મિતાક્ષર/રજનીશજીનું તત્ત્વચિંતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રજનીશજીનું તત્ત્વચિંતન


રજનીશજીએ છેલ્લાં પાંચછ વર્ષ દરમ્યાન એક આધ્યાત્મિક તત્ત્વચિંતક તરીકે ગુજરાતમાં અને ભારતમાં સારું એવું આકર્ષણ પેદા કર્યું છે. જોકે આરંભથી જ તેઓ ઋષિઓ, સંતો અને સાધુઓ, ધર્મશાસ્ત્રો, સિદ્ધાંતો અને ઉપદેશો, તથા સંયમ, નીતિ અને શ્રદ્ધાઓ ઉપર ખૂબ જ આકરા પ્રહારો કરતા રહ્યા છે. આમ છતાં, તેમના તત્ત્વચિંતનનું આકર્ષણ વધતું રહ્યું હતું. પરંતુ, તાજેતરમાં, લગભગ છ મહિનાથી તેમણે સામાજિક, સાંસારિક અને રાજકીય ક્ષેત્રે પ્રવર્તતા સિદ્ધાન્તો, વિચારો અને શ્રદ્ધાઓ સામે પણ જબરી જેહાદ જગાવી છે. આથી વાતાવરણ ક્ષુબ્ધ બન્યું છે. પાણી ડહોળાયાં છે. કાદવ પણ ઊછળી રહ્યો છે. આવી સ્થિતિમાં રજનીશજીના મૂળભૂત તત્ત્વચિંતનને સર્વ પ્રથમ સમજીએ અને તેના પ્રકાશમાં તેમના સામાજિક, સાંસારિક, રાજકીય આદિ ક્ષેત્રોના વિચારોને મૂલવીએ — કાંઈ નહિ તો તેમના આધ્યાત્મિક તત્ત્વચિંતનનો સાંસારિક વિચારો સાથેનો અનુબંધ તપાસીએ એ સ્વસ્થતાપ્રાપ્તિનું પ્રાથમિક કર્તવ્ય છે.

રજનીશજી ઈશ્વર, ધર્મ, સત્ય, અહિંસા અને પ્રજ્ઞા(જ્ઞાન) શબ્દ-સંજ્ઞાઓ લગભગ પરસ્પરના પર્યાયરૂપે પ્રયોજે છે; અને તે સ્થિતિની અનુભૂતિને જ મોક્ષ, મુક્તિ, ક્રાંતિ તરીકે ઓળખાવે છે. મોટે ભાગે તેઓ આ સ્થિતિનું વર્ણન શબ્દરહિત, વિચારરહિત, ક્રિયારહિત કેવળ શૂન્યાવસ્થા અથવા केवल દર્શન (just seeing), કેવળ મૌન, કેવળ સાક્ષીપણું, કેવળ सत्ता (સત્+તા) એટલે કે અસ્તિત્વ (હોવાપણું), કેવળ ‘સ્વ'ની જાણકારી એટલે કે સ્વભાવ એવાં સૂત્રો દ્વારા કરતા હોય છે. આવી ‘બ્રાહ્મી' સ્થિતિનો બોધ અનેક સંતો, ચિંતકો કરી ગયા છે. એ દરેકની મૌલિકતા અને વિલક્ષણતા આ સાધનાની પ્રક્રિયા સૂચવવામાં હોય છે. રજનીશજી કઈ પ્રક્રિયા સૂચવે છે? સૌથી પ્રથમ, તેઓ સિદ્ધાંતો અને વિચારોના સ્થાને બાબત એવી માન્યતા પ્રગટ કરે છે કે આ બેઉ માનવીને બાંધી લેનારાં છે. તેનાથી માનવી પરતંત્ર બની જાય છે. તેમના મતે, એ બધી ‘બહાર’ની વસ્તુ છે. માટે ‘અંતસ્'ના જ્ઞાન માટે તે केवल બાધારૂપ છે; બલકે તેનાથી નુકસાન થાય છે, તેનાથી ‘જ્ઞાન’ ઢંકાઈ જાય છે; તેથી તે પાપ છે. જ્ઞાન તો પોતાની અંદર પડેલું પોતાનું સ્વરૂપ છે. મનુષ્ય જે વિચારો, સિદ્ધાંતો, બોલતો હોય તે बधा ज તેની સ્મૃતિમાં દાખલ થયેલા શબ્દો છે, તે જ્ઞાન નથી. તે તો ઉછીની પંડિતાઈ છે, અને જે વિચારો