મેઘાણીની સમગ્ર નવલિકા 2/મારા ખેડુને વેણે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારા ખેડુને વેણે —
[૧]

ગઢની અધૂરી ચણાયેલ રાંગ ઉપર એક આદમી ઊભો હતો. નમતી સાંજના પવન-ઝપાટામાં એની લાંબી મૂછો ફરકતી હતી. ગામ ફરતા એ વિશાળ ગઢને બુરજે બુરજે ટીપણી ટિપાતી હતી. ઢોલક, ઝાંઝ અને કડતાલને તાલે તાલે સાંબેલાં પટકાવતી સ્ત્રીઓ મીઠા કંઠે ગાતી હતી: હાલો બાયું હટાણે જાયેં રે ઘેલોશા ગઢ ચણાવે — “આજ તો પૂનમની રાત છે, દાજી!” અબુજી જમાદારે ગઢની રાંગ ઉપર આવીને એ ફરતી મૂછોવાળા આદમીને પૂછી જોયું: “રાત આખી ઝોકાર અંજવાળાં રે’વાનાં. ટીપનારીઉંને રાતપાળી રોકીએ?” “હા જ તો, નહિ તો જેઠનું અંધારિયું વરસ્યું સમજજો; જો સમી રીતે રોહણ વરસશે તો તમારા ચૂના, કાંકરા ને પા’ણકા પાણીમાં તણાઈ ગયાં માનજો. ને હવે મને ચારેકોરથી ભીંસ લાગી રહી છે. ઝટ ગઢ પૂરો કરાવો. નોમને દિવસે તો લીંબડીથી બાપુ હરિસંગજી જોવા આવશે.” બોલનારના શબ્દોમાં પ્રતાપ હતો. કરડાકી પણ હતી. “ભલે, દાજી!” અબુજી જમાદારે સલામ ભરી; “અમે પણ વધુ ભીંસ રાખશું હવેથી. હમણે તો ઉનાળો છે એટલે ગુજરાતથી કેરીઓનાં ગાડાં પણ સેંકડો ચાલ્યાં આવે છે.” “એ દરેકને રોકો છો કે?” રાંગ પરના પુરુષે આથમતા સૂર્ય સામે મૂછો આમળી. “નહિ ત્યારે? એકોએકની કનેથી પાંચ-પાંચ ગાડાં પા’ણકા વહેવરાવીને પછી જ જાવા દઈએ છીએ.” “શાબાશ. કોઈ આડોડાઈ નથી કરતા કે?” “આડોડાઈ શું કરશે? ઘણુંખરું તો ગુજરાત ભણીથી જ ગાડાં આવે છે, ને ભાલ ભણીથી.” “બેઉ બાજુના બીકણ લોકો.” રાંગ પરનો આદમી સહેજ હસ્યો. નીચે એની છાયા પડેલી તેનું પણ મોં પહોળું થયું. “હા જ તો. અને બાકી તો, દાજી, ગઢનો ભેંકાર દેખાવ જ ભલભલાની છાતિયું ઉપર ચડી બેસે છે ના!” “ઓહોહો!” ‘દાજી’ નામથી સંબોધાતા પુરુષનું ધ્યાન પોતાની સામે આવેલા ધોરી માર્ગ ઉપર રમતું હતું: “બરાબર ગુજરાત અને ભાલના રાહદારી રસ્તા ઉપર! કાઠીઓ કાંપી ઊઠશે. વઢવાણને આજથી પેટશૂળ ઊપડ્યું છે. એક વાર આ રાંગ માથે તોપો ચડશે પછી મારા જીવતરનું કામ પૂરું થશે. પહેલી જ તોપને સિંદૂર ચડાવી લઉં, એટલે પછી બસ.” “અમે તમને મુરત નહિ ચુકાવીએ, દાજી! જુઓ, જુઓ છો ને નીચે?” મુસલમાન જમાદારે આંગળી ચીંધાડીને બતાવ્યું: “રોગું કીડિયારું પૂર્યું હોય એટલી બધી ગાડાંની કતારો થઈ પડી છે. પાંચ-પાંચ ગાડાં પા’ણા ઠાલવ્યા સિવાય એમાંનું એક પણ ન જાય. એટલે આવી ને આવી ભીડ જો પાંચ દા’ડા રહેશે તો તો કોઠા અને રાંગ બેયનાં માથાં બાંધી લેવાશે.” “લોકો