યજ્ઞેશ દવેનાં કાવ્યો/પૃથ્વી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૃથ્વી

વરસોનાં વરસ,
વરસતાં વરસ,
વરસતો બરફ.
બરફ, બરફ, બરફ.
ખરખર ખરતો શીત સ્ફુલ્લિંગ જેવો,
ફર ફર વરસતો ફૂલ જેવો,
ચૂપચાપ વરસતો
સૂમસામ વરસતો;
જમીન પર ઘાસ પર વૃક્ષો પર
ડઠ્ઠર પથ્થર જેવો જામતો નીંભર
બરફ
બધે
બરફ બરફ બરફ.

ભીતર ગુફાના ભભકતા અગ્નિમાં
ચીરાતાં લાલ માંસ
ચળકતા સફેદ દાંતો
હાડકાનો ગરમ માવો
રૂંછાદાર ચામડીનો ગરમાવો.
નરમ ઉષ્ણ ચામડીની નગ્નતા
એ નગ્નતાની હૂંફમાં
લપાતો હું
લપાતું મારું બાળક
ને અંતે
અગ્નિ માંસ ને માદાની હૂંફને તજી
ગુફામાંથી નીકળી બહાર
હાથનું નેજવું ધરી
જોઈ હતી પૃથ્વી પરની
સફેદ બરફની અફાટ ચાદરને
હળવે હળવે પીગળતી પીગળતી રેલાતી.
ખળખળતાં જળ તોડ્યું હતું
પૃથ્વીનું પ્રલંબ મૌન

જોયું હતું દબાયેલા ઘાસને માથું ઊંચું કરતાં,
પક્ષીઓને થીજેલી પાંખ ખંખેરતાં,
ઉપર નભ નીલામ્બર
નીચે હરિતામ્બરા પૃથ્વી.
મનમાં ને મનમાં જાણે
હું એક મેદાન મારી ગયો હતો.

ઠરતા લાવાએ
પીગળતા બરફે
ગાયોની વાંભે,
સેકાતાં માંસે,
આંગણામાં ડોલતાં કણસલાએ,
ચાલતાં ચક્રોએ
ઘડ્યાં છે મારાં હાડ
ઘડ્યો છે મારો પંડ.
દરિયો ડહોળી, ખંડો ખૂંદી,
કોઈ શોધે અમેરિકા,
કોઈ લાંગરે ઇંડિયા,
કોઈ આથડે પોલીનેશિયામાં,
નો કોઈ ખાબકે અજ્ઞાત અંધારી ખાડીઓમાં.
કોઈ ઠેકી જાય અખાતને
ગીચ દુર્ગમ જંગલોમાં કોઈ શોધે
એમેઝોનનું મૂળ,
કોઈ શોધવા નીકળે પોતાનું કુળ,
તો કોઈ શોધે સૂર્યમાળાનો દસમો ગ્રહ
પણ ‘જામાતા દશમો ગ્રહ’...

આ મનુપુત્ર
ભર્યું ભાણે ભરપૂર ભોગવે તને.
અમે વસુઓ મહીપતિ
ધીરજ ધર તું ધરિત્રી,
મળી છે તું અમને પટેથી.
– યાવત્ ચન્દ્રદિવાકરૌ’
તને નથ પહેરાવી નાથી છે,
તને જોતરી છે ખોતરી છે
ખેડી છે ખૂંદી છે ગૂંદી છે તને.

પહેલાં તો ખોળામાં સમાઈ જતું શિશુ,
મારા એક આશ્લેષમાં
પ્રાકૃત પ્રિયા મારા પાશમાં.
આજે આ લંબાયેલા હાથે
બાથ ભરું છું.
સાતે ય સમુદ્રોને
નવેય ખંડોને
દશેય દિશાઓને
ઈશ્વરમાં તરતાં કોટાનકોટિ વિશ્વોને
તો ય કેમ ફંફોસ્યા કરું છું આકાશને?
બધુંય છે હાથવેંતમાં
આ પૃથ્વી તો ‘હસ્તામલકવત્’
તો ય કેમ કશું નથી આવતું હાથમાં?
તો ય કેમ કશું નથી રહેતું હાથમાં?
કોણ બરાડી બરાડીને આરડે છે અહીં
‘દ્યૌ શાંતિઃ પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ’ઃ
જમીન પર ઝૂકીને કાન માંડું
ને સંભળાય આર્જવભર્યો અવાજ
‘ચન્દ્રની ધૂલિનું તિલક ભાલે’
ને વ્હાલે વિસારી શું મને જ?
ગગન ગોરંભતો
ગ્રહેગ્રહે ઘૂમતો
પરકિયા પ્રેમમાં પ્રમત્ત મોજમાં મસ્ત
વડછડે છોડે તરછોડે મને જ!