પોતાના નથી, તે તેને માટે અસત્ય છે, એ તો ઉધાર સંપત્તિ છે, પરાઈ વસ્તુ છે, આત્મિક દાસતા છે. રજનીશજી આગળ વધીને એમ પણ કહે છે કે વિચાર સારો નથી અને બૂરો પણ નથી, તે માત્ર વિચાર છે. સારા-નરસાનું વિશેષણ માનવીએ આપેલું છે. વિચારમાત્ર માનવીનું સર્જન છે. અથવા તેઓ એમ પણ કહે છે કે અશુભ-શુભનો વિચાર એ પણ પરિગ્રહ છે. એક લોઢાની સાંકળ છે, તો બીજી સોનાની; એ બંને જંજીરો તો છે જ માટે વિચારમાત્રનો ત્યાગ કરો— પછી તે ઇશ્વર, મોક્ષ, ધર્મનો વિચાર હોય તોપણ ત્યાજ્ય છે. વિચાર, ચિંતન, ફિલસૂફી એ બધાં જ ધર્મને માટે આડરૂપ છે. માટે વિચાર-શૂન્યતા, વિચાર-મુક્તિ એ જ સાચો ધર્મમાર્ગ છે. આ વિચાર-મુક્તિ કેવી રીતે સાધવી? તે બાબત તેઓ કહે છે કે ચિત્ત ચંચળ છે તેથી વિચારનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. આથી કરીને ‘વિચાર’ પોતે સમસ્યા નથી, વિચારની ઉત્પત્તિ સમસ્યા છે. વિચારને પેદા થતો જ રોકવો રહ્યો; તેનું ગર્ભાધાન જ રોકવું રહ્યું. આ શી રીતે બને? તેમનો જવાબ એ છે કે બાહ્ય જગત પ્રતિની આપણી પ્રતિક્રિયા વિચારને જન્મ આપે છે. આથી આ પ્રતિક્રિયા ચાલુ રહે ત્યાં સુધી વિચારને મારી કે રોકી શકાતો નથી. બલકે કોઈ પણ વિચારને પકડવો, કાઢવો એ ભૂલ છે. એમાંથી દમન અને પાખંડ પેદા થાય છે, વિકૃતિઓ જન્મે છે. તો ઉપાય શો? ઉપાય એ છે કે બાહ્ય જગતનું केवल દર્શન કરવું (just seeing). વિચાર છોડી દઈને કેવળ દેખવું (seeing without thinking). વિચારને પણ જોવો, કેવળ તેના સાક્ષી બનવું. એનો અનુભવ કરવો પણ એને શબ્દ દ્વારા પ્રગટ ન કરવો. કેમ કે અનુભૂતિ શબ્દબદ્ધ થતાં વિચાર જન્મે છે. માટે શિશુવત્ શબ્દરહિત કેવળ શૂન્યાવસ્થામાં જીવવું અને દર્શન કરવું. આ ભીતરનું દર્શન તે જ ધર્મદર્શન, સત્યદર્શન છે. વિચાર જ હોય એ જડ અવસ્થા નથી? ના, એ તો પૂર્ણ જાગ્રત અવસ્થા, પૂર્ણબોધની અવસ્થા છે. તે પ્રજ્ઞા છે. આવી વિચારશૂન્યતા, વિચારમુક્તિમાં કેવળ જીવવું (અસ્તિત્વ), કેવળ જાણવું (જ્ઞાન) રહી જાય છે. ત્યાં કશું સારું-નરસું નથી, પ્રશંસા-નિંદા નથી; કેવળ નિષ્પક્ષતા છે, કેવળ તટસ્થ દર્શન છે. ન રાગ, ન વૈરાગ, કેવળ ‘વીતરાગ'ની સ્થિતિ છે. ન મૂલ્ય, ન નિર્ણય. આમ ‘વિચાર' નિઃશેષ થતાં જે શેષ રહે તે ‘વિવેક’ છે. આ વિચારશૂન્યતાની સ્થિતિ તે વિવેકપૂર્ણતાની સ્થિતિ છે. તે જ સત્તા (અસ્તિત્વ) — સત્પણું (સત્ય હોવાપણું)ની સ્થિતિ છે. વધુ ખુલાસો કરતાં તેઓ ત્રણ પ્રકારનાં દર્શનની વાત કરે છે.

