મેઘાણીની સમગ્ર નવલિકા 2/જાત્રા
આકાશનો પટ અને પૃથ્વીનાં પાણી એ બેઉ જ્યારે આછરી ચોખાંચણાક બની જાય છે તેવો આસો મહિનાનું પ્રભાત હતું. ઉબેણ નદી ક્યાંક છીછરે વહેણે તો ક્યાંક વળી ઊંડા ધરા સંઘરતી ચાલી જતી હતી. એના હૃદયમાં આકાશ પોતાનું મોં જોતું હતું. અને આકાશે સૂર્યની બીકે સાંજ સુધી પોતાના તારા નદીને સાચવવા દીધા હોય તેવીમાછલીઓ પાણીમાં લળક લળક થતી હતી. કાંઠે ઊંચા ટેકરા પર મજેવડી ગામ એના ગઢકોઠાનું બખ્તર પહેરીને જ ઊભું હતું, હજુ જાણે એને સધરા જેસંગના હુમલાની બીક હતી. સામે ધૂસર યોગી ગિરનાર બેઠો હતો. મહામહેનતે મેં સરોજને સૅનેટોરિયમની બહાર કાઢી હતી અને એનો હાથ પકડીને એને ઉબેણના સર્પાકારે વહેતાં સાંકડાં વહેણ ટપાવતો નદીની હરિયાળી પર લાવતો હતો. “મચ્છરનું ટોળું જાણે!” છોકરાંને અમારો પીછો પકડતાં દેખીને સરોજ કકળી: “એક ઘડીય વેગળાં ન ખસે. મુંબઈ તો ઠીક કે જાણે સંકડાશ હતી, પણ આંહીં લાવ્યા તોપણ છાતી પર ને છાતી પર; મરોને છેટાં! આવડી બહોળી નદી પડી છે.” “અરે સરોજ,” હું એને બીજી વાતે વાળતો હતો: “આંહીં — તું જ્યાં ઊભી છે ત્યાં જ — એક દિવસ રાણકદેવી ઊભી હશે. એના કુંભાર બાપના ઘરનું પાણી ભરતી હશે. આ મજેવડીનો જ એ કુંભાર.” “પણ હવે લોહી શીદ પીવછ, ગનિયા!” ગનુ, અમારો પગલીનો પાડનાર નંબર ત્રીજો, સરોજનો છેડો પકડીને સામી ભેખડે એક ગધેડું ઊભું હતું તેને બતાવીને બૂમ પાડતો હતો: “જો બા, સિંહ! આપણને કરડી ખાશે.” બાપડાએ ગધેડું મુંબઈમાં પાંચ જ વર્ષની ઉંમરમાં ક્યાંથી દીઠું હોય! ને વિક્ટોરિયા ગાર્ડનમાં લઈ જઈને મેં એને સિંહ પણ કદી બતાવ્યો નહોતો. “એ ગધેડું જોયું, સરોજ?” મેં ગનુને એની માના તમાચાના વાસ્તવમાંથી બચાવવા પત્નીને કલ્પનાપ્રદેશમાં ઉપાડી લીધી: “એની પાસે એક છોકરી ઊભી છે ને, બરાબર એની જેમ જ બાળ રાણકદેવડી એના બાપનું ગધેડું હાંકીને માટી ખોદવા આંહીં રોજ આવતી હશે.” પણ સરોજની નજર નહોતી મજેવડીમાં, ગધેડામાં, કે રાણકદેવડીમાં. એ જોઈ રહી હતી ઘેટાંનાં ટોળાંને, ઘેટાં નદી પાર ઊતરતાં હતાં. એક જુવાન આગળ ચાલતો હતો. ને પછવાડે ઠેરી જતાં છૂટાંછવાયાં ઘેટાંને સૌની સાથે કરવા માટે વારંવાર પાછળ દોડતો, પ્રવાહ ઠેકતો, ડાંગ ઉછાળતો, મોંના સિસકારા કરતો, ને ડાંગ જરા પણ અડકાડ્યા વગર ઘેટાંને આગળ લેતો એક બુઢ્ઢો રબારી સરોજની નજરને રોકી રહ્યો હતો. “ધોળાં - ધોળાં - ધોળાં - ધોળા રૂની ઢગલીઓની જ એક હાલતી હાર... ઊંઘ આવી જાય એવું લાગે છે.” બોલતી બોલતી સરોજ આંખો મીંચી જતી હતી. વાંકાચૂકા વહેણ પર કેટલી વાર ઠેકી ઠેકીને બુઢ્ઢો ઘેટાંને હાંકી લાવતો હતો! “જો, સરોજ!” મેં કહ્યું: “એને આ ત્રણસો, ને તારે ત્રણ; પણ એ કંટાળે છે? કેટલી વાર પાછો જઈ જઈને લાવે છે?” “હં-અં! મા મૂઈ છું એટલે શું કરું? લાચાર છું. મોહ મુકાતો નથી. નહિ તો ત્રણેય તમને ભળાવીને હું આવાં ત્રણસોને સાચવવાનું જ પસંદ કરત.” બુઢ્ઢો પશુપાલ નજીક આવ્યો ત્યારે મેં એને કહ્યું: “હેં ભાભા, આ બાઈને રાખશો ઘેટાં સાચવવા?” મરકીને બુઢ્ઢો ઊભો રહ્યો. લાકડી ખભા પર ટેકવી, પછી સરોજને ને મને ધીરી ધીરીને નીરખ્યાં, ને પછી બોલ્યો: “આજ તો મારે તમ જેવડાં જ હોત — દસ-બાર.” “કોણ?” “છોરડાં, બીજું કોણ? બે-ચાર તમ જેવડા કંધોતર હત, તો એક-બે આમના જેવડી ધેડીઉંય હત ને! ઠાકરને તો ડાબી ને જમણી બે આંખ્યું સરખીઉં ને, ભાઈ!” (ધેડી એટલે દીકરી). “ઓ બાપ!” સરોજ તો ગભરાઈ ગઈ. “દસ-બારની વાત કરે છે ડોસા!” “નૈ તયેં? કેટલાં વરહ ખાઈ ગિયો છું, ખબર છે?” “કેટલાં?” “એંશી ને માથે પાંચ.” “છતાં આવું ત્રાંબાવરણું શરીર?” મારા ડાચા સામે જોઈને સરોજે ઘા માર્યો. “ઈ તો આ ત્રણસેં જીવની દુવાથી, બોન!” “તો શું આગળ ચાલ્યો જાય એ એક જ છે?” મારા પ્રશ્નના જવાબમાં એણે કહ્યું: “ના રે ના, ઈ તો છે ભતરીજો.” “ત્યારે તમારે શું છે?” “ચૂલા માંયલી!” ડોસાએ હૃદયની રાખોડી બતાવી; “એક નૈ, બે નૈ, ચાર ઘર કર્યાં, પણ પેટે એકોય વિયા ન થ્યું.” વિયા એટલે છોરુ. “અરે રામ! ચાર ઘર?” “હા.” બે-ચાર છૂટાં પડેલાં ગાડર હાંકીને એ આગળ વધ્યો, પણ વળી અમારા તરફ ફરીને કહે: “લ્યોને તયેં, કહી જ લઉં.” “કહો ને બાપા!” સરોજે ગનુ પોતાને બાઝ્યો હતો તે ગણકાર્યા વગર ઇંતેજારી બતાવી. “ઈ ચારમાં પે’લી હતી પરણેતર, એક દીકરો મેલીને મૂઈ.” “દીકરો થયેલો?” “હા, પણ હું જ્યાં બીજીને ઘરઘીને લાવ્યો, ત્યાં પાછો દીકરો મૂવો. એટલે ઈ બીજીને મેં દીકરો