બહુ બહુ જોઈ રાહ
કે વરાહ!
દંતશૂળથી ઉગારો
આ આકાશથી પાતાળ જતી પૃથ્વીને
કોઈ આજ ખંડખંડને જોડી
શોધો આખી પૃથ્વી!
આખી પૃથ્વી
આખેઆખી પૃથ્વી
હા, ભૂગોળના પીરિયડમાં માસ્તર
લાવતો’તો ભોળો.
પતરાનો જે ગોળો
તે તો એ ગોબાયેલું ડબલું બની
આમતેમ ઠેબાય
પાબ્લો એડમંડ સવલી જીવલીના પગ નીચે.
બે બિલાડીઓની રમતમાં
ગાભાની દડીની જેમ વીંખાય
લીરે લીરે પીંખાય.
પૃથ્વી!
ઝાળઝાળ વેદના હતી.
રોમરોમ ભભૂકતો રોષ હતો,
અગ્નિગર્ભા
જ્વાલામુખે અગ્નિ ફુત્કારતી રહી તું.
અનરાધાર વરસાદમાં લથબથ પલળી હતી
હિમયુગોની શાશ્વત શીત રાત્રિઓમાં થરથર ધ્રૂજી હતી,
મહાકાય ડીનોસોરના દેહભારથી જંતુની જેમ ચપાઈ હતી
થાકીને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગઈ છે તું
દુરાત્માઓના વંશોથી
તું સત્ત્વનષ્ટ
મનુભ્રષ્ટ
પણ બે પડ વચ્ચે તે સાચવી રાખે છે
કાળે પાડી સળ,
છાતીસરસું છુપાવી રાખે છે તું જળ
ખંડેરોની પથ્થર છાતી પર પાથરે તું
મખમલપોચી લીલ
જેમાં ઘાસ ઉતારે તેનાં નાજુક કૂમળાં મૂળ
પછી હવે શું રહેશે કશું કશું કે ધૂળ?
રહેશે હતું કશું – ની અફવા રહેશે
રહેશે આમતેમ આથડતા પવનો
રહેશે આમતેમ અફળાતા સમુદ્રો
રહેશે પર્વતોની નિર્જન ગરિમા

તગતગ તાકતી રહેશે જેને
માત્ર સૂર્યચંદ્રની ડરાંડરાં આંખ
રજનું ગજ કરી
રજ ચકરાતી ચકરાતી ચકરરાતી રહેશે રજરજમાં
પછી દટાઈ જઈશું આપણે
સાથે દાટી જઈશું તામ્રપત્રો તારીખો, તવારીખો,
ધરબી ભંડારી દઈશું કોઈ કાળસંદૂક,
અડાયા છાણાની જેમ ધૂંધવાતી રહેશે પૃથ્વી
પૃથ્વીની આંખે વળશે ઝાંખ
આંખે વળશે રાખ,
પછી કયા ગ્રહના માનવો
વાંચશે પૃથ્વીની પ્રાક્તન લિપિ.
પવન, પર્જન્ય ને પ્રકાશની
વિલસે જે અનેકવિધ લીલાઓ
તે ઝિલાશે ક્યાંય?
દિશા ભૂલ્યું છે
ખોરંભે ખરાબે ચડ્યું છે,
આ ડામાડોળ વહાણ
લીરેલીરા ફાટયા છે શઢ
કડડ દઈ તૂટ્યો છે કૂવાથંભ
તૂતક છૉળછૉળ
ફસડાયા છે પાટિયાં
ખાળ્યાં ખળાતાં નથી આ પૂર
કાંઠો છે દૂર
ધીમે ધીમે ડૂબે છે આ વહાણ
લોઢલોઢ ઉછાળા
અને ખારી થપાટો વચ્ચે
ડૂબી જઈશું આપણે
તરતો મૂકી લીલા કાચના શીશામાં સંદેશ
મળે જે દૂર દૂરના નાવિકને તેમ?
ધીમે ધીમે વધતું જાય છે તાણ
ધીમે ધીમે ગરકે છે આ વહાણ
કોઈ નોહાએ બાંધ્યું નથી આ વહાણ.
હમણાં તળિયે ગારદ નદારદ આ વહાણ
વાંસ ઘાસ
કીડીથી કુંજર લગ ડૂબશે,
બડબડ બૂડશે,
ને માણસ તો
પૃથ્વીના સ્વિંગબોર્ડમાંથી જંપ મારી
નહાવા પડ્યો હશે
અવકાશના સ્વીમિંગપુલમાં!
કોપરનીસ, ગેલિલિયો ભલેભલે લવે
ભલે ફંગોળે હડસેલે તને વિશ્વના કેન્દ્રની બહાર
પણ તું જ છે અમારું વિશ્વ.
તારી પ્રદક્ષિણા ફરે છે
સોમ ને વ્યોમ
પૃથ્વી!
જોઈ છે તને તારા ધ્રુવો પર
હિમયુગોની સ્મૃતિને સંઘરી બેઠેલી
અનિશ્ચલ શોકાર્ત વિષાદ - વસ્ત્રાવૃતા
જોગણની જેમ પડી છે કર્બુર પીંગળ વર્ણધારી.
ઉષર ભૂખર રેતરણોમાં
પણ તારી નાભિમધ્યે તું ઉર્વરા.
રહ્યું છે તને જળનું ઓધાન.
અડાબીડ જંગલમા કોળ્યો છે તારો દેહ,
ગંધવતી નારીની જેમ મ્હોર્યો છે ફોર્યો છે તારો દેહ.
માત્ર તેત્રીસ વરસોથી નહીં
પણ લક્ષલક્ષ વરસોથી
મત્સ્ય મંડૂક,
કચ્છપ વરાહ,
નર વાનર કિન્નર થઈ
ફરતો રહ્યો છું પૃથ્વીપટે.
અયુત વરસોથી ભમતો રહ્યો છું તારી
રોમરાજી વનરાજીમાં
વિહરતો રહ્યો છું તારાં મેદાનોમાં,
ગરક થયો છું તારી ગુફાઓમાં ગહવરોમાં,
ખોવાઈ ગયો છું તારી ખીણોમાં,
વહેતો રહ્યો છું તારા નદ નદી નિઝરમાં
તો વળી
લાંગર્યો છું કોઈ લગુનમાં

