યાત્રા/અહો ગગનચારિ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અહો ગગનચારિ!

અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.

ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.

મહા ઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.

અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.

જુલાઈ, ૧૯૪૦