(૧) જાગૃતિમાં સંસાર દર્શન (૨) નિદ્રામાં સ્વપ્નદર્શન (૩) સમાધિમાં સ્વયં દર્શન આમ, આ ત્રણેમાં દર્શન છે. દર્શન એ स्वभाव છે. (નિત્ય-ઉપસ્થિતિનો જાણકાર ‘સ્વ'ની જાણકારી તે સ્વભાવ; અન્ય બધું संसार છે.) જે દેખાય છે તે સંસાર(જ્ઞેય) છે. જે દેખી રહ્યો છે તે ‘સ્વ’(જ્ઞાતા) છે. શૂન્યતાની સ્થિતિમાં એટલે કે ક્રિયા-વિચારરહિત સ્થિતિમાં —– દર્શનમાત્રની સ્થિતિમાં જ્ઞાતા અને જ્ઞેયના ભેદ ટળી જાય છે, દૃશ્ય અને દ્રષ્ટાની ભિન્નતા રહેતી નથી. ત્યારે પ્રજ્ઞાનો આવિર્ભાવ થાય છે. मात्र દર્શન સાક્ષાત્કાર બની જાય છે. કેવળ જ્ઞાન(પ્રજ્ઞા) મૌનરૂપે વિલસી રહે છે. ઉપરની સ્થિતિને રજનીશજી ‘ધ્યાન’ અથવા ‘સમાધિ’ કહે છે. વિચાર અને ધ્યાનનો ભેદ સમજાવતાં તેઓ કહે છે : વિચાર વિષયગત(objective) છે; ત્યારે ધ્યાન દૃષ્ટિ અને દૃશ્યથી મુક્ત છે. તે દૃષ્ટિ પર જ સ્થિર છે, આત્મગત(subjective) છે. અથવા વિચાર અનાત્મ છે, બાહ્ય છે, તેથી કરીને દ્વૈતનું વર્તુળ જન્માવે છે. ત્યારે ‘સ્વ'ની ગતિ અદ્વૈતની છે. તેમાં વિચારને સ્થાન નથી, ધ્યાનનું જ મહત્ત્વ છે, કેમ કે વિચાર એ બહિર્માર્ગી હોઈ, પરને જાણવાનું સાધન છે. બાહ્ય જગત સાથે તેને સંબંધ છે, ત્યારે ધ્યાન અંતર્મુખી છે. વિચાર-રહિતતા, અને ક્રિયા-રહિતતા(unoccupied mind) એ કેવળ હોવાપણું છે; કેવળ અવસ્થા છે; કેવળ સ્થિતિ છે; કેવળ અનુભૂતિ છે. આ શૂન્યાવસ્થાનો સંબંધ ‘સ્વ' સાથે છે. રજનીશજી આને શૂન્યચૈતન્ય (contentless consciousness) તરીકે ઓળખાવે છે. આ શૂન્યમાં સત્યનો સાક્ષાત્કાર છે, આ શૂન્યમાં વિષય(content) ન હોવા છતાં ચૈતન્ય (consciousness) છે. ઉપર કહ્યો તે સાક્ષીનો અનુભવ આ સ્થિતિએ જ શક્ય બને છે; કેમ કે એ તો બધી જ ક્રિયાનો સાક્ષી હોઈને અક્રિયામાં જ પ્રાપ્ત છે. રજનીશજીના તત્ત્વચિંતનમાં, ઉપર મુજ્બ, વિચારનું સ્થાન જોયા પછી બુદ્ધિનું સ્થાન ક્યાં છે એ જાણવું બહુ મુશ્કેલ નથી. પોતાનાં વ્યાખ્યાનો સાંભળવા આવેલા શ્રેાતાઓને તેઓ કહે છે, ‘મગજે આજ સુધી કશું સાંભળ્યું નથી. એ બિલકુલ બહેરું છે. જે સાંભળે છે તે હૃદય છે. માટે કેવળ સાંભળી રહો, બીજું કશું જ ન કરો.’ આ ‘કેવળ’ સાંભળવું, તેને તેઓ સમ્યક્ શ્રવણ કહે છે. તેને માટે ચિત્તની કેવળ મૌન-સજગતા(silent watchfulness) અથવા આંતરિક મૌન(inner silence) અને સજ્ગજિજ્ઞાસા આવશ્યક છે, એમ તેઓ જણાવે છે. અગાઉ સમ્યક્ દર્શનની વાત થઈ; અહીં સમ્યક્ શ્રવણની વાત કરી. આ બંને સ્થિતિમાં સત્યનું, પ્રભુનું પ્રતિબિંબ ઝિલાવાની શ્રદ્ધા પણ તેઓ પ્રગટ કરે છે.

આ આખી પ્રક્રિયામાં નીતિ અને સદાચારનું શું સ્થાન છે? તેઓ ધડ દઈને કહી નાખે છે કે નૈતિક આચરણને ધર્મ કે મોક્ષની સ્થિતિ સાથે લવલેશ નિસબત નથી. તે વારંવાર ભારપૂર્વક જાહેર કરે છે કે ધર્મ અને નીતિ વચ્ચે કશો જ સંબંધ નથી, નીતિ દ્વારા ધર્મ સુધી પહોંચાય છે; નીતિ એ ધર્મપ્રાપ્તિનું સોપાન છે; તથા સત્યને પામવા માટે માણસે શુભ બનવું જરૂરી છે; અથવા નીતિ બીજ છે, ધર્મ વૃક્ષ; નીતિ કારણ છે, ધર્મ કૃતિ; વગેરે ખ્યાલો કેવળ ભ્રાન્તિ છે. નીતિની દિશા માણસને નૈતિક બનાવતી નથી ત્યાં ધાર્મિક બનાવવાની તો સંભાવના જ શી? આ વિષે વધુ વિવરણ કરતાં તેઓ કહે છે કે નીતિ એ તો બીજા સાથેના વ્યવહારમાંથી જન્મે છે; તે સામાજિક વ્યવહારનું પરિણામ છે. તેની સામાજિક આવશ્યકતા અવશ્ય છે. તે આચાર-શુદ્ધિ(સદાચાર) ઉપર ભાર મૂકે છે; તેનો પ્રયાસ કેન્દ્રને નહિ, પરિધિને બદલવાનો છે. પરંતુ, કોઈ પણ પરિવર્તન પરિધિ દ્વારા શક્ય નથી, કેન્દ્ર બદલાય તો જ પરિધિ બદલાય. ધર્મ કેન્દ્ર છે, નીતિ પરિધિ છે; ધર્મ આંતરિક-સ્વ છે, નીતિ બાહ્ય-પર છે. બાહ્ય આચરણનું મૂળ અંતસ્-માં છે. આ મૂળ બદલાય તો જ બાહ્ય આચાર બદલાય. અલબત્ત, એથી ઊલટું ધર્મરૂપી કેન્દ્રને નીતિ અનુસરે છે. ધર્મવાન આપોઆપ નીતિવાન હોવાનો જ, પણ નીતિવાન આપોઆપ ધાર્મિક ન પણ હોય. બલકે, અધાર્મિક માણસ નીતિની બાબતમાં દંભી જ હોવાનો. કેમ કે તેમના મતે, ધાર્મિકતા વિના નીતિનો પ્રારંભ પણ શક્ય નથી, એટલે કે નીતિનો આગ્રહ એનો અર્થ જ દમન અને દમનની પ્રક્રિયા ઊલટું જ પરિણામ લાવનારી હોય છે. નીતિ એ વાતનો આગ્રહ સેવે છે. એક તો, અંદરથી જે સહજ ઊઠે છે તેને દબાવો. આનું પરિણામ તે દમન. આનો અતિરેક થાય ત્યારે, માનવીની આંતરિક વિક્ષિપ્તતા(split personality)ના વિસ્ફોટરૂપે પાગલપણામાં પ્રગટ થાય છે. નીતિનો બીજો આગ્રહ તે, જે સહજ રીતે અંતરમાં ઊઠતું નથી એને બળજબરીથી ઉઠાડો. આમાંથી पाखंड જન્મે છે. તો પછી શું માણસે અચેતન instinct ઉપર બધું છોડી દેવું? એના જવાબમાં રજનીશજી જણાવે છે કે માનવી જડ પશુ બની જાય. પરંતુ, માનવી પૂર્ણ પશુ બની શકતો નથી, બની શકવાનો નથી. એની ચેતના એને એમ બનવા દે એમ નથી. આમ, પાગલપણું, પાખંડ અને પશુ એ ત્રણે વિકલ્પોને નકારીને રજનીશજી ચોથા વિકલ્પ તરીકે પ્રજ્ઞા એટલે કે જાગૃતિનો બોધ કરે છે. પરંતુ વ્યવહારમાં, નીતિ અને સંયમને નામે કેવળ દમન ચાલે છે, એમ તેઓ માને છે. તેઓ જગતની તમામ સભ્યતાઓના મૂળમાં દમન અને બળજબરીના પરિણામરૂપ દંભ અને પાખંડ હોવાનું માને છે. આથી ઊકળી ઊઠીને રજનીશજી ત્રણ સૂત્રો આપે છે. પહેલું તે “વર્તમાનમાં