મિથ્યાભિમાન/પૂર્વરંગ
(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)
રાગ બિહાગ. “બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ” એ રાગનું પદ છે.
મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;
મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઈ ગુણવાન;
મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;
માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;
નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;
મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;
માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;
માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;
નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;
નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;
મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;
મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;
નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;
મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;
મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;
આ નાટકમાં જ્યારે ફૂરસદ મળે ત્યારે ઉપલા પદમાંની બે ચાર લીટીઓ ગાવી. અંક પૂરો થતાં ગાવાનું સાત વાર આવશે, માટે દરએક પ્રસંગે બબ્બે ચરણ ગાઈને ૧૪ ચરણ પૂરાં કરવાં.)