મિતાક્ષર/ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર


‘ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર' આજના આપણા આ વિષય ઉપર આવતાં પૂર્વે, આપણે થોડીક ભૂમિકા જોઈ લેવી આવશ્યક થશે. આની ભૂમિકા બે પ્રકારની છેઃ ૧. રાષ્ટ્રીય, ૨. આંતરરાષ્ટ્રીય. સર્વસાધારણ રીતે, સાહિત્યિક વલણને સમજવા રાષ્ટ્રીય પૃષ્ઠભૂમિ સમજવી આવશ્યક છેઃ તે જ રીતે માર્ક્સવાદનો વિચાર વ્યાપક તત્ત્વચિંતનનો હોઈ, અને તેનો સંબંધ આંતરરાષ્ટ્રીય આર્થિક-રાજકીય વિકાસની સાથે અવિચ્છિન્ન બની ગયો હોઈ, આપણે આંતરરાષ્ટ્રીય પરિબળોની પૃષ્ઠભૂમિનો વિચાર કરવો પણ આવશ્યક છે. આપણી રાષ્ટ્રીય ભૂમિકાના મુદ્દા: (૧) ભારત ઉપરના લાંબા વિદેશી વર્ચસ્વનાં પરિણામો : ગાંધીજી જેને ચતુર્વિધ શોષણ કહેતા હતા તે. (૨) ગાંધીજી પૂર્વેના મવાળો— વિનીતો અને આતંકવાદી દેશભક્તોના, પ્રજાને રાષ્ટ્રીય મુક્તિને મોરચે સંગઠિત કરી વિદેશીને ઝુકાવવા માટેના, નિષ્ફળ પ્રયાસો. (૩) ગાંધીજીની રાષ્ટ્રીય મુક્તિની અહિંસક લડત : તે દ્વારા નવી રાષ્ટ્રીય જાગૃતિનાં વ્યાપક બળોનો વિકાસ. (૪) આ મુક્તિયજ્ઞમાં ભાવના અને સીધા કાર્ય દ્વારા (જેલોમાં જવા સિક્કે) યુવાન બુદ્ધિજીવી વર્ગનો ફાળો. (૫) સાહિત્યમાં સત્ય, શિવ અને સુંદરની સાધના માટેની નવી અનુકૂળ આબોહવા. આ આપણી રાષ્ટ્રીય ભૂમિકા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાના મુદ્દાઓ : (૧) પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન રશિયામાં સમાજવાદી કામદાર ક્રાંતિ, અને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપભરમાં પ્રગટેલી છિન્નભિન્નતા. (૨) ૧૯૨૯ની આર્થિક કટોકટી પછી વધુ ઉગ્રતા. (૩) ફાસીવાદનો જન્મ અને ઉદય. (૪) લોકશાહી મૂડીવાદી દેશોની કમજોરી. (૫) બીજા વિશ્વયુદ્ધનો તોળાતો ભય. (૬) ફાસીવાદના વર્ચસ્વનો, અને પરિણામે તમામ સામાજિક માનવીય મૂલ્યોના વિનાશનો ભય. આવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પ્રથમ આશાનું કિરણ ગણાવી શકાય તેવાં પરિબળો — (૧) સ્પેનના આંતરવિગ્રહ સામે યુરોપ આખાના અર્ક સમા બુદ્ધિજીવીઓનો મોરચો (ઇન્ટરનેશનલ બ્રિગેડ)—જાણે ગુમાવેલી શ્રદ્ધાની પુનઃ પ્રાપ્તિની આશા પ્રગટી ! (૨) આંતરરાષ્ટ્રીય પ્રગતિશીલ લેખક આંદોલને જાણે મશાલ પેટાવી! (આરંભ ૧૯૩૫માં લંડન, અને બાદ પૅરિસમાં આંતરરાષ્ટ્રીય સાહિત્યકારોનાં સંમેલનો) (૩) આ આંદોલન વ્યાપક બન્યું; અને રોમાં રોલાં, થૉમસ માન અને મૅક્સિમ ગૉર્કીના નેતૃત્વ નીચે, સ્ટેફન ઝ્વેઈગ, ટૉલર, પાબ્લો નેરુદા, ઇગ્નાઝિયો સિલોન, ઑડેન, સ્પેન્ડર, આન્દ્રે માર્વા, આન્દ્રે જીદ, આન્દ્રે માલરો, જીન પૉલ સાર્ત્ર, કાએસ્લર, અપ્ટન સિંકલેર, લૂઈ આરાગોં, લૉર્કા, ક્રિસ્તોફર કૉડવેલ, રાલ્ફ ફૉક્સ અને બીજા અસંખ્ય લેખકોએ પોતાની જાતને ‘પ્રગતિવાદ' સાથે ઓતપ્રોત કરી; અને ‘પ્રગતિવાદ’ એટલે માર્ક્સવાદ, સમાજવાદ, અને ઘણાંને મન સોવિયેત રશિયા પણ— એવી ભાવના પ્રકટી. માર્ક્સવાદી વિચારણા પ્રત્યેના સૈદ્ધાંતિક આકર્ષણના મૂળમાં સાહિત્ય પ્રત્યેનું તેના પ્રવર્તકોનું—પુરસ્કર્તાઓનું આદિ વલણ પ્રેરકબળ રૂપે ગણાવી શકાય. —દા. ત. (૧) માર્ક્સનું બાલ્ઝાક અને શેક્સપિયર અંગેનું મૂલ્યાંકન— ‘મહાન વાસ્તવવાદી’ તરીકેનું. (૨) એંગલ્સનું ‘એપિક’ અને ઓગણીસમી સદીના નવલકથાકારો અંગેનું દૃષ્ટિબિંદુઃ સામાજિક સત્યનું અપૂર્વ પ્રતિબિંબ તેમાં સચવાઈ રહ્યું છે—એ પ્રકારનું. (૩) તૉલ્સ્તૉય ‘રશિયન ક્રાંતિનો આયનો' છે, એ પ્રકારનું લેનિનનું પૃથક્કરણ. (૪) ગૉર્કીએ કરેલું ‘ક્રાંતિકારી રોમાન્સવાદ’નું દર્શન વગેરે. સાહિત્યમાં માર્ક્સવાદી જીવનદર્શનનું આદિ રહસ્ય આ છે— (૧) તેની ઐતિહાસિક વિરોધવિકાસવાદી, ભૌતિકવાદી દૃષ્ટિ (વર્ગતત્ત્વ સહિતની). હકીકતે, માર્ક્સવાદને બીજા દર્શનોથી જુદું પાડનારું પ્રમુખ વિશિષ્ટ તત્ત્વ જ આ ગણાવી શકાય. [1] (૨) સાહિત્ય અને કલામાં ‘સામાજિક તત્ત્વ’ (social content) હોવા અંગે તેનો ખાસ આગ્રહ; તથા સર્જકને તેના સર્જનકાર્ય માટે સર્વોચ્ચ તક પ્રાપ્ત થાય તેવો શોષણહીન, સમાનતાવાદી, સમાજવાદી સમાજનો આદર્શ. (૩) બહારની સપાટી ઉપરનાં પરિબળો કરતાં આંતરિક વાસ્તવતા ઉપરનો તેનો ખાસ ઝોક; યાંત્રિક છબીવાદી તથા નેચરાલિસ્ટિક કલા સામેનો તેનો વિરોધ; સાહિત્યમાંનાં કામુક તથા નવફ્રૉડિયન વલણો સામેનો તેનો વિરોધ.)

આ રીતે, જાગતિક પરિસ્થિતિ પ્રગતિવાદને સર્વ રીતે અનુકૂળ બની ચૂકી હતી. આ પાર્શ્વભૂમિમાં હવે ભારત તરફ દૃષ્ટિ કરીએ. તંદુરસ્ત રાષ્ટ્રવાદી માનવતાવાદી પરંપરાવાળા ભારતીય લેખકો આવા પ્રગતિશીલ તત્ત્વને આવકારવા ઉત્સુક હોય એ સહજ છે, અલબત્ત, સૌ કોઈ તેમાંના ‘વર્ગીય દૃષ્ટિબિંદુ'ને અપનાવવા તૈયાર હતા, એવું નથી. એકંદર, આ નવીન પ્રગતિશીલ તત્ત્વનું જોર બંગાળી, ઉર્દૂ, હિંદી ભાષા-જૂથોમાં વધુ પ્રમાણમાં દેખાતું હતું. (ટાગોર, પ્રેમચંદ, સરોજિની નાયડુએ આ આંદોલનને આશીર્વાદ આપ્યા હતા, અને ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓના મોટા ભાગના ઉચ્ચ કક્ષાના લેખકો તેમાં જોડાયા હતા.) ગુજરાતી સાહિત્યકારોમાંનાય મોટા સમૂહને આ આંદોલનમાં પોતાની અભિલાષાઓનો પડઘો સભળાયો. જોકે, શ્રી બ. ક. ઠા., રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ધૂમકેતુ, મેઘાણી જેવા અગ્રણી સાહિત્યકારો આ આંદોલનમાં રીતસર જોડાયા ન હતા; અને તેનું નેતૃત્વ સ્વીકાર્યું ન હતું. પરંતુ આ આંદોલન પ્રત્યે તેમણે ગંભીર રીતે લક્ષ આપવા માંડ્યું હતું. અને આમાંના અનેક સહાનુભૂતિપૂર્વક તેની લગભગ બધી પ્રવૃત્તિએામાં ભાગ લેતા રહ્યા હતા. પરંતુ બીજા અનેક પ્રતિષ્ઠિત અને યુવાન સાહિત્યકારો આંદોલનને અપનાવતા થયા હતા. મુબઈમાં: આરંભથી આ આંદોલન પાછળ શ્રી લોટવાળા જૂથ (શ્રી રવિશંકર મહેતા, બકુલેશ, જીતુભાઈ આદિના નેતૃત્વ નીચેનું) મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. તેમને તેમનું અઠવાડિક પત્ર ‘પ્રજામિત્ર’ હતું. ઉપરાંત ખાસ તો ‘નવયુગ’ માસિક(સંપાદક : નરહરિ ભટ્ટ) પણ હતું. આ જૂથ મરાઠીમાંના ‘નવમતવાદ' સાથે ઘણે અંશે મળતું હતું, એમ કહી શકાય. જોકે, મુબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી ઉપાડી લીધું હતું. ગુજરાતમાં : આ આંદોલને વિશાળ મૂળિયાં નાખ્યાં હતાં. — તેની પ્રવૃત્તિઓમાં ત્યારે જોમ અને જોશ બંને વરતાતાં હતાં. (૧) મૅક્સિમ ગૉર્કી, પ્રેમચંદજી, શરદબાબુ, અર્ન્સ્ટ ટૉલર વગેરે વિખ્યાત સાહિત્યસ્વામીઓની મૃત્યુતિથિઓના પ્રસંગની જાહેર સભાઓમાં તથા ‘શ્રમજીવી સાહિત્ય', ‘પ્રગતિશીલ સાહિત્ય', અંગેના શ્રી સરોજિની નાયડુ તથા શ્રી લિયોનાર્ડ સાથેના વાર્તાલાપોમાં, તથા ગુજરાતી, ભારતીય ગ્રંથોનાં વિવેચનો માટેની જાહેર સભાઓમાં અસાધારણ મોટી સંખ્યા (૨) સંમેલનોમાં (બે વાર અમદાવાદમાં) ગંભીરતા અને ઊંડાણ (૩) આ ઉપરાંત ગુજરાતનાં અગ્રણી સામયિકોમાં ચર્ચા-લેખો (‘માનસી’, કલમ કિતાબ, ‘ઊર્મિ’, ‘આઝાદ હિંદ’, ‘સંદેશ’ આદિમાં)ની ગાજવીજ, ઉપરાંત (૪) ૧૯૪૦માં, પ્રગટ થયેલ ‘સાહિત્ય અને પ્રગતિ'નો ગ્રંથ આખા આંદોલનની કલગીરૂપ હતો. ગુજરાતના લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ આ ગ્રંથ દ્વારા સાહિત્યમાં ‘પ્રગતિશીલતા' અંગેના પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. અને ‘કાવ્ય અને પ્રગતિત્વ’ (ઉમાશંકર), ‘માર્ક્સવાદ અને સાહિત્ય' (નીરુ દેસાઈ), ‘સાહિત્ય અને પ્રગતિ’[2] (ભોગીલાલ ગાંધી) વગેરે લેખોમાં લંબાણપૂર્વક સાહિત્યિક સમસ્યાઓની છણાવટ થઈ હતી. આ ગ્રંથમાં સ્વ. શ્રી હીરાલાલ ગોદીવાળાએ ‘શેક્સપિયરનું સામાજિક અને રાજકીય દૃષ્ટિબિંદુ' જેવા વિષય ઉપર નવીન દૃષ્ટિબિંદુથી પૃથક્કરણ આપ્યું હતું. મરાઠી અને અંગ્રેજી નવી કવિતાનાં આંદોલનોનો પરિચય પણ આ ગ્રંથમાં રજૂ થયો હતો. આ ગ્રંથ ૧૯૩૬થી ૧૯૪૦ સુધીનાં વર્ષો દરમ્યાનનાં પ્રગતિશીલ આંદોલનનો તથા તેણે પ્રગટાવેલી નવીન સાહિત્યદૃષ્ટિ અંગેનાં વિવેચનાત્મક વલણોનો સારો એવો પરિચય આપે છે. (ગુજરાતમાંના આ આંદોલનના અગ્રણીઓ સ્વ. શ્રી રમણલાલ વ. દેસાઈ, સ્વ. શ્રી નવલરામ ત્રિવેદી, શ્રી સુન્દરમ્ તથા શ્રી ભોગીલાલ ગાંધી હતા.) આ આંદોલનની અંદર એકંદર બે વલણો દૃષ્ટિગોચર થતાં હતાં : (૧) જેમણે ‘માર્ક્સવાદ’નો તથા મોટે ભાગે ‘સોવિયેત-વાદ’નોય અંગીકાર કરી લીધો હતો—અને જેઓ તેના પ્રકાશમાં સાહિત્યનું સર્જન અને વિવેચન કરવામાં પ્રવૃત્ત હતા, તેવો માર્ક્સવાદી-સામ્યવાદી નાનો સમૂહ. (૨) આ રીતનો સ્વીકાર ન કર્યો હોવા છતાં, જેઓ ખાસ તો ‘સમાજવાદ’ અને ‘સામાજિક ન્યાય’ના આકર્ષણે ‘પ્રગતિવાદ’ તરફ દોરવાયા હતા તેવા પ્રગતિવાદી વાસ્તવવાદીઓનો મોટો સમૂહ. એકંદરે, બંને વલણો સાથે રહી સર્જન તથા વિવેચન ક્ષેત્રે કાર્યરત હતા. (૧) કવિતામાં પ્રથમ વલણના મુખ્ય પ્રતિનિધિઓ શ્રી સ્વપ્નસ્થ તથા ઉપવાસી હતા; ટૂંકી વાર્તામાં સ્વ. બકુલેશ અને જયંત ખત્રી હતા (પાછળથી શાંતા ગાંધી તથા રમેશ સંઘવી ઉમેરાયાં હતાં.); પત્રકારત્વ, રાજકીય સાહિત્યમાં શ્રી રવિશંકર મહેતા, ઇંદુલાલ યાજ્ઞિક, ડૉ. સુમંત મહેતા, ચંદ્રભાઈ કા. ભટ્ટ, ધનવંત ઓઝા અને ભોગીલાલ ગાંધી હતા; નાટકો અને રંગભૂમિના ક્ષેત્રે શ્રી જશવંત ઠાકર અને દીના ગાંધી હતાં. (પ્રવૃત્તિ : નવયુગ, ફૂલવાડી, નવી રોશની (માસિકો) નવી દુનિયા, ચાલો વિચારીએ – પલટીએ —ગ્રંથમાળાઓ, પ્રજામિત્ર, આઝાદ હિંદ; લોકયુદ્ધ સાપ્તાહિકો). (૧) બીજો પ્રવાહ : શ્રી સુન્દરમ્, શ્રી ઉમાશંકર જોશી, કરસનદાસ માણેક વગેરે કાવ્યક્ષેત્રે, જયંતી દલાલ, બ્રોકર, પન્નાલાલ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, શ્રી ચંદ્રવદન મહેતા નાટકક્ષેત્રે તથા સ્વ. શ્રી રમણલાલ વ. દેસાઈ નવલકથાક્ષેત્રે મુખ્ય હતા. સાહિત્ય-વિવેચનના ક્ષેત્રે કેવી પરિસ્થિતિ હતી, એનો આપણે વધુ વિગતે પરિચય કરીશું. માહિતીરૂપે પ્રથમ એટલી નોંધ કરી લઇએ કે પ્રગતિશીલ દૃષ્ટિએ સાહિત્ય-વિવેચન કરનારાઓમાં સ્વ. શ્રી નવલરામ ત્રિવેદી, શ્રી સુન્દરમ્, શ્રી ઉમાશંકર જોશી સ્પષ્ટ, ઉગ્ર વિચારો વ્યક્ત કરતા રહ્યા હતા; તો વળી રવિશંકર મહેતા તથા શ્રી ભોગીલાલ ગાંધી માર્ક્સવાદી વિચારધારાનું પ્રતિનિધિત્વ આ ક્ષેત્રે કરતા હતા.

