાજ માટે એમનો અભિપ્રાય માગ્યો, “તમને આ રિવાઝ કેવો લાગે છે?” નાથાભાઈ બોલ્યા, “ઑમ તો આ રિવાઝ હારો (સારો) હેં. નકર અમાર તો કઝિયો લાગો નહીં નં એક બાયલી (સ્ત્રી) મરી નહીં. પૉણ કેં૨ (ઘર) પાગી-તોરી (ભાગી-તોડી) નૉખેં એ કસુ(ખરાબ) હેં.” મને લાગ્યું કે આ સમાજમાં સ્ત્રી કેટલી બધી સુરક્ષિત છે! અમે ઉતાવળા ચાલતા બહેડિયા પહોંચ્યા. નેતા ગમારના કુટુંબનાં ખોલરા- (ઘર)નાં નળિયાં તોડી નાખ્યાં હતાં. કલમી આંબાનાં ઝાડ કાપી નાખ્યાં હતાં. ખીલે બાંધેલાં ઢોરના કાપેલા કાનમાંથી લોહી ટપકતું હતું. કોઠીઓ ભાંગી નાખી હતી. અનાજ અને ઘરવખરી વેરણ-છેરણ પડી હતી. કુટુંબનો એક પણ પુરુષ હાજર નહોતો. સ્ત્રીઓની આંખોમાં સુકાયેલાં આંસુનાં નિશાન વરતાતાં હતાં. મને આ સમાજને કઈ બાજુથી વાંચીને સમજવો તેનો ખ્યાલ આવતો નહોતો. ભીલો કોઈ વા૨ રામ જેવા સૌમ્ય તો કોઈ વાર પરશુરામ જેવા ઉગ્ર લાગતા હતા. શિવનું રૌદ્ર-રમ્યરૂપ એકસાથે ભીલસમાજમાં વ્યાપેલું હતું. પરમાર ગોત્રના હોવાથી મેનાભાઈ પહેલાં આંબા નીચે બેઠેલા ટોળા પાસે ગયા. થોડીક ચર્ચા પછી અમને આવવાનો ઇશારો કર્યો. આંબા નીચે રાજસ્થાનના ચરેતરાના માણસો અને ખેડવા-બહેડિયા ગામના પંચો ન્યાય તોળવા બેઠા હતા. વચ્ચે મરેલો સાપ પડ્યો હતો. બહેડિયા ગામનો પંચ બોલ્યો, “ઝુઓ, રાઝેથાંનના પૉમણા (મહેમાન), તમા૨ દીકરી ઘરમા ઘંટીએ ધાંન ડરતી અતી નં ઑણા હાપે (સાપે) ખાતી હેં. અમારો કોઈ દોહ (દોષ) નહીં.” (“જુઓ, રાજસ્થાનના મહેમાન, તમારી દીકરી ઘરમાં ઘંટીએ ધાન્ય દળતી હતી અને આ સાપે ખાધી છે. અમારો કોઈ દોષ નથી.”) રાજસ્થાનની એક વ્યક્તિ બોલી, “હાપ તો નહીં પૉણ નઈમાનો (નદીમાંનો) એડુ (જળસાપ) હેં. અમાંન વતાવણા (દેખાડવા) ઑં (અહીં) લાવા હાં.” બીજો પંચ બોલ્યો, “તમાર ઑંખો મથીન (મસળીને) પેસ (પછી) ઝોઓ. પૉણીનો એડુ તો મૉનવીન નેં ખાય. આ તો કાળોતરો નાગ હેં. નાગે ખાતીન (ખાધીને) તમા૨ (તમારી) દીકરી ઝેંરહી (ઝેરથી) કાળીમસ થાઈન મરી ગેઈ. કાળોતરો ખાય એતણ (એટલે) મૉનવી પૉણી પીવાએ નેં ઊપું રેં (ઊભું રહે!)!” રાજસ્થાનનો એક પ્રૌઢ બોલ્યો, “ઘ૨માં તો મૂળો (ઘણાં) મૉનવી અતાંન (હતાં) એંણીન સ કિમ ખાતો (ખાધો?)?” બીજો બોલ્યો, “એ’લા મોટા આદમી, નાગ હેં એ વાત તો હાસી, પૉણ નાગ તો તમાર ગુઝરાતનો અતો, અમાર રાઝેથાંનનો કેં (ક્યાં) અતો?” ત્રીજો બોલ્યો, “અમે તો લોથ(લાશ) બાળવાના વીસ અઝાર રૂપિયા લેવાના સ. નકર (નહીંતર) આ કરીએ (ઘડીએ) એક મૉનવી મારવાના.” અંતે પંદર હજારે લાશ બાળવાનો મામલો સમેટાયો. પણ માનવી સાટે માનવી મારવાનું વેર તો ઊભું રહ્યું. આ પ્રસંગે મને નેતા ગમાર, ગુજરા ગમાર, નૂરા ગમાર, મણા ગમાર, અરઝણ ગમાર વગેરેનો પરિચય થયો જે સમય જતાં મિત્રતામાં પરિણમ્યો. આ ઉપરાંત આ ગામના અરેલાના મહાન ગાયક જીવાભાઈ ઝાલાભાઈ ગમારની ભાળ મળી.

***