જીવો”. જીવનમાં અતીત (ભૂત) અને ભવિષ્યનું કોઈ અસ્તિત્વ નથી, અતીત સ્મૃતિમાં જડાઈ ગયો છે, અને ભવિષ્ય કલ્પનામાં અટવાઈ રહેલો છે. વાસ્તવિક અને જીવંત કેવળ વર્તમાન છે. “સત્યને જો જાણી શકાય છે તો તે કેવળ વર્તમાનમાં થઈને જ જાણી શકાય છે.” જીવિત ક્ષણ(living moment) જ વાસ્તવિક છે, એવું જ માહાત્મ્ય છે. માટે સાધકોએ અતીત અને ભવિષ્યને ખાસ ભૂલી જવાં જરૂરી છે. બીજું સૂત્ર તે “સહજતાથી જીવો”. કૃત્રિમ અને ઔપચારિક જીવનને બદલે સરલ અને સહજ રીતે જીવો. સહજ જીવનમાં જ સાધના વિકસે છે. ત્રીજું સૂત્ર તે “એકલા જીવો”. માણસ ભીડમાં જીવે છે; બહાર માણસની ભીડ છે, અંદર વિચારોની ભીડ છે. સમાજ સૌને મા, બાપ, ભાઈ, પત્ની, મિત્ર તરીકે જ ઓળખે છે ને બાંધે છે. પરિણામે આપણે આપણી પોતાની જાતને ભૂલી ગયા છીએ. માટે તમામ સંબંધ (relationship)માંથી છૂટી જાઓ—તમામ પ્રકારના વિચારોમાંથી મુક્ત થાઓ. અંતે જે શેષ રહે તે you-in- yourself છે. રજનીશજી આ બધાને અંતે, એવા તારતમ્ય ઉપર આવે છે કે ‘સ્વ'ની પુન:પ્રતિષ્ઠા મુખ્ય સમસ્યા છે. પણ ઇશ્વર વા સત્યની જેમ આત્માની કદી ખોજ થઈ શકતી નથી; તેને પામી શકાય છે. સંસારની ખોજ બહાર થઈ શકે છે. આત્માની ખોજ અંદર જ હોઈ શકે. પરંતુ, ‘ખોજ' પોતે જ તંગદશા છે, માટે બાધારૂપ છે. વાસના, વિચાર, ચાહના, માત્ર બંધનકર્તા છે; આત્મા વાસના નથી, માટે તેની ‘ખોજ’ નથી. આત્માનુભવ જ કરવાનો હોય છે એટલે કે authentic being (અધિકૃત અસ્તિત્વ)નો અનુભવ. પરંતુ, આ અનુભૂતિ સાધવી કેવી રીતે ?

રજનીશજીના ચિંતનમાં ઘણું બધું તથ્ય છે, તેમણે જે અંતિમ બ્રાહ્મી સ્થિતિનું વિવરણ કર્યું છે તે હજારો વર્ષ થયાં પયગંબરો, ઋષિઓ, સંતો અને મહાત્માઓ કરી ગયા છે. રજનીશજીના ચિંતનમાં સ્પષ્ટપણે ઉપનિષદ, ગીતા, બૌદ્ધવિચાર (ઝેન), જૈન વિચાર, અસ્તત્વવાદ તથા ફ્રૉઈડના અને કૃષ્ણમૂર્તિના વિચારોના અંશો જોવા મળે છે. જોકે નવી ઝુંબેશ દરમ્યાન પોતાના ચિંતનના પાયામાં ‘કમ્યુનિઝમ પ્લસ ગૉડ' હોવાનું રજનીશજીએ જણાવ્યું છે. પરંતુ તેમના મૂળભૂત ચિંતનમાં કમ્યુનિઝમ કે માર્ક્સવાદનો કોઈ મુખ્ય અંશ રજૂ થયો નથી. છતાં એક રીતે માર્ક્સની અસર જોઈ શકાય છે. માર્ક્સ બે જ રંગો સ્વીકારતો હતો : કાળો અને લાલ(પ્રતિક્રાંતિ અને ક્રાંતિ); બે છેડાનો વિચાર કરતો હતો — આરંભ : શોષણયુક્ત મૂડીવાદ, અંત : વર્ગવિહીન સામ્યવાદ. આ બેઉ અંતિમો વચ્ચેની લાંબી પ્રક્રિયા તથા બંનેની વચ્ચેના અસંખ્ય પ્રકારો (બંનેમાં થઈ રહેલાં પરિવર્તનો) તરફ દુર્લક્ષ કરીને માનવીના ક્રમિક વિકાસમાં માનવચૈતન્યનો ફાળો (role) નહિવત્ લેખાતો હતો. તેવું જ કંઈક રજનીશજી પણ કરતા જણાય છે. વધુ ચર્ચા આગળ ઉપર કરી છે. પરંતુ, એથી કંઈ એમનું ચિંતન મૌલિક મટી જતું નથી, વળી દરેક આધ્યાત્મિક તત્ત્વચિંતનમાં એક સ્થિતિએ ઓછાવત્તા પ્રમાણમાં, તર્કની દૃષ્ટિએ ontological આંતરવિરોધો દેખાતા હોય છે. (અસ્તિત્વવાદનો તો પાયો જ આંતરવિરોધ પર રચાયેલો છે!) તેવું રજનીશજીનું પણ છે. રજનીશજી માનવીનું ખંડદર્શન રજૂ કરે છે. પૂર્ણ દર્શન ભલે અશક્ય હોય, પરંતુ ગીતાકારે સર્વાંગી દર્શન તો રજૂ કર્યું જ છે, વિશ્વમાં તમસ રજસ અને સત્ત્વ- ત્રણ પ્રકારની પ્રકૃતિ છે, ત્રણ પ્રકારનાં જ્ઞાન છે, ત્રણ પ્રકારના લોક છે, એમ ગીતાકાર જણાવે છે. જ્યારે જે ગુણલક્ષણનું પ્રભુત્વ હોય ત્યારે તે અનુસાર માનવીનું વર્તન રહે છે. આ ત્રણે ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. પરંતુ ગુણપરિવર્તન શક્ય છે, અને સત્ત્વગુણની પરાકાષ્ઠાએ પહોંચેલો મનુષ્ય અંતે ત્રિગુણાતીત સ્થિતિનો પણ અનુભવ કરી શકે છે. ત્યારે રજનીશજી તો એક છેડે કેવળ દંભી, વિકૃત, ભ્રષ્ટ મનુષ્યો અને બીજે છેડે કેવળ અદ્વૈત—કેવળ શૂન્ય—મૌન ચૈતન્યની પરાકાષ્ઠાની સ્થિતિનો જ વિચાર કરે છે. વચગાળાનો પ્રયાસ માનવી માટે — તેની પ્રત્યેક ક્ષણની પ્રગતિ માટે મહત્ત્વ ધરાવે છે, એ વાતને જ તેઓ વીસરી જાય છે. બલકે, વિચાર અને સિદ્ધાંત માત્રની હાંસી ઉડાવીને, શાસ્ત્રો અને સંતોનાં વચનોને કેવળ શબ્દોનાં મુડદાં કહીને, નીતિ અને સદાચારને ધર્મની આડે આવનારાં અનિષ્ટો ગણીને વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ જ સામસામો સમજીને, ભવિષ્ય અને ભૂતકાળની સર્વથા ઉપેક્ષાનો બોધ કરીને, અને સંયમમાત્રને દમનરૂપે લેખીને, તેઓ જે ત્રણ સૂત્રોનો પુરસ્કાર કરે છે તેથી આખું તત્ત્વચિંતન એકાંતિક અને આત્યંતિક બની જાય છે. હમણાં હમણાં તેઓ ક્રાંતિનાં ત્રણ સૂત્રો બોધે છેઃ (૧) શાસ્ત્રો-સિદ્ધાંતોથી બચો. (૨) સમાજ અને ભીડથી બચો, (૩) સંયમ અને દમનથી બચો. વાસ્તવમાં તે ધર્મ, સત્ય, પ્રેમ, અહિંસા, જ્ઞાન, સંયમ, નીતિ-વિચાર, સિદ્ધાંતનાં સમ્યક્ અને અસમ્યક્ બે જ સ્વરૂપો હોતાં નથી. કેવળ તથાકથિત, આરોપિત અને ચેષ્ટિત અથવા તો કેવળ શુદ્ધ પરમ— એની વચ્ચેની હજારો હયાતીઓનો, અસંખ્ય શક્યતાઓનો સ્વીકાર કરવો રહ્યો. તે જ રીતે, આત્માનુભૂતિ હસ્તાંતરિત થઈ શકતી નથી એમ સ્વીકારવા છતાં, પેગંબરો, ઋષિઓ, સંતો અને મહાત્માઓ સૌને માટે સાધનાનો પંથ ચીંધતા રહ્યા છે. તેમાં સંયમ, ધ્યાન, યોગ, સમાધિ, નિષ્કામ કર્મ, ફલાસક્તિનો ત્યાગ, સ્થિતપ્રજ્ઞતા, તથા સત્ય, અહિંસા, પ્રેમ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અન્ય વ્રતનિયમાદિનું આચરણ વગેરે અનેક પ્રકારોનો સમાવેશ થાય છે. કહેવાનો હેતુ એ નથી કે આ બધા પ્રકારોનો સમાવેશ સૌને માટે સરખો ઉપયોગી છે. બલકે દરેક માનવીની પોતાની કક્ષા અને લાક્ષણિકતા અનુસાર તે તેના ઉપાય યોજે એ જ યોગ્ય છે. પરંતુ, કોઈ ને કોઈ પ્રક્રિયા દ્વારા તે આગળ વધે છે અને અંતે એવી સ્થિતિએ પહોંચે છે જ્યારે તે ઉત્ક્રાંતિની કક્ષા વટાવી ગયો હોય અને ક્રાંતિમાં કૂદકો મારી શકે. હકીકતમાં તો, ક્રાંતિ પોતે જ ક્રમિક ઉત્ક્રાંતિની ફલશ્રુતિ છે. ત્યારે રજનીશજી તો ‘સત્ય સાક્ષાત્ પૂર્ણ અને સમગ્ર હોય છે; તેની ઉપલબ્ધિ ક્રમિક નથી. તે ઉત્ક્રાંતિ (evolution) નથી, ક્રાંતિ (revolution) છે.’ એમ કહીને વચગાળાની આખી પ્રક્રિયા પ્રત્યે જ દુર્લક્ષ કરે છે. જોકે, પોતે જ બે પ્રકારનાં ધ્યાન- meditationની તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘બાહ્ય ઉપચાર' દ્વારા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાની સૂચના કરે છે! આ પછી તેઓ અન્ય સંતો-મહાત્માઓએ ચીંધેલા ઉપાયો(સંયમ, સદાચાર, કર્મ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તથા અનેક સંયત વ્રતનિયમો વગેરે)ની હળવા હૈયે ઠેકડી શી રીતે ઉડાવી શકે? વિચારોની ઉત્પત્તિ વિષેનો તેમનો તર્ક પણ યથાર્થ નથી. અનુભૂતિને પ્રગટ કરવાથી, શબ્દબદ્ધ કરવાથી જ વિચાર ઉત્પન્ન થાય છે એ તર્ક ખોટો છે. મૂંગા માનવીમાં પણ વિચારો જાગે છે. અનુભૂતિ થતાં જ વિચારોના બુદ્બુદ્દો ચિત્તમાં ઊઠતા હોય છે, એ વૈજ્ઞાનિક વાસ્તવતા છે, એટલે અનુભૂતિને શબ્દોમાં પ્રગટ ન કરવાથી અને કેવળ જોવાથી વિચારોના ગર્ભવિરોધ થતો નથી. જ્ઞાની સંતોએ કહ્યા મુજબ વાસનાની સાથે જ વિચાર જોડાયેલો છે. અને વાસનાને શમાવવાના ઉપાયોમાં તેમણે સ્વેચ્છાપૂર્વકના જાગ્રત સંયમનો માર્ગ ચીંધ્યો છે; અને જાતઅનુભવથી તેના પ્રત્યક્ષ પદાર્થપાઠો આપ્યા છે. રજનીશજી માને છે તેમ વિચારોને સારા-નરસા ઠરાવવામાંય માણસે કશું ખોટું કર્યું નથી, માનવી અંતિમ કક્ષાએ પહોંચ્યો ન હોય ત્યાં સુધી એનો ભેદ એને માટે ઉપકારક બન્યો છે. વળી, જાગ્રત મનુષ્ય જેટલા વિચારો ગ્રહણ કરે છે તે બધાને તે પકડી રાખતો નથી; પોતાના અનુભવે અને સમજણથી અનેકનું વિસર્જન કરે છે. રજનીશજી કહે છે તેમ, વિચાર પ્રકૃતિથી ચંચળ છે માટે ચાલ્યો જાય છે એવું નથી, અથવા માણસ હંમેશાં અહમને કારણે વિચારને પકડી રાખે છે એમ પણ નથી, દરેક વિચારની મૌલિકતા એમાં છે કે મનુષ્ય તેને કેટલે અંશે સમજપૂર્વક જાગ્રતપણે પોતાનો બનાવી શકે છે. એટલે અંશે એ ઉછીનો, તથાકથિત મટી જાય છે. રજનીશજીની ભાષામાં જ જવાબ આપી શકીએ કે, ‘સમ્યક્’ વિચાર એટલે જ જ્ઞાન, ‘સમ્યગ્´ નિષેધ એટલે સંયમ છે. આ બધાં જ સાધનો છે. અને તે જ પાછાં સાધ્યોમાં રૂપાંતરિત થાય છે. (જ્ઞાન પ્રજ્ઞારૂપે, નીતિ ધર્મરૂપે, તથા સંયમ પ્રેમ અને અહિંસારૂપે). આથી આ ગુણો કેવળ બાહ્ય નથી, કેવળ સામાજિક ઉપયોગિતા પૂરતા નથી. બલકે વ્યક્તિગત સાધનાનાં સાધન પણ છે. મનુષ્યને બીજો ગમે તે અભિશાપ મળેલો હશે, પરંતુ તેને એક આશીર્વાદ પણ મળેલો છે. તે પોતાના જાગ્રત પ્રયાસથી પોતાનું જીવન સતત લાંબી સાધનાને અંતે બદલી શકે છે. એનામાં હજારો દોષો હશે. એનામાં ગમે તેટલો ego હશે. પરંતુ એથી કરીને એનો બધો જ સમય, એના બધા જ પ્રયાસો કેવળ દંભ અને પાખંડ નથી. જાગ્રત સાધના દરમ્યાન મનુષ્ય જે આચાર કરે છે તે લાંબે ગાળે તેની સહજ આદત, તેની ટેવ, તેનો સ્વભાવ પણ બની જાય છે. તેની ઉપર કોઈનો કશો ચોકીપહેરો ન હોય ત્યારેય તે નિજાનંદ ખાતર પણ સદાચાર પાળતો હોય છે. સર્વસાધારણ મનુષ્ય માટેય આવું બનવું એ કોઈ ચમત્કાર નથી. મનુષ્યના મનુષ્યત્વનો એ જ વિશેષ છે. મનુષ્ય હોવું એ જ એક એવી અદ્ભુતતા છે કે તે transcendenceનો અનુભવ કરી શકે છે, પોતાના સંકુચિત અહમના વર્તુળથી પેલે પાર વ્યાપ્ત વિરાટ આત્માનો સ્પર્શ કરી શકે છે. આ આખી પ્રક્રિયામાં જ અશ્રદ્ધા હોવી એ તો માનવચૈતન્યની ઉપેક્ષા કરવા બરાબર છે. કેવળ તત્ત્વચિંતનની દૃષ્ટિએ નહિ, કેવળ વર્તમાન મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ માનવીનો ego કેવળ ખંડનાત્મક અહંકાર શક્તિ છે એવું નથી, એ સર્જનાત્મક શક્તિ પણ છે. (રજનીશજીની પ્રેમ અને સેક્સ અંગેની આલોચનામાં આ તથ્ય જોવા મળે છે, છતાં માનવીની સમગ્ર વિકાસની બાબતમાં તેઓ આને જ દૂષણરૂપે આગળ ધરે છે!) રજનીશજીના ચિંતનનો એકાંગી આત્યંતિકતાનો ઝોક વાસ્તવતાને ખંડિત રૂપે રજૂ કરે છે. આથી અતિસરલીકરણનું જોખમ ઊભું થાય છે, એમાં પણ જ્યારે તેઓ પોતાના મૂળભૂત તત્ત્વચિંતનને લગભગ વેગળું મૂકી દઈને તેમાંની કમજોરીઓ ઉપર જોર લગાવીને સાંસારિક- સામાજિક-રાજકીય-આર્થિક ક્ષેત્રે ઝંપલાવે છે ત્યારે એ ઉશ્કેરણી અને ઉત્તેજનાનાં ઉગ્ર સૂત્રો બની જાય છે. આધ્યાત્મિક-અહિંસક, વ્યક્તિના આંતરિક વિકાસ ઉપર આધારિત મૂળભૂત ક્રાંતિના ઉપાસક અને પુરસ્કર્તામાંથી રજનીશજી નવી આવેશમય આત્યંતિક જેહાદના ‘માસ – લીડર’ બનવા માંડે છે. સંઘર્ષનું વાયુમંડળ રચવામાં જ એમને સાર્થકતા વરતાવા માંડે છે... બને કે હવે પછીનો એમનો એ જ મનોરથ પણ હોય !

૫–૩–'૬૯

વિશ્વમાનવ : માર્ચ ૧૯૬૯