આ આંદોલને સાહિત્યસૃષ્ટિના પાયાના અને મહત્ત્વના સવાલોને વળી પાછા નવા સંદર્ભમાં છંછેડી દીધા હતા. સાહિત્ય અને જીવન વચ્ચેનો સંબંધ. સાહિત્યનું કર્તવ્ય. સાહિત્યની કસોટી સાહિત્યમાં વાસ્તવતાનું સ્થાન અને સ્વરૂપ. આ સમસ્યાઓના જુદી જુદી વિચારધારાઓ તરફથી જુદા જુદા જવાબો અપાઈ રહ્યા હતા : પ્રગતિશીલો (માર્ક્સવાદી અને વાસ્તવવાદી બંને વલણોના લગભગ સહિયારા મુદ્દા આ પ્રકારના હતા) : (૧) જીવન અને કલાનો સંબંધ અવિચ્છેદ્ય છે. (૨) કલાની ફલશ્રુતિ તે કેટલે અંશે જીવનનું પ્રતિબિંબ પાડે છે તેમાં રહેલી છે. (૩) સૌંદર્યની કસોટી તે કેટલે અંશે સત્ય અને શિવની વફાદારી કરે છે તેના ઉપર છે. (૪) એ વાતનો કોઈ ઇનકાર નહિ કરી શકે કે, સર્વસાધારણ રીતે સાહિત્યમાત્ર કોઈ ને કોઇ પ્રકારે તે અંશે પ્રચારનું વલણ ધરાવતું હોય છે. (૫) એ વાત માની લેવી ચેાગ્ય નથી કે સારું સાહિત્ય આપોઆપ પ્રગતિકારી યા શ્રેયસ્કર હોય જ છે. (૬) સાહિત્યની પ્રગતિશીલતા સૌંદર્ય અને કલાતત્ત્વનાં મૂલ્યોનો પુરસ્કાર કરે જ છે; ‘સાહિત્ય' નામ ધારણ કરનારે આ કસોટીમાંથી પ્રથમ પાર પડવું રહે જ છે. પરંતુ સાહિત્ય સામાજિક સર્જન હોઈ, એનું આખરી પરીક્ષણ એના સામાજિક દૃષ્ટિબિંદુ ઉપરથી થવું ઘટે. (૭) પ્રગતિવાદ કાંઈ માનવતાવાદનો ઇનકાર કરતો નથી; પરંતુ માનવતાવાદ પોતાનું સાર્થક્ય તે સમાજવાદ અને સામાજિક ન્યાયી સમાજરચનામાં જ પામે છે. (આધાર : કાવ્ય અને પ્રગતિત્વ (ઉ. જો.) સાહિત્ય અને પ્રગતિ (ભો. ગાં.)

*

આ તો સર્વસાધારણ દૃષ્ટિની વાત થઈ. પરંતુ ‘પ્રગતિશીલ’ અને ‘પ્રત્યાઘાતી' વચ્ચેના સંઘર્ષ બાબતની પ્રગતિશીલોની માન્યતા જોઇ લેવી જરૂરી છે. અખિલ ભારતીય પ્રગતિશીલ સંઘના પ્રથમ જાહેરનામાના (તા. ૧૦ એપ્રિલ, ૧૯૩૬) કેવળ થોડાક મુદ્દાઓ આ સંદભમાં જોઈએ : પ્રગતિશીલો નીચેના મુદ્દાઓ ઉપર જેહાદ ચલાવશે— (૧) જીવનની નરી હકીકતોમાંથી ભાગી છૂટવાની વૃત્તિ સામે (૨) પાયા વિનાનાં અધ્યાત્મવાદ અને આદર્શઘેલછા સામે (૩) કુટુંબ, ધર્મ, સેક્સ, યુદ્ધ અને સમાજની બાબતમાં સર્વસાધારણ પ્રત્યાઘાતી અને પુનરાવર્તની વલણ સામે (૪) જેમને હાથે કલા અને સાહિત્યનું અધઃપતન થયું છે, તેવા સ્થિતિચુસ્ત વર્ગોના હાથમાંથી સાહિત્ય અને કલાની નિષ્કૃતિ કરવા માટે આના અનુસંધાનમાં, ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળે પ્રગટ કરેલ ‘ઉદ્દેશ અને પ્રવૃત્તિ' (૧૯૩૭)માં પ્રત્યાઘાતી કોને ગણી શકાય તે બાબતના ઉલ્લેખો સરખાવવા જેવા છે— રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ભાવનાના વિરોધી, સામ્રાજ્યવાદને પોષક, જુદા જુદા ધર્મો વચ્ચે ઉચ્ચનીચતા અને કલહ જન્માવનાર, ગુરુશાહી તથા ધાર્મિક સંસ્થાઓનું દૈવી આધિપત્ય સ્વીકારાવવા મથનાર, વ્યક્તિ વ્યક્તિનું કે એક સમૃદ્ધ બીજા સમૂહનું શોષણ કરી શકે એવા આર્થિક વ્યવહારને માન્ય કરનાર, સ્ત્રીપુરુષની સમાનતા— લગ્ન પહેલાં –અને પછી માન્ય ન કરનાર, કોમી વાડાઓને ઉત્તેજનાર, સમાજના કુરિવાજોને આદર્શના ઓઠા હેઠળ રજૂ કરનાર — એકંદરે, વાસ્તવિક જીવનની ક્રૂરતા, કુરૂપતા અને અન્યાયોને ઢાંકવા માટે આદર્શો અને ભાવનાઓનો ઉપયોગ જેમાં કરવામાં આવ્યો હોય તેવું સાહિત્ય પ્રત્યાઘાતી ગણાય.