ભરખનારી કહીને કાઢી મેલી.” ડોસાના એ બોલવામાં અપરાધીની કરુણતા હતી. સરોજે પૂછ્યું: “એ બીજી ક્યાં છે હવે?” “એ નવું ઘર કરીને બેઠી. નવા સંસારમાં એને વસ્તાર છે. સારું છે. બધી વાતે પાધરું છે. ઠાકર રાજી છે. એની મને ફકર નામેય નથી.” “નહિતર તમે મેલી દીધેલની ફિકર કરો ખરા?” “કરીએં તો શું, આફૂડી માલીપાથી, એની મેળે જ થાય. કોઠો જ કળકળે. કાઢી મેલી ખરી ના? પણ વાવડ મળી રે’ છે, કે પરભુ સાયદે છે એને.” “પછી?” “પછેં તો ઈવડી ઈ જ કે’વરાવતી ને, કે ભગત, ફરી ઘરઘી લ્યો, કહો તો ઘર બતાડું, હજી જુવાન છો, ઠેકાણે પડી જાઓ. પણ મને કોઠામાં ઓલ્યો વે’મ બેસી ગયેલો ખરો ના, કે ઈનો જીવ ડાકણ્યો છે, એટલે એણે ગોતેલ ઠેકાણે તો ન ઘરઘ્યો, પણ આમ વણથળી ઢાળીથી ત્રીજી આણી. જુવાનીનો મદ હતો ખરો ને તે દી તો?” “ખરો, ખરો. સૌને હોય એ તો, ભાભા!” સરોજને એ બાબત મારી પૂરી ખબર હતી. “ત્રીજી લાવ્યો. પણ ઠાકરની ગતિ જુઓ! એને એના આગલા ઘરે સર્યું હાલતી’તી, પણ મારે ઘરે ઈ વણકોળી જ રહી.” “સર્યું હાલતી’તી — એ શું કહે છે હેં!” સરોજે મને પૂછ્યું ને એણે ઉત્તર દીધો. “સર્યું હાલતી’તી એટલે એમ, બા, કે આગલા સંસારમાં એ દોઢ-દોઢ વરસે છોરું જણતી’તી, પણ મારે ઘેરે આવ્યા પછી કોરી કાટ! સરવાણી જ સૂકવી નાખી ઠાકરે. પાંચ વરસ વહ્યાં ગયાં. મારા રુદાનો વલોપાત મેં કે દી દેખાડ્યો તો નહિ, પણ ઈ પંડે જ કળી ગઈ. એક દી એણે જ મને હાથ જોડીને જણાવ્યું કે ‘ભગત, મારે ને તારે લેણું નૈ. મને રજા દે’. રજા લઈને ગઈ. પાછી વળી ગઈ.” “પાછી વળી ગઈ એટલે જે પતિને છોડીને આવી હતી તેનું જ ફરી ઘર માંડ્યું.” મેં સરોજને સમજ પાડી. “હા, એમ. અને ત્યાં ફરી પાછો એનો વંશવેલો હાલ્યો છે. મારાં જ પ્રાલબદમાં (પ્રારબ્ધમાં) નૈ ના! મેં ચોથી આણી. ઈ આજ સુધી અણફળી જ બેઠી છે. મારા જેવડી જ અવસ્થા છે. હાલી શકતી નથી. આ તો ભત્રીજો છે, ભાઈ! પેટનો નથી. ‘જેવો શેડ્યે સા, એવો દોંણે ના’વે દાદવા!” એવું એક દુહાનું ચરણ બોલીને એ ઊભો રહ્યો. “કાંઈ વલોપાત કરો મા, ભાભા!” મેં કહ્યું: “એ તો બધી ઈશ્વરની માયા છે.” મનમાં એમ કે ડોસા! અમારે વણજોતાં ત્રણ છે — કડવાંઝેર લાગે છે. સરોજને ખબર નથી કે મારા મનમાં શું હતું. મારાં બે ઠાકરે ઓછાં કરીને પણ આ ડોસાની ચોથીને દીધાં હોત તો હું રાજી થયો હોત. દાંત કાઢીને ડોસો ચાલ્યો. ઘેટાં બધાં નદીપાર ચડીને સામે કાંઠે ચારો બટકાવતાં હતાં. ભત્રીજો ત્યાં ઊભો હતો. વળી એક વાર પાછો ફરીને ડોસા બોલ્યા: “તયેં હવે ભેળાભેળી બધી જ વાત ઠાલવી દઉં.” “સુખેથી, ભાભા! સાંભળવું ગમે છે.” “મારી પે’લુકી વારની ઓલી પરણેતર હતી ના, એની જુવાની ઠીકાઠીકની હતી હો કે! મને બૌ ઈયાદ આવે છે.” “આટલાં વર્ષે?” અસાવધપણે પુછાઈ ગયું. એણે ઉત્તર વાળ્યો: “નથી વીસરાણું. ઈ એની નમણાઈ, એના ગુણ, અદબ...” એટલેથી વાતને છેલ્લી સમાપ્તિ આપીને એ ચાલ્યો જશે કે હજી એક વાર કંઈક બાકી રહેલી પેટની વાત કહી નાખવા પાછો વળશે, એ સમસ્યાને લઈને અમે ત્યાંનાં ત્યાં જ ઊભાં રહ્યાં, પણ એ તો ઉબેણનો સોનેરી પ્રવાહ ઓળંગી સામી ભેખડે ચડી ગયો. વળી પાછાં વેરવિખેર ગાડરડાંને ભેગાં કરવાની એની ક્રિયા ચાલુ રહી. માણસ એકાએક કોઈ પ્રબળ ભાવની અસર તળે આવતાં સમૂળો પલટી જાય છે એમ કહેવાય છે. હું એવા પલટામાં માનતો નથી. પણ તે પછી ગનુને સરોજે જે કુમાશથી આંગળીએ વળગાડ્યો તે તો મને યાદ છે. અમે નદીકાંઠે બેઠાં ત્યારે આપોઆપ એ બોલવા લાગી: “આજ સુધી છોકરાંને જાણે કે હેત કરવાનો વખત જ નથી મળ્યો. એવું જ લાગ્યા કરે કે હરએક હલનચલનમાં હડફેટે આવતાં રહ્યાં છે છોકરાં. આને ચાર સ્ત્રીએ એકેય ન મળ્યું એની વેદના છે; ને તમને એક જ લગ્ને ત્રણનો ઢગલો થયો એનો ત્રાસ છે.” “મને!” “હા, તમને.” “શી રીતે? ત્રાસ તો તું જ અનુભવતી હોય છે!” “હા, પણ એ તો તમારે મને સિનેમામાં ને સભામાં લઈ જવી હોય તેને લીધે જ.” “તો હવેથી હું એકલો જઈશ.” “હં-અં, જજો!” સરોજે મને અંગૂઠો બતાવ્યો. “તો ચાલ આપણે કરાર કરીએ.” “કરો કરાર.” “કરાર એમ કે આપણે છોકરાંને મૂકી સિનેમામાં ન જવું, મારે એકલા નાટક-સિનેમામાં ન જવું, ને તારે છોકરાંને વઢવું નહિ.” “એ તો વઢીએ, ઢીબરડીએ ને પછી વહાલ પણ કરીએ.” “તો આપણો કરાર ફોક.” “લ્યો હવે આંહીં સ્મશાનવૈરાગ્ય સેવતાં લાજો, ને હવે મને વધુ બાળકોથી બચાવો, નીકર ડોસાના જેવું થશે. સિત્તેર વર્ષના બુઢ્ઢા બનીને સંભારશો: “ઈ નમણાઈ, ઈ ગુણ, ઈ અદબ...”