શું બોલે છે, અબુજી?” “બોલે છે કે મીટ માંડતાં ફાટી પડીએ એવો ગઢ ઘેલાશાનો.” ઊડતી મૂછોના અક્કેક-બબ્બે વાળ તારવીને પુરુષ પોતાની ચપટીમાં રમાડવા લાગ્યો. આસપાસ ચારેય દિશાઓની સપાટ પૃથ્વી નિસ્તેજ પડી હતી. અસ્ત થતા સૂર્યની ચોગમ આથમણા આકાશમાં વાદળાંઓ કેટકેટલા બુરજો ઘડી ઘડીને પાછા ભાંગી નાખવાની લીલા રમી રહ્યાં હતાં. નાનાં નાનાં નેસડામાંથી સંધ્યાકાળના ચૂલાનો ધુમાડો થાક્યાપાક્યા કોઈ પથિકની પેઠે ઊંચો ચડતો હતો. “ઓલ્યું સીમાડે શું ચળક ચળક થાતું આવે છે?” દાજીએ બાજ જેવી આંખો સ્થિર કરી. વૃદ્ધ જમાદાર અબુજીએ આંખો ઉપર હાથની છાજલી રચી: એને ગમ પડી: “છે તો કોઈક ગાડું જ, પણ તાજાં ફૂદડાં ને તાજી પાટી જડ્યાં હોય, કે પછી પીતળનાં જડ્યાં હોય, એની ચમક લાગે છે.” “કેડો તો ઝમરાળાનો જ ને?” “હા, લાગે છે કોઈક ત્યાંનો જ પટેલ.” “હોય ભા! આતોભાઈ પોતાના ખેડૂતોને પેટના દીકરા જેમ રાખે છે.” “આપણેય ઘણુંખરું તો પરહદનાં જ ગાડાં પાસેથી વેઠ્ય કરાવીએ છીએ, હો દાજી!” “પણ આમ જુઓ, જમાદાર!” દાજીએ નજર જરા તીણી કરી: “આપણા ચોકિયાતોએ ગાડું રોકાવ્યું.” “એ તો કાંઈ છોડશે?” “પણ કાંઈ ધડ મચી લાગે છે.” “હા, માંહી બેઠેલો માણસ ઊતરતો નથી.” “જુઓ, જરા તપાસ કરો ત્યાં જઈને.” અબુજી જમાદાર રાંગેથી ઊતરી ગયો. એકલા ઊભેલા પુરુષના કાનમાં બુરજ પરની ટીપણીનું સંગીત રેલાતું હતું તેની સાથોસાથ નાનાં નાનાં બચ્ચાંની ચીસોએ પણ કરુણ સૂર પૂર્યા. આથમણી રાંગે નાનાં નાનાં બસો-ત્રણસો છોકરાં ઊંઘતાં હતાં. પણ સૂર્ય આથમણો ઊતરતાં રાંગનો છાંયો ફરી ગયો ને તાપ એ બચ્ચાંને શેકવા લાગ્યો હતો. એ બચ્ચાં ટીપણી ટીપનારી સ્ત્રીઓનાં હતાં. છોકરાંની બૂમો સાંભળતાં જ એ સહુની ટીપણીઓ ધીરી પડી. “ટીપો! ટીપો, બાઈઓ! આજ પૂનમ છે.” મુકાદમોની હાક બોલી. “ભાઈ, અમે છોકરાંને ધવરાવી આવીએ. થોડુંથોડું પાણી પણ પી આવીએ.” “થોડી વાર ટીપીને પછી જાઓ. આવતી નોમે તો તોપુંનાં મુરત છે, ખબર નથી?” ટીપણીઓ ફરી એક વાર જોશ પકડતી હતી. શરણાઇઓને ઢોલકના શોર નવો જીવ ધારણ કરતા હતા ને ગઢની નીચે પૃથ્વી પરથી બાળકોના ચેચાટ વધુ તીણા બનતા હતા. સંધ્યાનો વાયરો એ રાંગ ઉપર ઊભેલા ઘેલાશા કારભારીની મૂછોને વધુ ને વધુ ગેલ કરાવતો હતો. ‘નોમની પ્રભાતે મારી અંબા તોપને અહીં સિંદૂર ચડશે.’ એના અંતરમાંથી આ ઉદ્ગાર ઊઠતો હતો. એકાએક એણે ગઢથી થોડે દૂર કોલાહલ વધતો સાંભળ્યો. થોડીવાર પર જે ગાડાને એણે સીમાડા પર ઝાંખું ઝાંખું જોયું હતું, તે હવે નજીક આવતું નિહાળ્યું. નિહાળીને ઘેલાશા દિંગ બની ગયા. આખા જ ગાડા ઉપર રૂપાની પાટી: રૂપાના દડા: જ્યાં જ્યાં લોઢાનું કામ જોઈએ ત્યાં ત્યાં રૂપેરી સામાન મઢેલો: ધોળિયા ઈંડા સરીખા, અસલ વઢિયારા, ટીંગાઈને જોતર દે તેવા, ડોળિયાં શીંગવાળા, જેને બધા જ બાબ પૂરા છે એવા બે ગોધલા જોતર્યા છે. અંદર કોઈ બેઠેલ છે. કોઈ રાજદરબારી પુરુષ તો નથી જણાતો, કેમ કે ગાડાંમાં ગાડાખેડુ ઉપરાંત એ પોતે એકલો જ છે, તેમ પછવાડે કે આગળ કોઈ વોળાવિયા, કોઈ અસવારો, કોઈ અનુચરો — કોઈ કરતાં કોઈ નથી. “હેઠો ઊતર હેઠો, ભલા માણસ!” બરવાળા-લીંબડીના ચોકીદારો એ ગાડામાંના પ્રવાસીને સમજાવતા હતા: “આંહીંથી તો જાનું નીકળી જાનું, એનેય અમે પા’ણકા વહેવરાવ્યા વિના છોડેલ નથી.” “હું એ કશું જ ન સમજું. તમે તમારે મને દાજી કને લઈ જાઓ ને!” “એમાં દાજીની જરૂર નથી. ઝટ પાંચ ગાડાં પા’ણકા વેઈને ચાલતો થઈ જા તું તારે.” “પણ, ભાઈ,” બીજા ટીખળી ચોકીદારે ટોણો માર્યો: “જોતા નથી? પટલનું ગાડું રૂપે મઢ્યું છે! પા’ણકા વેયે બગડી ન જાય!” “અરે ગાડું તો શું, આખી ઓખાત બગડી જાય. રૂપે મઢ્યું તે કાંઈ અમને પૂછીને મઢ્યું’તું, ભાઈ!” “લે, હેઠો ઊતર.” “નાહકની જિકર કરો મા, ભાઈઓ, ને હું કહું છું કે મને તમારા ઘેલાશાની પાસે લઈ હાલો.” “નીકર, પરાણે તને ઉતારીને પા’ણા વહેવરાવશું તો શું તું લડવાનો હતો?” “ના, મારી કને ક્યાં એક લાકડીયે છે?” “ત્યારે?” “એ બધું હું તમારા ઘેલાશાને કહીશ. મને ત્યાં લઈ હાલો.” “હવે એ ઘેલાશાના સવાદિયાને પગ ઝાલીને હેઠો પછાડો ને, ભાઈ!” એમ કહેતા પોલીસોએ ગાડાના ગોધલાની નાથ ઝાલી; ને એક જણાએ અંદર બેઠેલા આદમીનું કાંડું પકડ્યું. હાક મારી: “હવે આબરૂસર ઊતરવું છે કે નહિ?” “આબરૂના ખ્યાલ તો—” ગાડાનો માલિક હસ્યો: “બરવાળાની વસ્તી કરતાં ભાવનગરની વસ્તીના ન્યારા જ છે, ભાઈઓ! ખુશીથી ગાડુ આંચકી લ્યો. મારે તો એટલું જ જોવું છે.” અંધારું થવા આવ્યું હતું, ગઢ મોટા અજગર જેવો ભાસતો હતો, ઉપર ઊભેલા ઘેલાશાએ અવાજ દીધો: “એને આંહીં લઈ આવો. ગાડાને આંહીં હાંકી લાવો. કોઈ એને હાથ લગાડતા નહિ.” ઘેલાશા ગઢની રાંગ પરથી નીચે ઊતર્યા. પચાસેક માણસોનું જૂથ એની ચોગમ વીંટળાઈ વળ્યું. દીવાટાણું હજુ નહોતું થયું. દિવસનું છેલ્લું અજવાળું દાજીના મોંની કરડી રેખાઓને વધુ કરડી બનાવતું હતું. અજાણ્યા આદમીને ‘ઘેલાશા’ એ નામમાં રહેલી ભયાનકતાનું પૂરું ભાન હતું. ને સંધ્યાનો સમય હંમેશાં કાળની વેળા કહેવાય છે તે વાતનીય જાણ હતી. “કેવા