*

તો વળી, ગુજરાત પ્રગતિશીલ લેખકમિલન તરફથી પ્રગટ કરવામાં આવેલી પ્રશ્નોત્તરીમાંથી કેટલાક વધુ મુદ્દા તરી આવતા હતા તેય સૂચક છે— (૧) આખરે તો વસ્તુ, હકીકત કે વાસ્તવતા એ મહત્ત્વની વાત નથી. પણ કયા દૃષ્ટિબિંદુથી તે રજૂ થાય છે તે મહત્ત્વની છે... (૨) રવીન્દ્રનાથનું સાહિત્ય માનવીને મુગ્ધ કરે એવું ચમત્કારિક છે. પરંતુ, જેમાં જવલ્લે જ માનવ જીવનના, ખાસ કરીને આજના યુગના સૌથી મોટા જીવનમરણના, પ્રશ્નો કે તેના ઉકેલો આપણે જોઇએ છીએ... આવું રહસ્યવાદી સાહિત્ય, ભ્રામક—માદક જીવનસંગ્રામથી દૂર ભગાડનારું માટે પ્રત્યાઘાતી ગણાય... (સા. પ્ર. ભા. ૧ પા. ૨૩૯-૪૦) પ્રગતિવાદે આ રીતે જગાવેલી જેહાદમાં, શ્રી ઉમાશંકર જોશીએ, પ્રગતિવાદ પક્ષે જે ઉગ્ર વલણ ધારણ કર્યું હતું તેનો અંદાજ પણ લઈ લઈએ [તેમના લેખઃ કાવ્ય અને પ્રગતિત્વ: ‘સાહિત્ય અને પ્રગતિ' પુ. ૧માં, તથા ‘સમસંવેદન’માં]. શુદ્ઘકાવ્ય-વાદીઓને તેઓ સોંસરો જવાબ આપે છે: ‘કાવ્યકલા જીવનનિષ્ઠ છે, જેમ કોઈ પણ ઇમારત પૃથ્વીનિષ્ઠ છે... કાવ્યનું અસ્તિત્વ પણ જીવનના ધર્મોથી મર્યાદિત છે, જીવનના ધર્મોને વશવર્તી છે. અસ્તિત્વમાં આવવા માટે, કાવ્ય હોવા માટે, કોઈ પણ કૃતિએ પોતાના ક્ષેત્રના નિયમોનું સંતોષકારક પાલન કર્યું હોય એ તો આવશ્યક છે જ. કેમ કે ત્યારે જ તો એ અસ્તિત્વમાં આવી શકે છે; પણ સાથે સાથે એના અસ્તિત્વમાં આવવાની બીજી શરત અને અસ્તિત્વ ટકાવવાની ચાવી એ છે કે જીવનનાં નિયામક તત્ત્વોના શાસનમાં પણ એણે રહેવું જોઈએ. તેથી કાવ્યની કસણી માત્ર કાવ્યશાસ્ત્રના ધોરણે જ થાય એ બસ નથી. જીવનશાસ્ત્ર—સમાજશાસ્ત્રને ધોરણે પણ થવી જરૂરી છે.’ આમ શ્રી ઉમાશંકર કાવ્ય ઉપરના જીવનનાં નિયામક તત્ત્વોના શાસનની વાત યાદ આપે છે ત્યારે, સામેથી કેવો પડકાર થવાનો છે, તેની તેમને કલ્પના છે, અને તરત જ શુદ્ધ-કાવ્ય-વાદીઓને — કાવ્યસ્વાતંત્ર્યવાદીઓને' (આ શ્રી ઉ. જો.ના જ શબ્દો છે) તેઓ સ્પષ્ટ કહી નાખે છે: ‘તત્કાલીન સામાજિક હિતની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને પ્રત્યેક યુગની શાસક સત્તાએ સ્વહિતવિરોધી સાહિંત્યને- પ્રવૃત્તિમાત્રને — ડામવામાં વિલંબ જાણ્યો નથી. ‘માનવજાતિની હયાતી માટે જવાબદાર આ મોટા ભાગની વતી કવિઓની કાવ્યરચનાના હિતૈષીપણાની તપાસ થાય એને ભલે સરકારી નિયામકગીરી (સેન્સરશિપ) કહો. શોષક વર્ગની એવી જોહુકમી કરતાં તો એ ઇચ્છવાજોગ છે જ.' અહીં, શ્રી ઉમાશંકર વર્ગ-દૃષ્ટિની ઝાપટમાં સારા એવા ખેંચાઈને શુદ્ધકાવ્યવાદીઓ— કાવ્યસ્વાતંત્ર્યવાદીઓ ઉપર ફટકા વીંઝતા જણાય છે. બીજો પણ એક અગત્યનો સવાલ— ‘સાચું સાહિત્ય આપોઆપ પ્રગતિશીલ હોય જ છે... પ્રગતિનું ધોરણ વચ્ચે લાવવાની જરૂર નથી કેમ કે સાચું કાવ્ય (કે સાહિત્યમાત્ર, જીવનાનુકૂલ જ હોય છે, માટે પ્રગતિપોષક હોય છે, આવી દલીલના જવાબમાં ઉમાશંકર કહે છે: તો પછી જીવનાનુકૂલ ન હોય, પ્રગતિપોષક ન હોય તે સાચું સાહિત્ય નથી એમ જ થયું! કાવ્ય નામ પ્રાપ્ત થયું માટે તે પ્રગતિપોષક- આ તો ‘સાફલ્યવાદ’ થયો ! શ્રી ઉમાશંકર ત્રીજા એક સવાલનોય જવાબ આપે છેઃ ‘પ્રગતિવાદનો નવો વાદ તે સમાજના સમાજપણાની વેદી ઉપર વ્યક્તિના વ્યક્તિત્વને હોમી દેનારો છે એવો ડર કેટલાકને છે. પણ વસ્તુસ્થિતિ ઊલટી જ છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વનું પૂરું અભિજ્ઞાન, સ્વાતંત્ર્ય, વિકાસ કેમ પોષાય એને માટે પ્રગતિવાદમાં પ્રથમ દરકાર રખાતી દેખાય છે. પ્રત્યેક વ્યક્તિના આત્મનિર્ણય માટે પણ પ્રગતિવાદમાં જે અવકાશ છે તે અન્યત્ર નથી…’ તો વળી, ‘પ્રગતિત્વનું એક લક્ષણ એ પણ છે કે માનવીના પ્રાથમિક હકોથી કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહે...’ એમ કહી શ્રી ઉમાશંકર શ્રી સુન્દરમ્ ની ‘તલાવણી’ ની એક કડીની ટીકા કરતાં વળી વર્ગ-દૃષ્ટિએ વિવેચન પ્રસ્તુત કરે છે— ‘નરસિંહરાવ જેવા સામાજિક દુરિતોને પણ સ્પર્શે છે, પણ સમાજની જે ખૂટલાઈને કારણે આવાં દુરિતો પ્રગટે છે તે એમના કાવ્યવિષય બનતી નથી... કલાપીમાં અંગત રાગાવેશોના પ્રલાપ જ વિશેષ તો છે. નાનાલાલમાં હિંદુ સંસ્કૃતિના પ્રાચીન આદર્શોના કરુણ મધુરસરોદ સંભળાય છે; અને કવિ મધ્યકાલીન રજવાડાશાહી વાતાવરણનો ડગલો ઉતારવા તૈયાર જ ન હોય એવી સ્થિતિ દૃષ્ટિગોચર થાય છે... એકલા હિંદમાં જ નહિ, પૃથ્વી સમગ્રમાં આવી ગયેલાં, જામી ગયેલાં, સમાજને આમૂલ ફેરવી નાખતાં, પરિવર્તનો તેમને સ્પર્શી શક્યાં પણ નથી.’ અને તેઓ ગાંધીજીના યુગ સુધી આવી પહોંચે છે. ‘ગાંધીજીની પ્રથમ અસર થઈ, ‘હાલો ગામડે જયીં'. — ગામડાના ખુશનુમા આસમાની રંગબેરંગી ચિત્રણો થવા માંડ્યાં, પદ્ય કરતાં ગદ્યમાં વિશેષ. તો બીજી અસર થઈ પોચટ માનવતાવાદની. સામાજિક રચનાની વિસંગતિઓનો— વિસંગીતતાઓનો ઉકેલ માનવના માનવ્યમાં શ્રદ્ધા રાખવાથી આવી જશે. એવી હિમાયત વ્યક્તિવાદની પરાકાષ્ઠારૂપે પ્રગટાવવાનું માન આપણા દેશને ઘટે છે. શ્રમીણો તમે શાંત રહો ! તમે આકળા ન થશો. તમારા માલિકો તમારા ટ્રસ્ટીઓ છે ને તે પ્રમાણે વર્તશે. તમારે સૌ રૂડાં વાનાં થશે. આ માનવવાદની ઇન્દ્રજાળ શોષણસંસ્થાના ટકવામાં છેલ્લું મોહક અસ્ત્ર છે.... અને આનું ઉદાહરણ વળી તેમને સુન્દરમના એક કાવ્યમાં મળી રહે છે. તેઓ શ્રી સુન્દરમનાં કાવ્યોમાં ‘શાસ્ત્રશુદ્ધતાનો આગ્રહ વધારે રખાય એ ઇચ્છવા જોગ છે,’ એવી ભાવનાએ એ કાવ્યની પાછળના ‘પોચટ માનવવાદ'ને બહાર આણે છે : (ગાંધીજીનો) આવો ‘માનવવાદ માનવ સમાજના શોષણનાં ષડયંત્રોનાં ચક્રમાં સ્નેહ ઊંજવાનું જ - અને એમને ચાલુ રાખવાનું જ કામ કરે છે. ખરી રીતે તે સુન્દરમે “ફટ એ શરીરને જેને ન શોભી પટ ફાટલું શકે” એમ કહેવાને બદલે “ફટ એ સમાજને જેમાં કોઈ પણ મનુષ્યને શોભી પટ ફાટલું શકે,” એમ કહેવું જોઈએ...’ આટલું કહી નાખ્યા પછી, સાહિત્યસર્જનની દિશામાં ગેરસમજ ન થાય એ ખાતર, તેઓ ઉમેરે છે— ‘પણ બીજી તરફ એ કહેવું જરૂરી થઈ પડે છે કે, આઘાત ખાતર આઘાત આપવાની વૃત્તિનો કાવ્યમાં કાંઈ અર્થ નથી. વાસ્તવિકતા ખાતર વાસ્તવિકતા, કલા ખાતર કલાના વાદ કરતાં ભાગ્યે જ વધારે ઇચ્છવા જેવો હોય. વાસ્તવ જગતના જે અંશો કવિ કાવ્યસામગ્રી તરીકે ઉપાડી લે તેને કાવ્યસૃષ્ટિની વાસ્તવિકતા સાથે સંવાદી બનાવવાની એનામાં તૈયારી અને તાકાત જોઈએ. માત્ર મજૂર, શ્રમમાહાત્મ્ય, નરનારી સમાનતા, ગમે તે વિષયને કાવ્યમાં આગંતુક રૂપમાં જ પ્રવેશ કરાવવાથી તો જૂની પ્રણાલિકાના કવિઓ ચંદ્ર, તારા, કમલ, મદિરાક્ષી, એ તત્ત્વોને જોરે કાવ્યતત્ત્વ સિદ્ધ કરવા જતા એના જેવો જ દેખાવ થશે.... અગાઉ છુટકારાની કવિતા વિરુદ્ધ કહ્યું છે તે વિષે બે શબ્દ અહીં યોગ્ય ગણાશે. માનવી ચિત્ત છુટકારો શોધે છે. ઊંઘ, સ્વપ્ન, પ્રણયોપચાર, રમતગમત વગેરે દ્વારા, એ પણ એક અનુપ્રેક્ષણીય વાસ્તવિકતા છે. એનું વર્ણન માત્ર પ્રાગતિકતાનું દ્રોહી છે એમ ન કહી શકાય. માત્ર એ છુટકારાની વૃત્તિને જ જીવનસમગ્ર ગણાવતી- બીજું કાંઈ જોઈ ન શકતી. કવિતાની સામે જ મારે કહેવાનું છે.’ આટલી વિગતે અવતરણો જોયા બાદ, આપણે એટલું જરૂર કહી શકીએ કે, એ વરસોમાં ગુજરાતના કોઈ પણ બિનમાર્ક્સવાદી લેખક કરતાં, અને અનેક માર્ક્સવાદી લેખકો કરતાંય શ્રી ઉમાશંકરે વધુ જલદ અને ખુલ્લા વર્ગસંઘર્ષની ભાષામાં પોતાનાં મંતવ્યો પ્રગટ કર્યાં હતાં. તો વળી, એ વરસોમાં શ્રી ઉમાશંકર કરતાંય કદાચ વધુ ઉગ્ર રીતે ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને પ્રવાહોનું અવલોકન શ્રી નવલરામ જ. ત્રિવેદીએ કર્યું છે. પરંતુ એમાં નથી ઊંડાણ, વિશદતા કે મૌલિકતા(જુઓ : પાંત્રીશીનું ગ્રંથસ્થ વાઙ્ગય (શેષ વિવેચનો); પ્રગતિમાન સાહિત્ય (૫-૭–૩૬ ને રોજ પ્રગતિશીલ સાહિત્યસંમેલન, અમદાવાદના પ્રમુખપદેથી ભાષણ). આ સંદર્ભમાં, આ સ્થળે, સ્વ. પ્રો. હીરાલાલ ગોદીવાળાના લેખ ‘શેક્સપિયરનું સામાજિક અને રાજકીય દૃષ્ટિબિંદુ' તરફ પણ ખાસ ધ્યાન ખેંચવું જરૂરી છે. આજે આ બધાં મંતવ્યો આપણને, અને ખુદ લેખકનેય મોટે ભાગે, અસંતોષકારક લાગે એવો પૂરો સંભવ છે, પરંતુ એ જમાનામાં માર્ક્સવાદી અસર આપણા અગ્રણી સાહિત્યકારો ઉપર (અલબત્ત, દુનિયાના તે ભારતના સંખ્યાબંધ અગ્રણી સાહિત્યકારોની જેમ) કેટલી હદે થઈ હતી, તે જાણવાની આ પારાશીશી છે.

