મિતાક્ષર/પશ્ચિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ અને સાહિત્યમાં તેની મથામણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પશ્ચિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ અને સાહિત્યમાં તેની મથામણો * [1]


આજના અણુયુગમાં મુખ્યતઃ પશ્ચિમના સમાજોમાં વ્યક્તિગત અને સામાજિક જીવનનું એકે એવું અંગ બચવા પામ્યું નથી, જ્યાં જીવનમૂલ્યોની ન્યૂનતા વ્યાપક બન્યા વિના રહી હોય. માનવીનાં સમગ્ર ચિંતન, અનુભૂતિ અને વ્યવહારમાં આ શૂન્યતા જુદા જુદા આકાર-પ્રકારે પ્રગટ થઈ રહી છે. ત્યાંના વ્યવહાર-જીવન તરફ દૃષ્ટિક્ષેપ કરતાં સૌથી આઘાતજનક હકીકત એ નજરે પડે છે કે આજના અતિકેન્દ્રિત આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે વ્યક્તિ-માનવ લગભગ અદૃશ્ય થયો છે, રહી ગયો છે જૂથમાનવ (organization man). એના દૈનંદિન જીવનનાં કાર્યો અને કર્તવ્યોનો સમસ્ત વ્યવહાર સામૂહિક વ્યવહારનો કેવળ અંશ છે, એટલું જ નહિ પરંતુ સામૂહિક વ્યવહાર જ મોટે ભાગે એની દિશા અને ગતિ નક્કી કરી આપે છે; અને વ્યક્તિનું સ્થાન પોતે જ જેનું સર્જન કર્યું છે તે ઉપાદાનોના ચેતનામય સંચાલક તરીકેનું રહેવાને બદલે એ ઉપાદાનોથી સંચાલિત જડ પદાર્થ(object) તરીકેનું બની ગયું છે ! દા. ત. આર્થિક ઉત્પાદનના બજારમાં વ્યક્તિ-માનવ બજારુ ‘ક્રયવસ્તુ' (commodity) બન્યો છે, ને રાજકારણી-વહીવટી તંત્રમાં તેનું સ્થાન કેવળ ઔપચારિક કર્તૃત્વ પૂરતું જ સીમિત બની ગયું છે. બલ્કે, આજનો વ્યક્તિ-માનવ જંગી યંત્ર-તંત્રના ઉપયોગ માટેનું સાધનમાત્ર બની રહ્યો છે. જડવસ્તુઓ, ઢાંચાઓ, સંગઠનો એટલે કે આકારો (forms)નું જીવન ઉપર, ચેતન ઉપર એવું તો વર્ચસ્ જામી રહ્યું છે કે માનવી ચેતનાનો શ્રેષ્ઠતમ આવિષ્કાર હોવાની હકીકત જ જાણે વીસરાઈ થઈ છે. જાણે કે કર્તાનું objectification(એટલે કે પદાર્થીકરણ) થયું છે. ટૂંકમાં, જ્ઞાતા જ્ઞેયની સ્થિતિમાં હડસેલાઈ ગયો છે. પરિણામે, પોતાના જીવનને સીધી યા આડકતરી રીતે, છતાં નિર્ણાયક રીતે અસર કરનારી ઘટનાઓની બાબતમાંય માનવીને પોતાને હસ્તક ભાગ્યે જ કશી નિર્ણાયકતા રહેવા પામી છે. મોટે ભાગે તો પોતાથી અળગાં, પોતાના કાબૂ બહારનાં પરિબળોએ નિર્ધારિત કરેલા નિયમો, સારાસાર વિવેકો અને શુભાશુભ મૂલ્યોનો બોજ ઉઠાવી, પોતે કઈ મંજિલ કાપી રહ્યો છે, શાને માટે આટલો ચંચલ અને ઉદ્યત બન્યો છે—કશાની સ્પષ્ટ જાણકારી કે સમજણ વિના તે સંજોગાનુસારી કૃત્રિમ પ્રતિકાર પ્રેરિત—(conditioned reflex) પ્રાણીની જેમ બાહ્યસંચાલિત બન્યો છે. વળી સમૂહગત જીવન જીવવા છતાં તે એકલવાયો છે. સમૂહ સાથેનો એનો સંબંધ પરાયાપણાનો જ રહ્યો છે, એટલું જ નહિ, સ્વયમ્ આવેગ અને સૂઝથી મોટે ભાગે કશું જ કરી શકતો ન હોઈ કોઈ પ્રવૃત્તિ કે વ્યક્તિ સાથેય તે પોતાપણું, જીવંતપણું, આત્મીયતા અનુભવી શકતો નથી. આથી પણ આગળ વધી અવલોકન કરીએ તો જણાય છે કે જે કુદરતના એક અંશ તરીકે તે જન્મ્યો છે ને ઊછર્યો છે તે કુદરત અને જે વિશ્વ (universe)માં તે આવડો ઉત્પાત મચાવી રહ્યો છે તે વિશ્વ સાથેય આજનો અણુયુગી માનવી અનાત્મીય બની ચૂક્યો છે. માનવીના આ સર્વાંગી અનાત્મીકરણ(alienation)ની પ્રક્રિયાએ એટલી હદે તેનું અમાનવીકરણ (dehumanization) કર્યું છે કે એક બાજુ અણુયુદ્ધની સર્વસંહારક શક્યતાનો ભય કે વાસ્તવમાં થઈ રહેલી લાખોની કતલ, કરોડોનું શોષણ, અબજોની યાતનાઓ, અજસ્ર અન્યાય અત્યાચારોનો ધોધ—કશાથી ભાગ્યે જ તે હાલી ઊઠે છે (અને હાલી ઊઠે તોય મહદ્ અંશે તે નિઃસહાય જેવો હોય છે !) તો બીજી બાજુ કુટુંબ, પડોશી અને ઇતર નૈસર્ગિક સંબંધોની ઉષ્મા પણ તે શુદ્ધ સ્વરૂપે અનુભવી શકતો નથી. આમ, તમામ ક્ષેત્રે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના તંતુનો લોપ થઈ રહ્યો છે, ને વ્યાવસાયિક (occupational) સંબંધ જ સર્વોપરી બન્યો છે. દા. ત. માણસનો પરિચય –આ દાક્તર છે, આ વકીલ છે, આ અધ્યાપક, કારકુન, કામદાર કે મૅનેજર છે—એટલામાં જ સમાઈ જાય છે. આ વ્યાવસાયિક સંબંધની વિશેષતા જ એ છે કે તે માનવીની અખંડિતતાને, સમગ્રતાને સ્પર્શવાને બદલે તેને આંશિક રીતે અને ઉપરની સપાટીએ જ સ્પર્શે છે અને એના વ્યક્તિત્વના ટુકડા પાડી દઈ એના એવા જ અંશને અપનાવે છે કે જે ઉપયોગિતા(utility)ની દૃષ્ટિએ જ આવશ્યક હોય. પરિણામે આપણે જોઇએ છીએ તેમ વ્યક્તિનું મૂલ્ય એનાં માનવીય લક્ષણોમાં નહિ, પરંતુ એના ઉપયોગિતાવાદી(દાક્તરપણું, અધ્યાપકપણું, વ્યવસ્થાપકપણું) ગુણમાં એટલે કે વ્યવહારુ કૌશલ્યમાં લેખાતું થયું છે. સામેથી વ્યક્તિ પણ બીજાઓના એ અભિપ્રાયો તથા તેમની જરૂરિયાતોને વધુમાં વધુ અનુકૂળ થઇ પોતાની સફળતા સિદ્ધ કરવા પ્રેરાય છે.[2] બલ્કે અંધસંમતિવાદ (conformism) સલામતીનું શ્રેષ્ઠ કવચ બની ગયું છે. આમ, માણસ માટે પોતાની બાહ્ય કાર્યદક્ષતા જ જ્યારે એકમાત્ર કસોટી બની જાય ત્યારે સ્વયંસંચાલિત યંત્ર(automation)- ની લાગણીવિહીનતા પણ અનુકરણીય ગુણ બની જાય તો તેમાં નવાઈ નથી. વ્યક્તિની આવી સર્વાંશી વ્યક્તિરહિતતા(depersonification) અને નગણ્યતા(invalidation) સમગ્ર જીવનને શૂન્યતાથી ભરી દે છે. આવા શૂન્ય અને વ્યર્થ જીવનમાં માનવીય મૂલ્યેા માટે અવકાશ જ ક્યાંથી રહે? આવી શૂન્યતાજનિત નિર્મૂલ્યતા ધીમા મારક વિષથીય ભયંકર છે.