પગથિયાં પર ઠબ ઠબ ઠબ લાકડીઓ પડતી આવતી હતી. અમે ગિરનાર ચડતાં હતાં. હું ને મોટાં છોકરાં પગે ચાલતાં હતાં. સરોજ ડોળીમાં, ને ગનુ તથા કીકીને બે મજૂર બાઈઓ તેડીને આવતી હતી. લાકડીઓના ટેકા લઈને ડોળી ઉપાડનારા બે જણા ઠબ ઠબ ઠબ એવે રવે ઝડપ કરીને ઉપર જતા હતા, ને હું મજૂરણોની વાતો પકડવા માટે ધીરો ચાલતો હતો. મારા કાનની સરત પછવાડે હતી. ગનુને તેડનારી ડોસીના બોલ મારા શ્રવણે પડ્યા: “શું કરું, બાઈ! ગાંડી થઈ જાઉં તો મલક ઠેકડી કરશે કે રાંડ હારીને ગાંડી થઈ ગઈ. એટલે જ આ ડુંગરા રોજ ચડવા-ઊતરવા સારા છે. ગાંડપણ તો ન આવવા દ્યે!” “હા બોન!” બીજી ટૌકો પૂરતી હતી: “જાત્રાળુ હારે કડાકૂટ કરીએ, લમણાં ઝીંકીએ, કાંક છેતરીએ, તો કાંક વળી પંડેય છેતરાયેં, પારકાં છોકરાંને કેડ્યે વળગાડતાં પોતાનાં સાંભરી આવે તો પારકાંને ચોંટિયો પણ ભરી લઈએ, આ એ બધી આળપંપાળમાં આગલી વાતું તો દટાઈ જાય.” “હા, બસ મૂળે એક ગાંઠ વાળવી કે દુ:ખની મારી રાંડ ગાંડી થઈ ગઈ એવું બોલીને દુનિયા દાંત ન કાઢે.” “બસ, બસ મારી બોન! કે’નારા કહી ર્યા.” શ્વાસની ધમણ ચલાવતી બેઉ મારી પાછળ પાછળ ચાલી આવતી હતી. કીકી તો લગભગ એકની કમ્મરે કોથળી જેવી લબડતી જ આવતી હતી, ને ગનુ બીજીના ખભા પર ઝોલે ગયો હતો. મેં કહ્યું: “બાઈ, છોકરીને કેડે બરાબર તો ટેકવો!” “હા લ્યો, ભાઈ!” કહીને એણે કીકીને સહેજ ઊંચે લીધી. પણ પછી એ થોડી જ મિનિટે કીકી બાપડી ‘જૈસે થે!’ની સ્થિતિએ લબડી પડી. મેં પૂછ્યું, “શું માંડી, શી વાત ગાંડા થઈ જવાની કરતાં’તાં?” “ઈ તો, ભાઈ, આ ડોશીની વાત કરતાં’તાં. એને આગલું ઘર હતું તેના બે દીકરા હતા તે આઠ-દસ વરસના થઈને મૂઆ. એને વહેમ પડ્યો કે ઘરવાળો દારૂ પીએ છે એને લઈને કળદેવી કોપી છે. એટલે એણે ઈને છાંડીને બીજું ઘર માંડ્યું. ત્યાં ત્રણ દીકરા થ્યા, ત્રણેયને પરણાવ્યા-પષ્ટાવ્યા, એમાંથી એક પલટણમાં ગ્યો તે મોરૂકી લડાઈમાં માર્યો ગ્યો, ને બે મરકીમાં ગ્યા. વઉંવું ઘરઘી ગઈ એનું તો શું દુ:ખ — ન ઘરઘે તો રોટલા કોણ પૂરે? પણ છાતી માથે આંઈ જૂનાગઢમાં ને જૂનાગઢમાં ઘરઘી! તીયે ઠીક, ડોશી તો એ નવા ધણીઓને પણ પોતાના દીકરાને ઠેકાણે ગણી દુવા દેવાય ગઈ’તી. પણ પછી એનેય સૂતા મૂકીને વવું પારકા મરદોની પથારીએ જાય...” હાંફેલી બાઈ જરા થંભીને પછી બોલી, કે “આ ઈ એક વાતે આ ડોશીનું માથું ફેરવી નાખ્યું હતું. ફટકી જ જાય ને, બાપુ! જીવ ઠેકાણે રે’ કાંઈ? બે દા’ડા તો વિચારવાયુમાં પડી રહી, પણ પછી કેડ બાંધીને ઊઠી.” “શું ઉપાય, સા’બ!” યાતનાઓ સહન કરનાર ડોશીએ કહ્યું: “આપઘાત કરું તોયે મલક હસે, ગાંડી થાઉં તોય હસે, રોઉં તોય કોઈ રોવા ન લાગે, એટલે ઊઠીને ડુંગરાને કહ્યું કે બાપા! તું દાતાર છો, દેવ છો, તારાં પગથિયાં રોજ ચડશું-ઊતરશું એટલે મોળા મનસૂબા આપોઆપ આઘા ભાગશે.” ગૌમુખી ગંગાએ અમારો પડાવ હતો. ડોળીવાળા ચાર જણાએ અને તેડવાવાળી બે બાઈઓએ વળતા પ્રભાતે અમારા કાફલાને નીચે ઊતરવા જૂનાગઢથી પાછા આવવાનું હતું. સવારે ત્રણ ડોળીવાળા હાજર થઈ ગયા હતા. ચોથાની રાહ જોવાતી હતી. આસો મહિનાની ગરમી આંહીં પહાડ પર પહોંચી શકતી નહોતી. ટાઢમાં ત્રણેય જણાએ તાપણું કર્યું હતું. “એ આવ્યા આવ્યા, બાપુ આવ્યા.” તેમણે વધાઈ આપી, ને ચોથો એક બુકાનીદાર ને ખડતલ આદમી આવી પહોંચ્યો. બહુ તો સાઠ વર્ષનો લાગે. સાથીઓએ એને સ્નેહથી બોલાવ્યો: “આંઈ ધૂંણે આવો, બાપુ, જરા તાપી લ્યો ને સા પી લ્યો.” મૂંગા મરદે તાપ્યું, ચા પતાવી, પછી સરોજદેવીના પ્રચંડ પુદ્ગળને વહતી ડોળી પગથિયાં ઊતરવા લાગી. કઠોડા વગરની સાંકડી પગદંડી અને નીચે ઊંડી ખાઈઓ દેખીને મને થતું હતું કે આ ડોળીવાળામાંથી એકાદને તમ્મર આવે, એકાદનો પગ લપસે, કે એકાએક એકાદ ગાંડો બની જાય, તો સરોજના નમણા (એના પોતાના માનવા મુજબ), ગુણિયલ મોંને મારે પણ પેલા ઊબેણકાંઠાના રબારીની માફક પોણોસો વર્ષે યાદ કરવું પડશે! ડોળીની પાસોપાસ ચાલતાં મેં પૂછ્યું: “આમને બાપુ કેમ કહો છો?” “ઈ અમારા હુસેન બાપુ છે, ભાઈ.” એક ડોળીવાળો બોલ્યો; “સૌમાં મોટેરા છે. બાકી તો દુ:ખ માણસને મોટાઈ આપે છે.” “દુ:ખ નૈ,” બીજાએ તુરત સુધારો કર્યો: “દુ:ખને પી જાવાની મોટપ.” “એના ચાર દીકરા ચાલ્યા ગયા. અરે દીકરાના પણ જુવાનજોધ દીકરાઓ પરણાવેલા, તેનીયે મૈયત એણે ખભે લીધી. દીકરાની વવું, ને દીકરાના દીકરાની જુવાન વવું પણ નવાં ઘર માંડી મજૂરીએ ચડી ગઈ. આજ બાપુ એકલ પંડે, એંશી વરસની અવસ્થાએ પણ ડોળી ચડાવે-ઉતારે છે ગરનાર માથે.” તે પછી બાપુએ પોતે આટલું કહ્યું: “બીજું તો કાંઈ નહિ, ભાઈ, પણ ઈ વહુઓને જોઉં છું ત્યારે છાતી ફાટી જાય છે.” બુકાનીમાંથી બૂંગિયો ઢોલ વાગતો હોય તેવા બોલ મેં સાંભળ્યા અને આ માણસની ઉંમર એંશી વર્ષની જાણીને તો જીવ ઊંડો જ ઊતરી ગયો. જીવનના ઉંબરમાં જ લાગતો થાક મને શરમિંદો કરતો હતો. સરોજ કે જે ડોળીમાં બેઠી બેઠી ‘એ... એ... એ પડ્યાં હો! એ ભાઈ જરી ધીરા તો ચાલો, હું જઈ પડીશ ક્યાંઇક!’ એમ કર્યા કરતી હતી તેને આ પહાડખીણોના કરતાં જીવનકંદરાઓનાં તળિયાં, ‘બાપુ’ની કથા સાંભળીને, વધુ ભયાનક દેખાયાં. એ જેની પીઠ પર હતી તે માણસનો કદમ કદી ચૂકે નહિ. “અરેરે!” સરોજે અનુકમ્પા બતાવી; “રોટલા કોણ કરી આપે?” “અલ્લાના દીધલ આ બે હાથ કરી આપે, બોન!” “વહુઓને ખબર છે?” “સપાઇવાડામાં જ રહીએ છીએ બધાં. ખબર તો હોય, પણ કરે શું?” બાપુએ વહુઓને નિર્દોષ ગણાવી. “અરે બોન,” જાણકાર બીજો બોલ્યો: “બાપુને રોટલા ઘડી દેનારી તો સાઠ વર્ષે પણ એક કરતાં એકવીશ તૈયાર હતી: સાઠ વર્ષે પણ બાપુનું ઘર માંડવાનું કહેણ બે-ત્રણ રાંડીરાંડુંએ મોકલ્યું’તું; ને પાછી કેવી? ઇજ્જતવાન, ખાનદાન. અસલ સપાઈનાં બુંદ. પણ બાપુએ કહ્યું કે હવે શું ચીથરાં ફાડું? દીકરાને ને તેના પણ પરણેલા કંધોતરને દફનાવ્યા પછી હવે કાંઈ ઘર માંડવાનાં હોય? ઈ તો અલા, અલા! ગરનારી દાતાર મોટો છે, પાંચ-પંદર જે મુકદ્દરમાં માંડેલ હશે તે ખેંચી નખાવશે.” “શાબાશ!” મેં કહ્યું. “ના રે ભાઈ,” બાપુ બોલ્યા: “ઇન્સાનને શેનું શાબાશ? ઈ તો સાઠ વરસથી જાત્રાળુઓને ચડાવું-ઉતારું છું, બાયું ને બે’ન્યુંને આ ડોળીએ બેસારી છે, કોઈની સામે કોઈ દી નજર માંડી નથી, કોઈને કદી કપટ દીધું નથી, આઘુંપાછું વેણ કહ્યું નથી, એનો બદલો દાતાર દઈ રહ્યો છે. કાયાને ને મનને એ માલિક જ ટકાવે છે, માણસનું ગજું કેવું!” અમે તળેટીમાં આવી પહોંચ્યાં ને જાત્રા કરીને પાછાં મુંબઈ પહોંચ્યાં, તે પછી તો પાંચ વર્ષ વહી ગયાં છે. કોઈ કોઈ વાર હું સરોજને પૂછું છું: “હેં ભલા, ઉપરકોટના નેમીનાથ ભગવાનનાં આભૂષણો કેવાં હતાં? દત્તાત્રેયની મૂર્તિ યાદ આવે છે?” વગેરે વગેરે. જવાબમાં સરોજ કહે છે કે “પેલા રબારી ડોસા અને મુસલમાન ‘બાપુ’ સિવાય કશું યાદ નથી.”