પ્રગતિવાદના આવા પુણ્યપ્રકોપ સામે બીજી સાહિત્યશાખાઓને શું કહેવાનું છે તે સંક્ષેપમાં જોઈએ. ગાંધીવાદી શાખા : (મુખ્ય પુરસ્કર્તા : કાકા કાલેલકર, કિ. ઘ. મશરૂવાળા, મગનભાઈ દેસાઇ ). આ શાખાના અગ્રણી શ્રી કાકા કાલેલકરે, આજથી ૩૩ વર્ષ પૂર્વે, ૧૯૨૬માં સુરત ખાતેના તેમના ભાષણ દ્વારા ‘કલા ખાતર કલા'ના પુરસ્કર્તાઓને સણસણતો ખુલ્લો પડકાર આપી દીધો હતો, એ સુવિદિત છે. ગાંધીવાદી માનવતાવાદી શાખા ‘જીવન ખાતર કલા’ના આદર્શને અપનાવી ચૂકી હતી. તો, શ્રી મગનભાઈ પ્ર. દેસાઈએ પ્રગતિવાદીઓ અથવા માર્ક્સવાદીઓની વર્ગસંઘર્ષની દૃષ્ટિ અને નીતિનો ધરખમ વિરોધ પ્રગટ કર્યો છે, તથા શ્રમજીવી સરમુખત્યારીનાં પરિણામો વિષે સાવચેત રહેવા જણાવ્યું છે.[3] શ્રી મશરૂવાળા ‘પ્રગતિ’ની જ વ્યાખ્યા કરતાં કહે છે : પ્રગતિ એટલે સત્ય પંથે આગળ પગલું, તે જ રીતે, સર્વકાળ માટે પ્રગતિકારી હોવું જરૂરી છે. ભલે પછી તે આદર્શવાદી હોઈ આજના જમાનામાં ગગનવિહારી (તેથી કરીને પ્રતિ વિરોધી) હોવાનું લાગે. પણ તે ઊંચા ધ્યેયને દેખાડનારી હોવાથી પ્રગતિશીલ જ કહેવાય.૩ સૌ ગાંધીવાદીઓ સત્ય, શિવ, સુંદરની એકતામાં માને છે અને ‘પ્રગતિશીલ’ એવું બિરુદ અસ્થાને ⟨irrelevant) ગણે છે. ત્રીજી શાખાને આપણે પરંપરાવાદી કહી શકીએ. તેમના અગ્રણી શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી તથા વિજયરાય વૈદ્ય હતા. તેઓ પ્રગતિશીલતાને કેવળ અનાવશ્યક ધાંધલ ગણાવે છે. એ કલ્પના પોતે જ રોગનું ચિહ્ન છે ત્યાં એ રોગ શી રીતે મટાડનાર છે એવો સવાલ કરી જણાવે છે કે, ‘સમાજમાં એવાં બળો પ્રવેશ પામ્યાં જે સાહિત્યકારને, કલાકારને પોતાનો દાસ બનાવે, તેની કલ્પનાને સ્વતંત્રતાને પ્રગતિશીલતાને નામે છીનવી લે.’ સાહિત્યથી બહારના પ્રદેશની કસોટી સાહિત્યમાં પ્રવેશવી ન જોઈએ, એ એમનો આગ્રહ છે. એક વખત સાહિત્યકારના આદર્શમાં પ્રગતિશીલતાની, સાહિત્યથી બહારના પ્રદેશની કસોટી મળી એટલે એની નજર વધારેમાં વધારે સત્તાવાળા, વધારેમાં વધારે પ્રચાર પામવાની અનુકૂળતા ધરાવનાર વિચારતંત્ર ઉપર, ઘણુખરું રાજકીય કારભારીઓના વિચારતંત્ર ઉપર, ઠરવાની. કોઈ વાદ ઉપર સાહિત્યકારની દૃષ્ટિ ચોંટી પછી તે એની ગ્રંથિ બની જાય છે. જીવનને સમજવા તેનું તાટસ્થ્ય ઓછું થાય; કૃતિ પ્રચાર કૃતિ જ બને. પ્રગતિશીલ વિશેષણ સાહિત્યને કે સમાજને ઉપકારક નહિ નીવડે. ‘પ્રગતિશીલ’ બિરુદ irrelevant અને redundant છે.