નક્ષત્રનાં ભ્રમણો,
બદલાતાં નદીના વહેણો
નારંગી ઉત્ફુલ્લ પ્રભાતો, રૂપેરી નભઝુમ્મરો
ઉદાસ ઘેરી સંધ્યાઓ, રેલાતી ચંદન ચાંદનીઓ
દારુણ ઘોર રાત્રિઓ, ભયાવહ ધૂમકેતુઓ
પૃથ્વીગર્ભા ધાતુઓ
આગ ઓકતા જ્વાળામુખીઓ, પ્રમત્ત પવનો
પ્રતાપી પર્વતો, કરાલ કાંઠા કરાડો
ધોધો જલપ્રપાતો
લેપાતી લોપાતી દિશાઓ
ખૂલતા ખંડો, ઓટના દરિયાઓ
ચિંઘાડતા હાથીઓ
ચૂપચાપ ચાલતાં નીલગાયોનાં ટોળાં
જંગલને ચીરતી વાનરીની ચીસો
સૂનકારને પડઘાવતાં બિહામણાં તમરાંઓ
જંતુની જેમ મરી જતાં કુળો,
સળી જતાં સામ્રાજ્યો
દળકટક લઈ ચડી આવતાં ઘડીવારમાં
પડી જતાં લાવલશ્કરો
મહાકાલની આ વિવર્તલીલાને
મેં જોયા કરી છે આદિમ આશ્ચર્યથી.

ધમણની જેમ હાંફ્યા કરતી
રાજ્યોની સીમા બહાર
જોયું છે મેં અસીમને.
ભૂમિ પર રહ્યાં રહ્યાં જ
પામ્યો છું ભૂમાનો સ્વાદ

પૃથ્વી!
તારા ગ્રહથી જ હું છું ગૃહસ્થ
અહીં જ ઝૂમે છે ડમરો ને ગુલબાસ,
અહીં હતો મારા પૂર્વજોનો વાસ,
અહીં જ લીધો છે મારા પુત્રે શ્વાસ.
પૃથ્વી!
જોઈ છે તને
ચન્દ્ર પરથી નીલઆકાંક્ષા થઈ ઊગતી
પણ કોઈની આંખમાં આથમતી
જોયું જગત
માઇક્રોસ્કોપની આંખે
ટેલીસ્કોપની પાંખે
પણ જોયું ન જોયું ઉઘાડી આંખે
આ બારી બહાર.

અનેક પૃથ્વીઓ મરી છે પૃથ્વી પર
અનેક પૃથ્વીઓ ફરી છે આ પૃથ્વી પર
પૃથ્વીની ધરી બહાર
પોતાની જ ધરી ફરતી.

જેટલું જીવ્યો છું હું પૃથ્વી પર
તેટલું, પૃથ્વી! તું જીવી છે મારામાં!
પોતાના બે પગ પર ઊભા રહેવાની
મારી ઉદ્દંડ ઇચ્છાને તેં પોષી છે જીવનભર
ને અંતે
શેષ આશ્લેષમાં લીધો છે નિઃશેષ.

માત્ર સીતાને નહીં
બધાંને જગ્યા કરી આપે છે તું
જીવતાં ને પછી મરતાં.