મોટીબા/બાર
થોડા દિવસ પછીયે મોટીબાની ઘર બદલવાની જીદ ચાલુ રહી. છેવટે ઘર બદલ્યું. નવું જ બનેલું ઘર હતું ને અમે જ સૌપ્રથમ ભાડવાત. સાવ નવા ઘરમાં ભાડે રહેવા જવાનું થાય તો મોટી મુશ્કેલી ઠેકઠેકાણે ખૂંટીઓ ને ખીલીઓ લગાવવાની. અગાઉ પણ કોઈ રહેતું હોય તો એમાં ‘વ્યવસ્થા’ બધી હોય. કપડાં સૂકવવા માટે દોરી બાંધવા માટેનીય ખીલી તમને મળી રહે. સાંજે ઑફિસેથી આવીને જોઉં છું તો શર્ટ-પૅન્ટ ટીંગાડવા માટે દીવાલ પર ઍલ્યુમિનિયમની પટ્ટી! કપડાં સૂકવવાની દોરી તૈયાર! સામાન બધોય વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલો! થયું, મોટીબા આજે બપોરે જરાય આડાં નથી પડ્યાં. મેં કહેલું, ‘એકાદ લાઇનમૅન આવશે ને આ બધું કામ કરી આપશે. એની પાસે પક્કડ-પંચ વગેરે બધાં સાધનોય હશે.’ પણ બીજા પર આધાર રાખે તો મોટીબા શાનાં? ત્યાં તો મોટીબાના હાથ પર નજર પડી તો હથેળી પર પાટો! પાટો એટલે વીંટેલો ગાભો. મેં ઇશારાથી પૂછ્યું, ‘આ શું વાગ્યું?’ ‘બાથરૂમમોં ચૂંક બેહાડવા જત જરી વાગી ગ્યું. ચપટી ભરીનં હળદર દાબી તે લોહી બંધ થઈ ગયું. ખાસ વાગ્યું તો નથી પણ આ તો ચૂંક કાટવાળી હતી તે ધનુરનું ઇંજેક્શન મુકાવું પડશે.’ પડોશમાં પૂછી જોયું કે આટલામાં કોઈ ડૉક્ટર છે? પછી એની પાસે જઈ ઇંજેક્શન મુકાવ્યું ને ડ્રેસિંગ કરાવ્યું. ‘જિંદગીમોં આજ બીજી વાર ઇંજેક્શન લીધું. પૅલી વાર આ ઓંખે મોતિયો ઉતરાયો તાર લીધું'તું.’ ફરી ડ્રેસિંગ માટે જવાની મોટીબાએ ના પાડી. ‘અવઅ્ તો ઘા હૂકઈ ગ્યો સ. અવ ડ્રેસિંગની જરૂર નથી. આ તો ધનુરનું ઇંજેક્શન લેવું પડઅ્. તમોં હું દવાખોંનાનું પખાતિયું ચડી.’ ડેસિંગ કરવામાં મોટીબા એક્સપર્ટ. અમે ત્રણેય ભાઈઓ (હું, જયેશ અને અક્ષય) નાના હતા ને કંઈક વગાડી લાવતાં તો મોટીબા જ ડ્રેસિંગ કરતાં. માએ જો પાટો બાંધ્યો હોય તો બે-ચાર મિનિટમાં જ ઢીલો થઈ જાય. ક્યાંક દુઃખશે એની બીકે માનો જીવ ચાલતો નહિ કઠણ પાટો બાંધતાં. પાછું વાગે એવી જગ્યાએ કે પાટો રહે નહિ. ઘણુંખરું તો ઢીંચણ છોલાતા. ખૂબ વધારે વાગ્યું હોય, ગણકાર્યું ન હોય ને છેવટે પાક્યું હોય ને દવાખાને જઈને ડ્રેસિંગ કરાવ્યું હોય તોય થોડા ટાઇમ પછી પાટો ઢીલો થઈ જ જાય ને ઊતરી પડે છેક નીચે. ને જાણે પગમાં કડું પહેર્યું હોય એમ લટકી રહે. પછી મોટીબા ફરી પાટો બાંધી દેતાં. એમણે બાંધેલો પાટો સૌથી વધુ ટકતો. ગરમ પાણીમાં ચીંથરું બોળી ઘા સરસ રીતે સાફ કરતાં, દબાવીને પરુ કાઢી નાખતાં તે પછી દાક્તરે આપેલો મલમ કે ટ્યૂબ લગાવી, ઉપર રૂ મૂકીને સખત પાટો બાંધતાં. ઉનાળે ગૂમડાં થતાં તો એનો ઉપચાર પણ મોટીબા જ કરતાં. નામ તો અત્યારે યાદ નથી આવતું પણ સોપારી જેવડું કશુંક ઘસીને પછી ગૂમડા પર લગાવતાં. સાવ નાના હતા ત્યારે શિયાળામાં નાહતી વખતે આ... પાણી રેડીને ઝટ ઝટ ઊભા થઈ જતા ને સરખા કોરાય થયા વિના ફટાફટ કપડાં પહેરી લેતાં ને રમવાનું તો ધૂળમાં જ હોય તે પગે પંજામાં ને પિંડીઓ પાછળ મેલ જામતો. તે રજાના દિવસે વાસણ-બાસણ મંજાઈ જાય એ પછી ગરમ પાણી મુકાતું ને પછી મોટીબા અમનેય માંજતાં. રાખ કે નારિયેળનું છોતું તો નહોતાં વાપરતાં પણ પગે મેલ ઉખાડવા સાબુ ઉપરાંત નળિયાનું ઠીકરુંય ઘસતાં. શિયાળો ન હોય તોયે, આમ પણ મોટીબા ચણાનો લોટ ઘસી ઘસીને અવારનવાર નવડાવતાં. મા પણ ઘણી વાર આમ નવડાવતી. પણ મા નવડાવે ત્યારે શરીર મંજાતું નહિ. મા હળવા હાથે ચણાનો લોટ લગાવતી કે ક્યારેક, ઠીકરું તો સાવ હળવા હાથે ઘસતી. મોટીબા નવડાવે ત્યારે ચામડીનો રંગ પણ સાધારણ રતાશ પડતો થતો ને ઠીકરું જ્યાં વધારે ઘસ્યું હોય ત્યાં તો જરી લાહ્ય પણ બળતી. ‘જો આજ મીં નવડાયો તે બટકો કેવો ઊઘડ્યો સ!’ પછી કહે, ‘તારી માનો હાથ તો હાવ ફોરો. ઈંના હાથે વાહણેય થવોં જોઈઅ એટલોં ઊજળોં નોં થાય. એ કપડોં ધૂવઅ્ તો હાબુ વધાર ઘહી નખ.’ તે સમયનું, શિયાળાનું બીજું સ્મરણ પણ સાંભરે છે. રાતડી કૂતરીને ગલૂડિયાં આવ્યાં હોય. તે ગલૂડિયાં ને ટાબરિયાં શેરીને ધબકતી કરી દે. મોટીબા રાતડીનું એ દિવસોમાં ખૂબ ધ્યાન રાખે. રાતડીને ખવડાવે ત્યારે હાથમાં લાકડીય રાખે. રાતડીના ભાગનું ડાઘિયો ઝૂંટવી ન ખાય એથી. ને અમનેય વારે વારે કહે, ‘બીજોં છોકરોં ભલઅ્ ગલૂડિયોંનં ખોળોમોં લઈનં રમાડ. આપડઅ્ ગલૂડિયોંનં કદી હાથ નીં લગાડવાનો. નકર આપણનં ખસ થાય.’ ખસ-બસ તો ઠીક પણ મને કૂતરાં-ગલૂડિયાંની સૂગ તે હું હમેશાં ખાસ્સો દૂર રહી જોયા કરું. કેટલાંક ટેણકાં વાતો કરે કે આ ગલૂડિયું કૂતરો સ નં આ કૂતરી. બીજાં ટેણકાંઓને કઈ રીતે આ વાતની ખબર પડે છે એ મારા ભેજામાં ન ઊતરે. હું પૂછું તો એ ટેણકાં પાછાં સરખો જવાબ ન દે. કહે, ‘એ માટ તો ગલૂડિયાંનં ખોળામોં લઈનં રમાડવોં પડ.’ ને એકબીજા સામે જોઈ હસે. ગલૂડિયાં રમાડવાની બાબતમાં હું જાણે નાત બહાર. પણ થોડા જ દિવસોમાં મેં એ બાબત શોધ કરી— ‘જે ગલૂડિયું બેહીનં પીપી કર એ કૂતરી નં નેંનો તીજો ટૉંટિયો ઊંચો કરીનં મૂતરઅ્ એ કૂતરો.’ એ વખતે સવારે કચરો-પોતાં ને કપડાં ધોવાનું કામ મા કરતી ને મોટીબા સવારની રસોઈ. વાસણ ધોવા સાસુ-વહુ સાથે બેસે. રાખ વડે નારિયેળનાં છોતાંથી વાસણ ઘસવાનું કામ મોટીબાનું ને પછી પાણીથી ધોવાનું કામ માનું. એ પછી ગાભા વડે ઘસીને કોરાં કર્યા પછી જ વાસણો ગોઠવવાનાં. કોક વાર, લગભગ સુકાઈ ગયેલાં વાસણ પણ જો ગાભાથી કોરાં કર્યાં વગર ગોઠવ્યાં તો તો માનું આવી જ બન્યું સમજો. મોટીબા બપોરે જરીક આરામ કરી લે. પછી ઊઠીને, ચા પીને વળી પાછાં કામે લાગે. સતત કામ, કામ ને કામ. કશુંય કામ ના હોય તોયે મોટીબા ગમે તે કામ ઉકેલે. જેમ કે, ઓશીકાં ખોલી નાખે ને રૂ તપાવવા તડકે મૂકે, પછી જાતે રૂ થોડુંઘણું પીંજી, ભરી ઓશીકું નવુંનક્કોર કરી દે. સાવ બેસી ગયેલું ઓશીકું ફરી જાણે તાજુંમાજું થાય. ગાભાના ને ઊતરેલા કપડાંના પોટકામાંથી કાપડના સારા સારા ટુકડા કાઢી, સરસ મજાનું કવર જાતે બનાવે. ગાભાની ગોદડીઓય જાતે બનાવે. અમે, સાવ નાના હતા ત્યારે મોટીબા ટચૂકડી ગોદડીઓ બનાવતાં ને જેમ મોટા થતા જઈએ તેમ તેમ, નવી, જરી મોટી સાઇઝની ગોદડી બનાવે. રાત્રે પથારીમાં, મીણિયા ઉપર ચાદર ને ચાદર ઉપર નાની ગોદડી પાથરીને અમને સુવાડે. સૂતી વખતે ગીત કે વારતા અથવા બંને. નાનાં નાનાં ઓઢવાનાંય તેઓ જાતે બનાવે. જૂના કામળામાંથી સારો સારો ભાગ કાપી, સાંધી, ચારેય બાજુઓ ઓટી દે. જૂની રેશમી સાડીમાંથી ચારે બાજુ બૉર્ડર પણ કરે. કોઈ કામળો અમારી નાજુક ચામડીને કરડે એવો હોય તો જૂના સાડલાનું એના માપનું કવર પણ બનાવી દે. એમનાં આવાં બધાં કામનો કોઈ અંત જ નહિ. ચશ્માં ચઢાવે, સોયમાં દોરો પરોવે, બાજુમાં ગાભાનું ને જૂનાં કપડાંનું પોટકું હોય. ને પછી એમનું કામ ચાલે, ખંતથી, ચીવટથી, અખૂટ ધીરજથી. બધાં જ કામ હૃદય રેડીને કરે. કામની શરૂઆતમાં, પાસપાસે જેવા ઝીણા ઝીણા ટાંકા લીધા હોય એવા જ સુંદર ટાંકા શરૂથી તે અંત સુધી કોઈ છંદોલયની જેમ વહેતા હોય. ટાંકાઓની ઊભી અને આડી રેખાઓ બરાબર સમાંતરે દોડતી હોય. જેથી એકસરખા નાના નાના ચોરસ રચાયા હોય. વળી રંગબેરંગી કાપડના ટુકડાઓની પસંદગીમાંય ચોક્કસ કલાસૂઝ દેખાય. માત્ર રંગની જ પસંદગી નહિ, પોત પણ કેવુંક છે, બીજા ટુકડાઓના પોત સાથે કેટલું હળશે-ભળશે એનો ખ્યાલ રાખે. આવી, સરસ મઝાની નાનકડી રંગબેરંગી ગોદડીને જો દીવાલ પર ચાકળાની જેમ ટીંગાડી હોય તો દીવાલ શોભી ઊઠે. પણ આવી કલાસૂઝથી ને આટલાં જતનથી બનાવેલી, એક શો-પીસ જેવી ગોદડીનો ઉપયોગ?—
સવારે અગાસીની પાળી પર આવી ગોદડી સુકાતી હોય. ધોયા અગાઉ તો એની ડિઝાઇનમાં મૂતરના ક્ષારનાં ધાબાંનીય ભાત ઉમેરાઈ હોય. ને એની વાસ તો કદાચ હજીય મોટીબાનાં નાકમાં કે ફેફસાંમાં ચોંટી રહી હશે!