છો?” ઘેલાશાનું ગળું કોઈ પથ્થરના પોલાણમાં દરિયાનાં મોજાં ઘોરતાં હોય તેવી રીતે ઘોર્યું. “કણબી.” “કેમ પા’ણા વહેવાની ના પાડો છો?” “શા સારુ વહેઉં?” “હરએક વટેમાર્ગુ ઉપર આ ગઢનો લાગો છે એટલા માટે.” “મારું ગાડું ને મારા ઢાંઢા પા’ણા વહેવાનાં નથી.” “ત્યારે?” “મારે ખાસ અસવારી કરવા સારુ રાખ્યા છે.” “તો પછી બીજું એક ગાડું ને બીજી એક જોડ બળદ ભેળાં જ ફેરવીએ, પટેલ! પા’ણા તો વહેવા પડશે.” “હું તમારી વેઠ નહીં કરું. હું તમારી વસ્તી નથી.” “કોની વસ્તી છો?” “ભાવનગરની.” “ક્યાંના છો?” “તમારા સીમાડાના જ ઝમરાળા ગામનો.” “નામ?” “જોધો પટેલ.” “બીજો ઉપાય નથી, જોધા પટેલ, પાંચ ગાડાં તો પા’ણા વેહી જ દેવા પડશે.” “તો હુંય મારા મનની વાત કહી દઉં છું.” “કે?—” “કે આ મારા બે ગોધલા ઘેલાશાના ગઢના પા’ણકા વહેવા માટે નથી, પણ મારો ધણી આતોભાઈ જે વેળા આ ગઢને તોડવા નીકળશે, તે વેળા એની તોપુંને ઢસડવામાં આ ઢાંઢા ઓળઘોળ કરીશ.” “ચુપ કર, એય...” કરતા જ્યારે બરવાળાના બરકંદાજો પટેલ તરફ ધસ્યા ત્યારે ઘેલાશાએ તેમને વાર્યા: “એને અડશો મા.” પછી ઘેલાશા જોધા પટેલ તરફ ફરી બોલ્યા: એના બોલમાં ટાઢી અગ્નિ હતી: “ઠીક ત્યારે, જોધા પટેલ! હવે તો તમે તમારા ધણીની તોપને ઢસરડી લાવો તે દા’ડે જ વાત. ગઢ તો હવે થોડા જ દિવસમાં તૈયાર થઈ જશે, માટે જરૂર તમારા ધણીને તેડીને આવી પહોંચજો.” માણસો તરફ ફરીને ઘેલાશાએ કહ્યું: “પટેલ રોંચો છે. દાઠાશકનો છે. આપણા ગઢના મંગળ મુરતમાં જ આવી કાળવાણી ઠીક નહિ. જવા દો એને. એની ખબર તો પછી લેવાશે.”

[૨]

આજુબાજુના મુલકમાં ઝમરાળાના જોધા પટેલની આ ઘટના ચોરે ને ચૌટે, ઘરે ને બજારે ચર્ચાવા લાગી. બીકથી દબાયેલા કાયરોએ કહ્યું કે આ ફક્ત જીભનું થૂંક ઉડાડેલ છે. જોધા પટેલનો રુઆબ ઘેલાશા ટાણું આવ્યે ખંખેરી નાખશે. ઝમરાળા ગામનો દાયરો જોધા પટેલ ઉપર માછલાં ધોવા લાગ્યો કે ‘તેં તારી અવળચંડી વાચાથી અમારા આખા ગામનું નિકંદન નીકળવાના ગણેશ બેસાર્યા’. ઘેલોશા ત્રાટક્યો કે ત્રાટકશે એવા ડરથી ફફડતી આખી વસ્તી ગામમાં ને સીમમાં સ્થિર હૈયે કામ કરી નહોતી શકતી. પનિહારીઓ ફાળભરી હરણીઓની પેઠે પાદરનાં નવાણો ઉપર પાણી ખેંચતી હતી. ઘણાએ સલાહ આપી કે પાછા બરવાળે જઈને દાજીની ક્ષમા માગો. પગે પાઘડી ઉતારો. નહિતર ગામ બધાના બૂરા હવાલ છે. “ભલે ત્યારે, તમે કહો છો તો પછી મારી ભૂલ કબૂલ કરીને હું બરવાળે જાઉં. ને ઘેલાશાને એ જ ગાડું તથા એ જ ગોધલાનું નજરાણું કરી આવું.” એ જ ગોધલા જોતરીને રૂપા મઢેલે