સમન્વયવાદી શાખા

હજી કોઈ નિશ્ચિત પ્રણાલિકાગત વિવેચન-શાખા સાથે નહિ સંકળાયેલા વિવેચક શ્રી રામનારાયણ પાઠકની આ ક્ષેત્રે વિશેષતા એ છે કે, તેમણે શુદ્ધ પ્રગતિવાદ કે શુદ્ધ કાવ્યવાદનાં વમળોથી દૂર રહી, જેને તેઓ પોતે એ સમયના વિવેચનના ત્રણ ફૂટ પ્રશ્નો તરીકે ઓળખાવે છે તે ‘સાહિત્ય અને જીવન’, ‘વાસ્તવવાદ અને ભાવનાવાદ', તથા ‘પ્રગતિવાદી સાહિત્ય' ઉપર સવિસ્તર વિવેચન કર્યું છે. તેમાં તેમની સ્પષ્ટ સમન્વયવાદી દૃષ્ટિ આગળ તરી આવે છે. (જુઓ : આપણા વિવેચનના કેટલાક ફૂટ પ્રશ્નો : ‘સાહિત્ય વિમર્શ') અહીં આપણે એક વધુ ઉલ્લેખ શ્રી ઝવેરચંદ મેઘાણીનો કરી લઈએ. તેમનાં લખાણો અને જીવન જોકે આપણને તેમની પ્રગતિશીલ જીવન અને સાહિત્ય દૃષ્ટિની પ્રતીતિ કરાવતી હોવા છતાં, તેઓ સાહિત્યમાં ‘પ્રગતિશીલ' એવા કોઈ જુદા ‘વાડા'નો સખ્ત વિરોધ કરતા રહ્યા હતા, (જુઓ ચર્ચા : કલમ કિતાબ; પુનર્મુદ્રિત મેઘાણી કૃત ‘પરિભ્રમણ’ ખંડ ૧ થી ૩)

માર્ક્સવાદ અને રશિયાની અસર નીચે વિકસેલા ‘પ્રગતિશીલ સાહિત્ય' આંદોલનનો અને તે દ્વારા વિવચન સાહિત્યમાં જાગેલી સમસ્યાઓ પરત્વેનાં વિવિધ શાખાઓનાં દૃષ્ટિબિંદુઓનો ટૂંકો પરિચય આપણે લઈ ચૂક્યા છીએ. પરંતુ, હવે આ વહેણ કેવો વિકાસ સાધે છે એ જોવા આતુર બનીએ. આ આંદોલન કોઈ ચોક્કસ ઘાટ લેવા પામે, તેની કોઈ સ્થાયી અસર મૂકી જવા જેટલાં સ્વસ્થતા અને ઊંડાણ પ્રગટ કરે તે પૂર્વે જ, આપણે જોઈશું કે પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી ! બીજા વિશ્વયુદ્ધે અનેક અણધાર્યાં નવાં પરિબળો દ્વારા આખા પ્રવાહને જુદો જ વળાંક આપી દીધો હતો ! આ નવાં પરિબળો તે— (૧) યુદ્ધ પૂર્વે જ રશિયાએ આંતરરાષ્ટ્રીય રાજકારણને ક્ષેત્રે જે વ્યૂહનીતિ અખત્યાર કરી હતી તેથી અનેક પ્રગતિશીલો આઘાત પામ્યા હતા. (દા. ત. ફિનલૅંડ, પોલાંડ, — હિટલર સાથે કરાર) (ર) યુદ્ધ પૂર્વે અને યુદ્ધ દરમ્યાન ભારતીય કમ્યુનિસ્ટોએ રશિયાનુસારી જે નીતિ સ્વીકારી હતી તેથી અનેક સાથીરાહીઓ પણ આઘાત પામ્યા હતા. (૩) અલબત્ત, યુદ્ધ દરમ્યાન રશિયાએ દાખવેલ શહાદત અને દેશાભિમાનથી આખી દુનિયા છક થઈ જવા પામી હતી. અને ગુજરાતી કવિઓમાં શ્રી સુન્દરમ્, રામપ્રસાદ, કરસનદાસ માણેક, સ્વપ્નસ્થ, ઉપવાસી વગેરેએ અત્યંત પ્રમાવિત બની કેટલીક સુંદર કૃતિઓ સરજાવી હતી. (‘સાહિત્ય અને સંસ્કાર’ ૧૯૪૪ : ‘બિંદુ’માંની સૉનેટમાળા) આ દરમ્યાનનાં વર્ષોંમાં માર્ક્સવાદી જૂથે જે કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી, તેમાં નોંધપાત્ર ગણાય તેવી છે: ‘સાહિત્ય અને સંસ્કાર’ (૧૯૪૪) નામનો મુખ્યતઃ માર્ક્સસવાદી દૃષ્ટિનાં લખાણોનો પ્રતિનિધિ સંગ્રહ. ત્યાર બાદ, ૧૯૪૫માં આ જૂથના જ પ્રયાસથી, પરંતુ ત્યાર સુધીમાં ‘પ્રગતિવાદ'ને લગભગ સલામ કરી ગયેલા યા ઉપરછલ્લી સહાનુભૂતિ ધરાવનારા કેટલાક જાણીતા સાહિત્યકારોના સહકારમાં, ‘સાહિત્ય અને પ્રગતિ’નો બીજો ગ્રંથ પ્રસિદ્ધ થયો. હકીકતે, આ વરસો ગુજરાતમાં ‘પ્રગતિવાદ' માટેની ઓટનાં બની ચૂક્યાં હતાં. પરંતુ યુદ્ધ પૂરું થયા બાદ આ અરસામાં જ રશિયામાં ‘ઝ્દાનોવવાદે’ સાહિત્ય અને કલામાં જે ‘ડંડાવાદ’ ચલાવ્યો તેમાં બીજા ક્ષેત્રોમાંના ‘સ્તાલિનવાદ'નો જ પડઘો હતો. સોવિયેત પદ્ધતિમાં રહેલા તમામ વિસંવાદો, અને કલાસાહિત્યના ક્ષેત્રની માર્ક્સવાદની વિકૃતિઓએ ‘સમાજવાદી વાસ્તવવાદ'ને નામે તેનું જે બદરૂપ પ્રગટ કર્યું તેથી ભલભલા સર્જક-સાહિત્યકારો ચોંકી ઊઠયા. (દા. ત. રશિયાના મહાન સર્જક દોસ્તોયેવ્સ્કી વિષેનું તેમનું તિરસ્કારભર્યું વલણ, તથા વિદ્યમાન સાહિત્યકારોમાં ઝોશેન્કો, આખ્તામોવા વગેરે સર્જકો ઉપર તથા હંગેરીના વિશ્વવિખ્યાત વિવેચક જી.લુકાસનાં વિવેચનો ઉપર પાર્ટી નેતાઓ અને સરકારી નોકરશાહોને હાથે જે પ્રકારના આક્ષેપો થયા તે; તથા યુરોપમાં સાર્ત્ર, મોરિઆક,, માલરો, કૉએસ્લર ઇત્યાદિ ઉપર ઝ્દાનોવ પદ્ધતિએ થયેલા પ્રહારો; ઉપરાંત, અતિ સાધારણ કૃતિઓને લેનિન પારિતોષિકોનું બહુમાન. બીજી બાજુ, પાસ્તરનાક જેવાની કૃતિઓનું વર્ષોં સુધી લાગટ રૂંધામણ વગેરે... (તથા ભારતમાં પણ ટાગોર, શરદબાબુ, આદિમહાકાવ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતા તરફનાં એકંદર વલણો; પાછળથી(૧૯૪૮-૫૦ દરમ્યાન) પ્રગતિશીલોના મુખ્ય પુરસ્કર્તા શ્રી મુલ્કરાજ, અબ્બાસ. રાહુલજી, તારાશંકર ઇત્યાદિ ઉપરના આક્ષેપો; અને પ્રગતિશીલતાના મુખ્ય વ્યાપક ધોરણને સ્થાને, બી. ટી. રણદીવે-શાસનકાળ દરમ્યાન, શ્રી કૃષ્ણચંદ્ર, રામબિલાસ શર્મા, ભવાની સેન આદિ પાર્ટી પ્રતિનિધિઓની કલમે હદપારની વિકૃતિ). આ બધાંએ પ્રગતિશીલ સાહિત્ય, અને માર્ક્સવાદી દૃષ્ટિ અંગે જે આબોહવા પેદા કરી તેણે સાહિત્ય અને કલાના ક્ષેત્રમાંના તેના પાયાને જ લગભગ ખોદી નાખ્યો.

