મેઘાણીની સમગ્ર નવલિકા/છેલ્લી તાલીમ
જંગલની અંદર સાંજનાં અંધારા ઊતરતાં હતાં. ગુરુ ગોવિંદસિંહ એકલા બેસી રહ્યા હતા. થાકેલ શરીરને પોતાના કિરપાણ ઉપર ટેકવી ગુરુ શો વિચાર કરતા બેઠા હતા? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા: ‘જવાનીને સમયે મારી છાતીમાં કેટકેટલા મનોરથો ભરેલા! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપ્ન કેટલું સુંદર, ભવ્ય, મોહક! આજ આ કિરપાણનું પાણી કાં ઊતરી ગયું? આજ એ ભારતવર્ષને ઓળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલસે છે? ત્યારે શું આ ભૂલ હતી! જિંદગાની શું એળે ગઈ!’ ગુરુના હૈયામાં એ અંધારી સંધ્યાએ આવો સંગ્રામ ચાલી રહેલ છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખોમાં લગાર પાણી આવ્યાં છે. બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો. પઠાણે ઉઘરાણી કરી: “ગુરુ! આજ મારે દેશ જાઉં છું; તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકાવો.” વિચારમાં ગરક બનેલા ગુરુ બોલ્યા: “શેખજી, અત્યારે જરા કામમાં છું. કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો.” ગરમ બનીને પઠાણ બોલ્યો: “એ નહિ ચાલે. આજે જ નાણાં જોશે. ઉડામણી ક્યાં સુધી કર્યાં કરવી છે! સાળા શીખો બધા ચોર લાગે છે!” આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડ્યો. પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મ્યાનમાંથી કિરપાણ નીકળી આવ્યું. કિરપાણને એક ઝટકે પઠાણનું માથું ભોંયે પડ્યું. જમીન લોહીથી તરબોળ બની. પઠાણનું ધડ તરફડતું રહ્યું. ગુરુ મોંમાં આંગળી ઘાલીને ફાટેલી નજરે નિહાળી રહ્યા. માથું હલાવીને વૃદ્ધ બબડવા લાગ્યા: “આહ! આજ સમજાયું. મારો સમય પૂરો થયો. પચાસ વરસની પવિત્ર તલવારને લાંછન લાગ્યું. શા કારણે આ રક્તપાત! પઠાણને તૈયારીનો સમય ન દીધો. રે! આખરની બંદગી કરવાની એક પલ પણ ન આપી. હાય! હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. આ કલંકને તો ધોવું પડશે. આજથી જિંદગીનું એ એક જ છેલ્લું કામ.” મરેલા પઠાણનો એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બોલાવી લીધો. રાત-દિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા. પોતાની પાસે જેટલી જેટલી શાસ્ત્રવિદ્યા ને શસ્ત્રવિદ્યા હતી તે બધી યે ગુરુએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી. રોજ સંધ્યાકાળે ને પ્રભાતે વૃદ્ધ ગુરુ એ બાળકની સાથે બાળક બની રમતો રમે છે, પોતે પરાણે પણ બાળકને હસાવે છે, બાળકની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે; બાળક પણ ‘બાપુ બાપુ’ કરતો ગુરુને અવનવી રમતો બતાવતો રહે છે. ભક્તોએ આવી ગુરુના કાનમાં કહ્યું કે “આ શું માંડ્યું છે, ગુરુજી! આ તો વાઘનું બચ્ચું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય. અને પછી પસ્તાવો થશે. દુશ્મનને કાં પંપાળો? વાઘનું બચ્ચું મોટું થશે ત્યારે એના નહોર-નખ બહુ કાતિલ બનશે.” હસીને ગુરુ કહે: “વાહ વાહ! એ તો મારે કરવું જ છે ને! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખવું?” જોતજોતામાં તો બાળક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાત-દિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે ગુરુના પુત્રહીન, શૂન્ય હૃદયમાં આ પઠાણ બાળકે પુત્રનું આસન લીધું. એકલા ગુરુજી આ બધું જોઈને મનમાં હસતા. પઠાણ બચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે “બાપુ! બાપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.” જુવાનની પીઠ ઉપર હાથ રાખીને ગુરુ બોલ્યા: “બેટા! સબૂરી રાખ, હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે.” બીજે દિવસે બપોરે પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડ્યા, પટાણ બચ્ચાને સાદ કરી કહ્યું કે, “બેટા, તલવાર લઈને ચાલ મારી સાથે”. પઠાણ ચાલ્યો. ગુરુના ભક્તોએ આ જોયું. ભયભીત થઈને બધા બોલ્યા કે “ગુરુદેવ! ચાલો, અમે સાથે આવીશું.” સહુને ગુરુએ કહી દીધું કે “ખબરદાર, કોઈ સાથે આવતા નહિ” બન્ને જણા ધીરે ધીરે નદીને કિનારે ચાલ્યા જાય છે. કિનારાની ભેખડમાં, વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસીઘસીને મોટા ચીરા પાડી દીધા છે. કાંઠે મોટાં ઝાડનાં ઝૂંડ જામી પડેલાં છે. સ્ફટિક સરખી ઝગારા કરતી સિંધુ ચૂપચાપ ચાલી જાય છે. કેમ જાણે એ બધી વાતો જાણતી હોય, પણ છુપાવતી હોય! એક ઠેકાણે પહોંચીને ગુરુને જુવાનને ઈશારો કર્યો. જુવાન થંભ્યો. સંધ્યાકાળનું છેલ્લું અજવાળું, કોઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ પોતાની લાંબી લાંબી છાયારૂપ પાંખો ફફડાવીને જાણે અનંત આકાશમાં ઊડતું ઊડતું પશ્ચિમ દિશાને પેલે પાર ચાલ્યું જતું હતું. ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યું: “મામુદ! આંહીં ખોદ.” મામુદ ખોદવા લાગ્યો. વેળુની અંદરથી એક શિલા નિકળી. શિલા ઉપર લોહીના છાંટા પડેલા તેના ડાઘ મોજુદ હતા. ગુરુ પૂછે છે: “એ શાનો ડાઘ છે, મામુદ?” “લોહીના છાંટા લાગે છે, બાપુ!” “પઠાણબચ્ચા! એ છાંટા તારા પ્યારા બાપના લોહીના છે. આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું, એને સજ્જ થવાનો પણ સમય નહોતો દીધો. એનું કરજ ન ચુકાવ્યું, એને બંદગી યે કરવા ન દીધી.” પઠાણ-બચ્ચો નીચે મોઢે ઊભો રહ્યો. એનું આખું શરીર કંપતું હતું. ગુરુ બોલ્યા: “રે પઠાણ! શું જોઈ રહ્યો છે? બાપનું વેર લેવા તારું ખૂન તલપતું નથી શું?” “બાપુ! બોલો ના, બોલો ના! મારાથી નથી રહેવાતું.” “ધિક્કાર છે, ભીરુ! નામર્દ! પોતાના વહાલા બાપનો હણનારો આજ જીવતો જવાનો! એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે! વેર લે!” વાઘની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તલવારે ગુરુની સામે ધસ્યો. ગુરુ તો પથ્થરની કોઈ પ્રતિમાની માફક અચળ બનીને ઊભા રહ્યા. એની આંખોએ એક પલકારો પણ ન કર્યો. પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઊઠે છે. ગુરુની આંખોમાંથી અમૃત ઝરે છે, ગુરુ હસે છે. પઠાણ હાર્યો, દીન બની ગયો. ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યો: “હાય રે, ગુરુદેવ! આજ શયતાનની સાથે આવી રમત કાં આદરી! ખુદા જાણે છે કે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. આટલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા. આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું? ઝનૂનને શા માટે જગાડું? પ્રભુ તમારાં કદમની ધૂળ હરદમ મારે માથે પહોંચતી રહેજો.” એટલું બોલીને પઠાણે દોટ દીધી. એ ઘોર જંગલમાંથી એક શ્વાસે બહાર નીકળી ગયો. પાછળ જોયું નહિ, પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઊભો રહ્યો ત્યારે શુક્રનો તારલો ઊંચેથી સ્નેહધારા વરસાવી રહ્યો હતો. ગુરુ ગોવિંદ એ ઘોર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ. જિંદગીના છેલ્લા પાપનું બંધન કાપીને આજ તો એને ચાલી નીકળવું હતું. એ ઝંખના અણપૂરી રહી ગઈ. તે દિવસથી પઠાણ ગુરુદેવથી દૂર ને દૂર રહે છે: ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે. બાપુને જગાડવા પરોઢિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રીએ પોતાની પાસે કાંઈ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણી વાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી. બહુ દિવસો વીત્યા. એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી. બપોર થયા. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શતરંજમાં મશગૂલ છે. પઠાણ વારે વારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે. સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતા તે બધા પોતાને ઘેર ચાલ્યા ગયા. રાત્રી જામતી ગઈ. ઝન! ઝન! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે. અચાનક આ શું થયું? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું? પઠાણ સ્તબ્ધ બની ગયો. અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યો: “રમ્યાં રમ્યાં, નામર્દ! પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે?” વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણની કમ્મરમાંથી છુરી નીકળી. પઠાણે ગોવિંદસિંહની છાતી એ છુરીથી વીંધી નાખી. છાતીમાંથી લોહીની ધારાઓ ઊછળે છે અને ગુરુદેવ હસીને પઠાણના માથા પર પોતાનો હાથ મૂકે છે. મરતાં મરતાં ગુરુ બોલે છે: “બચ્ચા! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય. બસ, આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉં છું, ઓ પ્યારા પુત્ર!”