મિતાક્ષર/માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન


સાહિત્યસર્જનમાંય માર્ક્સવાદ ?

આપણા પ્રતિભાવાન પન્નાલાલે થોડા જ દિવસ પહેલાં કહેલું યાદ આવે છે: “આ તમે ‘પ્રગતિ’ ‘પ્રગતિ' એમ રટ્યૈ રાખો છો તે તમારે સાહિત્યને નાની શી કુલડીમાં રૂંધી મારવું છે કે શું? લખનારાને માટે મજૂર ને ક્રાંતિ ને એવા બે ચાર વિષયો સિવાય કોઈ વિષયો જ ન રહે તો પછી સાહિત્ય જેવું કશું રહેવાનું જ શું હતું?” પન્નાલાલના આ ભયની પાછળ પ્રગતિ અને માર્ક્સવાદ વિષેની તેમની પોતાની ગેરસમજ કાંઈ અપવાદરૂપ નથી. આવા તો અનેક દાખલા આપી શકાય. આ ભયની પાછળ પ્રગતિ અને માર્ક્સવાદની અણસમજ તથા ગેરસમજ બંને છે. અલબત્ત, ગેરસમજ માટે તેઓ એકલા જ જવાબદાર નથી. અધકચરા માર્ક્સવાદીઓએ અતિ ઉત્સાહમાં યા ‘ખોટા-માર્ક્સવાદીઓ’એ અજ્ઞાન અથવા ઇતર હેતુપૂર્વક ઘણી વાર આવી ભ્રામક માન્યતાઓને ઉત્તેજન મળે એવું કર્યું છે. તેઓ અતિ ઉત્સાહમાં ઘણી વાર ભૂલી જાય છે કે, લેખન, સાહિત્યસર્જન એક વિશિષ્ટ કસબ છે. એની પાછળ વર્ષોથી ચાલતી આવેલી સાધના અને પ્રણાલી છે. વળી ઘણી વાર, લાગણીવેડામાં આવી ગરીબ મજૂરની યાતનાઓના ગમે તેવા અણઘડ ચિત્રણને સુંદર સાહિત્ય તરીકે વધાવી લેવામાં આવે છે; અને બીજી બાજુ, બાકીના તમામ વિષયો અને સાહિત્ય તરફ, — જૂના મહાન સાહિત્યસર્જનો સુધ્ધાં પ્રત્યે મૂગી યા વ્યક્ત ઉપેક્ષા દર્શાવવામાં આવે છે. સાહિત્ય અને પ્રગતિ બંનેને માટે આ હાનિકારક છે. માર્ક્સવાદી દૃષ્ટિએ આ વલણ અણઘડતાની જ નિશાની છે. બીજી સિદ્ધાંતચર્ચા આગળ ઉપર છોડી માર્ક્સના રસિયા જીવ તરફ જ નજર કરીએ. માર્ક્સ જગતનો મહાન અને ખડતલ ક્રાંતિકાર હતો. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, રાજકારણ અને અર્થશાસ્ત્રનો પ્રચંડ પંડિત અને સમાજજીવનનાં ક્રાંતિકારી બળોને દ્રષ્ટા અને સંયોજક હતો. પણ સાથે સાથે તે તેની યુવાવસ્થામાં કવિ હતો અને જીવનના છેલ્લા તબક્કા સુધી સાહિત્ય અને કલાનો અચ્છો રસિયો હતો, સચોટ વિવેચક પણ હતો. માર્ક્સના આખા કુટુંબમાં શેક્સપિયર અતિપ્રિય હતો. માર્ક્સ પોતે યુરોપભરના તમામ સાહિત્યનો અભ્યાસી હતો. યુરોપભરની ભાષાઓનો તે ઉસ્તાદ હતો. “તારા સૌથી પ્રિય કવિઓ કોણ?” —ના જવાબમાં એણે કહ્યું : “શેક્સપિયર, એકિલસ અને ગેટે.”— અંગ્રેજી, ગ્રીક અને જર્મન સાહિત્યના ધુરંધરો ! અને એકિલસ તો તે દર વર્ષે મૂળ ગ્રીકમાં વાંચતો ત્યારે જ જંપતો ! માર્ક્સના સાહિત્યજ્ઞાનની સમૃદ્ધિ છક કરે એવી છે. ૧૯૩૭માં મૉસ્કોના આર્ટ પબ્લિશિંગ હાઉસે ‘માર્ક્સ ઍન્ડ એન્ગલ્સ ઑન આર્ટ’ નામનો ૭૦૦ પાનાંનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં માર્ક્સનાં લખાણોમાં ગ્રીક, રોમન, ઈંગ્લિશ, ફ્રેંચ, ઇટાલિયન, રશિયન, સ્પેનિશ અને બીજા અનેક સાહિત્યકારોના ઉલ્લેખો અને ઉતારાનો ગંજ સંગ્રહાયો છે. નર્યા રાજકીય અને આર્થિક વિષય પરત્વેના માર્ક્સના ગ્રંથો — ‘કૅપિટલ’, ‘ધ થિયરી ઑફ સરપ્લસ વૅલ્યૂ’, ‘એ કૉન્ટ્રિબ્યૂશન ટુ ધ ક્રિટિક ઑફ પોલિટિકલ ઇકૉનૉમી' વગેરે ગ્રંથોમાં સુધ્ધાં વિશ્વસાહિત્યકારોના ઉતારા ટાંકી માર્ક્સે તે તે સમયના સમાજની સૂક્ષ્મ છણાવટ કરી છે. માર્ક્સે ‘ક્રિશ્ચિયન આર્ટ’ ઉપર એક ગ્રંથ પણ લખવો શરૂ કર્યો હતો. ઉપરાંત, બાલ્ઝાક ઉપર પણ; તથા ‘ન્યૂ અમેરિકન એનસાઇક્લોપીડિયા' માટે રસશાસ્ત્ર ઉપર લેખ લખી આપવાનું પણ એને જ સોંપાયું હતું. વળી, માર્ક્સ એના જમાનાના કવિઓ સાથે નિકટના સંપર્કમાં રહેતો હતો. માર્ક્સના સાહિત્યપ્રેમની સાથોસાથ એના આજીવન મિત્ર એંગલ્સનું એક જ વિધાન ટાંકું. ૧૮૭૩ના ડિસેમ્બરની ૧૦મીએ માર્ક્સ ઉપરના પત્રમાં તે લખે છે કે—– “શેક્સપિયરના ‘મેરી વાઈવ્ઝ ઑફ વિન્ડસર' ના પહેલા અંકમાં જ એટલું બધું જીવનતત્ત્વ છે કે આખા જર્મન સાહિત્યમાં મળવું મુશ્કેલ છે.” બાલ્ઝાક વિષે પણ તે કહે છે કે “બીજા ઇતિહાસગ્રંથો કરતાં બાલ્ઝાકની નવલોમાંથી મને આર્થિક જીવનની વિગતો વધુ મળી છે.” માર્ક્સ આ વિધાનની પૂર્તિ કરે છે; “બાલ્ઝકમાં સાચા જીવનસંબંધોની ઊંડી સમજ છે.” માર્ક્સનો ક્રાંતિકારી વારસદાર નૂતન સૃષ્ટિનો સર્જન લેનિન સાહિત્ય વિષે શું માનતો હતો અને એણે જગતના મહાન સાહિત્યકારો વિષે શું શું ને કેવું લખ્યું છે તેની અનેક વિગતો જતી કરી ટૂંકાણમાં થોડીક વાતો કહી દઉં. ક્રાંતિના ભીષણ ઝંઝાવાતી જીવનમાં ગળાબૂડ ડૂબેલો લેનિન પણ શેક્સપિયર અને તૉલ્સ્તૉય તથા જગતના સાહિત્યનો અખૂટ રસિયો હતો. પુશ્કિન, ચર્નિશેવ્સ્કી, એમિલ ઝોલા, ગેટે, તૉલ્સ્તૉય અને ગૉર્કી, અપ્ટન સિંકલર અને હેનરી બાર્બુસ એના માનીતા લેખકો હતા. સાઈબીરિયાના નિર્વાસિત જીવનમાં કે લંડનના અભ્યાસી દિવસોમાં તથા જીવનના છેક છેલ્લા દિવસોમાંય તેણે સાહિત્યોપાસના કદી છોડી નથી. માર્ક્સની જેમ એનાં થોકબંધ રાજકીય લખાણોમાં તથા પત્રોમાં રશિયાના અને પરદેશનાં કૂડીબંધ લેખકોના ઉલ્લેખો અને ઉતારા, સાહિત્યકારોની મુલવણી અને પ્રશંસા, ટીકા અને સૂચનાઓ નજરે પડે છે. બેલિન્સ્કી હર્તઝન, ચર્નિશેવ્સ્કી યુસ્પેન્સ્કી, ગૉર્કી, બાર્બુસ, સિંકલર, પ્લેખેનોવ, તૉલ્સ્તૉય વગેરે ઉપરનાં વિગતવાર વિવેચનો હાથ ચડે છે. આ બધાંમાંથી આપણને માર્ક્સ અને લેનિનની સાહિત્ય પ્રત્યેની સૂક્ષ્મ સચોટ દૃષ્ટિ જેવા મળે છે. આ બધું કાંઈ આકસ્મિક નથી; અસંબદ્ધ નથી; માર્ક્સ લેનિનના રાજકીય આદર્શો અને સામાજિક સાંસ્કારિક જીવનથી વિરોધી કે વિસંવાદી નથી. ઊલટી આ જીવનદૃષ્ટિ માર્ક્સવાદની સાહિત્ય પ્રત્યેની ચાવી રૂપ છે. આ ચાવીની પરિશોધમાં સહાયરૂપ એવું માર્ક્સનું નોંધપાત્ર વિધાન આ રહ્યું – “અઢારમી ને ઓગણીસમી સદીના અંગ્રેજ નવલકથાકારોની મેધાવાન જમાતે તત્કાલીન સમાજ વિષે જે રાજકીય અને સામાજિક સત્ય હૂબહૂ અને સચોટ સ્વરૂપે રજૂ કર્યું છે, એટલું તો આજ લગીનાં તમામ રાજકારણીઓ, પત્રકારો અને નૈતિક બોધ આપનારાઓએ ભેગા થઈને પણ નહિ કર્યું હોય.” અને લેનિને તૉલ્સ્તૉયને માટે ઉચ્ચાર્યું હતું: “તૉલ્સ્તૉય તો રશિયન ક્રાંતિનો આયનો છે.” આ લેખકોમાં એવું તે શું હતું જે આવા ક્રાંતિકારીઓને પણ આવી ઊંડી ચોટ લગાવી જતું હતું ? શેક્સપિયર, એકિલસ ને ગેટે જેવાની ગમે તેટલી કિંમત તેમના પોતાના દિવસોમાં હોય, પણ એમને દાયદાઓ અને સદીઓ સુધી યાદ કર્યા કરવા જેવું, ફરી ફરી વાંચવા જેવું તે કયું તત્ત્વ એમનામાં હતું યા છે? માર્ક્સવાદીને મન વળી એવું શું હોઈ શકે ? માર્ક્સને સમજનારાઓમાંનો એક સોવિયેત વિવેચક લિયોનિદ તિમોફેયેવ કહે છે કે— “માર્ક્સના રસશાસ્ત્રની સમજની ચાવીરૂપ વ્યાખ્યા આપવી હોય તો એમ કહી રાકાય કે એની નજર માનવતાવાદી હતી.” માર્ક્સની નજર માનવતાવાદી હતી, એટલે કે માનવીના વિકાસ પર ઠરેલી હતી. માનવીનો વિકાસ અનેક શૃંખલાઓને કારણે રૂંધાતો રહ્યો છે. એ રૂંધામણને દૂર કરવી હોય તો સૌથી પ્રથમ તો માનવીના જીવનની વાસ્તવિક સમજ અનિવાર્ય છે. જીવનની આ વાસ્તવિકતા, તેનું યથાર્થ દર્શન જીવનની ઊંડી સમજ માગી લે છે. કેમ કે માનવીનું જીવન અત્યંત જટિલ છે. માત્ર ફોટોગ્રાફીના જેવું સ્થૂળ ઉપરછલ્લું પ્રતિબિંબ કાંઈ સાચું સ્વરૂપ વ્યક્ત કરી શકે એમ નથી. માનવીનું જીવન યુગે યુગે જેમ વિકસતું ગયું છે તેમ તેમ વધુ ને વધુ જટિલ બનતું ગયું છે. માનવીની એ જટિલતા કાંઈ વ્યક્તિગત જટિલતા જ નથી; એ તો છે સામાજિક જટિલતા એટલે જ માનવીને સમજવા માટે, માનવીના દિલના ભાવો, લાગણીઓ અને આકાંક્ષાઓ ઝીલવા માટે, એનું સુયોગ્ય અને ઉઠાવદાર પાત્રાલેખન કરવા માટે સામાજિક જટિલતાનીય ઊંડી સમજ આવશ્યક છે. સામાજિક વિકાસને સમજ્યા વિના માનવીનું સાચું મર્મભેદી આલેખન શક્ય નથી. “Non-human માનવીની human-man તરફની મજલ એ છે માનવસમાજની મજલ. એટલે કે સામાજિક મર્યાદાઓ અને અડચણો ઉથાપીને માણસ એવી કક્ષાએ જવા મથે છે જ્યાં સામાજિક બાહ્ય સૃષ્ટિ તેના વ્યક્તિજીવનને અવરોધનારી ન હોય પણ પોષક, પ્રેરક અને ઉત્તેજક હોય.” આવા સંગ્રામશીલ માનવીના જીવનની, આવા જટિલ સમાજજીવનની કલામય આલેખના કરનાર સાહિત્યકારો માર્ક્સ-લેનિનને મન મહાન અને ગૌરવભર્યા વારસારૂપ છે. માર્ક્સને મન જે માનવી જીવનનું આ આંતરદર્શન કરાવે છે તે સાહિત્ય વાસ્તવ સાહિત્ય છે, ચિરંજીવી છે. અને એથી જ તો લાસાલ ઉપરના તેના પત્રમાં શેક્સપિયર અને શીલર બંનેની સરખામણી કરતાં માર્ક્સ લખે છે કે “શીલરનાં નાટકો કૃત્રિમ લાગે છે, જ્યારે શેક્સપિયરનાં પાત્રો જીવનનો ધબકારો અનુભવાવે છે.” માર્ક્સે એના જમાનાના એક વિચારક રૂગેને આ જ બાબતની ચર્ચા દરમિયાન લખ્યું હતું : “શેક્સપિયરે જીવનને વફાદાર રીતે અને વાસ્તવપણે રજૂ કર્યું છે; જ્યારે શીલર ગમે તેટલો વિચારક હોય પણ તે તરંગી હવાઈ ફિલસૂફ છે.” માર્ક્સે આ રીતે લેખકના વાસ્તવતા સાથેના સંબંધને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. લેખકો તેમનાં લખાણો દ્વારા સામાજિક જીવનમાં જે ભાગ ભજવે છે તેને તે મહત્ત્વ આપે છે. માર્ક્સ કહે છે કે, લેખકે એના જમાનામાં જે ભાગ ભજવ્યો હોય, એનો અભ્યાસ કરી લીધાથી એનામાંનો રસ પૂરો થઈ જતો નથી; પણ ત્યાંથી તો એ રસની શરૂઆત થાય છે. “ગ્રીક કળા અને મહાકાવ્યો તેના સમયના સામાજિક વિકાસની સાથે જ સંકળાયેલ છે, એ વાત સમજવી કંઈ મુશ્કેલ નથી. મુશ્કેલી તો એ વાત સમજવામાં છે કે તો પછી હજી આજેય શું કામ એ કલા અને કાવ્યો આપણે માટે રસના ઓઘ સમાં બની રહ્યાં છે? એટલું જ નહિ પણ શા માટે આપણે આજેય એમને કેટલેક અંશે કલાના ઉચ્ચ આદર્શરૂપ લેખીએ છીએ?’’ ('એ કૉન્ટ્રિબ્યૂશન ટુ ધ ક્રિટિક ઑફ પોલિટિકલ ઇકૉનૉમી'.) માર્ક્સ પોતે જ આ સવાલનો જવાબ આપે છે. એ સમજાવે છે કે, એ વાત સાફ છે કે ગ્રીક સમાજમાં કુદરત અને સમાજ પરત્વેની જે સમજ હતી, જે દૃષ્ટિ હતી, એમાં ને આજની દૃષ્ટિમાં કોઈ કશો મેળ નથી, એ વખતની દેવ-દેવીઓની કલ્પનાઓ, ચમત્કારોની સૃષ્ટિ સાથે આજના વૈજ્ઞાનિક યુગનાં રેલવે, તાર ને વીજળિક બળોને કશો સંબંધ નથી. હોમરના મહાકાવ્ય ઇલિયડનો જમાનો અને આજનો વીજળી અને વરાળનો જમાનો એ બે વચ્ચે કાંઈ સરખાપણું નથી. આમ છતાં, ગ્રીક કલા અને કાવ્યોની રસશક્તિ એના જમાનાથી ખૂબ દૂરના ભવિષ્ય લગી પહોંચવા સમર્થ બની છે, એનું કારણ એમાં રહેલી યુગોયુગોને સાંધતી માવનતારૂપ કડી છે. એ શક્તિને જોરે એક કલાસર્જન દૂરના ભવિષ્ય સુધી એની પ્રતિભા વિસ્તારી શકે છે. માર્ક્સ ઉમેરે છે : “માણસ બાલિશ ન બને ત્યાં લગી ફરી બાળક બની શકતો નથી. પરંતુ શું માણસ બાળકના કાલાઘેલા હાવભાવોનો આનંદ મેળવી નથી શકતો ? એણે શું એ આનંદને વધુ ઉચ્ચ ભૂમિકા પર પુનર્જીવિત કરવા પ્રયત્ન ન કરવો જોઈએ?” “માનવીના સામાજિક શૈશવમાં જ તો માનવીએ અત્યંત રૂપાળો એવો વિકાસ સાધ્યો છે; એ યુગ ફરી કદી પાછો આવવાનો નથી એ વાત પણ સાફ છે; પણ શા માટે એનું ચિરંજીવી આકર્ષણ ન હોઈ શકે?”

*

એક બાજુ, સંકુચિત ‘સામાજિક દૃષ્ટિબિંદુ’ને અને બીજી બાજુ ‘સમાજથી પર અને અલિપ્ત એવી કલાની દૃષ્ટિ’ને માર્ક્સનો આ ફટકો છે. માર્ક્સના દૃઢ મત અનુસાર સમાજમાંથી જ, એનો રંગ લઈને જ, કોઈ પણ કલાકૃતિ જન્મે છે, ને એને સામાજિક મૂલ્ય એ રીતે અર્પે છે; પરંતુ સામાજિક મૂલ્યની દૃષ્ટિએ કૃતિ બીજા જમાના માટે ગમે તેટલી ‘જૂની' થઈ ગઈ હોવા છતાં એની રસશક્તિ ચાલી જતી નથી. આથી કરીને તે, ગ્રીક મહાકાવ્યનો નાયક પ્રોમેથિયસ જગતની તવારીખમાં એક અત્યંત પ્રિય નાયક બની રહ્યો છે. એ કલ્પનાના પાત્ર પૂંઠે તો સંગ્રામશીલ માનવવીર્યની ભાવના છે. કોઈની આગળ ઝૂક્યા વિના, ઔદાર્ય અને સૌન્દર્યમયી એ મૂર્તિ પોતાના સંકુચિત સ્વાર્થોને તિલાંજલિ આપી જનહિતને અર્થે ઝૂઝે છે, એમાં આઝાદી માટે મથતી માનવતાની ભવ્યતાનું દર્શન છે. માર્ક્સ એને અંજલિ આપતાં લખે છે કે— “તત્ત્વજ્ઞાનની તવારીખમાં પ્રોમિથિયસ એક ઉમદામાં ઉમદા સંત અને શહીદ થઈ ગયો છે.” આજે આ વીરપુરુષનું દૈવી તત્ત્વ આપણને જરાય માન્ય ન હોય પણ એનું વીર્ય તો આપણને પ્રેરણા પાય તેવું છે. એ તો સાવ સાદી વાત છે કે રામાયણ અને મહાભારતના જમાનાના બનાવોને આજે આપણે એવા ને એવા સાચા બનેલા બનાવો તરીકે સ્વીકારી શકતા નથી. એના ચમત્કારો અને એની અતિશયતાઓને બાદ કર્યા વિના આપણે રહી શકતા નથી. વળી એમાં વર્ણવેલા અનેક પ્રસંગોની ન્યાયશીલતા માટે પણ આપણે સાશંક થઈએ છીએ. એ વિચારસરણી અથવા તો એ સમયના અન્ય આદર્શો વિષે આપણે અસંમત થઈએ તોય એ બધું આપણા રસાસ્વાદમાં આડે નથી આવતું. ઘણી વાર એવુંય બને છે કે રામાયણકાર યા મહાભારતકારે આલેખેલા બનાવોનો અર્થ આપણે તેના મૂળ લેખકથી જુદો પણ કરીએ છીએ. શકુંતલા, દ્રૌપદી કે સીતામાં આપણે નવો ભાવ આરોપીએ છીએ; અથવા કોક વાર તો એમ પણ બને છે કે, લેખકે એના સમયને સ્વાભાવિક એવી રસવૃત્તિઓથી પ્રેરાઈને કરેલી હાસ્ય યા કરુણની આલેખના આપણે માટે એ જ સ્વરૂપમાં એટલી અસરકારક નથી નીવડતી, એમ છતાંય એનો રસાસ્વાદ કરવામાં બાધ નથી આવતો. અમેરિકાનો શ્રમજીવી સાહિત્યકાર જોસેફ ફ્રીમૅન મહાન સંગીતજ્ઞ બેથોવનના Appassionataની વાત કરતાં-કહે છે કે, “બેથોવનને એ સંગીત-કાવ્ય સર્જવા પાછળ જે કારણો હતાં તે આજે અસ્તિત્વમાં ન હોય; છતાં બીજી કોઈ એવી ચીજ આપણામાં એવા જ પ્રકારનો આવેગ તથા મનોભાવ જગાવી શકે છે. સંગીતમાં આપણે એ મનોભાવને મહત્ત્વ આપીએ છીએ.” માર્ક્સવાદ આ બધામાંથી એક જ વાત બહાર આણે છે : સાહિત્ય યા કલાની શક્તિ માનવતાના વાસ્તવિક આલેખનમાં રહેલી છે. એટલે કે, માનવી જે જમાનામાં જે અનુભૂતિ કરે છે તેનું વાસ્તવ આલેખન સાહિત્ય યા ક્લાસર્જનમાં સૌથી મહત્ત્વનો ગુણ છે. આવી, વાસ્તવતાના સ્રોતમાંથી પ્રકટેલી માનવતામયી રસદૃષ્ટિ ભૂતકાળનાં ભવ્ય સર્જનોનો સાચો આસ્વાદ કરવાની આપણને શક્તિ આપે છે.

જેમ પ્રાચીન સર્જકો તરફની માર્ક્સ-લેનિનની દૃષ્ટિ વાસ્તવલક્ષી છે, તેવી જ રીતે નવા અને સમકાલીન લેખકો પ્રત્યેની પણ. લેનિને એના અનેક સમકાલીનો વિષે વિગતે વિવેચના કરી છે એ બધીમાં ઊતર્યા વિના જેના ઉપર ખુદ રશિયામાં બેશુમાર ચર્ચાઓનો ગંજ ખડકાયો હતો તે મહાન તૉલ્સ્તૉય વિષેનાં લેનિનનાં વિવેચનો જોઈશું તો તેની વિવેચક દૃષ્ટિનો સારો એવો પરિચય મળી રહેશે. અહીં આપણને અધકચરા માર્ક્સવાદીઓએ જડ નિયમોને વશ થઈ કરેલાં ઉતાવળાં વિધાનો અને લેનિનની આર્ષ દૃષ્ટિનો પરિપાક મળશે. મહાન રૂસી ચિંતક પ્લેખોનોવે જ, જેમ કે, તૉલ્સ્તૉયને આથમતી ઉમરાવશાહીનો પ્રતિનિધિ કહ્યો હતો; અને તૉલ્સ્તૉયવાદને વિકસતા નવા મૂડીવાદ સામેના ઉમરાવશાહીના આર્થિક પતનના પ્રત્યાઘાતરૂપે ઓળખાવ્યો હતો. જે તૉલ્સ્તૉયને એક મહાન માનવતાવાદી પ્રતિભાવાન વ્યક્તિથી વધારે સમજતા નથી એમના કરતાં આ સમજણ વધુ પક્વ કહેવાય. પરંતુ તૉલ્સ્તૉયને તેના જન્મગત વર્ગનો પ્રતિનિધિ કહી નાખવામાં તો માર્ક્સવાદની વિકૃત સમજ રહેલી છે. લેનિને તૉલ્સ્તૉયના સમગ્ર ઘડતરને સમજીને વિવેચન કર્યું છે. ૧૯૦૮માં લેનિને ‘તૉલ્સ્તૉય : રશિયન ક્રાંતિનો આયનો’ નામક લેખ લખ્યો; ૧૯૧૦માં ‘તૉલ્સ્તૉય અને આધુનિક મજૂર આંદોલન’ ઉપર લખ્યું; અને ૧૯૧૧માં ‘તૉલ્સ્તૉય અને તેનો યુગ’ નામક ત્રીજું વિવેચન લખ્યું. આ નિબંધો તૉલ્સ્તૉયને જ સમજવામાં નહિ, પણ કોઈ પણ મહાન સર્જકને સમજવાની માર્ક્સવાદી ચાવીરૂપ છે. તૉલ્સ્તૉયનો જમાનો એટલે ૧૮૬૧થી ૧૯૦પનો સમય. આ વચગાળા પૂર્વે અને પછી એણે લખ્યું જ નથી એમ નથી; પરંતુ તૉલ્સ્તૉય મહાન વિચારક અને સર્જક તરીકે આ દરમિયાન આગળ આવ્યો છે. આ સમય એટલે ‘અના કેરેનિના'ના મુખ્ય પાત્ર લેવિનના શબ્દોમાં કહીએ તો “ઊંધુંચત્તું કરનારો જમાનો”. જૂનો ઉમરાવશાહી જમાનો ઊંધો વળી રહ્યો છે; ખેતગુલામની પ્રથા તૂટી રહી છે અને એને સ્થાને નવો મૂડીવાદી સમાજ માથું ઊંચું કરી રહ્યો છે. તૉલ્સ્તૉય અંદરથી સડી ઊઠેલા અને જીર્ણ બની તૂટી રહેલા ઉમરાવશાહી જમાનાની કારમી વાસ્તવિકતાઓ આલેખે છે; દમન અને શોષણ સામે, પ્રચલિત સમાજવ્યવસ્થાના હિંસક પાયા સામે, તેની અર્થપદ્ધતિ અને રાજ્યવ્યવસ્થા સામે, ડોળઘાલુ સામાજિક નીતિ ને દંભી ધાર્મિકતા સામે તે ચિત્કાર કરી ઊઠે છે તે તમામ દંભી પડદાઓને ચીરી નાખી અપાર જોખમ વહોરી લે છે. આ જ તૉલ્સ્તૉય જ્યારે એમાંથી માર્ગ ચીંધે છે, ત્યારે તેને ઊગતા મૂડીવાદની ભીષણતાઓ દેખાય છે ને તે અકળાઈ ત્રાસી ઊઠે છે. જૂનો સમાજ તેનાથી સહેવાતો નથી, નવો જે આવી રહ્યો છે તેય ખમાતો નથી; અને તે તરંગી બને છે. પોતાના મનનું એવું ‘રામરાજ' ખડું કરવા તે ઝંખે છે જ્યાં જમીન પર કોઈની માલિકી ન હોય, ક્યાંય કોઈનું શોષણ ન હોય. પરંતુ શોષણરહિત સમાજનો વૈજ્ઞાનિક માર્ગ તેને માન્ય નથી. સામાજિક ક્રાંતિકારી બળોની તેને સમજ નથી. પરિણામે તૉલ્સ્તૉય એક ‘વિરોધાભાસ' સમો દેખાય છે. આ વિરોધાભાસ શાથી? લેનિન એનો જવાબ આપતાં કહે છે કે, તૉલ્સ્તૉયનો આ વિરોધાભાસ કાંઈ આકસ્મિક નથી, ઓગણીસમી સદીના છેલ્લા ભાગમાં રશિયાની અંદર જે વિરોધાભાસો વિસ્તર્યાં હતા તેનું એ પ્રતિબિંબ છે. હજી ગઈ કાલે જ લૂંટારું ઉમરાવશાહીની પકડમાંથી છૂટેલ ખેતગુલામ નવા મૂડીવાદના અને નૂતન આર્થિક તંત્રોના પંજામાં ઝડપાઈ લૂંટાઈ રહ્યો હતો. ખેડૂતનું વર્ષોવર્ષનું આર્થિક જીવન પુરવેગે છિન્નભિન્ન બની રહ્યું હતું. આવે વખતે આ લાખો રશિયન ખેડૂતોની લાગણી વ્યક્ત કરનાર, એમનું માનસ રજૂ કરનાર તૉલ્સ્તૉય હતો. એણે એના યુગના સામાજિક સત્યને રજૂ કર્યું ને એ મહાન સર્જક બન્યો. તૉલ્સ્તૉયે વિરાટ કિસાન જનતાના દિલમાં જામેલી આગ અને ધિક્કાર, જૂનાં બંધનોમાંથી છૂટવાની તમન્ના અને નૂતન જીવન માટેની ખેવના રજૂ કરી છે; સાથે સાથે એ જ વિરાટ માનવતાની અંદર રહેલી અપક્વ સમજ, તરંગિતા, રાજકીય તાલીમનો અભાવ અને ક્રાંતિકારી બળોની અણપિછાન પણ તેણે રજૂ કરી છે. પ્લેખેનોવ તથા જડ સમાજવાદીઓ કહે છે તેમ તૉલ્સ્તૉય તેના ઉમરાવશાહી વર્ગના સ્વાર્થોનું કે માનસનું પ્રતિબિંબ નથી પાડતો; તૉલ્સ્તૉય તેના જન્મગત વર્ગનો પ્રતિનિધિ બની આગળ નથી આવતો; પણ વિરાટ કિસાન જનતાના ધૂંધવાટને તે રજૂ કરી જાય છે. એનો ઉકેલ તરંગી છે અને એ રીતે પ્રત્યાઘાતી છે, છતાં સામાજિક વાસ્તવ આલેખનને પ્રતાપે તે “રશિયન ક્રાંતિનો આયનો” બની શક્યો; અલબત્ત, ગૉર્કીની જેમ “રશિયન ક્રાંતિનો મશાલચી” નહિ. લેનિન કહે છે કે, તૉલ્સ્તૉયની વફાદારી સામાજિક દૃષ્ટિએ દુઃખકર ગણાય; પરંતુ એ વફાદારી વિના એને આટલી ઉગ્ર લાગણી, ઊર્મિ, નિષ્ઠા, તાજગી, સચ્ચાઈ અને અજંપાની લાગણી લાધી ન હોત. અંતે, એની કલામય સર્જનશીલતાને અંજલિ અર્પતાં લેનિન લખે છે— “‘અના કેરેનિના' અને લોકકથાઓનો સર્જક ક્રાંતિ પૂર્વેના પુરાણા રશિયાનું, જે રશિયા ૧૮૬૧ પછી પણ અર્ધ-ખેતગુલામ રહ્યું હતું, ને જે જમીનદારો અને ખેડૂતોનું ધામ સમું હતું, તેનું આલેખન કરે છે. રશિયાના આ ઐતિહાસિક જીવનનું આલેખન કરનાર તૉલ્સ્તૉયમાં એની કૃતિઓ દ્વારા અનેક સમસ્યાઓ રજૂ કરવાની તથા ઉચ્ચતમ કલાની ટોચે પહોંચવાની એટલી તો શક્તિ હતી કે તેના ગ્રંથો જગતનાં સર્વોચ્ચ લલિત સાહિત્યસર્જનોમાં અગ્રણી સ્થાન પામ્યા છે. રજવાડાશાહીની ધૂંસરી નીચે ચગદાતા એક રાષ્ટ્રમાં ક્રાંતિની તૈયારીઓના સમયનું તૉલ્સ્તૉયે, તેની મહાન મેધાને પ્રતાપે, જે આલેખન કર્યું છે તે તો માનવતાના કલાત્મક વિકાસમાં એક આગેકદમ બની ગયેલ છે.” લેનિનનું આ મૂલ્યાંકન એ વાત સ્પષ્ટ કરે છે કે કોઈ પણ મહાન કલાકાર જનતાને પોતાથી, અને પોતાને જનતાની સમસ્યાઓથી દૂર રાખી શકે જ નહિ. “કોઈ પણ મહાન સર્જકનાં સર્જનોમાં તેના જમાનાની ક્રાંતિનાં અમુક મહત્ત્વનાં અંગો પ્રતિબિંબિત થયા વિના રહેતાં નથી.” (લેનિન) લેનિન બીજી જે વાત ઉપર ભાર મૂકે છે તે એ છે કે જે કાંઈ સામાજિક સત્ય કલાકાર જુએ છે તેને વફાદારી અને નીડરતાપૂર્વક તેણે રજૂ કરવું જોઈએ.

આ કક્ષાએ આપણે “સામાજિક વાસ્તવતા” અને “સામાજિક સત્ય' તરફ વળવું જરૂરી બને છે. સૌથી પહેલી સ્પષ્ટતા એ કરી લેવાની કે માર્ક્સ-લેનિન વાસ્તવતાને સર્જનશીલતાનો પ્રાણવાયુ લેખે છે, એનો અર્થ કે તેઓ કલ્પનાશીલતાના વિરોધી છે? એમ હોત તો, આપણે આગળ જોઈ ગયા તેમ, કલ્પનાભરપૂર ગ્રીક સાહિત્યની તેઓ આટલી કદર કરી શક્યા જ ન હોત. માનવીની મુક્તિની મથામણોને તથા તેના સુભગ ભાવિને રજૂ કરનારી કલ્પનાશીલતાનો તે આદર કરે છે. કલાસર્જનમાં તેને અત્યંત આવશ્યક લેખે છે. ક્રાંતિકારી દૂરંદેશી અને કલ્પનાશીલતાનો તો સર્જનનાં આવશ્યક લક્ષણો છે. આ લક્ષણો વાસ્તવિકતાનાં લેશમાત્ર વિરોધી નથી... એથી ઊલટું, કેટલાક તરંગો અને કેટલીક કલ્પનાઓ માણસને તેની મુક્તિ-જેહાદ ભણી લઈ જવાને બદલે ઘેનની ગરજ સારી અવાસ્તવિક સૃષ્ટિમાં રૂંધી રાખનાર નીવડે છે, તેવી કલ્પના અને તેવી ફિલસૂફીના માર્ક્સ-લેનિન સખત વિરોધી છે. વાસ્તવતાના આંતરિક સ્વરૂપનું દર્શન કરતાં આપણે આવા તરંગીઓનો સામનો કરવો જ પડશે. આપણે જે જોઇએ છીએ, અનુભવીએ છીએ, અને ભોગવીએ છીએ તેના તરફ ઉપેક્ષા કરી એમ કહેવા લાગીએ કે ‘ના, આ જોઈએ છીએ તે