યુગવંદના/યજ્ઞ-ધૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યજ્ઞ-ધૂપ
[ખંડકાવ્ય]

આઘેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય?
કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય?
યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે,
નોતરાં યુદ્ધનાં બારડોલી-ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશભર ઊભરે.
મીઠી સૌરભ ધૂપની દૂર સુદૂર છવાય,
લાખો હૈયાં તુજ પરે હોમાવા હરખાય;
લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા
તોપ બંદૂક તલવાર પર લેટવા,
આજ તુજ યજ્ઞ-ધૂપે સુહાતી હવા
પ્રેરતી લાખને યુદ્ધ-ઘેલા થવા.
લાખ લાખ નયનો રહ્યાં નીરખી અંબરમાંય,
તારા યજ્ઞ-ધૂંવા તણી યુદ્ધ-નિમંત્રક ઝાંય.
નીરખતાં લાખ નયનો ગગન-કાંગરે,
ધૂંધળો ધૂપ ચડતો જગત-નોતરે,
ભડ થજે, ભય નથી, આજ અમરાપરે
દેવ-કુલ યજ્ઞ તવ નીરખવા ઊતરે.
રહેજે મક્કમ મરણ લગ, મોત બિચારું કોણ!
તું મરતે જીવવું ગમે એવો કાયર કોણ!
તું મરંતે હજારો તનય હિન્દના
વિચરવા એ જ પંથે અમર ધામના
સજ્જ ઊભા: તું નિષ્પાપ છે, ડરીશ ના!
યજ્ઞનો ધૂપ પીધા પછી ફરીશ ના!
૧૯૨૮