૧૯૫૦ પછીના આખા દાયકા દરમ્યાન તો, માર્ક્સવાદી અસર ગુજરાતી સાહિત્યના કોઈ પણ સ્વરૂપ ઉપર ભાગ્યે જ જોવા મળે છે. આ છતાં તાજેતરનાં વર્ષોમાં આ દિશાના બે પ્રયાસોની નોંધ જરૂરી ગણાશે : એક પ્રયાસ છે—શ્રી ધનવંત ઓઝાને પત્રકારિત્વની કક્ષાનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સાહિત્યકથા), તથા શ્રી અશોક હર્ષના કટ્ટર પત્રકારિત્વની કક્ષાના વિવેચનલેખો. બીજો પ્રયાસ છે આ વ્યાખ્યાનકારનો પોતાનો—વિશ્વમાનવ દ્વારા, સામ!જિક-રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્ય ક્ષેત્રની વિવેચનાનો. અલબત્ત, પ્રથમ પ્રયાસ (શ્રી ઓઝા અને અશોક)નો અણઘડ પ્રણાલિકાવાદી જડ માર્ક્સવાદની દિશાનો છે; તો બીજો પ્રયાસ પ્રણાલિકાવિરોધી ‘રિ-વિઝનિઝમ’ — ‘પુનર્વિચારણાવાદી દિશાનો છે,' એમ માર્ક્સવાદી સૂત્રભાષામાં જરૂર કહી શકાય.

*

આમ, આપણે બહુ ટૂંકાણમાં ૧૯૩૬થી ૧૯૫૯નો પ્રવાસ પૂરો કરીએ છીએ. અને આપણે એવા અભિપ્રાયો ઉપર જરૂર પહોંચી શકીએ છીએ કે— (૧) પ્રગતિશીલ સાહિત્ય-આંદોલનમાં માર્ક્સવાદી જૂથની જવાબદારી રોજબરોજના આંદોલન પરત્વેની રહેવા છતાં, સાહિત્ય ક્ષેત્રે આ જૂથ કદી વર્ચસ્વ ધરાવી શક્યું નથી. (૨) આ માર્ક્સવાદી જૂથ દ્વારા જે સર્જનાત્મક તથા વિવેચનાત્મક સાહિત્ય પ્રગટ થવા પામ્યું છે, તેમાં થોડાક નોંધપાત્ર અપવાદો (ડૉ. જયંત ખત્રીની અનેક વાર્તાઓ, બકુલેશ, સ્વપ્નસ્થ, ૨. સંઘવીની કેટલીક વાર્તાઓ, રવિભાઈ મહેતા તથા ભો. ગાંધીના કેટલાક આલોચનાત્મક લેખો, સ્વપ્નસ્થ તથા ઉપવાસીની કેટલીક કવિતાઓ, ખાસ કરીને સ્વપ્નસ્થનો એક ઘણો જ સાહસખોર અલ્પસફળ છતાં અતિનોંધપાત્ર પ્રયોગ ‘ધરતીને—' તથા કેટલાક અન્ય પ્રયોગો) બાદ કરતાં મોટા ભાગનું વલણ અણઘડ પ્રચાર તરફ વધુ રહ્યું છે; સિદ્ધાંતમાં સાહિત્યમાત્ર માટે કલાતત્ત્વનાં ધોરણો અનિવાર્ય હોવાનું સ્વીકારાયા છતાં, એકંદરે એણે સાહિત્ય-સર્જનનાં ખોટાં મૂલ્યો, ખોટા ખ્યાલો, ખોટી કસોટીઓને ઉત્તેજન આપ્યું છે; પરિણામે તેનાં સારાં તત્ત્વો દ્વારા સર્જનશક્તિને પ્રેરવાના મુખ્ય કર્તવ્યમાં તે નિષ્ફળ ગયેલ છે. (૩) અલબત્ત, સર્વસાધારણ પ્રગતિશીલ વલણે સર્જક તથા વિવેચનસાહિત્યને સામાજિક જાગૃતિ અને હેતુપૂર્ણતા જેવાં વિધાયક તત્ત્વો બક્ષવામાં ફાળો આપ્યો છે, એના તરફ પણ દુર્લક્ષ થવું ન ઘટે. (૪) એકંદર, ગુજરાતી સાહિત્ય ઉપર માર્ક્સવાદની કોઈ સ્થાયી અને તલસ્પર્શી અસર થઈ નથી. ગુજરાતી સાહિત્યનો સર્વસાધારણ ઝોક કદી વર્ગ-દૃષ્ટિને અપનાવતો થયો નથી; વિવેચનમાં ઐતિહાસિક ભૌતિકવાદી દૃષ્ટિનો પુરસ્કાર થયો નથી.

ઉપસંહાર

આપણે જોઈ ગયા કે,—૧. માર્ક્સવાદની અસર આપણા સાહિત્ય ઉપર (અને ભારતની મોટા ભાગની ભાષાઓના સાહિત્યમાંય) અમુક સમય માટે સારા એવા પ્રમાણમાં હતી. ૨. તે ઝડપભેર ઓસરી ગઈ (બીજી ભાષાઓમાં વધતી ઓછી ઝડપે) ૩. અંતે આજે તો, નષ્ટપ્રાય બની ગઈ છે (બીજી ભાષાઓમાં—ખાસ તો, ઉર્દૂ હિંદીમાં કેટલેક અંશે હળ જળવાઈ રહી છે). આમ શાથી બન્યું ? જુદા જુદા યુગે જુદાં જુદાં બળોની અસર સમાજ ઉપર થતી હોય છે. તેમાંથી કેટલાંક વ્યાપક અને બલિષ્ટ બળો સાહિત્યકાર ઉપર પણ અસર જમાવતાં હોય છે— સાહિત્યમાં એનો પડઘો અચૂક ઊઠતો જ હોય છે. સાહિત્ય-વિવેચન માટે આ પ્રક્રિયાનો અભ્યાસ મહત્ત્વનો ગણાય. સાહિત્યકાર વા સર્જકની સામેની સમસ્યા કોઈ રાજકીય નેતા વા અર્થશાસ્ત્રી, સમાજસુધારક વા વિજ્ઞાનીના કરતાં અનેકગણા ભિન્ન પ્રકારની હોય છે. કલાકારની સામે બેવડી સૃષ્ટિ હોય છે : એક વાસ્તવતાની, બીજી રહસ્યની; એક ઉપરની સપાટીની, બીજી આંતરિક પ્રવાહોની; એક સમાજ વિકાસનાં સ્થૂળ પરિવર્તનોની, બીજી એની પાછળ રહેલાં મૂલ્યોના વિકાસની; એક ભૌતિક, બીજી આધ્યાત્મિક. આનો અર્થ એ નથી કે આ બે સૃષ્ટિઓ એકબીજીથી વિરોધી છે. બલ્કે, કલાકાર આ બંનેની એકતા દ્વારા જ સર્જકતા સાધી શકે છે. બંનેમાંથી એકનો એ ઇનકાર કરતો નથી. પરંતુ ગણિતની જેમ ભેગાં કરી એકતા સાધી શકતો નથી. આ બંનેના fusion દ્વારા તે જે નવીનતર સૃષ્ટિ રચે છે, તે કલાનું આગવું સર્જન બની જાય છે, જેમાં ‘સત્યમ શિવમ સુન્દરમ્’નું એકત્વ સહજ બને છે; અને તમામ વિસંવાદો ઓગળી જાય છે. આવું, રસાયણ સર્જનની પ્રક્રિયા માટે અનિવાર્ય છે. તત્ત્વદૃષ્ટિએ સર્જનની પ્રક્રિયા ‘અદ્વૈત’ની સાધનાની જ પ્રક્રિયા છે. આવી સર્જન સાધનામાં જ્યાં લગી કોઈ નિશ્ચિત ‘દર્શન’, ‘આદર્શ’, ‘વાદ’, વા અન્ય ‘નિષ્ઠા’ સહાયરૂપ થાય ત્યાં લગી તેને સાહિત્ય સૃષ્ટિમાં આવકાર મળે છે. આ નિષ્ઠા સર્જનની આડે આવે જ આવે, એવો કોઈ અફર સિદ્ધાંત તારવી નહિ શકાય. પરંતુ, ‘દર્શન’, ‘આદર્શ’, ‘વાદ', યા અન્ય નિષ્ઠા જેટલે અંશે abstract સ્વરૂપનાં વધુ, તેટલા પ્રમાણમાં તે ઓછા આડે આવવાની સંભાવના વધુ; અને આવી નિષ્ઠા જેટલી વ્યાપક અને સહજ તેટલા પ્રમાણમાંય આડે આવવાનો ભય ઓછો (ભક્તો અને સંતોની વાણીમાં ઘણી વાર — હમેશાં નહિ — ઉચ્ચકક્ષાનું સાહિત્ય તત્ત્વ દેખાય પણ છે). પરંતુ જેમ જેમ સામાજિક-ભૌતિક આદર્શો (સમાજસુધારો, રાષ્ટ્રીય મુક્તિ, ગાંધીવાદ, માર્ક્સવાદ વગેરે) સાથેની આ નિષ્ઠાની કડી વધુ સીધી તથા તેની સિદ્ધિ માટેની પ્રક્રિયા જેમ જેમ વધુ સ્થૂલ સ્વરૂપની, તેમ તેમ ભય વધુ, એવું જરૂર કહી શકાય. પરંતુ, જીવનદર્શન— નિષ્ઠા, પોતે જ તો સર્જનનું પ્રેરક તત્ત્વ છે. એને કલાસર્જનની આડી આવનારું તત્ત્વ માનવું એ જીવન અને સર્જન બંનેનો ઉપહાસ કરવા બરાબર છે. જેનાથી જાગ્રત રહેવાનું છે તે છે, જીવનદર્શનની સંકુચિતતા, જડતા, ઉપરછલ્લાપણું અને સાહિત્યમાં તેનો સંકુચિત દુરાગ્રહ. જે ‘દર્શન’, જે ‘વાદ', જે ‘નિષ્ઠા’ સંકુચિતતાને અને દુરાગ્રહને પોષનારાં બનવા માંડે છે, તે કલાસર્જનની આડે આવે જ છે. માર્ક્સવાદી જીવનદર્શને ઇતિહાસના વિકાસની સમજણનાં અનેક ઊંડાણો છતાં કર્યાં છે. અંધારા ખૂણાઓ પર અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. આ દર્શન સર્જનનું પ્રેરક તત્ત્વ બની શક્યું છે. પરંતુ આપણે આ નિબંધમાં જોઈ ગયા તેમ, તેની સાહિત્ય-કલા-ક્ષેત્રની વિકૃતિઓનો પાર રહ્યો નથી, અને સર્જન ક્ષેત્રે તે liberating force બનવાને બદલે enslaving force બની બેઠું ! અંતે, આપણે બેધડકપણે એટલું કહી શકીએ કે માર્ક્સવાદ જ શું કામ, કોઈ પણ ‘વાદ' કલા-સર્જનને અણઘડ રીતે સ્પર્શવા જતાં, અને એના ઉપર વર્ચસ્વ ધરાવવાનો પ્રયાસ કરવા જતાં, સર્જનના આત્માને જ ગૂંગળાવી માર્યા વિના નહિ જ રહે.[4]

વિશ્વમાનવ : સપ્ટે. ઑકટો. ૬૬


  1. ૧. સાહિત્યક્ષેત્રે ‘માર્ક્સવાદની અસર'નો વિચાર કરતાં અહીં આપણે કેટલાક મુદ્દાની સ્પષ્ટતા કરી લઈએ :
    એક તો : કેટલાકે ગરીબેાનાં દુ:ખો આલેખ્યાં, કેટલાકે શ્રમિકોની પ્રશસ્તિ ગાઈ, કેટલાકે ધનિકો અને શોષકો સામે રોષ પ્રગટ કરતી કવિતાઓ કે વાતો લખી, કેટલાકે સમાનતાવાદી રામરાજ્યની અભીપ્સા પ્રગટ કરી; તો કેટલાકે ભાવિ સમાજનું આદર્શચિત્ર રજૂ કર્યું, એટલાથી આપણે એના ઉપર માર્ક્સવાદની અસર હતી એમ કહી ન રાકીએ. આવું તો, આદિ સમયથી લખાતું આવ્યું છે, અને ‘યુટોપિયનો' તરીકે વિખ્યાત બનેલા લેખકોએ સામાજિક અન્યાય-શોષણ-દમન સામે અપરંપાર ફટકા વીંઝ્યા હતા; અને એમાંના અનેક માર્ક્સ પૂર્વે જીવી ગયા હતા...
    બીજી વાત : આપણે જ્યારે ‘માર્ક્સવાદની અસર'ની વાત વિચારવા બેઠા છીએ ત્યારે તેને લખનાર જાગ્રત માર્ક્સવાદી છે કે નહિ, તે મહત્ત્વનો સવાલ ન હોવો જોઈએ. કેટલાકને માર્ક્સવાદની કશી જ માહિતી ન હોવા છતાં, તેમણે સમાજજીવનની એવી તસવીર રજૂ કરી હોય છે કે જેમાં આપણને માર્ક્સવાદના જીવનદર્શનનો અર્ક પ્રગટ થયેલો જણાય છે.
  2. ૨. જુઓ આ પુસ્તકનું પૃ. ૮૫.
  3. ૩. ‘સાહિત્ય અને પ્રગતિ’ પુ. ૧.
  4. ૪. ઇન્ડિયન કમિટી ફૅાર કલ્ચરલ ફ્રીડમ અને એશિયન ઑફીસ ઑફ ધ કૉંગ્રેસ ફૅાર કલ્ચરલ ફ્રીડમના ઉપક્રમે મુંબઈમાં તા. ૬ઠ્ઠી તથા ૭મી જૂન ૧૯૫૯ના બે દિવસો દરમ્યાન મળેલ ગુજરાતી-મરાઠી સાહિત્ય સેમિનાર માટે તૈયાર કરેલ નિબંધ.