મેઘાણીની સમગ્ર નવલિકા/ન્યાયાધીશ
પૂના નગરની અંદર વીર રઘુનાથરાવ રાજ કરે છે. સિંહાસન ઉપરથી એક દિવસે રઘુનાથે રાજસભાને હાકલ કરી: “શૂરવીરો! સજ્જ થાઓ. મૈસૂરના માલેક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.” જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તરો સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી પુરુષો ચાલ્યા આવે છે: કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય! આકાશમાં વિજય-પતાકા ઊડે છે, શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર-ગાન ગાય છે. પૂના નગરી ગર્વથી ધણધણી ઊઠી છે. ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી. અકસ્માત્ આ માતેલી સેના કાં થંભી ગઈ? મહાસાગરમાં મોજાં જાણે કોઈ જળદેવતાની છડી અડકતાં ઊભાં થઈ રહ્યાં! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઊતર્યાં? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે? એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે. એનું નામ ન્યાયાધીશ રામશાસ્ત્રી. બે બાહુ ઊંચા કરીને રામશાસ્ત્રી કહે છે: “રાજા, તારા અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર ક્યાં નાસી જાય છે?” વિજયના નાદ બંધ પડ્યા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના ઊંચે શ્વાસે ઊભી થઈ રહી. રઘુનાથ બોલ્યા: “હે ન્યાયપિતા! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઊભા?” રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યા: “રઘુપતિ! તું રાજા. તારે સહાયે એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.” રાજા માથું નમાવીને જવાબ વાળે છે: “સાચું, પ્રભુ! અપરાધી હોઉં તો દંડ આપો.” ન્યાયમૂર્તિ બોલ્યા: “તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે, રઘુપતિ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિ.” હસીને રાજાએ જવાબ વાળ્યો: “મહારાજ! આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આરોપ મૂકીને મશ્કરી કરો છો?” “મશ્કરી! સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું, વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે, પ્રજા હાહાકાર કરે છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને એ વિચારીને આગળ કદમ ધરજે, પેશ્વા રઘુનાથરાવ!” રોષ કરીને રઘુનાથ બોલ્યા: “મહારાજ! રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજે રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું. આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.” રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઊપડી. શાસ્ત્રીએ કહ્યું: “સિધાવો, રાજા સિધાવો! યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર, અને એ સામ્રાજ્યનો ભાર તમને ચગદી નાખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઈન્સાફની અદાલતમાં ભલે હવે રાજ-સ્વચ્છંદની રમતો રમાતી.” શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. ધજાઓ ગગને ચડી. રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા. ન્યાયાધીશે પણે ન્યાયદંડનો બોજો નીચે ધર્યો. ન્યાયપતિની નિશાનીઓ અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો.