યાત્રા/શિખરો પરથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શિખરો પરથી

અહો, અહીં ઉન્નત અદ્રીશીર્ષે,
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા;
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે
પ્રફુલ્લતું ચક્ષુ દિક્કાલમુક્ત;
સમસ્ત પૃથ્વીતલ હ્યાં હથેલી શું.

શમી જતા સર્વ અહીં સુદૂરના
ઉન્મત્ત કોલાહલ આર્ત રુગ્ણ,
ને સિંધુ એ જીવનનો બની રહે
પ્રશાન્તિનું કો દ્યુતિદીપ્ત પલ્વલ.

વિરામતું ચિત્ત અહીં વિલોકે
સમસ્ત એ ભૂતલ-મર્મરાટ,
અસૃષ્ટ આ ઊર્ધ્વ અદેહ જ્યાં જઈ
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ.

અહો, અહીં સ્પર્શી જતી અનંતની
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા,
અનાગતોની અનિબદ્ધ અંકના
આ વ્યોમને નીલ પટે થતી છતી.

અહીં રહ્યું ચિત્ત કૂટસ્થ શાન્ત
પ્રતીક્ષતું મૂક સુસજજ બીન શું,
આકાશશાયી મરુતોની નવ્ય
કો રાગિણીનો અવતાર રમ્ય,
સંક્રામવા ભૂતલનાં તલોમાં.


ઑક્ટોબર, ૧૯૪૪