તો મિથ્યા છે; તે તો માયા છે; તે તો આભાસ છે; પરંતુ, મારા મનમાં જે છે તે જ સત્ય છે;' તે વિચારકને આપણે તરંગી જ કહેવો રહ્યો. ગામડાનું જીવન આપણે જેવું જોઈએ છીએ તેવું આલેખીએ, પણ આપણે આપણા મનના તરંગો અનુસાર અનેક ગુણોનું એમાં આરોપણ કરી આલેખન કરીએ તો તે તરંગી આલેખન જ થશે. બાહ્ય સૃષ્ટિને મિથ્યા ગણીને આપણે સત્યનું અન્વેષણ નહિ કરી શકીએ; પણ બાહ્ય સૃષ્ટિને પાયા તરીકે સ્વીકારી લઈને જ તેના ભીતરનું સત્ય શોધવા મથવું જોઈએ. એટલે કે આપણે ગામડાનું જીવંત ચિત્ર આલેખતાં તેની બાહ્ય સૃષ્ટિના પાયા ઉપર આંતરિક સત્ય જોવાના પ્રયત્ન કરવો જોઈએ. આપણા યુગમાં આ સામાજિક વાસ્તવતા અને સામાજિક સત્યનું સ્વરૂપ શું છે? આપણી સામે હજારો વ્યક્તિઓ અને ઘટનાઓ હયાત છે. આપણે નવલકથા, વાર્તા, નાટક કે કવિતા લખવા બેસીએ છીએ ત્યારે શા માટે અમુક જ ચીજો, વ્યક્તિઓ કે ઘટનાઓને ઉઠાવી અમુક જ પ્રકારના રંગે રંગીને રજૂ કરીએ છીએ ? આપણી આ પસંદગી પાછળ કયું તત્ત્વ રહેલું છે? દરેક લેખક જુદી જુદી પસંદગી કરે છે એટલું જ નહિ પણ, એ દરેક જુદી રીતે રજૂ પણ કરે છે. આ પસંદગી અને આ રજૂઆતમાં લેખકની પોતાની સામાજિક સત્યની સમજણની કસોટી રહેલી છે. આપણે ત્યાં, જ્યારે પન્નાલાલ કે શરદબાબુ ગામડાંનું જીવન જેવું દેખાય છે તેવું રજૂ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે એ જીવનની સારીનરસી બંને બાજુનું લગભગ નગ્ન ચિત્ર રજૂ કરે છે. સત્ય અને વાસ્તવતાનો પરિચય આપણને અહીં મળે છે. ગામડાંમાં ઉદારતા, શુચિતા અને સાદાઈ છે; ગામડાંમાં દંભ, દુષ્ટતા ને ગંદકીય છે. ધૂમકેતુ માત્ર એક જ વાતને આગળ કરે છે, એ કારણે નહિ, પણ તેઓ જે રજૂ કરે છે તે જ વાસ્તવતા નથી; એમણે જે ‘સત્ય' રજૂ કર્યું છે તે અધૂરું સત્ય નહિ, પણ પોકળ સત્ય—અસત્ય છે. ત્યારે પન્નાલાલ અને શરદબાબુ પોતપોતાની નોખી અને અનોખી શૈલીમાં ત્યાંના જીવનનું વાસ્તવ ચિત્ર આલેખે છે, આટલે અંશે આ લેખકો સત્યની વધુ સમીપ છે. જોકે, સામાજિક સત્ય તો હજી વધુ ગહરું છે. ગામડાંનું જીવન જે દેખાય છે, એની પાછળનાં બળો, કારણો અને તત્ત્વોની સમજ એ ગહરા સત્યની વધુ નજદીક લઈ જાય છે. ગામડાંમાં તો જમીનદારો ને મુખી તલાટીઓ છે, ખેડૂતો ને હાળી મજૂરો છે, શિક્ષકો ને વેપારીઓય છે. ગામડાંના જીવનની વિશિષ્ટ આર્થિક-સામાજિક ઇમારત છે, જેમાં આ તમામ વર્ગો ને સમૂહો તેમનો ચોક્કસ એવો ફાળો આપે છે. ગ્રામજીવનના વિકાસમાં કે એના વિનાશમાં આ તમામ બળો જાણ્યેઅજાણ્યે ફાળો આપે જ છે. જે નજર આ જાણ્યાંઅજાણ્યાં બળોને ઓળખી કાઢી સમજે છે ને જે કલમ એ બળોની લાક્ષણિકતા પકડી તેનું યથાર્થ આલેખન કરે છે, તે દૃષ્ટિ ને તે કલમ સત્યપારખુ બને છે. જે આંખો ગ્રામજીવનનું આંતરદર્શન કરવામાં જેટલે અંશે ભોંઠી પડે છે તેટલે અંશે તે માત્ર બાહ્ય આલેખન કરી, એટલે કે અધૂરુ યા છીછરું આલેખન કરી, બેસી જાય છે.

(૧૯૪૪ : ‘સાહિત્ય અને સંસ્કાર' ગ્રંથ)