ગાડે પટેલે ઝમરાળા છોડ્યું. બે-ચાર દિવસો થયા તોય પટેલ પાછા ન વળ્યા ત્યારે ગામલોકોએ તપાસ ચલાવી. ખબર મળ્યા કે બરવાળામાં જોધો પટેલ આવ્યા જ નથી. પંદરેક દિવસે પત્તો મળ્યો કે પટેલ તો ભાવનગરની બજારમાં આંટા મારી રહેલ છે. “મરે રે મરે અભાગિયો!” ઝમરાળાના લોકોએ શાપ ઉચ્ચાર્યા: “ડરપોક ભાગીને ભાવનગરમાં જઈ ભરાઈ બેઠો. આપણને સહુને ઉઘાડા કરીને પોતે પોતાની બોડ ગોતી લીધી. આખરે તો કણબો ખરો ને?” એમ એક મહિનો, બે મહિના, ત્રણ-ચાર ને છ મહિના ગુજર્યા. સાતમા મહિનાના એક ભળકડે ઝમરાળાની વસ્તી ઝબકી જાગી. તોપોના અવાજ સાંભળ્યા. પ્રથમ તો નાસભાગ થઈ રહી. પછી ગમ પડી કે આ તોપોની ગર્જના તો અહીં નહિ પણ બરવાળાને પાદરથી સંભળાય છે. વાત સાચી હતી. બરવાળાના ગઢથી માલપરા ગામ તરફ પડાવ નાખીને ભાવનગર ઠાકોર આતાભાઈનું લશ્કર પડ્યું હતું. લશ્કરની મોખરે જે તોપ પડી હતી, તે તોપના રેંકડાને પડખે પોતાના ગોધલા બળદોની જોડી લઈને ખુદ જોધો પટેલ જ ઊભો હતો. છેક ભાવનગરથી એ તોપનો રેંકડો જોધા પટેલના જ બળદોએ ખેંચી આણ્યો હતો. ગઢના બંધ દરવાજાની અંદરથી ઘેલાશા વષ્ટિ ચલાવતા હતા કે અમારે ને ભાવનગરને શાં વેર છે તે ફોજ ઉતારવી પડી? ઠાકોરે જવાબ કહેવરાવ્યો કે “મારી વસ્તી પાસે તમે વેઠ માગી. માગી તો માગી, પણ આવી હીણપ દેનારી વેઠ! રસ્તે ચાલનારની પાસે પા’ણા વહેવરાવ્યા તમે, અને છેવટે મારા પટેલની જોડે તમે મને કહેણ મોકલ્યું.” “ઠાકોર, તમારા પટેલે જ એ બોલ ઉચ્ચાર્યા’તા.” “તો એ હિસાબેય મારે આવવું જોઈએ. મારા પટેલે બોલ કાઢ્યા, તે તો મારો એને સો ટકા ભરોસો હતો તેને લીધે જ ને!” ઘેલાશા ચતુર વણિક હતા. સમજી ગયા કે આતાભાઈ બરવાળાના ગઢને ભાવનગરની છાતી ઉપર ચણાયેલો સમજીને જ મને ચેતવવા આવેલ છે. ઉપરાંત આતોભાઈ પોતાની વસ્તીનું હૈયું કેમ પોરસાવવું તે જાણે છે. ઠાકોરને પુછાવ્યું કે ખરી ઇચ્છા શી છે? “મારા પટેલના વેણ ઉપર થોડોક ગઢ તો પાડીને જ પાછો વળીશ.” પછી તો સામસામી તોપો ગુંજી. પણ ઝાઝી લડાઈ તો કરવાની નહોતી. માલપરા તરફની ગઢની રાંગનો થોડોક ભાગ પાડીને આતોભાઈ ભાવનગર તરફ વળી ગયા. પડેલો ભાગ ઘેલાશાએ સમરાવ્યો પણ અસલના જેવી મજબૂતી ન આવી. ગાડું અને ગોધલાની ઠાકોર આતાભાઈને ભેટ ધરીને જોધો પટેલ ઝમરાળે આવ્યો.

અન્ય નવલિકાઓ
લેખકના સાત નવલિકા-સંગ્રહો ઉપરાંત બીજાં પુસ્તકોમાં પણ વાર્તાશિલ્પના નમૂનાઓ વેરાયેલા જોવા મળશે. એ પૈકીના થોડા અહીં મૂક્યા છે.
‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી