યુગવંદના/છેલ્લી પ્રાર્થના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
છેલ્લી પ્રાર્થના

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ:
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!
અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!
પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?
જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!
ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી – આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!
તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.


૧૯૩૦

‘સૌરાષ્ટ્ર’ના તા. ૩-૫-૧૯૩૦ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલ: શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું... ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાનગી હોય તો ગાઉં’. કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીની છાતીના બંધ આજે તૂટી ગયા હતા આર્તસ્વરે એમણે પ્રાર્થના ગાઈ: હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ, મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ: સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ! ... જેમજેમ પ્રાર્થના આગળ ચાલી, તેમતેમ એ માનવમેદની પૈકીની સેંકડો આંખો ભીની થવા માંડી. અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ – ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો, ત્યાં તો સેંકડો ભાઈ-બહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો નીચે છુપાઈ, અને પછી – પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું – એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાયેલાં ને ચોમેર ઓસરીમાં ઊભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનના સ્વરો ગાજવા માંડ્યાં અને છેલ્લે સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા. એ પંક્તિઓ આવી [એ પછી] શ્રી મેઘાણી... પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.