જીવનની આવી કટોકટીને સમયે અણુયુગી માનવીને પ્રતિકારનું સાધન અને બળ ભાગ્યે જ ક્યાંય દેખાય છે. મધ્યયુગી ધાર્મિક અને શાસ્ત્રોક્ત શ્રદ્ધા આજના અણુયુગી માનવીને કશી જ પ્રેરણા કે આશ્વાસન આપી શકતી નથી; એટલું જ નહિ પણ જ અઢારમી-એગણીસમી સદીમાં પ્રાકૃતિક અને ભૌતિક વિજ્ઞાનનાં સંશોધનને પરિણામે ભૌતિક પરિવર્તનો કાનૂનોની બાબતમાં તેને જે અટળ શ્રદ્ધા જાગી હતી અને ઔદ્યોગિક ક્રાંતિની તથા ફ્રેંચ ક્રાંતિની સિદ્ધિઓએ માનવીમાં બ્રહ્માંડ આખાને બાથમાં લેવાની જે મહેચ્છા પ્રગટાવી હતી તે હવે નામશેષ બની છે. વળી, એ યુગમાં માનવીએ ઈશ્વરના સિંહાસન પર બુદ્ધિવાદ અને તર્કવાદની પ્રતિષ્ઠા કરીને સુગઠિત ન્યાયી સમાજરચનાની જે આસ્થા સેવી હતી તેય હવે ખંડિત થઈ છે. માનવીની મહાનતા—માનવી જ બ્રહ્માંડનું કેન્દ્ર, માનવી જ પ્રગતિની પારાશીશી અને માનવીય બુદ્ધિની સર્વોચ્ચતા—ધાર્મિક શ્રદ્ધા ડૂલ થયા પછીનો આ બીજો આધારસ્તંભ પણ ખખડી ઊઠ્યો છે. બલ્કે, આજે તો ભૌતિક વિજ્ઞાનીઓ પોતે જ ગઈ કાલ સુધી સાચા અને અટલ માનેલા સિદ્ધાંતો અને કાનૂન અંગે શંકાશીલ અથવા નાસ્તિક બન્યા છે. આ ઉપરાંત પણ ભૌતિક વિજ્ઞાનની એક બીજી પાયાની કમજોરી પ્રગટ થઈ છે. કેવળ ભૌતિક પદાર્થના બાહ્ય અને આંશિક અસ્તિત્વને સ્પર્શનારી પ્રયોગાત્મક પૃથક્કરણી(વૈજ્ઞાનિક) પદ્ધતિ માનવીના સમગ્ર આંતરિક ક્લેવર અને સ્વભાવનું દર્શન કરવામાં જ નિષ્ફળ પુરવાર થઈ છે, પરિણામે માનવીના શક્ય વિકાસની બાબતમાં કોઈ નિશ્ચયાત્મકતા અને ભવિષ્યવાક્યતા (predictability) રજૂ થઈ શકે કે કેમ વિશે જ શંકા પેદા થઈ છે. તો વળી, સામાજિક પરિવર્તનની બાબતમાં સ્થિતિ જરાય વધુ આશાસ્પદ નથી. માર્ક્સની ક્રાંતિના અટલ ગણાતા ઐતિહાસિક સિદ્ધાંતો અને કાનૂનનાં પરિણામો જોયા પછી એ ઐતિહાસિક નિયતિવાદ પણ નિષ્ફળ પુરવાર થયો છે, અને ફ્રૉઈડનાં અંતર્યામી મનોવિજ્ઞાન તથા મનેવિશ્લેષણની મર્યાદાઓ જાણ્યા પછી એની સર્વજ્ઞતાનો દાવો પણ ટકી શક્યો નથી. છેક વીસમી સદીના આરંભ સુધી સેવેલી માન્યતા કે આ બધાં ઊગતાં અનિષ્ટોનો ઉપાય હજી વધુ વિજ્ઞાન, વધુ ટેકનોલૉજી, વધુ યંત્રતંત્રમાં રહેલો છે—આ શ્રદ્ધા પણ હવે હાલી ગઈ છે. આમ, ધર્મ, બુદ્ધિવાદ, ભૌતિકવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ક્રાંતિવિજ્ઞાન સૌએ માનવીની રહીસહી શ્રદ્ધાને હચમચાવી દીધી છે. આજના વર્તમાનયુગી આ નાસ્તિવાદ(nihilism) અગાઉના તમામ નાસ્તિવાદ કરતાં વધુ ભયંકર, વધુ જીવલેણ છે. ‘ઓગણીસમી સદીમાં ઈશ્વર મૃત્યુ પામ્યો હતો, અને વીસમી સદીમાં માનવી મૃત્યુ પામ્યો છે’— કટોકટીનું માપ કાઢવુંય શક્ય નથી.

(૧) આજના આવા યુગમાં જો કોઈ સૌથી વધુ વિક્ષુબ્ધ હોય તો તે, પોતાના વિશિષ્ટ વ્યવસાયને કારણે કલાકાર, સર્જક છે. એનું ચિત્તતંત્ર માનવીની અનાત્મીકરણની વધતી જતી પરાકાષ્ઠાનો પડઘો પોતાના સર્જનમાં પાડ્યા વિના રહી શકતું નથી. માનવી જે પરિસ્થિતિમાં ફેંકાયો છે તેમાં આ સર્જક પોતાને સૌથી વધુ નિર્વાસિત, સૌથી વધુ પરાયો અનુભવે છે. પરંતુ તેને એમ પણ લાગે છે કે તેની આ દશાનો કોઈ જ ઇલાજ નથી. માનવી અને એના જીવન વચ્ચેનો આ અનુલ્લંઘ્ય વિચ્છેદ છે.[3] અને એથી માનવીએ સદાકાળ માટે અસંગતિ (absurdity)નો અનુભવ કરવો રહે છે. તેમાંય માનવીની જેટલી ચેતના-સંવિત્તિ વિશેષ તેટલી આ અસંગતિની અનુભૂતિ ક્ષુરધાર, અને અનિવાર્યતયા તેટલી જ ઉગ્રતેની વિરતિ (ennui) (કિર્કેગાર્ડ). આવા કલાસર્જકોની સમસ્યાનું મૂળ તેમની સંવિત્તિમાં છે. તેઓ જાણે છે કે આ સંવિત્તિ માનવીના અસ્તિત્વ સાથે જ સંકળાયેલી છે અને આ ચેતના જ તો માનવીને પસંદગી (choice) તરફ ધકેલ્યા કરે છે! પરંતુ પસંદગી કરવી એ જ તો ભીષણ ઉપાધિ છે. નિર્ણય કરવામાં જ દોષનું અનુસંધાન રહેલું છે. આથી સ્વાતંત્ર્ય શાપ બનીને પોતાને માથે ઠોકાયાનો તે અનુભવ કરે છે અને એનાથી બચવા તે ઝંખેય છે. પરંતુ એની ચેતનાની માત્રા એને ધાર્મિક શ્રદ્ધામાંથી આશ્વાસન લેવા દેતી નથી. ન તો ઠાલાં બૌદ્ધિક આશ્વાસનોથી તેને કશો સધિયારો મળતો. કેમ કે અસંગતિ અપરિહાર્ય છે-એ વિશે એને શંકા નથી. આથી ધર્મ અને તર્કનાં આશ્વાસનોમાં તેને ભાગેડુ-વૃત્તિ દેખાય છે. અને સહજ રીતે જ આત્મહત્યા અને મૃત્યુની સમસ્યા તેની સામે જ ખડી થઈ જાય છે. પરંતુ માનવી આટલા યુગ થયાં, તમામ અસંગતિ છતાં જીવતા આવ્યો છે એ જ તો જીવનનું રહસ્ય અને કારણ નથી શું? બલ્કે એ જ સૂચવે છે કે માનવીએ એના અસ્તિત્વને માટે ઘણી ભારે કિંમત ચૂકવવી જ રહી! માણસે અસંગતિનો સ્વીકાર કરીને સ્વાતંત્ર્યની મર્યાદા સમજી સ્વીકારીને, ‘નિર્વાસિત’ અજાણ્યાની જેમ જીવવું રહ્યું.

  • બલ્કે જેટલી સંવિત્તિની માત્રા વિશેષ એટલી એની યાતના વિશેષ, એટલી એની વિરતિ વિશેષ, એટલી એની સાધના વિશેષ. આમ, અતિજ્ઞાની–શાપિત સહદેવની સ્થિતિમાં આજનો કલાકાર, સર્જક પોતાને અનુભવે છે.

(૨) આવા આ સર્જકને માટે જીવનમાં મૂલ્યનું સ્થાન નથી રહ્યું, દર્દનું જ સ્થાન રહ્યું છે. તે સહન કરવામાં જ જીવનની અથઇતિ માને છે. એ જ તેનો અનિવાર્ય જાગ્રત પુરુષાર્થ છે. એને મન દુ:ખસહન જ જીવનનો પારસમણિ છે. પરંતુ આવી શક્તિ પામવી ક્યાંથી ? એ માટે તો જે દુ:ખનો અનુભવ કરે છે તે સ્થૂળ દેહના પ્રદેશથી દૂર, પર જવું રહ્યું ! એક બીજી જ ચેતનાના શિખર પર પહોંચી જવું રહ્યું – જ્યાંથી તટસ્થ રીતે દેહને અનિવાર્ય અનુભૂતિના એક સાધન તરીકે જોવાનું શક્ય બને. જર્મન મનોવિજ્ઞાની જુંગર આને ghostly second and coldest consciousness તરીકે વર્ણવે છે. યોગીઓ અને અધ્યાત્મવાદીઓએ સ્થિતપ્રજ્ઞતાની આ સ્થિતિને જાણી છે, તે વર્ણવીય છે. તેમના અનુભવ મુજબ, તેવી સ્થિતિમાં દેહથી પર બનેલા જીવાત્મા દેહનાં દુઃખ દેહને સોંપી દઈ તેની લીલા જોતો આનંદ માણે છે. પરતુ અધ્યાત્મવાદીઓ માટે આ એટલા માટે શક્ય મનાયું છે કે તેમનો જીવાત્મા દેહમાંથી બહાર નીકળ્યા છતાં શૂન્યતામાં લટકતો નથી હોતો; પરંતુ પરમાત્મામાં સ્થિત, દૃઢ બન્યો હોય છે. આ આત્મસ્થતા અને આધ્યાત્મિક શ્રદ્ધાના આ કવચને કારણે એમનું દુઃખ નવું વિધાયક મૂલ્ય બને છે જે અંતિમ મુક્તિનો માર્ગ ખોલી આપે છે. પરંતુ આપણા યુગના આ યોગીઓ પાસે તો આધ્યાત્મિક શ્રદ્ધાનું મૂલ્ય નથી. તેમની સ્થિતપ્રજ્ઞતા અને અનાસક્તિનો આધાર શૂન્યવાદ – નાસ્તિવાદ જ છે. એમનો સર્જનનો યોગ કેવળ શૂન્યમાં લીલારૂપે જ પ્રગટે છે. એમની સાધના structureની એકતા પૂરતી જ છે. અને એમનું નિરીક્ષણકેન્દ્ર દૈવી આનંદમય ચેતસ્ નથી પરંતુ ‘પિશાચી ઠંડીગાર ચેતના' છે.[4] (૩) જગતના અનેક સમર્થ સર્જકોએ આ પ્રકારની સમસ્યાનું નિરૂપણ કર્યું છે. [5] આ કલાકારોએ માનવીના રોજિંદા જીવનની બાહ્ય ઘટનાઓ—તેય સાવ સાધારણ અથવા ક્ષુલ્લક—નું બિલકુલ આભૂષણરહિત ઠંડું આલેખન કરીને માનવીના ભીતરની પ્રચ્છન્ન શૂન્યતા પ્રગટ કરી છે.[6] કાફ્કા, સાર્ત્ર અને કામૂએ અત્યંત વેધક રીતે, અસાધારણ કૌશલથી માનવીનું અ-માનવીકરણ અને શૂન્યતાનું આલેખન કર્યું છે. (કાફ્કાનાં Castle, Trial, સાર્ત્રનું Nausea અને કામૂનાં The Outsider, The Plague, The Fall વગેરે આનાં સમર્થ ઉદાહરણો છે.) આ સાહિત્યકારોનાં સર્જનોમાં રજૂ થયેલી ઘટનાઓમાં ઘણી બધી વાર સમય અને સ્થળની મર્યાદાનો સ્વીકાર નથી; તેમાં કોઈ ભૂતકાળ અને ભવિષ્યના ભેદ નથી. પાત્રો પણ કેવળ વર્તમાનની ક્ષણોમાં શારીરિક અસ્તિત્વ ધરાવનારાં હોય છે. એમના અનુભવોમાં પણ સુસંગતતા (coherence) હોતી નથી. કાર્યકારણ સાથે તેઓ કશો સંબંધ ધરાવતાં નથી. સામાજિક લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ ત્યાં નજરે ચડતું નથી; કેમ કે સાંસારિક ભૂમિકા, સમાજવિજ્ઞાનના અનુભવો વા તેની પ્રમાણભૂતતાઓનો ત્યાં સ્વીકાર નથી, પાત્રોની માનસિક ભૂમિકા પૂરતા મનોવૈજ્ઞાનિક અનુભવોનુંય અહીં કશું બંધન. નથી. ઊલટું, કશું જ પરિચિત રહેવા ન પામે, કશું જ ઓળખાય એવું ન રહે તે માટે તે સચિંત રહે છે, માણસ જંતુઓની જેમ વર્તે ને ઘોડાઓ આકારરહિત બની ઊડવા માંડે, કયું પાત્ર ક્યાંનું ક્યાં એક સાથે અનેક રૂપે ને અનેક સ્થળે, આડાઅવળા સંદર્ભમાં જોવા – સાંભળવા મળે! એટલું જ નહિ, એટલી હદે પાત્રોની વ્યક્તિરહિતતા સિદ્ધ કરવામાં આવે કે તેનું નામ સુધ્ધાં લોપ પામે, અને K જેવી એકાક્ષરી સંજ્ઞા જ પૂરતી થાય. વળી દરેક પાત્રને અનેક ચહેરા હોય ને તે બદલાતા રહે; એકબીજામાં ભેળસેળ થઈ જાય – સાચી એળખાણનો પ્રયાસ જ મિથ્યા ગણાય. આથી પણ આગળ વધીને વ્યાકરણ અને શબ્દોના નિશ્ચિત અર્થો પણ સર્જનમાં વિઘ્નરૂપ બને અને એમાંથી છૂટવાના અખતરા થાય. આવા સંદર્ભમાં સ્પષ્ટ અર્થ પણ અશક્ય બને ત્યાં મૂલ્યને શોધવું ક્યાં? બલ્કે અસામાજિકતા, અરાજકતા, અહેતુકતા, નરી સ્વપ્નશીલતા, માંદગી, રોગ અને ગાંડપણની દશા તથા મેસ્કેલિન–સોમાપીલ્સ જેવી મગજને ઉત્તેજનામાં ઉછાળ્યા કરે તેવી ઔષધિઓ આવા સર્જનમાં વધુ ઉપકારક લેખાતી હોય ત્યાં સામાજિક વ્યક્તિના જીવનમૂલ્યની તો ગણના શી? આમ, સર્વ પ્રકારનાં બંધનોમાંથી ફેંકાઈ ગયેલા, સંપૂર્ણ રીતે વિશૃંખલ બનેલો સર્જક એના સર્જન દ્વારા જીવનની અસંગતિને એક બાજુ પ્રગટ કરે છે, ને બીજી બાજુ તેની અંદર રહેલી સૌન્દર્યલક્ષી સંવાદિતા પ્રાપ્ત કરવા મથે છે. કલાકારની આ સાધના કેવળ કલાત્મક ઇમારત માટેની છે. એટલે કે એના કૌશલ્યનું કેન્દ્ર વ્યાવસાયિક (occupational) છે. એની સિદ્ધિ જ એને મન અથઇતિ છે, ત્યાં જીવનમૂલ્યોની તો અપેક્ષા જ શી? અલબત્ત, આ પ્રયોગ દ્વારા કેટલાક પ્રતિભાશીલ કલાકારોએ માનવચેતનાનાં અગાધ નવાં ઊંડાણો ખેડ્યાં છે તે નવાં પરિમાણો રજૂ કરી આંતરસૃષ્ટિનું અસાધારણ નવું દર્શન કરાવ્યું છે, એ નિઃશંક છે. આ રીતે કલાક્ષેત્રે એમની દેણગી ગમે તેટલી અમોલી હોવા છતાં, એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે કે એમની શૂન્યવાદી, નાસ્તિવાદી, મૂલ્યરહિત સૃષ્ટિ માનવજાતની અભૂતપૂર્વ કટોકટીના આ સમયે કોઈ પણ પ્રકારની વિધાયક શક્તિ કે સમજ આપવા અસમર્થ નીવડી છે, એ જેવી તેવી ચિંતાની વાત નથી. કેવળ structure અંગેનો આવો અતિરેક(આગળ જોઈ ગયા તેમ) અન્ય ક્ષેત્રોના કેવળ વ્યાવસાયિક⟨occupational) વર્ચસનું વધારે સૂક્ષ્મ રૂપ નથી શું? માનવીય જવાબદારીને બદલે વ્યાવસાયિક વફાદારીનાં પરિણામો અન્ય ક્ષેત્રોની કટોકટીની જેમ મૂલ્યધ્વંસ કરવા ઉપરાંત ભવિષ્યમાં ખુદ સર્જનની, structural સિદ્ધિની જ કટોકટી ઊભી કરે તો તેમાં નવાઈ નહિ. સમસ્ત જીવનને બદલે, સમસ્ત અસ્તિત્વને બદલે, સમસ્ત માનવને બદલે, તેના છિન્નભિન્ન અંશોને (તેય સંપૂર્ણ વિશૃંખલતામાં) પ્રાધાન્ય આપીને સમગ્રતા ઉપર ખંડઅંશનું વર્ચસ સ્થાપીને, કોઈ સર્જન ચિરંજીવ ખની શકે ખરું? આમ છતાં, આ સર્જકોની જીવનનિષ્ઠા, લાંબાં વર્ષો થયાં એકધારા કર્તવ્યપરાયણ જીવનવ્યવહારમાં જે રીતે પ્રગટ થતી આવી છે, તેમાં એમની સામાજિક જવાબદારીની ભાવના, ચેતના અને જીવનમૂલ્યોનું દર્શન થયા કર્યું છે, તે ઓછા આશ્વાસનરૂપ નથી.[7]

આપણા આ સર્જકોનો આ વિસંવાદ (paradox) આજના યુગની જ લાક્ષણિકતા નહિ હોય શું?

સંદર્ભ સાહિત્ય
Organization Man (W. H. Whyte)
Sane Society (Erich Fromm)
Tower and Abyss (Erich Kahler)
Alienation of Modern Man (Fritz Pappenheim)
Human Condition (Ardnet Hannah)
Rebel (Camus)
Myth of Sisyphus (Camus)
Literary and Philosophical Essays (Sartre)
Albert Camus (Sibnarayan Ray) વગેરે...


  1. *[*મોડાસા જ્ઞાનસત્રઃ ૧૯૬૦ ઑકટોબર]
  2. [૧. અણુવિજ્ઞાનીઓ અણુબૉમ્બનાં પરિણામોથી સંપૂર્ણત: જાગ્રત હોવા છતાં પોતાની માનવીય જવાબદારીને વિસારી દઈ વ્યાવસાયિક વફાદારી (વિજ્ઞાનીઓ તરીકે રાજ્ય અથવા સમાજ માગે તે સેવાઓ અર્પવી)ને વશ થઈ અણુબૉમ્બ તૈયાર કરવા તત્પર થઈ ગયા, એ આનું હડહડતું દૃષ્ટાંત ગણાય.]
  3. [૨. ધર્મજ્ઞાન (theology)ની દૃષ્ટિએ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે આવો જ અનિવાર્ય વિચ્છેદ મનાયો છે. અને કેટલાક તત્ત્વજ્ઞાનીઓએ જીવન અને ફૉર્મ વચ્ચે પણ અનુલ્લંધ્ય વિચ્છેદ માન્યો છે (જૉર્જ સિમ્મેલ). જીવન પોતે નવાં નવાં ફૉર્મને જન્મ આપે છે ને તે દ્વારા પ્રગતિ સાધે છે. છતાં આ ફૉર્મ પોતે જ પોતાની રીતે વિકાસ પામ્યા પછી જીવનને માથે બોજો બની એની પ્રગતિને રૂંધનારાં બની જાય છે. અને ત્યારે સૌથી મોટી કરુણા એ છે કે જીવન પોતે જ આ ફૉર્મના વર્ચસ સામે લાચાર બની જાય છે. એ તો ઠીક પણ એમાંથી એવી ધારણાય જન્મે છે કે ફૉર્મ -રહિતતા, ફૉર્મ-મુક્તિમાં જ પ્રગતિની શક્યતા રહેલી છે !]
  4. [૩. આ સંદર્ભમાં પાસ્તરનાકનું દૃષ્ટાંત અસાધારણ મહત્ત્વનું છે. ૧૭ વર્ષ સુધી સર્વસત્તાવાદી રાજ્ય સામે એણે ઠંડા મૌન દ્વારા પોતાનું આંતરિક સત્ત્વ ટકાવી રાખ્યું ને તક મળતાં પ્રગટ પણ કર્યું. એણે રશિયામાં પ્રતિષ્ઠા પામેલા ઐતિહાસિક નિયતિવાદ સામે અને ક્રાંતિનાં શંખોચ્ચારી પરિણામો વિશે અશ્રદ્ધા પ્રગટ કરી. આ બધા છતાં એણે શૂન્યવાદનો અને નાસ્તિવાદનો સ્વીકાર નથી જ કર્યો; એની શ્રદ્ધાનું મૂળ શેમાં રહેલું છે? ‘ડૉ. ઝિવાગો’ના અંતમાં એનું સૂચન થયું છે. પાસ્તરનાકની આ શ્રદ્ધાનું મૂળ રશિયન પ્રજા વિશેની આસ્થા અને હિંસક સાધનો વિશેની અનાસ્થામાં રહેલું છે. આ કે તે આસ્થા કેટલી સાચી છે એ સવાલ નથી; પરંતુ યાતના સહન કરવાની શક્તિ કોઈ ને કોઈ વિધાયક મૂલ્ય વિના શક્ય નથી એ મુખ્ય મુદ્દો છે.]
  5. [૪. દોસ્તોયેવ્સ્કી, કાફ્કા, સાર્ત્ર અને કામૂ, બોદલેર, માલાર્મે ને રિલ્કે એનાં થોડાંક પણ લાક્ષણિક દૃષ્ટાંતો ગણાય. અલબત્ત, આ સૌની સ્થિતિ એકસરખી નથી છતાં આ સૌને આપણે અનુભવવાદી અને/અથવા અસ્તિત્વવાદી(Existentialist) કહી શકીએ. પણ સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના કેટલાક સાહિત્યસર્જકો(દોસ્તોયેવ્સ્કી, રિલ્કે આદિ) અને અસ્તિત્વવાદી તત્ત્વજ્ઞાનના પ્રણેતા કિર્કેગાર્ડ સુધ્ધાં માટે ઇશ્વરી શ્રદ્ધા—આધ્યાત્મિક આસ્તિકતા વિધાયક મૂલ્ય હતું. પાપ અને પુણ્ય, શુભ અને અશુભની બેલડીમાં માનનારાઓએ પાપનું પ્રેમ સાથે અનુસંધાન કરીને પાપનેય તારક મૂલ્ય લેખ્યું હતું. પરંતુ વીસમી સદીના સાર્ત્ર-કામૂ જેવા માટે કોઈ શ્રદ્ધેય તત્ત્વ રહ્યું જ નથી.]
  6. [૫. અલબત્ત, આમાંય મહત્ત્વના ભેદ રહેલા છે. કાફ્કાના લખાણમાં લાગણીનો સર્વાંગી લોપ નથી, ત્યારે કામૂમાં સવિશેષ નિર્લેપતા જણાય છે.]
  7. [૬. સાર્ત્ર અને કામૂ ફ્રાન્સની અને વિશ્વની સામાજિક-રાજકીય કટોકટીના પ્રસંગોએ (દા. ત. બીજું વિશ્વયુદ્ધ, ફાસિસ્ટ અમલ દરમ્યાન ભૂગર્ભ પ્રતિકારો, હંગેરીનું બંડ, અલ્જીરિયાનો રાષ્ટ્રીય સંગ્રામ આદિ ઘટનાઓના પ્રસંગોએ) જોખમો ખેડીને સક્રિય રહ્યા છે તે તથા કામૂએ નોબલ પારિતોષિક સ્વીકારવા પ્રસંગે અને સાર્ત્રે તાજેતરમાં ‘જીન્સન રાજદ્રોહ’ ખટલા પ્રસંગે જે નિવેદનો પ્રગટ કર્યાં છે તે આનાં થોડાંક પણ બુલંદ દૃષ્ટાંતો છે.]